અંતરની ઓળખ – (૧૪) – સંકલનઃ અનિલ ચાવડા


સાભારઃ (પુસ્તકઃ પ્રેરણાનું ભાથું, લે. મુકુલ કલાર્થી)

મહાત્મા ટૉલ્સ્ટૉય રશિયાના એક મહાન સાહિત્યકાર અને વિચારક થઈ ગયા. તે બહુ મોટા જાગીરદાર પણ હતા.
તેમને એકવાર પોતાની જમીનદારીનો વહીવટ સંભાળવા એક લાયક માણસની જરૂર હતી. એ માટે ઘણા ઉમેદવારો આવ્યા. ટૉલ્સ્ટૉયે એક અજાણ્યા જુવાનને પસંદ કર્યો.
આ વાતની જાણ તેમના એક મિત્રને થતાં તે તરત જ એમને મળવા આવ્યો. તે જરા અકળાઈને બોલ્યો :
‘દોસ્ત, તું પણ ખરો છે! મેં તારી પાસે એ વિશ્વાસપાત્ર માણસને ખાસ મોકલ્યો હતો. તે કંઈ સામાન્ય માણસ નથી. તેની પાસે ઘણાબધા પ્રમાણપત્રો હતા. તે તને સારો કામમાં આવત.
‘પરંતુ તેં એક એવા માણસની પસંદગી કરી છે, જેની પાસે એકેય પ્રમાણપત્ર નથી! આ વાતની મને જાણ થઈ, ત્યારે મને ખૂબ જ નવાઈ લાગી. આવા કામ માટે લાયક માણસ નીમવો જોઈએ કે નહીં? જેવોતેવો માણસ ઘૂસી જાય, તો મુશ્કેલી જ ઊભી થાય.
‘અચ્છા, કહે જોઉં, એ માણસમાં એવો તે કયો ગુણ તેં જોયો, જેથી મારા જેવા તારા ખાસ મિત્રની ભલામણને પણ અવગણીને તેને પસંદ કર્યો?’
ટૉલ્સ્ટૉય મીઠું હસતાં બોલ્યા :
‘અરે મારા દોસ્ત, તેં તો મારો બરોબર ઊધડો લીધો! પણ એટલું યાદ રાખજે, હું કંઈ જેવાતેવા માણસને પસંદ નહીં જ કરું. હું પણ મારી જવાબદારી સમજું છું.
‘હવે મેં એ જુવાનને શા માટે પસંદ કર્યો એ તું જરા શાંતિથી સાંભળ.
‘એની પાસે પણ ઘણાં કીમતી પ્રમાણપત્રો હતાં.
‘એ પ્રમાણપત્રો આ રહ્યાં :
‘તેણે મારા ઓરડામાં દાખલ થતાં પહેલાં મારી પરવાનગી માગી.
‘પછી તેના પગને એણે બાજુમાં પડેલા પગલુછણિયા પર સાફ કર્યા.
‘એનાં કપડાં સામાન્ય હતાં, પરંતુ એટલું તો ખરું કે તે ચોખ્ખાં હતાં.
‘બેસતાં પહેલાં તે ખુરશી સાફ કરીને બેઠો.
‘તેનામાં આત્મવિશ્વાસ હતો.
‘મારા એકેએક સવાલનો તેણે સાચો અને ધીરજપૂર્વક સ્વસ્થતાથી જવાબ આપ્યો.
‘મારા સવાલો પૂરા થયા પછી તેણે મારી પાસે શાંતિથી જવાની રજા માગી. પછી તે ઊઠીને ચાલ્યો ગયો.
‘તેણે કોઈ પણ પ્રકારનું ચિબાવલાપણું બતાવ્યું નહોતું કે કોઈ જાતની ભલામણ રજૂ કરવાની કોશિશ નહોતી કરી.
‘આ બધા ગુણોને કારણે મેં એ જુવાનને પસંદ કર્યો. આ બધાં એવાં કીમતી પ્રમાણપત્રો હતાં જે બહુ થોડા માણસો પાસે જોવા મળે છે. આવા ગુણવાન માણસ પાસે લેખિત પ્રમાણપત્રો ન હોય તોયે કશો વાંધો નહીં.
‘હવે કહે જાઉં, મેં ઉમેદવારની પસંદગી કરવામાં ભૂલ કરી છે કે?’
પેલો મિત્ર ટૉલ્સ્ટૉયની વાત સાંભળીને બોલ્યો :
‘મિત્ર, તેં બરોબર જ કર્યું છે. આવા લાયક માણસને કેમ જતો કરવો? એની પાસે જે પ્રમાણપત્રો હતાં એ ખરેખર કીમતી જ હતાં.’

1 thought on “અંતરની ઓળખ – (૧૪) – સંકલનઃ અનિલ ચાવડા

  1. અંતરની ઓળખ અનિલ ચાવડાએ પુસ્તકઃ પ્રેરણાનું ભાથું, લે. મુકુલ કલાર્થી પસંદે કરવા બદલ
    ધન્યવાદ મહાત્મા ટૉલ્સ્ટૉય ની પ્રેરણાદાયી વાત
    લે.કલાર્થી મુકુલભાઈ ડાહ્યાભાઈ (૨૦-૧-૧૯૨૦, ૧૯-૨-૧૯૮૮) : નિબંધકાર અને ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. એ પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન અને ‘વિનીત જોડણીકોશ’ તેમ જ ‘વિદ્યાપીઠ વાચનમાળા’નું સહસંપાદન મુખ્યત્વે જીવનચરિત્રો અને બોધકકથાઓના આ લેખકે નાનાં મોટાં સો-સવાસો પુસ્તકો લખ્યાં…અમારા બારડોલીના સ્વરાજ આશ્રમનો વિચાર કરીએ તો હજુ તેઓ સાહિત્ય સર્જન કરતા દેખાય.જ્યારે જ્યારે બારડોલી જવાનું થાય
    તો તેમના પત્ની સુ શ્રી નીરંજનાબેન અને મળે તો તેમની દીકરી ડૉ પ્રજ્ઞાને મળવા જઇએ તેઓના સેવાકાર્યો પ્રેરણારુપ છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s