નફિકરો – વાર્તા – જયશ્રી વિનુ મરચંટ


નફિકરોવાર્તાજયશ્રી વિનુ મરચંટ

મારી અને ચંદુની દોસ્તી અમારી શાળાના પ્રથમ દિવસથી શરૂ થઈ હતી. ગામની એક માત્ર અડધી કાચી, અડધી પાકી બંધાયેલી નિશાળના ધૂળધોયા ઓટલા પર, પાંચ વર્ષનો હું, શાળાના માસ્તરની સામે હીબકાં ભરીને રડતો હતો. મારી બા મને માસ્તરને સોંપીને પોતે પણ આંખો લૂછતી લૂછતી પાછી ફરી રહી હતી એ મેં ત્રાંસી આંખે જોઈ લીધું હતું જેને લીધે પણ હું મારું રડવાનું બંધ નહોતો કરી શકતો. શાળામાં એ મારો પ્રથમ દિવસ હતો. ત્યાં ઓટલા પર, મારી પાછળથી મારા એક ભેરુ જેવો અવાજ આવ્યો, “ફઈમા, તું જા. હું નહીં રોઉં.” અને એક ગોરો, ગોળ મોઢાવાળો મારા જેવડો જ છોકરો મારી બાજુમાં, માસ્તરની સામે ઊભો રહી ગયો. એ બિલકુલ મારી લગોલગ ઊભો હતો. પહેલાં માસ્તરે મને મારું નામ પૂછ્યું, મેં ડૂસકાં ભરતા કહ્યું, “રમણીક.” માસ્તરે એમની સામે પડેલા ચોપડામાં કંઈક જોયું અને પછી મને કશું કહેવાને બદલે, પેલા બીજા છોકરા સામે ફર્યા અને કહે, “નામ?”

પેલા છોકરાએ સ્વસ્થ અવાજમાં કહ્યું, “ચંદુ.”

સાહેબ ડરામણા અવાજે બોલ્યા, “આખું નામ બોલતા આવડે છે?”

જવાબમાં પેલો છોકરો મરકીને બોલ્યો, “ચંદ્રકાંત સુખલાલ ગોર.” અને એ છોકરો, માસ્તર આગળ કંઈ કહે તે પહેલાં, મારી તરફ વળીને બોલ્યો, “તું રડે છે?” કોણ જાણે એના એ સવાલમાં એવું તો શું હતું કે હું તરત જ ચૂપ થઈ ગયો. મેં આંસુ લૂછી નાખ્યા અને એની સામે બાઘાની જેમ જોયા કર્યું. એણે મારો હાથ પકડી લીધો અને ચૂપચાપ પાછા વળીને ચાલવા માંડ્યું. હું પણ એની પાછળ પાછળ દોરવાયો. સૌથી પાછળની, અડધી તૂટી ગયેલી બેંચ પરની ધૂળ ઝાટકીને એણે એના માટે અને મારા માટે જગા કરી. હું પણ કશું જ બોલ્યા વિના, મારા ડૂસકાં મારી અંદર જ શમાવીને ત્યાં બેસી ગયો. આ હતી અમારી પહેલી મુલાકાત.

****

અમારી મુલાકાતના પહેલા દિવસથી જ મેં કદી કોઈ જાતની ફિકર કે ચિંતાના સળ ચંદુના મોઢા પર કદી જોયા નહોતા. કદીયે કોઈ વાતને લઈને દુઃખી થવું કે પછી રમતમાં થતી લડાઈ-ઝઘડાઓને લઈને ‘કીટ્ટા-બુચ્ચા’ કરવાનું એના સ્વભાવમાં જ નહોતું. એની પ્રકૃતિ જ બિન્દાસ્ત હતી. અમે ત્યારે પાંચમા ધોરણમાં હતા. અમારી શાળાનું ઈન્સ્પેક્શન કરવા માટે જિલ્લાના મોટા સાહેબ આવવાના હતા. અમારા સરે, અમને સહુને, તે દિવસે, નાહી, ધોઈને, સ્વચ્છ કપડાં પહેરીને, વાળ સરસ રીતે ઓળીને આવવાનું કહ્યું હતું. અમને સહુ છોકરાં ને છોકરીઓને એવી સૂચના પણ આપવામાં આવી હતી કે અમે હાથ-પગના નખ કાપીને આવીએ અને દાંત પણ સરખા ઘસીને ઊજળા કરવાનું કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ અમને જેટલું ભણાવ્યું હતું એ બધું જ બરાબર યાદ રાખાવાનું હતું. અમારા સરે, આગલા દિવસે વિગતવાર અમને સમજાવ્યું કે ઈન્સ્પેક્ટર સાહેબ જે સવાલ પૂછે એના સાચા જવાબ આપવાના, પણ કોઈ એવો સવાલ પૂછે કે જે વિષય પર અમને ભણાવવામાં ન આવ્યું હોય તો કશું ન કહેવું પણ અમારા સરની સામે જોવું જેથી સર અભ્યાસક્રમ વિષે જવાબ આપી શકે. કોઈ પણ સંજોગોમાં ‘અમને એ વિષય પર ભણાવવામાં નથી આવ્યું’ એવું કહેવું નહીં. આ વાત અમને લગભગ ગોખાવી દેવાની હદ સુધી કહેવામાં આવી હતી. બીજે દિવસે તાલુકાના મોટા સાહેબ ઈન્સ્પેક્શન માટે આવ્યા. અમારા ક્લાસમાં આવીને વર્ગની સ્વચ્છતા જોઈ, અમારામાંથી કેટલાકને બોલાવીને હાથ-પગના નખ અને દાંત જોયા. પછી સવાલ-જવાબનો ક્રમ ચાલુ થયો.

સાહેબે ચંદુને સવાલ પૂછ્યો, “તને ભૂગોળ આવડે છે?”

ચંદુએ જરા પણ ગભરાયા વિના જવાબ આપ્યો, “હા, સાહેબ. ભણાવી છે એટલી આવડે છે.”

સાહેબે બીજો સવાલ પૂછ્યો, “દુનિયા ગોળ છે કે સપાટ?”

“ગોળ છે સાહેબ.”

“ગોળ છે તો તું આમ સપાટ જમીન પર કઈ રીતે ઊભો રહી શકે?” મોટા સાહેબે પુછ્યું.

“ગુરુત્વાકર્ષણને લીધે!”

અમારા સરના મોઢા પર કરચલીઓ પડવા માંડી હતી. ઈન્સ્પેક્ટર સાહેબ બોલ્યા, “સરસ. હવે કહે ગુરુત્વાકર્ષણ એટલે શું?”

ચંદુએ સાવ સરળતાથી કહ્યું, “સાહેબ, અમને ગુરુત્વાકર્ષણ વિષે ભણાવવામાં નથી આવ્યું પણ મેં રેડિયો પર “બાળવાડી”ના કાર્યક્રમમાં સાંભળ્યું હતું એટલે મને ખબર છે.” સાહેબે ચંદુને શાબાશી આપતા કહ્યું, “સરસ!” અને તેઓ અમારા વર્ગમાંથી જતા રહ્યાં.

એમના જવા પછી, માસ્તરજીએ ચંદુને પોતાના ટેબલ પાસે બોલાવ્યો અને ધમકાવી નાખ્યો; “તને ના પાડવામાં આવી હતી ને કે જે ભણાવવામાં નથી આવ્યું, તેમાં પોતાનું ડહાપણ નહીં મારવાનું? ગુરુત્વાકર્ષણ વિષે ભણાવવામાં નથી આવ્યું, કેમ એવું બોલ્યો? કાલે ઊઠીને તાલુકામાંથી પૈસા નહીં આવે તો આ બધાં છોકરાંઓનાં ભણતરનું શું થાશે, કંઈ સમજાય છે નઘરોળને?”

ચંદુ જેનું નામ, એ તોયે સાહેબને હસીને બોલ્યો, “મને એ પણ ખબર છે કે ગુરુત્વાકર્ષણ એટલે શું? મેં ‘રમકડું’માં વાંચ્યુ હતું. કહું તમને?”

સાહેબે આંખો લાલ કરીને કહ્યું, “ડહાપણ ડોહળ્યા વિના જા અને બેસ તારી જગાએ!”

મેં ચંદુને કદી પણ કોઈ વાતે મોળો પડતો કે છોભીલો પડતો નહોતો જોયો. મને થયું કે આજે તો હવે એ નક્કી રડી પડશે. સાચો જવાબ આપવા છતાં માસ્તરજીએ એને બધાંની વચ્ચે ધમકાવી નાંખ્યો! હું તો સાચે જ રડી પડત, પણ, ચંદુ જેનું નામ. એ તો ચહેરો હસતો રાખીને આવ્યો અને મારી બાજુમાં એની જગા પર બેસી ગયો અને મને કહે, “રમણીકિયા, તને તો ખબર છે ને, કે કાલથી રામલીલા ગામમાં શરૂ થવાની છે?” હું નવાઈ પામીને એને જોતો જ રહી ગયો! આને તો કોઈ અસર જ નથી થઈ કે સાચો જવાબ આપવા છતાં સર એને આટલું બધું બધાંની વચ્ચે લઢ્યાં! મેં એને પુછ્યું, “સર તને આટલું બધું કહી ગયા, ગુસ્સો કર્યો, નકામો, તોયે તને…” ચંદુ જેનું નામ, જરાયે ભોંઠો પડ્યા સિવાય કહ્યું, ‘તુ ખોટી ચિંતા કરે છે. સાંભળ, રામલીલા રાતના આઠ વાગે ચાલુ થશે ને, હું ..” હજી એ આગળ કંઈ બોલે ત્યાં તો અમારા સરનું ત્યાં ધ્યાન ગયું. એમણે બરાડો પાડ્યો, “એલા ચંદુડા, તારે તો નહીં ભણે ને તો, તારું કંઈ નહીં બગડે, તારા ફુવાનું વૈદું લઈને બેસી જજે. તારે બા-બાપુ તો છે નહીં, પણ આ રમણિકયો તો ભણવામાં હોશિયાર છે, ને એના મા-બાપનો એકનો એક દિકરો છે. એને તો સખણો ભણવા દે! ચાલુ ક્લાસે વાતો બંધ કર!” સરે મારા વખાણ કર્યા એટલે મનોમન હું પોરસાયો અને મેં ચંદુ સામે જોયું. મને ખાતરી જ હતી કે હવે એ સાવ છોભીલો પડી ગયો હશે પણ ચંદુ જેનું નામ..! “ભૂલ થઈ ગઈ સર.” કહીને જાણે અમારા શિક્ષકે કહેલા આટઆટલાં કડવા વેણ એણે સાંભળ્યાં જ નથી! એણે ચોપડી કાઢી અને માથું નીચે મૂકીને બોલ્યો, “હું તને લેવા સાત વાગે તારે ઘેર આવીશ.” એને આમ કંઈ જ બન્યું નથી એમ વર્તન કરતો જોઈને હું થોડોક ખાસિયાણો પડી જતો, કોણ જાણે કેમ! મને થતું, કઈ માટીનો બન્યો હતો ચંદુ!

****

ચંદુ બે કે અઢી વર્ષનો હતો ત્યારે ગામમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો અને એના માતા-પિતા એમાં મૃત્યુ પામ્યાં હતાં. ચંદુને એના ફઈમા અને ફુવાબાપુએ બહુ જ વ્હાલથી મોટો કર્યો હતો. ઈશ્વરે જાણે ચંદુ પર વ્હાલ વરસાવવા જ એમના ઘરે શેર માટીની ખોટ રાખી હતી. અમારા ચારેક હજારની વસ્તીવાળા ગામની આજુબાજુ, બીજાં, ૮૦૦-૧૦૦૦ની વસ્તી ધરાવતાં નાનાં નાં છ-સાત ગામો હતા. એ બધાં જ ગામોમાં ફુવાબાપુનું વૈદું વખણાતું. રોગ કેવોય હઠીલો કેમ ન હોય, ફુવાબાપુના હાથમાં નાડ શું પકડાણી, રોગને ઊભી પૂંછડીએ ભાગવું પડતું. ફુવાબાપુ જ્યારે વનસ્પતિ અને જડીબુટ્ટી એમનાં ખેતરમાં ઊગાડતા અથવા બહાર લેવા જતા ત્યારે ચંદુને સાથે જ રાખતા અને આ બધી દવા સામગ્રી વિષે સમજાવતા રહેતા. ચંદુ પણ આ બધું ધ્યાનથી સાંભળતો અને દવાઓ બનાવવામાં ફુવાબાપુને મદદ પણ કરતો રહેતો. ચંદુ ભણવામાં સૌથી વધુ હોશિયાર હતો. એની યાદશક્તિ પણ ખૂબ જ સતેજ હતી. તેમ છતાંયે, ક્લાસમાં મારો જ પહેલો નંબર આવતો.

હું અને ચંદુ રોજ સાથે લેસન કરતા. અમે હાઈસ્કૂલમાં આવ્યા અને વિષયો પણ અઘરા બનતા ગયા. વિજ્ઞાન, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, અને હાયર મેથ્સના અઘરા કોયડાઓ અને પ્રશ્નો ઉકેલવા ચંદુ માટે ડાબા હાથનો ખેલ રહેતો. મારે એના કરતાં હંમેશાં વધુ મહેનત કરવી પડતી. પણ, અમે જેમ મોટા અને સમજણા થતા ગયા, તેમ મને એક કોયડો કાયમ સતાવતો કે ચંદુનો પહેલો નંબર ક્યારેય કેમ નહોતો આવતો? મારો જ પહેલો નંબર આવતો અને એનો કાયમ બીજો. એસ.એસ.સી.ની બોર્ડ પરીક્ષામાં ચંદુ અમારી શાળામાં છઠ્ઠા ક્રમે આવ્યો. ફઈમા અને ફુવાબાપુ બહુ જ ખુશ હતાં. તેઓએ આખા ગામમાં પેંડા વહેંચ્યા અને કહ્યું કે અમારે માટે તો અમારો ચંદુ જે ભણે, જ્યાં ભણે, એમાં અમારી ખુશી છે.” હું અમારી શાળામાં સહુ પ્રથમ આવ્યો હતો. પહેલા પાંચમાં આવેલા વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે જિલ્લા તાલુકાની ફુલ સ્કોલરશીપ મળી હતી. મને મુંબઈની કોલેજમાં ભણવાની ફુલ સ્કોલરશીપ મળી હતી. અમારી શાળામાં પહેલા આવેલા પાંચ વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો. અમારે પાંચ વિદ્યાર્થીઓએ શાળામાં વહેલા જવાનું હતું.

ચંદુ સમારંભના નિયત સમયે મારા બા, બાપુને લઈને આવી ગયો અને મારી બાજુમાં એ ત્રણેયને બેસાડવામાં આવ્યાં. મોટા સર મારો પરિચય આપતા હતા. મેં થોડાક ગર્વથી બાની સામું જોયું. બાની એક બાજુ હું બેઠો હતો અને બીજી બાજુ ચંદુ. બા ચંદુનો હાથ પકડીને બીજા હાથે પોતાની આંખના આંસુ લૂછતી હતી. મારા મનમાં થોડુંક ખટક્યું પણ મારી સિદ્ધિના કેફનો જુવાળ એ ખટકાને વહાવી ગયો. સમારંભ સાંજના પૂરો થયો અને અમે ઘેર આવ્યા. ચંદુ પણ સાથે જ હતો. ચંદુને માટે મારા ઘરે આવવું અને પરીક્ષા સમયે અભ્યાસ કરવા માટે રહી જવું નવું નહોતું. આમેય ચોથા ધોરણથી જ હું અને ચંદુ રોજ સાથે જ લેસન કરતા. એસ.એસ.સી. ની પરીક્ષા વખતે બા પણ અમને ચા-નાસ્તો આપવા બાજુની ઓરડીમાં જ અડધું જાગતી અને અડધું ઊંઘતી રહેતી. ચંદુ તો પરીક્ષા હોય તોયે દસ વાગે ઘસઘસાટ ઊંઘી જતો. પરીક્ષા ન હોય તો લેસન પતાવ્યા પછી ઘરે જઈને, દસ વાગે સૂઈ જતો! એસ.એસ.સી.ની કસોટી સમયે હું રાતના બે-ત્રણ વાગ્યા સુધી જાગતો અને વાંચતો. આ દરમ્યાન મને કંઈ તકલીફ પડે અને ન સમજાય તો હું ચંદુને ઊઠાડતો કે બા તરત જ ઊઠી જતી. ચંદુ મને સમજાવીને કે મારી મુશ્કેલી દૂર કરીને પાછો ઘસઘસાટ સૂઈ જતો. એના પછી જ બાને ધરપત થતી કે મને મારૂં લેસન પૂરી રીતે સમજાઈ ગયું છે. અને એ ત્યાર બાદ જ સૂવા જતી. આજે મને એવું જ લાગતું હતું કે મારી બાની અને મારી મહેનત ફળી હતી.

સન્માન સમારંભમાંથી આવીને અમે સાંજના જમવા બેઠાં. બાએ લાપસી બનાવી હતી. બાએ લાપસી ચંદુની થાળીમાં મૂકી અને મને એકદમ ઓછું આવી ગયું! હું બોલી ઊઠ્યો, “બા, આજે તારે મને પહેલા પીરસવું જોઈતું હતું.” મારા અવાજમાંનો કચવાટ અભેદ કાચને પણ ચીરી શકે એવો ધારદાર હતો. બાએ આંસુ લૂછ્યાં અને ખૂબ હેતથી ચંદુ સામે જોઈને બોલવા ગઈ કે, “બેટા, આ ચંદુ છે ને…” ચંદુએ વચ્ચે બોલીને બાને આગળ કશું પણ કહેતાં અટકાવી દીધી અને બોલ્યો, “એલા રમણીકિયા, તને બધું જ સમજાવવું પડે? બાની આંખમાં આટલા હર્ષના આંસુ દેખાતા નથી? આંસુ આડે કોની થાળીમાં પીરસ્યું છે એ દેખાયું નહીં હોય! જમ ચૂપચાપ!” અને લાપસીનો કોળિયો મારા મોંમાં મૂકીને હસતા હસતા કહે, “છે ને ફક્કડ? મુંબઈમાં આવી લાપસી ક્યાં મળવાની? ટેસથી જમ!” અને પોતે પણ લાપસીના વખાણ કરતા કરતા, અલકમલકની વાતો કરતો રહ્યો. હું એ ભાણે બેઠો હતો ને આવું બોલી ગયો તોયે એને ખરાબ કેમ નહોતું લાગતું? આ તો કેવી નફિકરાઈ હતી?

*******

મુંબઈની વિલ્સન કોલેજમાં હું વિજ્ઞાન શાખાનો વિદ્યાર્થી હતો. એસ.એસ.સી. પછી ચંદુએ કોલેજમાં જવાને બદલે જામનગરની વૈદિક પાઠશાળામાંથી ત્રણ વરસનો આયુર્વેદનો કોર્સ કર્યો અને વૈદની ડિગ્રી મેળવી. ઈન્ટર સાયન્સ પાસ કર્યા પછી મેં મુંબઈમાં ઈન્ટર્નશીપ સહિત બીજા છ વર્ષ રહીને એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવી. દરેક રજામાં હું ગામ આવતો અને બા-બાપુજી મને જોઈને અડધાં અડધાં થઈ જતાં. ચંદુ પણ એના રોજના ક્રમ મુજબ સાંજના મારે ઘેર આવતો અને હું ત્યાં રજામાં આવ્યો હોઉં તો મોડી રાત સુધી મારી જોડે ગપ્પા મારવા બેસતો. જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ ગામમાં પણ બદલાવ આવતો જતો હતો. નવા ઉદ્યોગ ધંધાની શક્યતાઓ વધી હતી. મારી સાથે ભણતાં કેટલાંક આજુબાજુ નાના-મોટાં શહેરોમાં પણ જતાં રહ્યાં હતાં અને કેટલાયના તો લગ્ન પણ થઈ ગયા હતા. હું એમ.બી.બી.એસ. ની ફાઈનલ પરીક્ષા આપીને ગામ આવ્યો હતો એ જ અરસામાં ફુવાબાપુ ગુજરી ગયા હતા. ચંદુ હવે ફુવાબાપુનું જ કામ કરતો હતો. ફઈમા ફુવાબાપુ હતા ત્યારે ચંદુને પરણવાનું ઘણીવાર કહેતાં પણ ચંદુએ ઘસીને ના પાડી દીધી હતી. ચંદુનું વૈદું સારું ચાલતું હતું. અમારા ગામની અને આસપાસના બીજાં છ ગામોની વસ્તી, બધી મળીને હવે ૩૦ થી ૪૦ હજારની હતી. ગામમાં હવે તો બે ત્રણ ડોક્ટરો પણ પ્રેકટીસ કરતા હતા અને એક નાની જનરલ હોસ્પિટલ પણ આવી ગઈ હતી. ચંદુની વૈદ તરીકેની પ્રેકટીસ પણ સરસ ચાલતી હતી. એવું કહેવાતું હતું કે એના હાથમાં પણ ફુવાબાપુનો કસબ હુબહુ હતો. હું જ્યારે ફાઈનલ્સ આપીને ગામ ગયો હતો ત્યારે એના દવાખાને જતો. એની પાસે મોટા મોટા શેઠિયાઓ, નેતાઓ અને ફોરેનર્સ પણ આવતા હતા.

મને વળી પાછો જૂનો ખટકો ઊપડ્યો. મને થયું, “હું અહીં ભણ ભણ કરું છું અને આ ચંદુડાએ તો પ્રેકટીસ જમાવીને બેઉ હાથે કમાવાનું ચાલુ કરી દીધું છે. એક દિવસ એના દવાખાનેથી અમે સીધા એના ઘરે બપોરના જમવા ટાણે ગયા. અમને જમાડતાં ફઈમાએ કહ્યું, “આને આવી સરસ રીતે દવાખાનું ચલાવતા જોઈને તારા ફુવાબાપુ હોત તો ખૂબ રાજી થાત. આજે તો ગુજરાતના હોમ મિનિસ્ટર આપણા ગામમાં આની પાસે પથરીની દવા કરાવવા આવ્યા હતા, તને ખબર છે રમણીક?” ચંદુ હસીને બોલ્યો, “ફઈમા, પહેલા ફુવાબાપુ એમને ત્યાં જઈને, ડાયાબીટીસ, પથરી, હાઈ બ્લડપ્રેશર એ બધાની દવા કરતા હતા. હવે એ લોકો સમય બદલાતાં અહીં દવાખાને આવે છે. કોઈ મોટી વાત નથી.” પછી મારી તરફ જોઈને કહે, “તુ બહુ ઓછું જમે છે રમણીક. ફઈમા, એને રોટલી આપો હજી.” કોણ જાણે કેમ પણ પેલો જૂનો ખટકો રહેતાં રહેતાં હવે જીદની રીસ કે રીસની જીદ બની ગયો હતો. મારાથી બોલાઈ જવાયું, “પથરી તો ઘણીવાર પોતાની મેળે પણ સરખું પાણી પીવાથી નીકળી જાય અને ન નીકળે ત્યાં સુધી પેઈન મેનેજમેન્ટ સિવાય એલોપેથી હોય કે આયુર્વેદ હોય, કશું થઈ ન શકે! અને ડાયાબીટીસ ને હાઈ બ્લડપ્રેશર પણ વજન ક્ન્ટ્રોલ કરવાથી કાબુમાં આવી જાય છે. Symptomatic Treatment સિવાય બીજું કરી પણ શું શકાય?” ચંદુ તો એ જ પાછો ચંદુ! “હસીને બોલ્યો, “બિલકુલ સાચી વાત છે રમણીક.” અને જમવામાં પડી ગયો. મને લાગ્યું કે એ મને નીચું બતાડવા માટે જ આ બધું કરી રહ્યો છે. મુંબઈમાં સાત વરસ રહીને હું લોકોને ઓળખવામાં પારંગત તો થયો જ છું, એવો મને મારા પર વિશ્વાસ હતો. હવે ફરી એકલો આ ચંદુડો મળે તો એને અને એની આ દેખાડાની નફિકરાઈને ધૂળ ચાટતી ન કરી તો મારું નામ રમણીક નહીં, એમ મેં મારી જાતને જ એક ચેલેન્જ આપી.

તે દિવસે રાતના જમી કરીને ચંદુ રોજની જેમ મારે ત્યાં આંટો મારવા આવ્યો. હું ગામમાં નહોતો ત્યારે પણ એનો આ રોજિંદો ક્ર્મ કદી ન બદલાતો. પહેલા તો એ બાપુ પાસે બેઠો અને પછી બા ફળિયામાં ખાટલે બેઠી હતી ત્યાં જઈને બેઠો. બાની નાડી તપાસી, પડીકી આપીને કહ્યું કે આ પડીકી હજી સાત દિવસ ચાલુ રાખજો અને પછી ગળામાં કેમ છે એ પૂછ્યું, કે, હું ચમક્યો, “શું થયું છે બાને? બા, હું આટલા દિવસોથી અહીં છું, મને કેમ કંઈ કહ્યું નથી બા?” બા બોલવા ગઈ કે આ તો ખાસ કંઈ નહીં થોડીક ખાંસી થઈ છે… પણ બપોરની દાઝ મારા મનમાં ભરાયેલી હતી તે ભભૂકી ઊઠી. “મને લાગે છે કે મારે દોડી દોડીને અહીં આવવાની કોઈ જરૂર નથી. કોઈને મારી જરૂર નથી. ઘરમાં દીકરો ડોક્ટર, પણ દવા વૈદની થાય! સરસ બા, તને એવુંય ન થયું કે મને જણાવે? હું હંમણાં ને હંમણાં જ અહીંથી ચાલ્યો જાઉં છું.” ને હું જેવો ઊભો થયો કે ચંદુ મારી આડે ફરી વળ્યો, “તને કહું છું, એક ડગલુંય ભર્યું છે તો યાદ રાખજે રમણીકિયા.” અને સત્તાવાહી અવાજે બોલ્યો, “બેસી જા બા પાસે.” હું ઓઝપાયો અને બા પાસે બેસી ગયો. બા-બાપુ બેઉ રડવા લાગ્યાં હતાં. ચંદુ મારી પાસે આવ્યો, મારો હાથ પકડ્યો અને મને કહે, “તારી ફાઈનલ્સ ચાલતી હતી આથી ન કહ્યું અને હવે તો સારું છે. જો મારાથી દર્દ ન પકડાણું હોત તો તારા સિવાય બીજા કોઈ ડોક્ટરને હું પૂછત, એવું તને લાગ્યું? તને મારા પર ભરોસો કેમ નથી પડતો? અરે, તારા પોતા પર પણ નથી ભરોસો પડતો કે તુ એવા નકામા દોસ્ત સાથે દોસ્તી કરી જ કેમ શકે? ચાલ, હવે બા-બાપુની માફી માંગ.”

હું કદાચ છેલ્લી વખત બાને વળગીને રડ્યો હતો. હું આટલું બધું કેમ રડ્યો હતો, બા બિમાર હતી એટલે કે પછી ચંદુની જિંદગી માટેની સ્પષ્ટ સમજની મને છાની અસૂયા થતી હતી? એ હું ખૂબ વિચારવા છતાંય નક્કી નહોતો કરી શક્યો.

******

એમ.બી.બી.એસ. પાસ કર્યા પાછી મેં અમેરિકા તરફ પ્રયાણ કર્યું. અમેરિકા જતા પહેલાં, હું બા-બાપુના આશિર્વાદ લેવા ગામ ગયો. એમની સાથે થોડા દિવસો રહ્યો. અને નીકળતી વખતે ગળગળા થઈ, મેં ચંદુને બા-બાપુની ભલામણ કરી. ચંદુ એની એ જ સ્ટાઈલમાં હસીને બોલ્યો, “મુંબઈ ગયો હતો ત્યારે ભલામણ કરી હતી? કહું છું, મારા પર નહીં પણ પોતા પર તો ભરોસો રાખ!” અને મારો ખભો થાબડ્યો. મને એ ટ્રેનના સ્ટેશને વળાવવા આવ્યો ત્યારે કહ્યું, “રમણીક, ખૂબ મન લગાવીને ભણજે, આગળ વધજે પણ વતનની માયા ન મૂકતો!” હું એને ભેટીને રડી પડ્યો. મેં દેશ છોડ્યો.

******

આજે ૩૫ વર્ષોથી હું અમેરિકામાં, પીટ્સબર્ગ શહેરમાં સ્થાયી થયો છું. અહીં આવીને મેં Hematology/Oncology માં સ્પેશિયલાઈઝેશન કર્યું અને અહીં હવે પ્રેક્ટીસ કરી રહ્યો છું. આ દેશમાં હું ભણ્યો, વતન જઈને મારી પસંદની કન્યા જોડે, વતનમાં જ, બા-બાપુજીના આશીર્વાદ સાથે લગ્ન કર્યાં અને સંતાનોને મોટા કર્યાં. વર્ષોથી અમેરિકા હોવા છતાંયે ચંદુની એ છેલ્લી સલાહ મેં ગાંઠે બાંધી અને બા-બાપુજી જીવતાં હતાં ત્યાં સુધી દર વર્ષે, ૧૦ દિવસ માટે, ગામમાં આવતો હતો. મને જોઈને ચંદુ અને બા-બાપુની આંખોમાં ચમક આવી જતી.

વર્ષો વિતતાં ગયાં. બા-બાપુ ગયાં, ફઈમા પણ ગયાં. ચંદુ હવે તો કોઈ ટ્રસ્ટે સ્થાપેલી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલનો બધો જ કારભાર સંભાળતો હતો. ચંદુ માટે તો આ સંસ્થા જ ઘર અને મંદિર બેઉ હતી. હોસ્પિટલમાં દર્દીઓની સેવામાં અને કોલેજમાં ભણાવવામાં એ ગળાડૂબ રહેતો હતો. છેલ્લા સાત-આઠ વર્ષોથી હું પણ ઈન્ડિયા જઈ નહોતો શક્યો. તોયે દર વર્ષે, દિવાળી અને અમારી લગ્નતિથિ નિમિત્તે પાંચ સાત લીટીનો કાગળ જરૂર આવતો. બા-બાપુજી ગયા પછી ઘર અને ખેતર, બધું ચંદુ જ સંભાળતો.

ગઈ દિવાળીના કાગળમાં એણે પહેલી વખત લખ્યું, “મારા મત મુજબ આ સાલ તારે અહીં આવીને ઘર અને ખેતરની વ્યવસ્થા કરી જવી જોઈએ. મને લાગે છે કે ઘર અને ખેતર મળીને એક સરસ સ્કૂલ બનાવ ગામમાં. બા-બાપુ પોતે તો ભણ્યાં નહોતાં પણ તને ભણતો જોઈને ખૂબ રાજી થતાં. ઈશ્વરની દયાથી તારી પાસે અભરે ભરાય એટલી સંપત્તિ છે. આ પુણ્યનું કામ કરી જા.” મારી પત્ની ખૂબ જ સુશીલ અને સંસ્કારી હતી. કદીક કદીક એ પણ મારી સાથે બાળકોના જન્મ પહેલાં ગામ આવતી અને ચંદુ તથા બા-બાપુજીને માટે એને પણ પોતાપણું લાગતું હતું. એણે આ કાગળ વાંચીને કહ્યું, “ચંદુભાઈને આપણી કેટલી ચિંતા છે? બા-બાપુનું અને ઘર-ખેતરનું એમણે કેટલું ધ્યાન રાખ્યું છે, અને હજીય રાખે છે. આપણે એમ કરીએ, કે ઘર અને ખેતર બેઉ એમને નામ કરી દઈએ.”

કોને ખબર, પણ આ સાંભળીને હું ખુશ થઈ ગયો. મને ચંદુના ઋણમાંથી મુક્ત થવાનો માર્ગ પણ મળી ગયો અને આમ કરીને ચંદુને એકવાર તો પાછો પડતો જોઈ શકાય. એને બતાવી શકાય કે જો, આજે હું કેટલો આગળ આવી ગયો છું. અને, અમે ઈન્ડિયા જવાનું નક્કી કરી લીધું.

******

અમે ગામ પહોંચ્યાં. ચંદુએ ઘર સાફ-સૂફ કરાવીને બધી સગવડો કરી હતી આથી અમને કોઈ તકલીફ ન પડે. ઘરમાં આ વખતે તો એણે એર કન્ડિશન પણ નંખાવી લીધું હતું. પહોંચ્યા એ દિવસે અમે આરામ કર્યો અને બીજે દિવસે, ચંદુની હોસ્પિટલ જોવા ગયાં. એણે ત્યાં હવે તો આયુર્વેદિક દવાઓની રિસર્ચ કરતી, એકદમ આધુનિક પ્રયોગશાળા બતાવી, આખી હોસ્પિટલ બતાવી અને અનેક સ્ટાફના ડોક્ટરોને પણ મેળવ્યાં. આ હોસ્પિટલમાં આયુર્વેદની સાથે નેચરોપેથી અને ન્યુટ્રીશન પર પણ કામ થતું હતું. દર વર્ષે સો વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં. મારી પત્નીએ પૂછ્યું, “ચંદુભાઈ, આટલી સરસ સંસ્થા તમે ચલાવો છો એ બહુ જ મોટી વાત છે. તમે અહીંના ડીન છો?” એનો એ જ સાવ બેફિકરો ચંદુ પાછો સામે આવી ગયો.

“ના હોં ભાભી, એ બધું મારા જેવાનું કામ નહીં. જ્યારે નવી નવી સંસ્થા થઈ ત્યારે બે-ત્રણ વરસ કર્યું પણ એ બધું મને તો બંધન કર્તા લાગે. મારું કામ તો દર્દીઓને દવા આપવાનું અને સ્ટુડન્ટોને શીખવવાનું. બસ, બાકી તો મારા દાળ-રોટલા જેટલું મળી રહે એ જ બસ છે.” અને મારામાં રહેલો જૂના ખટકાનો કીડો પાછો સળવળી ઊઠ્યો. ચંદુના આ નફિકરાપણાએ મને આખી જિંદગી ડામ દીધા છે. એ એની આ બેફિકરાઈથી દર વખતે એ મારાથી ચડિયાતો છે એવું સિફતથી સાબિત કરીને જાય છે. બસ, હવે બહુ થયું, આ વખતે તો એને પછાડ આપવી જ છે.

મેં એણે જ દોરેલી વાતચીતની રેખા પકડી લીધી. હું વચમાં બોલ્યો, “કેમ તુ માણસ નથી? તુ તારી વૃદ્ધાવસ્થા કેમ કાઢીશ? એકલો છે, કાલે કોઈ માંદગી આવી તો પાસે પૈસા હશે તો કોઈ જોશે. મેં અને તારી ભાભીએ નક્કી કર્યું છે કે,..” ચંદુએ એની લાક્ષણિકતાથી મને રોકીને કહ્યું, “મારો પેશન્ટ્સને જોવાનો સમય થઈ ગયો છે. રાતનાં આપણે વધુ વાત કરીશું. હું આવું છું રાતના.” અને એ હોસ્પિટલમાં જતો રહ્યો. વળી પાછો ચંદુ મેદાન મારી ગયો! હું મનોમન ધૂંધવાઈ ઊઠ્યો. ચંદુની આ નફિકરાઈની ઓથે નક્કી કોઈ અસાધ્ય અસલામતિની ભાવના છુપાઈ હોવી જોઈએ જ! એ કદી જીવનમાં ભોંઠો ન પડે, ઓછપ ન અનુભવે, ઓઝપાઈ નહીં, ખાસિયાણો ન પડે, એવું તે કંઈ હોય? બધાં જ આ બધી જ લાગણીઓના દોરમાંથી ક્યારે તો પસાર થતાં જ હોય છે. ચંદુ એમાં અપવાદ કેવી રીતે હોય? એની આ લાપરવાહીને લીધે મારી સફળતા અને સિદ્ધિઓની વાહ, વાહ એની પાસે, મને ગમે એમ, હું આજ સુધી કદી નથી કરાવી શક્યો. બસ, એકવાર, એના પર મને આ બાબતમાં સરસાઈ મળે,

રાતના નિયમ પ્રમાણે જમી કરીને ચંદુ આવ્યો. અમે હિંચકે બેઠાં. મારી પત્નીએ મને Arthritis અને High BP ની ગોળીઓ આપતાં કહ્યું, “આ તમારા ભાઈબંધનો Arthritis અને High BP ની તકલીફ કાયમની મટી જાય એવો કંઈ ઈલાજ કરો ને, ચંદુભાઈ?” હું થોડો ચિડાઈ ગયો, “તું પણ શું લઈને બેઠી છે? આ બધા એવા ડિઝીસ છે કે જેનો કાયમી કોઈ ઈલાજ જ નથી, એલોપેથી શું કે આયુર્વેદશું! ખરું ને ચંદુ?” ચંદુએ એની એ જ સહજતાથી કહ્યું, “બિલકુલ સાચું. પણ સાચું કહું ભાભી?” અને એણે નિશાળના પહેલા દિવસની જેમ જ મારો હાથ પકડી લીધો અને બોલ્યો, “તમારે અને મારા ભાઈબંધે જીવનમાં હજુ ઘણાં પુણ્યોના કામ કરવાનાં છે. Arthritis અને High BP એનું કશું જ બગાડી શકવાના નથી!” અને એણે મારો હાથ છોડી દીધો, અને, ચાલવા માંડ્યું.

કઈ માટીનો ઘડેલો છે આ ચંદુ? ન એને અપમાન લાગે છે, ન તો એ વ્યથિત થાય છે કે ન તો એને અવગણના સ્પર્શે છે. અને મેં છેલ્લો ઘા કરવાનું નક્કી કરી લીધું. હું પણ હિંચકા પરથી ઊભો થઈ ગયો અને સફાળો એને જતો રોકીને એની આડે ફરી ગયો. “આજે તારે સાંભળવું જ પડશે. મેં અને તારી ભાભીએ આ ઘર અને ખેતર તારે નામ કરવાનું નક્કી કર્યું છે. તેં આખી જિંદગી અમારું બહુ કર્યું છે. હવે અમને પણ કંઈક તારા માટે કરવાનો મોકો આપ. તારા હાથ પગ જ્યારે રહેશે ત્યારે આ ઘર અને ખેતર તારે કામ લાગશે. મારે આની જરૂર નથી. મારી તો ઓલ્ડ એજ ઈઝ ઓલ પ્લાન્ડ. તારી પાસે પૂરતા પૈસા નહીં હોય તો બુઢાપામાં કરીશ શું?” હું આંખ બંધ કરીને લગભગ એકી શ્વાસે બોલી ગયો, એની તરફ જોયા વિના, કે, જેથી એ મને અટકાવી ન શકે. મેં બોલવાનું પૂરૂં કર્યું અને વિજયી નજરથી એની સામે જોયું. ચંદુ એની લાક્ષણિકતાથી હસ્યો અને પ્રેમથી મારા ખભે હાથ મૂકીને બોલ્યો, “આજે હંમણાં સૂઈ જા. બહુ થાકેલો છે. કાલે આપણે નિરાંતે બધી વાતો કરીશું. તુ જેમ કહેશે તેમ કરીશું. ઠીક છે હવે?” અને મારો હાથ પાછો એના હાથમાં લઈને, એ  ઝાંપા સુધી મને લઈ ગયો.

તે રાતે હું જાણે મોટો રણ સંગ્રામ જીતીને આવ્યો હોઉં અને જે નિરાંત અનુભવાય એવી નિરાંતથી સૂતો. વહેલી સવારના છ વાગ્યા હતા અને મારી પત્નીએ મને ઢંઢોળ્યો, “જલદી ઊઠો.” હું આંખો ચોળતો ઊભો થયો. “થયું શું? કેમ આમ ગભરાયેલી લાગે છે?” મારી પત્ની બોલી, “હંમણાં જ ખબર આવ્યા કે ચંદુભાઈ રાતના ઊંઘમાં જ ગુજરી ગયા!”
—————

10 thoughts on “નફિકરો – વાર્તા – જયશ્રી વિનુ મરચંટ

  1. બહુ જ સરસ વાર્તા છે. બીજી વખત વાંચીએ -થોડી ધીરજ રાખીને અટકતાં અટકતાં-તો વધારે મજા આવે છે.

    Liked by 1 person

  2. ચંદુ જેવા નિસ્વાર્થ, સ્નેહાળ અને પરોર્પકારી વ્યક્તિ સદભાગ્યે જીવનમાં મળે છે. સરસ વાત.

    Liked by 1 person

  3. સ રસ વાર્તાનો “હંમણાં જ ખબર આવ્યા કે ચંદુભાઈ રાતના ઊંઘમાં જ ગુજરી ગયા!”કરુણ અંતે
    એક કસક અનુભવાય પણ આવા પવિત્ર વૃતિવાળા પરોપકારી ચંદુભાઇ માટે કરુણરસ વિગલીત થઇ
    આનંદની લાગણી અનુભવાય.
    સંજોગવશાત આજે જ આવા આજન્મ અજાતશત્રુ અને હર કોઈના મિત્ર, સાચા અર્થમાં એકદમ સાલસ અને સરળ સ્વભાવના તબીબ-કવિમિત્ર ડૉ. દિલીપ મોદી કોરોના સાથે દોસ્તી ન કરાય એ વાત ચૂકી ગયા. સુરતમાં ઓફિસિઅલ આંકડાઓથી દસ-પંદર ગણી વધારે ફેલાયેલી મહામારીમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સારવાર આપતા-આપતા દિલીપભાઈ તથા એમના માતા બંને કોરોનાગ્રસ્ત થયા. ગયા બુધવારે એમના માતૃશ્રી કોરોના સામેની જંગ હારી ગયાં અને ગઈકાલે સાચા અર્થમાં ‘કોરોના વૉરિયર’ દિલીપભાઈએ કોરોનાના કારણે ફેફસાં ખરાબ થઈ જવાના કારણે શ્વાસની સમસ્યા (ARDS) થતાં હથિયાર હેઠાં મૂક્યાં…

    Liked by 1 person

  4. ચંદુ જેવી કદાચ કોઈ અપેક્ષા વગરની, નિર્મોહી વ્યક્તિ જ આવી નિર્ભિક કે અજેય રહી શકતી હશે. કશુંજ મેળવી લેવાની, પામી લેવાની કે જીતવાની જીદ વગરની વ્યક્તિ આટલી સહજ રહી શકે.

    Liked by 1 person

  5. કોઈ અવરોધ વિના સડસડાટ એક પ્રવાહમાં વહી જવાયું. ખૂબ સરસ રજૂઆત! ચંદુ અને રમણિક એટલે જાણે દરેક વ્યક્તિની અંદર રહેલા બેવડા તત્વો. ઘણીવાર અમુક વ્યક્તિ ખૂબ સારી હોય તો અંદરથી કોઈ નકારાત્મક તત્વ માથું ઊંચકવા પ્રયાસ કરે છે. એને હકારાત્મકતા તરફ લઈ જવાની રીત એટલે ચંદુ. વાર્તાને એટલી સરસ વણી છે કે ક્યાંય એ સીધો ઉલ્લેખ ન હોવા છતાં સતત ચંદુનો ત્યાગ વાચકને અનુભવાય એ મહત્વનું પાસું લેખિકાએ એકદમ સબળ રીતે રજૂ કર્યું છે. એ શીખવા જેવી વાત 🙏

    Liked by 1 person

  6. પ્રસંગોની ખૂબ સરસ ગૂંથણી. વાતનો દોર વાચકને હકારાત્મક અને નકારાત્મક વલણનું કારણ સમજવા જકડી રાખે છે. અંત પણ વાચકની કલ્પના પર છોડે છે. કહ્યા વગર ઘણું કહી જાય છે.

    Liked by 2 people

  7. “ચંદુ એની લાક્ષણિકતાથી હસ્યો અને પ્રેમથી મારા ખભે હાથ મૂકીને બોલ્યો, “આજે હંમણાં સૂઈ જા. બહુ થાકેલો છે. કાલે આપણે નિરાંતે બધી વાતો કરીશું. તુ જેમ કહેશે તેમ કરીશું. ઠીક છે હવે?” અને મારો હાથ પાછો એના હાથમાં લઈને, એ ઝાંપા સુધી મને લઈ ગયો.”
    ચંદુનુ અલગારી વ્યક્તિત્વ અને રમણીકની અસૂયા બે વિરોધાભાસી ભાવોની ગુંથણી એ વાર્તાનુ મહત્વનુ પાસું છે. ક્યાંય વાર્તાની પકડ ઢીલી થતી નથી. અંત ઘણો માર્મિક છે. છેવટે ચંદુનુ અલગારીપણુ જ જીત્યું, જાણે કુદરતે પણ એને સાથ આપ્યો.

    Liked by 1 person

  8. RAMNIK NE CHANDU NI IRSHYA AVTI. PAN CHANDU TENA DIL KE MAN UPER NA LETO TEVO REAL MITRA HATO. CHELE JAMIN -KHETAR CHANU NE APVA NI VAT KARI TYARE CHANU KAHE CHE OLD AGE IS ALL PLANED. NE BIJI SAVARE CHANU BHAI NU OLD AGE IA ALL PLANED SAMPURAN THAY CHE. TEMA PAN RAMNIK NI HAR THAY CHE. SOME PEOPLE BORN SELFISHNESS/-HELP OTHER /SOME PEOPLE BORN LIKE RAMNIK-IRSHYA-SELFISH. NICE VARTA.

    Liked by 1 person

  9. નફકરો વાર્તા વાંચતા દોસ્તીની ઉપર ફરી વિશ્વાસ આવી ગયો. ચન્દુ જેવો નફકરો અને દોસ્તી માટે કાંઈ પણ કરી છૂટવાની ભાવના આજના દોસ્તોમાંથી વિલીન થતી જાય છે. વાર્તાના હકારત્મક અને નકારત્મક ઉતાર ચડાવમાં ભાવુક ડૂબતો જાય છે. અને અંત તો લાજવાબ છે. છેલ્લે સુધી એવું લાગે છે કે ચન્દુનો કૈક સ્વાર્થ હશે પણ જ્યારે મારી પત્ની બોલી, “હંમણાં જ ખબર આવ્યા કે ચંદુભાઈ રાતના ઊંઘમાં જ ગુજરી ગયા!”ત્યારે હું ખરેખર આઘાત પામી ગઈ. ખૂબ સુંદર વાર્તા જયશ્રી તારી કલમને સલામ !!

    Liked by 1 person

પ્રતિભાવ