“વારતા રે વારતા” – (૩) – બાબુ સુથાર


છ એબ્સર્ડ રશિયન લઘુકથાઓ
દેનિયલ ખાર્મસ
ભાવાનુવાદ: બાબુ સુથાર

મારા સ્પેનિશ ફિલ્મના પ્રોફેસર કહેતા હતા: તમને કોઈ પણ ફિલ્મમાં રસ પડે તો સમજવું કે તમે ખરેખરા ફિલ્મરસિયા છો. મને લાગે છે કે આ જ વાત વાર્તારસિકોને અને વાર્તાકારોને પણ લાગુ પડવી જોઈએ. મારા ઘણા વાર્તાકાર મિત્રો હોંશે હોંશે કહેતા હોય છે: મને ફેન્ટસી વાર્તાઓ ન ગમે. કેટલાક તો એથી ય વધારે હોંશમાં આવીને મને કહેતા હોય છે: હું પ્રયોગશીલ વાર્તાઓને ધિક્કારું છું. જ્યારે પણ કોઈ આવું કહે ત્યારે મને પ્રશ્ન થતો હોય છે: આ લોકો આવા કેમ હશે? એક અમેરિકન ફિલસૂફ હર્બટ માર્કયુઝે One-dimensional man શબ્દપ્રયોગ કર્યો છે. એ આવા લોકો માટે વાપરી શકાય કે નહીં?

અહીં મેં રશિયન વાર્તાકાર દેનિયલ ખાર્મસની છ લઘુકથાઓનો ભાવાનુવાદ આપ્યો છે. આ છએ લઘુકથાઓ ‘એબસર્ડ’ છે. અર્થાત્, જો તમે એનો અર્થ કરવા બેસો તો કદાચ કશુંય હાથમાં ન આવે. પણ કેટલીક વાર્તાઓ હોય છે જ એવી. એ જાણી જોઈને અર્થને અશક્ય બનાવે. ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’ જેવી વાર્તાઓનો અર્થ કરી શકાય. એવી વાર્તાઓ વાંચ્યા પછી આપણે એમાં લેખક શું કહેવા માગે છે એની વાત હોંશે હોંશે બીજા લોકોને કહી શકીએ. પ઼ણ, આ ખાર્મસની વાર્તાઓ વાંચ્યા પછી આપણે એવું ન કરી શકીએ.

એમ હોવાથી સવાલ એ થાય કે તો પછી આવી વાર્તાઓને સમજવાની કઈ રીતે? વિશ્વસાહિત્યમાં એબ્સર્ડ સાહિત્યની ઘણી ચર્ચા થઈ છે. એમાંની કેટલીક ચર્ચાઓ વાંચતાં જ આપણને ખ્યાલ આવશે કે વિદ્વાનો પણ એબ્સર્ડનો કોઈ એક અર્થ આપતા નથી. એટલું જ નહીં, એબ્સર્ડ સાહિત્યકારો પણ એકબીજાથી જુદા પડતા હોય છે. ફ્રેંચ લેખક કામૂનું એબ્સર્ડ જુદું. એ જ રીતે, સેમ્યુઅલ બેકેટનું એબ્સર્ડ જુદું. અને બરાબર એમ જ ફ્રેંચ નાટ્યકાર ઈયોનેસ્કોનું એબ્સર્ડ પણ જુદું. ગુજરાતી સાહિત્યમાં પણ લાભશંકર ઠાકર અને બીજા અનેકે એબ્સર્ડ સાહિત્યના સર્જનનો પ્રયાસ કર્યો છે. એમનું એબ્સર્ડ કયા પ્રકારનું છે એ એક તપાસનો વિષય છે.

ઘણા એબ્સર્ડ સાહિત્યનું રૂપકાત્મક (allegorical) વાંચન કરી શકાય. પણ, એ માટે વાચકે level of allegory શોધવું પડે. હું સમજું છું ત્યાં સુધી ભાષાના અર્થને આપણે રૂપકની રીતે રાજ્ય (state) અથવા તો સરકાર સાથે સાંકળી શકીએ. જ્યારે કોઈ સર્જક ખાધું, પીધું ને રાજ કર્યું જેવી વાર્તા લખે ત્યારે એનો અર્થ પણ ખૂબ સરળ હોય. એટલું જ નહીં, આપણે એ અર્થને એક વ્યવસ્થામાં પણ મૂકી શકીએ. પણ, ખાર્મસ જેવો વાર્તાકાર અર્થને અશક્ય બનાવી રાજ્યને પણ અશક્ય બનાવે અને સરકારને પણ. એટલે જ તો સામ્યવાદીઓએ આ લેખક પર પ્રતિબંધ મૂકેલો. લેખકો, અલબત્ત ઊંચા ગજાના લેખકો, રાજ્યને કે સરકારને પણ ખબર ન પડે એ રીતે રાજ્ય કે સરકારની ટીકા કરતું સાહિત્ય લખી શકતા હોય છે. ખાર્મસ એમાંના એક છે. આશા રાખું કે આ છ લઘુકથાઓ તમને ગમશે.

૧.  સોનેટ

મારા જીવનમાં એક વિચિત્ર ઘટના બની: હું એકાએક પહેલાં ચાર આવે કે પાંચ આવે એ ભૂલી ગયો.
હું મારો પાડોશીઓ આ વિષે શું જાણે છે એ જાણવા એમની પાસે ગયો.
એમને પણ આશ્ચર્ય થયું અને મને પણ કે એ લોકો પણ એકથી છ સુધીના આંકડા કડકડાટ બોલી જતા હતા પણ છ પછી સાત આવે કે આઠ આવે એ એમને ય યાદ આવતું ન હતું.
પછી અમે બધાં જ ઝ્નામેનસકાય અને બાસેયનાયા ગલીઓ જ્યાં એકબીજાને મળે છે ત્યાં આવેલા ગેસ્ટ્રોનોમ નામના સ્ટોરની કેશિયર બાઈ પાસે ગયા અને એને પૂછ્યું કે બહેન, પહેલાં સાત આવે કે આઠ? એ બાઈએ એના મોંઢામાંથી નાનકડી હથોડી બહાર કાઢી, નાક જરાક વાંકું કરી, ઉદાસ સ્મિત સાથે કહ્યું: મારા મત પ્રમાણે આઠ પછી સાત આવે, પણ ક્યારે? જ્યારે આઠ પછી સાત આવે ત્યારે.

અમે એનો આભાર માની ખુશીના માર્યા સ્ટોરમાંથી બહાર નીકળ્યા. પણ પછી એ બાઈએ જે જવાબ આપેલો એ વિષે ઊંડું વિચારતાં અમને લાગ્યું કે એ બાઈએ જે શબ્દોમાં જવાબ આપેલો એ શબ્દોનો કોઈ અર્થ બેસતો ન હતો.

હવે શું કરવાનું? એ વખતે ઉનાળો હતો. અમે બગીચામાં ગયા અને ત્યાં જઈને વૃક્ષો ગણવા લાગ્યા. પણ ત્યાં ય અમે છ સુધી પહોંચ્યા પછી અટકી જતા હતા અને ત્યાર પછી સાત આવે કે આઠ એ વિષે એક બીજા સાથે દલીલો કરવા માંડતા હતા: કોઈ કહેતું સાત ને કોઈ કહેતું આઠ.

અમારી દલીલો લાંબી ચાલી હોત પણ સદનસીબે બગીચામાં જ કોઈકનું બાળક બાંકડા પરથી ગબડી પડ્યું અને એનું જડબું છૂંદાઈ ગયું. એ ઘટનાને પગલે અમારી દલીલો બીજા રસ્તે વળી ગઈ.

પછી અમે બધા પોતપોતાના ઘેર ગયા.

૨.  કુશાકોવ સુથાર

એક વખતે એક સુથાર હતો. એનું નામ હતું કુશાકોવ.
એક દિવસે એ એક લાકડાં ચોંટાડવાનો ગુંદર ખરીદવા એના ઘરેથી એક દુકાને જવા નીકળ્યો.
એ વખતે બહાર બરફ ઓગળી રહ્યો હતો અને ગલીઓ બધી લપસણી બની ગયેલી હતી.
પેલો સુથાર ગલીમાં થોડુંક ચાલ્યો હશે ત્યાં જ લપસી પડ્યો અને એનું માથું ફાટી ગયું.

“કાંઈ વાંધો નહીં” એમ બોલતો એ ત્યાંથી ઊભો થયો અને દવાની દુકાને ગયો. ત્યાંથી એણે એક પાટો ખરીદ્યો અને પછી એણે પોતાનું ફાટી ગયેલું માથું સીધું કરીને એના ઉપર પાટો બાંધી દીધો.

પછી એ આગળ ચાલ્યો. પણ માંડ એ થોડેક દૂર ગયો હશેને પાછો એ લપસી પડ્યો. આ વખતે એનું નાક છુંદાઈ ગયું.

“ઊંહ” એમ બોલતો એ પાછો ઊભો થયો અને પાછો દવાની દુકાને ગયો. ત્યાંથી પાટો ખરીદી એણે નાક પર બાંધી દીધો.

પછી એ જરાક આગળ ગયો હશે ત્યાં જ એ ફરી એક વાર લપસી પડ્યો. આ વખતે એના ગાલ ચિરાઈ ગયા. દેખીતી રીતે જ આ વખતે પણ એણે પાછા પેલી દવાની દુકાને જઈને પાટો ખરીદવો પડ્યો.

પણ જ્યારે એ પેલી દવાની દુકાને ગયો ત્યારે દુકાનના માલિકે એને કહ્યું, “તમે અવારનવાર લપસી પડો છો અને તમારી જાતને વગાડો છો. તો એક કામ કરોને. થોડા પાટા પહેલેથી જ ખરીદી રાખો તો કેવું!”

“ના,” સુથારે કહ્યું, “હવે હું નહીં લપસું.”
પણ પાછો એ થોડું ચાલ્યો હશે ત્યાં જ લપસી પડ્યો. આ વખતે એની ચિબુક ભાંગી ગઈ.એ સાથે જ એ “બેવકૂફ બરફ” એમ બોલતો ઊભો થયો અને પાછો દવાની દુકાને પાટો ખરીદવા ગયો.

“જુઓ, મેં કહ્યું હતુંને,” દવાની દુકાનના માલિકે એને કહ્યું, “તમે ગયા અને પાછા લપસી પડ્યાને!”
“ના,” સુથાર જોરથી બરાડ્યો. “મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. ચાલો, જલ્દી કરો. એક પાટો આપી દો.”પછી દવાવાળાએ એને એક પાટો આપ્યો. સુથાર એ પાટો પોતાની ચિબુક પર બાંધીને પાછો ઘેર ગયો.
પણ એના ઘરનું એક પણ માણસ એને ઓળખી શક્યું નહીં એટલે એ લોકોએ એને ઘરમાં ન ઘૂસવા દીધો.
“હું કુશાકોવ સુથાર છું,” એ સુથારે જોરથી બૂમ પાડતાં કહ્યું.
“એ તો તમે કહો જ છો,” એમ કહીને એનાં ઘરવાળાંએ બારણું બંધ કરી દીધું. એટલું જ નહીં, એ બારણાંને અંદરથી તાળું પણ મારી દીધું.

કુશોકોવ સુથાર ઘડીભર ત્યાં ઊભો રહ્યો, થૂંક્યો અને પછી ઘર છોડી ચાલી નીકળ્યો.

૩.  ઘટનાઓ

એક દિવસે ઓરલોવે પોતાની અંદર વટાણાનો લુગદો ભર્યો. પછી એ મરી ગયો. જ્યારે ક્રિલોવને આ સમાચાર મળ્યા તો એ પણ મરી ગયો. અને સ્પિરિડોનોવ આ બન્નેમાંથી કોઈની પણ દરકાર કર્યા વિના એમનેમ જ મરી ગયો. પછી સ્પિરિડોનોવની પત્ની કબાટમાંથી ગબડી પડી ને એ પણ મરી ગઈ. સ્રિનોદોવની દાદી પછી હાથમાં બોટલ લઈને ધોરી રસ્તાઓ પર રખડવા લાગી. અને મિખાઈલોવે એના વાળ ઓળવાના બંધ કર્યા. એને ઠેર ઠેર ભીંગડાં થઈ ગયાં. ક્રુગલોવે હાથમાં હન્ટર લઈને ઊભેલી એક સ્ત્રીનું ચિત્ર બનાવ્યું ને એ ગાંડો થઈ ગયો. પેરેખ્રોયોસ્તોવને તારથી ચારસો ડૉલર મળ્યા એમાં એ છકી ગયો. એટલે એને નોકરીમાંથી કાઢી મૂક્યો.

આ બધ્ધા જ માણસો બહુ ભલા હતા પણ એમને મક્કમ બનીને કઈ રીતે ઊભા રહેવું એની ખબર ન હતી.

૪. પેત્રાકોવના જીવનમાં બનેલી એક ઘટના

બન્યું એવું કે પેત્રોકોવને ઊંઘવું હતું. એટલે એ ઊંઘવા ગયો. પણ જેવો એ ઊંઘવા માટે નીચે નમ્યો એવો જ એ પથારીમાં પડવાને બદલે ભોંય પર પડ્યો. એ એટલો જોરથી ભોંય પર પડ્યો કે એ ત્યાંથી ઊભો પણ થઈ શકે એમ ન હતો.

પછી પેત્રોકોવે પોતાનામાં રહેલી બધી જ તાકાત એકઠી કરી અને એમ કરીને એ પોતાના હાથ અને પગ પર ઊભો થયો. પણ પછી એકાએક એની શક્તિ એને તરછોડી ગઈ અને એ સાથે જ એ પાછો ભોંય પર પડ્યો. આ વખતે એ ઊંધો અર્થાત એના પેટ પર પડ્યો.

એ ત્યાંને ત્યાં પાંચ કલાક પડી રહ્યો. શરૂઆતમાં તો એ પડી રહેલો પણ પછી એને ત્યાં જ ઊંઘ આવી ગયેલી.
ઊંઘને કારણે પેત્રોનોવમાં શક્તિએ પાછો સંચાર કર્યો. એનામાં પાછો પ્રાણ ફૂંકાયો. એ ઊભો થયો. એ સાવચેતીપૂર્વક પોતાના ઓરડામાં જ ચાલીને પોતાની પથારીમાં પડ્યો અને સૂઈ ગયો. “હાશ,” એણે વિચાર્યું, “હવે મને ઊંઘ આવી જશે.”
પણ કોણ જાણે કેમ હવે એને ઊંઘ આવતી ન હતી. એટલે એ પથારીમાં પડખાં ફેરવવા લાગ્યો.

બસ. બીજું તો શું કહી શકાય એના વિષે!

૫. પટારો

એક લાંબી પાતળી ડોકવાળો માણસ ભાંખડિયે પડીને એક પટારામાં ઘૂસી ગયો. ત્યાં જઈને પછી એણે પટારાનું ઢાંકણ બંધ કરી દીધું અને એ સાથે જ એ ગૂંગળાવા માંડ્યો.

“હવે,” એ લાંબી પાતળી ડોકવાળા માણસે ગૂંગળાતાં ગૂંગળાતાં કહ્યું, “આ પટારામાં હું ગૂંગળાઉં છું કેમ કે મારે લાંબી પાતળી ડોક છે. પટારાનું ઢાંકણું બંધ છે અને એને કારણે અહીં કોઈ હવા આવતી નથી. અહીં મારું ગૂંગળાવાનું ચાલુ જ રહેશે, પણ હું આ પટારાનું ઢાંકણું ખોલવાનો નથી. ધીમે ધીમે હું અહીં મરવા માંડીશ. હું અહીં પડ્યો પડ્યો જોઈશ લડાઈ જીવન અને મરણ વચ્ચેની. આ લડાઈ કેવળ કૃત્રિમ જ નહીં, વિચિત્ર પણ હશે, કેમ કે અન્તે તો મરણનો જ વિજય થવાનો છે, જીવન હારવાનું છે, પણ પોતાના દુશ્મન સાથેની લડાઈમાં કોઈએ પણ છેક છેલ્લી ઘડી સુધી આશા ત્યજવી ન જોઈએ. આ લડાઈમાં, જે હમણાં થોડી વારમાં જ શરૂ થશે, જીવનને એના વિજયની પદ્ધતિ સમજાશે. એ માટે જીવને આ પટારાનું ઢાંકણું ખોલવા માટે મારા પર દબાણ લાવવું પડશે. જોઈએ તો ખરા કોણ જીતે છે. અહીં બીજી કોઈ મુશ્કેલી નથી પણ મોથબોલ્સની દુર્ગંધ આવ્યા કરે છે. જો આ લડાઈમાં જીવન જીતી જાય તો હું મારાં કપડાં પર તમાકું છાંટીશ… હવે લડાઈ શરૂ થઈ ગઈ છે. મારાથી શ્વાસ લેવાતો નથી. હવે મને ચોખ્ખું દેખાય છે. મારું જીવન પૂરું થવાની અણી પર છે! અહીંથી બહાર નીકળવાની કોઈ શક્યતાઓ મને દેખાતી નથી! અને હવે મને જીવવા માટે ટકાવી રાખે એવા કોઈ વિચારો પણ આવતા નથી. હું ગૂંગળાઈ રહ્યો છું!…

“અરે! આ શું? કશુંક બન્યું છે, હે ભગવાન! હવે તો શ્વાસ પણ લેવાતો નથી. મને લાગે છે કે હું મરવાની અણી પર છું…

“અરે! પાછું આ શું બનવા માંડ્યું છે? હું કેમ ગીત ગાવા લાગ્યો છું? મને લાગે છે કે મારી ડોક હવે મને પીડા આપવા લાગી છે? મને મારા ઓરડાની વસ્તુઓ કેમ દેખાવા લાગી હશે? એવું તો નથી ને કે હું ભોંય પર સૂતો હોઉં? તો પછી પેલો પટારો ક્યા ગયો?”

લાંબી પાતળી ડોકવાળો માણસ પછી ત્યાં એના ઓરડામાં જ ઊભો થયો. એણે ચારે બાજુ જોયું. એને પેલો પટારો ક્યાંય દેખાતો ન હતો. ત્યાં ખુરશી પર અને પથારીમાં વસ્તુઓ પડેલી હતી પટારામાંથી બહાર કાઢેલી. પણ પેલો પટારો ક્યાંય નજરે ચડતો ન હતો.
એ જોઈને લાંબી, પાતળી ડોકવાળા માણસે કહ્યું:

“એનો અર્થ એ થયો કે મને પણ ખબર ન હોય એવી પદ્ધતિએ જીવન મરણની સામે લડ્યું અને એમાં અન્તે જીવનનો વિજય થયો.”

૬.  એક પરિકથા

એક વખતે એક માણસ હતો. નામ એનું સેમિઓનોવ. એક વાર સેમિઓનોવ ચાલવા નીકળ્યો અને રસ્તામાં જ એણે એનો હાથરૂમાલ ખોઈ નાખ્યો. પછી એ હાથરૂમાલ શોધવા લાગ્યો. પણ, એ દરમિયાન એણે એના માથા પરનો ટોપો ખોઈ નાખ્યો. પછી એ એના ટોપાને શોધવા લાગ્યો. પણ, ટોપો શોધતાં એણે એનું જેકેટ ખોઈ નાખ્યું. પછી એ જેકેટ શોધવા લાગ્યો તો એ દરમિયાન એણે એના બૂટ ખોઈ નાખ્યા.

“જો આમને આમ ચાલશે તો હું બધ્ધું જ ખોઈ નાખીશ. એના કરતાં ચાલ, ઘેર જવા દે,” સેમિઓનોવ બોલ્યો.
પછી એ ઘેર જવા લાગ્યો તો પાછો એ રસ્તો ભૂલી ગયો.
“ના,” સેમિઓનોવ બોલ્યો, “ઘેર જવા કરતાં લાવ અહીં જ બેસી જવા દે.”

એ એક ખડક પર બેઠો અને ત્યાંને ત્યાં જ ઊંઘી ગયો.

3 thoughts on ““વારતા રે વારતા” – (૩) – બાબુ સુથાર

  1. છ એબ્સર્ડ રશિયન લઘુકથાઓ દેનિયલ ખાર્મસનો મા બાબુ સુથારદ્વારા સ રસ ભાવાનુવાદ:
    ‘ ખાર્મસ જેવો વાર્તાકાર અર્થને અશક્ય બનાવી રાજ્યને પણ અશક્ય બનાવે અને સરકારને પણ. એટલે જ તો સામ્યવાદીઓએ આ લેખક પર પ્રતિબંધ મૂકેલો. લેખકો, અલબત્ત ઊંચા ગજાના લેખકો, રાજ્યને કે સરકારને પણ ખબર ન પડે એ રીતે રાજ્ય કે સરકારની ટીકા કરતું સાહિત્ય લખી શકતા હોય છે. ખાર્મસ એમાંના એક છે.’ વાત જાણી આ લઘુકથાઓ માણી.
    એબ્સર્ડ સાહિત્યનું રૂપકાત્મક સ્વરુપ સમજવાનુ અઘરું રહ્યું પણ માણવાની મઝા આવી

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s