ફ્લાઈ રાઈટ – વાર્તા – સુચિ વ્યાસ – ઓડિયો વીઝ્યુઅલ -વિજય ઠક્કર અને સુચિ વ્યાસ


ફલાય રાઈટ – સુચિ વ્યાસ

અમેરિકામાં આવ્યા બાદ આમ ને આમ ઘણાં વર્ષો આડેધડ જ્યાં-ત્યાં નોકરિયું કરી. માંડ માંડ આખરે એક ધંધામાં જીવ હેઠો બેસાડી, લાઇને ચડી. મારા પિતાશ્રી જ્યારે ‘અખિલ હિંદ નશાબંધી’ના પ્રમુખ તરીકે રાષ્ટ્રસેવાનું દાન આપતા હતા ત્યારે સપને પણ ખ્યાલ નહોતો કે હું પણ ક્યારેક ડ્રગ-આલ્કોહોલના પ્રોફેશનમાં કામ કરીશ!

૧૯૮૨ની સાલમાં હેરોઈન, કોકેઇન, મારિવાના અને જાતજાતના પ્રિસ્કાઇન્ડ મેડિસિનને મહાલતા ખૂનખાર ગુનેગારોને કાઉન્સીલિંગ કરવાની જવાબદારી મેં સ્વેચ્છાએ સ્વીકારી. બકરીને શું ખબર કે એ મશક થવાની! પહેલાં તો નવા ન ડ્રગના નામની પણ ખબર નહોતી. મારા કુંવારા કાન સાવ અજાણ હતા. ફિલાડેલ્ફિયાની આવી એક મેથડોન ક્લિનિકમાં બેનબા ચાલ્યા સાસરે… નોકરીનો પહેલો દિવસ શરૂ C થયો. ગામના ઉતાર ગુંડાઓ, ચોર, ડાકુ, કાદુ મકરાણીઓ, ભૂપત બહારવટિયાઓ અને પુરુષોને પણ ડર લાગે એવી બાઈઓ, છોકરીઓ, રાંડો, વેશ્યાઓની કતારો આવતી રહી. ધનાધન લાકડાની તલવારે યાહોમ કરીને અંદર ઝંપલાવ્યું.

બે ત્રણ દિવસના ઓરિએન્ટેશન પછી મને એક અવરો કેઇસ સોંપવામાં આવ્યો. મારા એ ક્લાયન્ટનું નામ ફૂલાય રાઇટ! સાચું નામ રૉબર્ટ જુલિયન. ફૂલાય રાઇટ એટલે ધસમસતું વાવાઝોડું. આ વાવાઝોડાને પંખાની સંયમિત હવામાં કેમ રૂપાંતરિત કરવો એ જ સમસ્યા હતી. ફૂલાય રાઇટ બ્લેક અમેરિકન જમાતનો સરદાર હતો. ઊંચો, કદાવર, દેખાવડો. હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી રાખીને હરતો ફરતો ખલનાયક હતો. ફૂલાય રાઇટનું આગમન થાય ત્યારે બાઅદબ, બામુલાઈઝા જેવા પોકારો સાથે દુંદુભિનાદ થતા. એવું લાગે કે જાણે રાજાની સવારી આવી રહી છે. ફુલાય રાઇટ પાસે હજારો ડિઝાઈનર સૂટ હતા. કપડામાં મૅચિંગનો ભારે શોખીન! જેવા સૂટ એવા બૂટ! મોજાં, ટાઈ અને વૉકિંગ સ્ટિકના ઢગલા. પોશાકની બાબતમાં ફુલાય રાઇટ બહુરૂપી હતો. કોઈ વાર આરબ થાય. કોઈ વાર સાવ આફ્રિકન થાય તો કોઈ વાર સૂટેડ-બૂટેડ જેન્ટલમૅન જેવો બની નીકળે. આખું વેસ્ટ ફિલાડેલ્ફિયા એનાથી થથરે. સાચું પૂછો તો ફ્લાય રાઇટ વેસ્ટ ફિલાડેલ્ફિયાનો ડ્રગ લૉર્ડ કહેવાતો!

મારા સુપરવાઈઝરે પહેલી વાર વીકલી ટીમ મીટિંગમાં ફ્લાય રાઇટનો કેઇસ મારા માથે ઠોક્યો. આપણે મોઢે તમાચો મારી ગાલ લાલ કરી નીચી મૂંડીએ હા પાડી. આમેય નોકરીમાં કસોટીના સ્ટેજમાંથી પસાર થઈ જવાની ગભરામણ તો હતી જ! આખોય સ્ટાફ મૂછમાં મરક મરક હસવા લાગ્યો. બૉસે કહ્યું. ‘ફ્લાય રાઇટને સાચા રસ્તા ઉપર લઈ આવવાનો છે. ગભરાતી નહીં. અમે બધાં તારી સાથે જ છીએ. તું જો ફૂલાય રાઇટનું કાઉન્સેલિંગ કરીશ તો થેરાપ્યુટિક કમ્યુનિટીમાં અનુભવનો એક પહાડ ઊભો થઈ જશે.’ સિક્યોરિટી ગાર્ડે કહ્યું: “અમે ખડે પગે ઊભા રહેશું.” મારે બુધવારે બપોરે એક વાગ્યે ફ્લાય રાઇટને મળવાનો સમય નક્કી થયો.

આમ તો હું ભડભાદર માણસ કહેવાઉં. કોઈના બાપની સાડાબારી ન કરું પણ મંગળવારની રાત્રે ઊંઘ ન આવી. બુધવારે વહેલા નહાઈ ધોઈ શ્રી હરિને પ્રાર્થના કરી ‘મારી રક્ષા કરજે.’

બરોબર સાડા બાર થયા નથી અને કટ્રીના જેવું વાવાઝોડું ફૂંકાયું હોય એમ ફૂલાય રાઇટની સવારીને પહેલા આવતા સાંભળી અને પછી જોઈ! ફૂલાય રાઇટ આવી રહ્યો છે એવા ગગન સુધી પહોંચતા નારાઓ રણક્યા. આગળ પાછળ ફ્લાય રાઇટના સાથીદારો છડી પોકારતા આવતા હતા. આ દશ્ય જોઈ મારા પગ ધ્રૂજી ઊઠ્યા. અમે તો નાનપણમાં દ્વારકાધીશના મંદિરમાં પહેલીવાર શ્રીકૃષ્ણની છડી પોકારાતી સાંભળેલી અને અમેરિકાના પ્રેસિડેન્ટ નેશનલ સ્પીચ આપે ત્યારે તેની છડી પોકારતો માણસ ટીવી ઉપર જોઈએ. પણ બાપુ, આ તો ફૂલાય રાઇટની ડ્રગ લૉર્ડની સવારી હતી. એનો માભો, એના હોંકારા પડકારા અને ધસમસતી ચાલ રુઆબદાર હતાં. ઓહોહોહો રુવાબ અસ્સલ ગરાશિયા જેવો, આંખ્યું લાલચોળ ઘોલર મરચા જેવી. કલાકો સુધી કોતરણી કરેલ દાઢી. ધારદાર મૂછો. ક્લિનિકમાં એણે ખલનાયકની સ્ટાઈલથી એન્ટ્રી મારી. આવા તોફાની તમંચા સામે હું થથરી ગઈ. હું તો દોટ મૂકીને મીંદડીની જેમ મારા બૉસની ખુરશી પાછળ સંતાઈ ગઈ. સાવ સાચું કહું તો મૂતરી પડીશ એવો ભય લાગ્યો.

પછી તો સિક્યોરિટી ગાર્ડઝની હિંમત અને હૂંફ જોઈ મેં ‘જય અંબે’ કહી ફૂલાય રાઇટને મારી ઑફિસમાં પધારવા આમંત્રણ આપ્યું. મોઢામાંથી આગ ફૂંકાવતો ચાઇના ટાઉનમાં જોયેલા ડ્રેગન જેવો ફૂલાય રાઇટ ગાળુનો વરસાદ વરસાવતો ચાંદીની મૂઠવાળી લાકડી ઉલાળતા ઉલાળતા ઉદ્ધતની જેમ બેઠો “હું એક કલાક બેસીશ અને એક શબ્દ નહીં બોલું.’

શરીરના તમામ સ્નાયુઓની શક્તિ ભેગી કરી મેં કહ્યું, “આપણે ક્યાં મોટી મોટી થેરાપ્યુટિક વાત કરવી છે? આપણે એકબીજાને ઓળખીએ, એવી હળવી વાતો, મનની વાત કરવી છે.’ મેં ચાલુ રાખ્યું કે હું કોણ છું, મને કેટલાં છોકરાં છે. કેટલા વખતથી પરણેલી છું. આ દેશમાં ક્યારે આવી વગેરે વગેરે વાતો કરતાં મેં એને દસ-વીસ મિનિટ વાઘને પાંજરામાં રાખ્યો એમ બેસાડી રાખ્યો. પછી આવતા બુધવારે ફરી એક વાગ્યે મળીશું કહી છુટ્ટાં પડ્યાં. આવા અનેક બુધવાર પછી બે-ત્રણ વર્ષે માંડ માંડ ફ્લાય રાઇટની જિંદગીમાં મને અધખૂલે બારણે પ્રવેશ મળ્યો.

આપણો ફ્લાય રાઇટ છેલ્લા વીસ વર્ષમાં ધામધૂમે હેરોઈન વેચવાના ધંધામાં સારો એવો પૈસો કમાયો હતો. કાદુ મકરાણીની જેમ વેસ્ટ ફિલાડેલ્ફિયાના વિસ્તારમાં કોઈની તાકાત નથી કે એનો હરીફ બને. અઢારથી ચાલીસ વર્ષની એની જિંદગીમાં લાંબો સમય જેલમાં અને થોડો સમય ગલીઓમાં ગાળ્યો. જેલમાં જાય, બહાર આવે કોકેઇન વેચે. લાખોની ઊથલપાથલ, ખૂનામરકી, શાગિર્દી, ચમચાઓ, ગુલામો અને બે- ચાર- છ બેગમોનો બાદશાહ, સતત ભયમાં જીવન જીવવાની ટેવ પડી ગયેલી. પોલીસ પ્રોબેશન ઑફિસર. કરેક્ષનલ ગાર્ડઝ બધાં એના ધંધા જાણે. ચોર-પોલીસની રમતથી એ હવે થાકેલો.

ખોવાયેલો. મૂળ દિશા ચૂકેલો જીવડો! છેલ્લી વાર એનો ગુનો નામદાર જજ સાહેબે પ્રોબેશન સ્ટિમ્યુલેશન સહિત માફ કરી એને અમારી ક્લિનિકમાં મોકલેલો. એના જ શબ્દોમાં કહું તો ‘આઇ એમ મચ સોફ્ટર નાઉ’ મેં ત્રિરાશિ માંડી કે તે જો અત્યારે સોફ્ટર હોય તો પહેલા કેવો હશે અસલ હિંદી મૂવીમાં અમિતાભ કહે છે ને કે, “અબ તક તો હમ નર્મીલા હૈ.’

ફૂલાય રાઇટની મા પોતે બે વર્ષનો હતો ત્યારની સ્વર્ગે ચાલી ગયેલી. ફ્લાય રાઇટને બીજા બે મોટા ભાઈઓ. બાપ રેઇલરોડમાં કામ કરે. તેણે એક બૉસ્ટનથી નૉર્થ કેરોલાઇના સુધી રેલવેના પાટા બાંધવામાં તનતોડ મહેનત કરી, રીતસરની કાળી મજૂરી કરી. દિવસો કે સુધી ઘરે ન આવે. મા-બાપની ગેરહાજરીમાં દાદીમાએ ત્રણ છોકરાનું ધ્યાન રાખ્યું. ફ્લાય રાઇટની જિંદગીનું એક માત્ર પાત્ર દાદી જેને ફ્લાય રાઇટ બહુ વહાલો. નાનો દીકરો. મા વગરનો છે એમ માનીને મોઢે બહુ ચઢાવેલો ચિરંજીવી ફૂલાય રાઇટને પણ દાદી તરફ બહુ વહાલ, દાદીની વાતો કરતા એ આંખો લૂછે અને કલાકો દાદીની વાત કરતા ન ધરાય. બસ એક દાદીને જ ફૂલાય રાઇટ સાચા દિલથી વહાલ કરતો હતો.

આ બાજુ બાપ તનતોડ મહેનત કરીને ઘરે આવે ત્યારે ચકચૂર દારૂ પીએ. નીતનવી સ્ત્રીઓ ઘરમાં ઘાલે અને દાદીને ઘરખર્ચના પૈસા આપી પોતાની બાપ તરીકેની ફરજ પૂરી પાડયાનું મન મનાવે. ઘરે આવેલ બાપ સાથે રમવાનું, વાતો કરવાનું, પ્યાર કરવાનું દિવસોથી સાચવેલું સપનું હંમેશાં ફ્લાય રાઇટના દિલમાં ચૂરેચૂરા થઈ જતું હતું. ફૂલાય રાઇટ ઘણીવાર દાદીમાને કહેતો કે: “મને બહુ દુ:ખ થાય છે. ડેડ નેવર હેઝ ટાઇમ ફોર મી.’

બીજી બાજુ બે મોટા ભાઈઓએ પણ દારૂ-મારિવાના ફૂંકવાના શરૂ કરી દીધેલા. શેરીનાં ભેરુ, ભાઈબંધુની વાંસે વાંસે ફ્લાય રાઇટ પણ ટણક ટોળીમાં ભળવા લાગ્યો. નશો કરવા ખુલ્લું મેદાન. વણલખી કૌટુંબિક પરવાનગી સાથે ફ્લાય રાઇટનું ચોક્કસ અને ત્વરિત ગતિએ અધપતન થતું જ રહ્યું. રોજ રાતે દાદી વહાલથી પ્રેમથી કહેતી “દીકરા, આ રસ્તો ખોટો છે. ભાઈ રહેવા દે પાછું આવવું હશે તો પણ નહીં અવાય; ભાઈ, ધીરો પડ.” વહાલસોયી દાદીની વાત સવાર પડ્યે જેમ ઝાકળ સુકાઈ જાય તેમ સુકાઈ જતી હતી.

બાવીસ વર્ષની હેરોઇનની લત છોડવા માટે મેથડ્રોન ટ્રીટમેન્ટ, લેવાની ફરજ પડેલી. એની સાથે અઠવાડિયે એક વાર બે કલાકનું કાઉન્સેલિંગ થાય. બાપ- દાદી બન્ને મરી ચૂકેલા. બે મોટા ભાઈઓ ‘ જેલમાં છે કે મરી ગયા છે કે ક્યાંક બીજા ગામમાં ડ્રગ વેચવાનો ધંધો કરે છે. દાદીના જૂના મકાનમાં પોતે એકલો રહે છે. ત્રણ-ચાર બિલાડી પાળી છે જેનું જતનથી ધ્યાન રાખે છે. એક કપટી ભાણિયો મહિનામાં ૧૦- ૧૨ દિવસ ભેગો રહે છે. બાકીના દિવસો પોતાની બેનપણીઓ સાથે રહે છે. ફ્લાય રાઇટને લાંબી એકિટીવ લાઇફ સ્ટાઇલ પછી આવું સાધુડા જેવું જીવન ગમતું નથી. ફાવતું તે નથી. હેરોઇન બંધ કર્યું છે. પણ રોજ રાતે પાડોશના બારમાં દબદબા સાથે ભાઈબંધોનો દરબાર ભરી બેસવાનું, વેશ્યા નચાવવાની, જરૂર પડે તો પહેલાની જેમ નહિ, પણ નાનો મોટો ડ્રગનો ધંધો, દલાલી, ડ્રગ અને ગુંડાઓની બાતમીની આપ-લે એવું કામ નિરંતર ચાલુ રાખેલું. પ્રોબેશન ઑફિસરથી છાનું છપનું, ધીમું ધીમું ડ્રગનું ઝેર શરીરમાં રેડાતું જ રહ્યું.

દસ બાર વર્ષના પરિચય પછી ફૂલાય રાઇટને મારા તરફ દાદીમા જેટલો નહીં તોપણ ઘણો પ્રેમ અને વિશ્વાસ ઊભા થઈ ચૂકેલા. હવે ગાળ દેવાને બદલે મિસ સુચિને “મામા સુચિ’ કહેતો. આમ ધીરે ધીરે વિકરાળ ફ્લાય રાઇટની અંદર રહેલા એક ધબકતા લાગણીશીલ, માણસના અને છેવટે એક ગભરુ બાળકનાં દર્શન! થવા લાગ્યાં. વધતી જતી ઉંમર, લાંબી એડિક્ટિવ લાઇફ સ્ટાઇલને લીધે એનું શરીર લથડવા લાગ્યું. ફરી નવી સમસ્યાઓ ઊભી થઈ. રોજ રોજ માથા ફોડવાનું ચાલુ, સામ, દામ, દંડ ભેગા કરી કાલાવાલા કરું કે “ફ્લાય રાઇટ હાલ તને ડૉક્ટર પાસે લઇ જાઉં.” કરોડરજ્જુ, હાથ, પગ બધું શિથિલ થવા લાગેલું, માથું પણ નીચે પડી ગયેલું, આખરે એક દિવસ હારીને હું રડી પડી. ‘ફૂલાય રાઇટ તું મરી જઈશ ડૉક્ટરને દેખાડ!” ત્યારે ફ્લાય રાઇટે તેની જિંદગીનું એક ગુપ્ત પ્રકરણ ખોલ્યું.

“લગભગ આઠ વર્ષની ઉંમરે મને એકી બંધ થઈ ગયેલી. મને પીનસમાં પણ ભરાઈ ગયેલું. અનહદ વેદના ઊપડતાં મારી દાદી મને ડૉક્ટર પાસે લઈ ગયેલી. ત્યારે ક્લોરોફોર્મ આપ્યા વગર એ ડૉક્ટરે મને સુન્નત કરેલી. તે દી’ની વેદના હું હજી ભૂલ્યો નથી! મરી જઈશ પણ કોઈ ડૉક્ટર પાસે નહિ જઉં! ”

આ મુલાકાત પછી ફૂલાય રાઇટ આઠ દિવસ સુધી દેખાણો નહિ. તેના બે-ચાર દોસ્તારો અને કપટી ભાણિયાને પૂછતાં ખબર પડી કે ફૂલાય રાઇટ ખાટલામાંથી ઊઠી શકતો નથી. એનું કોઈ નથી. મેં બૉસ પાસે વિચાર રજૂ કર્યો કે, તરત જ એના ધરે જઈ ક્લીનિક પર લઈ આવું. હું અને એક સિક્યોરિટી ગાર્ડ એના ઘરે ગયા. ફ્લાય રાઇટ બહુ ખુશ થયો કે એનું કોઈ નથી એવું નથી, ફરી એકવાર ડિઝાઇનર સૂટ પહેરી લાકડી લઈ ઘરમાંથી બહાર નીકળી, હસતો હસતો ગાડીમાં બેસી ગયો. ક્લિનિકમાં બધાએ એને વધાવ્યો. આઠ દસ દિવસની મેથડોન એને ઘેર લઈ જવા આપી. એકાદ કલાક પછી એને ફરી ઘરે મૂકવા જતી હતી ત્યારે ફ્લાય રાઇટ નાક, આંખો લૂછતો લૂછતો બોલતો હતો: ‘ગ્રાન્ડમા, આઇ એમ કમિંગ હોમ… ગ્રાન્ડમા વેઇટ ફોર મી. મામા સુચિ ઈઝ ડ્રાઈવિંગ મી ટુ યૉર હોમ…’

બે- ત્રણ મિનિટ મેં તેને બોલવા દીધો. પછી મેં પૂછ્યું, ‘ફ્લાય રાઇટ, ગ્રાન્ડમા તો ક્યારની ય સ્વર્ગમાં ચાલી ગઈ છે. તું કોની સાથે વાતો કરે છે?’

ત્યારે જવાબ આપે છે કે, “હું નોટ ડિસ્ટર્બ મી આઇ એમ ટોકિંગ ટુ માઈ ગ્રાન્ડમા.”

એનું ઘર આવ્યું- ૩૨૪૦ ચેસ્ટર એવન્યુ. ગાડી ઊભી રાખી બારણું ખોલી મેં ફ્લાય રાઇટને હાથ આપી કહ્યું કે ધ્યાન રાખજે, ઘરનાં પગથિયાં ચઢતા ફ્લાય રાઇટ ૩૨૪૨ નંબરના ઘર તરફ જવા લાગ્યો ત્યારે મેં બૂમ પાડી કહ્યું: “ફ્લાય રાઇટ તારું ઘર ૩૨૪૦ છે…”

પાછળ જોયા વગર એ એટલું જ બોલ્યો, આજે હું સાચા ઘરે જાઉં છું. હવે તું પાછું ફરીને મારા તરફ ન જોતી.”

બરોબર તે સાંજે છ વાગ્યે ક્લિનિકમાં ખબર આવ્યા કે ખરેખર એ દાદીમાને ઘરે સિધાવ્યો. સત્તર અઢાર વર્ષની મારી ફ્લાય રાઇટની યાત્રાનો પ્રશ્ન મારા મનમાં રમે છે… | ‘હુ ઇઝ હિલિંગ? યુ ઓર મી? રૂઝ કોને વળે છે, તને કે મને? પાછળ જોયા વગર એ એટલું જ બોલ્યો, આજે હું સાચા ઘરે જાઉં છું. હવે તું પાછું ફરીને મારા તરફ ન જોતી.

બરોબર તે સાંજે છ વાગ્યે ક્લિનિકમાં ખબર આવ્યા કે ખરેખર એ દાદીમાને ઘરે સિધાવ્યો. સત્તર અઢાર વર્ષની મારી ફ્લાય રાઇટની યાત્રાનો પ્રશ્ન મારા મનમાં રમે છે… | ‘હુ ઇઝ હિલિંગ? યુ ઓર મી? રૂઝ કોને વળે છે, તને કે મને?

4 thoughts on “ફ્લાઈ રાઈટ – વાર્તા – સુચિ વ્યાસ – ઓડિયો વીઝ્યુઅલ -વિજય ઠક્કર અને સુચિ વ્યાસ

 1. સુ શ્રી સુચિ વ્યાસની સત્ય હકીકત પર અધારીત અમારાય્હી તદાન અજાણી દુનિયાની હકીકતો
  મા વિજય ઠક્કર જેવા ના સ રસ ભાવવાહી પઠન દ્વારા માણવાની મઝા આવી.
  કાશ ! આવી રીતે ઘણી ખરી વાર્તા આવા ભાવવાહી પઠન દ્વારા માણવાની હોય તો અમારા જેવા મૅક્ત્યુલામા હોલ હોય તેને આશીર્વાદ રુપ રહે
  ધન્યવાદ

  Like

 2. સુચિબહેનની આ સત્ય ઘટના વાર્તા રુપે વાંચી. પહેલાં તો સુચિબહેનની ધીરજને સલામ. ફ્લાય રાઈટ જેવા ડ્રગના બેતાજ બાદશાહને સતત સંવેદનશીલ પ્રેમ આપી એનુ હ્રદય પરિવર્તન કરવું અને સુચિ મમ્માનુ પદ પામવું સહેલું નથી. વિજયભાઈના કંઠે સાંભળ્યા પછી ક્કથાનુ સાચું પોત નિખરી આવ્યું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s