બે કાંઠાની અધવચ  —— પ્રીતિ સેનગુપ્તા


બે કાંઠાની અધવચ  ——  પ્રીતિ  સેનગુપ્તા

  (પ્રકરણ -૩)

એ વખતને યાદ કરતાં કેતકી આજે પણ જરા થથરી ગઈ.

અંજલિને બહુ જ ઇચ્છા, કે પોતાને માટે પણ એક પાર્ટી થાય. લગભગ બધી બહેનપણીઓની પાર્ટીમાં એ જઈ આવેલી. હવે એનો વારો આવવો જ જોઈએ ને? પણ સુજીત માને જ નહીં. પાર્ટીની શું જરૂર છે આ ઉંમરે? પાર્ટીના ખર્ચા તે કાંઈ હોય આ ઉંમરે?

અંજલિની દસમી વર્ષગાંઠે એમ તો કેતકીએ એની થોડી ફ્રેન્ડ્સને બપોરે, સ્કૂલ પછી તરત બોલાવી લીધેલી. ખૂબ સુંદર કેક એણે જાતે બનાવેલી. અંદર ચૉકલેટ અને ઝીણી કાપેલી સ્ટ્રૉબેરીની ગોઠવણ, અને ઉપર રંગીન આઇસીંગથી ડિઝાઇન કરીને લાલ ગુલાબનાં ફૂલ અને નાનકડાં લીલાં પાન બનાવેલાં, ને વચમાં અંજલિનું નામ લખેલું. જોઈને દરેક જણ આઆઆહ કરવા માંડેલું. આછા ગુલાબી ફ્રૉકમાં અંજલિ પોતે જ ખીલતી કળી જેવી દેખાતી હતી ને, કેતકીને લાગ્યું હતું.

અંજલિને પણ ગમ્યું ઘણું, પણ આટલું એને પૂરતું ના લાગ્યું. બીજી છોકરીઓ તો કેટલું બધું કરે છે બર્થ-ડે પર. બધાંને બહાર લઈ જાય છે, ને તેં તો બધાંને ઘેર બોલાવીને જ પતાવી દીધું, એણે આઇને કહ્યું.

અંજલિ વધારે લોભ કરતી હતી, એમ કેતકીને લાગ્યું તો ખરું, પણ દીકરીને નિરાશ કઈ રીતે કરે? એણે કહ્યું, “સારું, બેટા, આપણે તારી બધી બહેનપણીઓને સરસ પિક્ચર જોવા લઈ જઈશું, બસ?”

ડિઝની કંપનીની એક સારી ફિલ્મ આવી હતી તે જોવા લઈ જવાનું નક્કી થયું. બપોરનો શો હતો, એટલે ઘેર જતાં કોઈને મોડું થવાનું નહતું. કેતકીએ સુજીતને વાત કરેલી. એ કશું બોલ્યો નહતો, એટલે એને વાંધો નથી એમ જ કેતકીએ માનેલું. પણ એ બપોરે, ચોકીદારી કરવાનો હોય એમ, એ ઑફીસેથી વહેલો ઘેર આવી ગયો, ને અંજલિને ફિલ્મ જોવા જવા દેવા તૈયાર જ ના થયો.

કેતકીએ કેટલી આજીજી કરી દીકરી માટે – બધાંને કહેલું છે, નાની છોકરીઓ માટેની જ ફિલ્મ છે, તમે ત્યારે તો ના નહતી પાડી, હવે બધી છોકરીઓને ના પાડીએ તો કેવું લાગે, બિચારી અંજલિનું મન તૂટી જશે, આ એક વાર એની ઇચ્છા પૂરી કરી લેવા દો —. એણે હાથ જોડીને સુજીતને મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ એણે ના-ની હા કરી જ નહીં.  અંજલિ રડી રડીને અડધી થઈ ગઈ.

રાતે એને જરા તાવ આવી ગયો. સવારે એ સ્કૂલે ના જઈ શકી. બહેનપણીઓએ માન્યું, કે તબિયતના કારણે જ ફિલ્મ જોવા જવાનું કૅન્સલ કરવું પડ્યું હશે. કેટલીકના ફોન આવી ગયા, બે-ત્રણ જણ ઘેર ખબર કાઢવા આવી. સારું થયું આપણે ના ગયાં. તારું મોંઢું તો જો, કેલ્સીએ કહ્યું.

અને ફિલ્મ બહુ સારી પણ નથી, એવું કહે છે બધાં, ઑલિવિયા બોલી.

કેતકી અંજલિને હસતી જોવા ઇચ્છતી રહી, પણ એના હોઠ પર સ્મિત આવ્યું નહીં – એ દિવસે નહીં, ને ઘણા દિવસ સુધી નહીં. સુજીત તો આખો બનાવ ભૂલી ગયો હોય તેમ વર્તતો હતો. અંજલિ હોમવર્ક પરના સુજીતના સવાલોના જવાબ આપતી હતી, જરૂર પ્રમાણે ઘરમાં વાત કરતી હતી, પણ કેતકી જોઈ શકતી હતી કે પહેલાંની જેમ એ હસતી-રમતી નહતી.

બે-ત્રણ દિવસ પછી સ્કૂલેથી ઘેર લાવતાં કેતકી ગાડી શૉપિંગ મૉલ તરફ લઈ ગઈ. ચલો, આપણે આઇસ્ક્રીમ ખાઈએ, એણે કહ્યું. સચિન તો ખુશ. અરે, વાહ, આજનો દિવસ સ્પેશિયલ છે ને કંઈ.

અંજલિએ કહ્યું, આઇ, તમે લોકો ખાઈ આવો. હું ગાડીમાં બેઠી છું. મારે આજે બહુ હોમવર્ક છે.એનો અવાજ સ્વાભાવિક હતો, પણ એની મા સમજી શકી કે કશું સ્પેશિયલ એને જોઇતું નથી, હજી એનું કુમળું મન રુઝાયું નથી.

કશો આગ્રહ કર્યા વગર એણે સચિનને પૈસા આપ્યા, ને એને જે જોઇએ તે આઇસ્ક્રીમ લઈ આવવા કહ્યું.

ના, આઇ, સચિને કહ્યું. ફરી કોઈ વાર ખાઈશું. આજે સિસ ખાવા નથી માંગતી ને? એટલે આજ રહેવા જ દઈએ. બધાં સાથે ખાતાં હોય ત્યારે ખાવાની મઝા પણ વધારે આવે ને.

હજી તો કેટલો નાનો હતો, ને આટલો ડાહ્યો થઈ ગયો હતો સચિન?

કેતકી મનોમન દુભાતી રહી. આટલાં અમથાં છોકરાં આવી ભાવતી વસ્તુથી વિમુખ થઈ ગયાં. કેવી સમજણ આવી ગઈ છે એમનાંમાં. જાણે બાળપણ પૂરું થઈ જવા આવ્યું બંનેનું.

આવું બન્યું કઈ રીતે, એ વિચારતી રહી. સુજીતને તો પહેલેથી છોકરાં વહાલાં હતાં. સચિન જન્મ્યો ત્યારે સુજીત કેટલો ખુશ થયેલો, ને એ ખુશી તો અંજલિના આવતાં વધેલી. બંનેને લઈને એ બાગમાં જાય ત્યારે જોવા જેવું થતું. સચિનને એ ખભા પર બેસાડી દેતો, ને નાની અંજલિને સંભાળીને હાથમાં લઈ લેતો. ખાલી બાબાગાડી  ધકેલતી આવતી કેતકીની નજર ત્રણે પર ફરતી રહેતી. બંને છોકરાં સુજીતે ઊચક્યાં છે, ને કોઈ એક પડી ના જાય, એવી ચિંતા એની નજરમાં રહેતી.

અરે તુકી, તું ખોટી ચિંતા કરે છે, નાનપણથી પડેલું કેતકીનું વહાલનું નામ દેતાં સુજીત કહેતો. હું તે કશું થવા દેતો હોઇશ મારાં બચ્ચાંને. અરે, મારો સચિન તો બહાદુર છે. સોલ્જર થવાનો છે.

સચિન પાપાના ખભા પર ઊંચે બેસીને ખાલી ખાલી સલામ ભર્યા કરે, ને નાનકડી અંજલિ આનંદના લવારા કરતી હોય. પછી તો કેતકી કૅમૅરા સાથે રાખવાનું ભૂલતી જ નહીં. પાપા સાથે બંને છોકરાંના કેટલાયે ફોટા એણે લીધા હશે.

બે જણ થોડાં મોટાં થયા પછી સુજીતની એમની સાથેની પ્રવૃત્તિઓ થોડી બદલાઈ. સચિન સાથે એ ઘરના આગળના ભાગમાં બૉલથી રમતો – એટલેકે સચિનને જાળીમાં બેઝબૉલને ફેંકવાની પ્રૅક્ટીસ કરાવતો. ઘણી વાર અંજલિ પગથિયા પર ઊભી ઊભી કહે, પાપા, મને. મને નહીં?

અરે, તારી સાથે તો હું ઘર-ઘર રમવાનો છું. ચાલ, મને ચ્હા બનાવીને પીવડાવ.

વારંવાર બંનેને લઈને એ આઇસ્ક્રીમ ખાવા પણ જતો. ઓહ, કેતકી વિચારમાંથી એક આંચકા સાથે બહાર નીકળી આવી. એને હવે કારણ સમજાયું કે આજે અંજલિએ, ને પછી સચિને આઇસ્ક્રીમ ખાવાની ના કેમ પાડી દીધી. ઘરમાં તો બેથી વધારે જાતના આઇસ્ક્રીમ રાખવામાં આવતા જ, પણ પાપાને જુદી જુદી ફ્લેવર ટ્રાય કરવી બહુ ગમતી, એટલે બહાર ખાવા જવાનો પ્રોગ્રામ ઘણી વાર થતો. બસ, એટલે જ આજે બંને છોકરાં ખાવા નહોતાં જ માગતાં.

આઇસ્ક્રીમ એટલે પાપાની સાથેનો સંદર્ભ. બંને છોકરાં પાપાના વર્તાવથી એવાં દુઃખી થયેલાં કે એ સંદર્ભથી પણ દૂર રહેવા માગતાં હતાં.

અરે, મને કેમ આ ખ્યાલ ના આવ્યો, કેતકી પસ્તાઇ. આટલાં માસુમ મનને દુઃખી કર્યાં. અરે, ક્યાંક બીજે -મૅકડૉનાલ્ડમાં કે પિત્ઝા ખાવા લઈ ગઈ હોત તો.

પણ ક્યારથી ચિડિયો બનવા લાગ્યો હતો સુજીત? શું એને કામનું ટૅન્શન રહેતું હશે? કામ ઠીક ચાલતું નહીં હોય? એવી કોઈ વાત એણે કેતકીને કરી નહતી. છોકરાં ટીન-એજર થતાં ગયાં તેમ એનો સ્વભાવ જાણે બદલાતો ગયો હતો. એનું સ્પષ્ટ કોઈ કારણ એ શોધી નહતી શકી.

છોકરાં તો હોંશિયાર હતાં, ખૂબ વાંચતાં, જાતે વિચારતાં, પાપા સાથે દલીલો કરતાં – તો શું એ જ નહીં ગમ્યું હોય સુજીતને? પોતાનાં બાળકો સ્વતંત્ર રીતે વિચારતાં અને મત પ્રદર્શિત કરતાં થવા માંડ્યાં હતાં તે? એથી કરીને એ ના કહેવા માંડેલો એમને, વધારે સ્ટ્રિક્ટ થવા માંડેલો એમની સાથે?

આઇસક્રીમ ખાધા વગર પાછાં ફર્યાને ઘણી વાર થઈ ગઈ હતી. થોડી રસોઈ કર્યા પછી કેતકી છોકરાં શું કરે છે તે જોવા ગઈ. બંનેના રૂમનાં બારણાં બંધ હતાં. સચિનના રૂમમાંથી ઇલેક્ટ્રિક ગિટારની સિ.ડિ. વાગતી હોય તેમ લાગ્યું. અંજલિનો રૂમ શાંત હતો. કેતકીએ બારણા પર ટકોરા મારીને બારણું ખોલ્યું. અંજલિ ટેબલ પર બેસીને ચૂપચાપ હોમવર્ક કરી રહી હતી.

ભૂખ લાગી છે, બેટા?

અંજલિની નિઃશબ્દ ના ગણકાર્યા વગર કેતકીએ આગળ કહ્યું, થોડી જ વારમાં જમવા બોલાવું છું, હોં, બેટા.

(વધુ આવતા સોમવારે)

3 thoughts on “બે કાંઠાની અધવચ  —— પ્રીતિ સેનગુપ્તા

  1. પ્રીતિ સેનગુપ્તાની નવલકથા બે કાંઠાની અધવચ નો સરળ પ્રવાહે વહેતો પ્રકરણ -૩નો પ્રવાહ…રાહ પ્રકરણ ૪નો

    Like

  2. આ નવલકથા મુંબઈ ના સમાચાર પત્ર જન્મ ભૂમિ પ્રવાસી માં વાંચેલ હતી. ફરીથી વાંચવા મળે છે.તેનો આનંદ છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s