સાંભળે કોઈ – ગઝલઃ ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ


“સાંભળે કોઈ…!”

છો વાગે નગારું નહી સાંભળે કોઈ
અહીં  એકધારું નહી સાંભળે કોઈ

છે લાચાર ચહેરો તો સૌ સાંભળે છે
જો મહોરું ઉતારુ નહી સાંભળે કોઈ

જણાવો બધાને શું થઈ છે ખરાબી
બધુ સારું સારું નહી સાંભળે કોઈ

રહ્યા આપણે સાવ સામાન્ય માણસ
તમારું ને મારુ નહી સાંભળે કોઈ

બધા ત્યારે સાંભળવા ટોળે વળે છે
હું જ્યારે આ ધારું નહી સાંભળે કોઈ

વિચારું છું રાતે કે કાલે શું કહેવું ?
સવારે વિચારું, નહી સાંભળે કોઈ

આ કાચી ગઝલ જે તમે સાંભળો છો,
જો આને મઠારું નહી સાંભળે કોઈ.
                        –           ભાવિન ગોપાણી

 કવિશ્રી ભાવિન ગોપાણીની ગઝલ, “સાંભળે કોઈ” નો આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

આજના સમયમાં લોકોને સંભળાવવાના માધ્યમો વધતાં ગયાં અને સાંભળવાની ક્ષમતા ઘટતી ગઈ છે. પહેલાંના સમયમાં રાજાને પ્રજા સુધી જ્યારે કંઈ પણ અગત્યની ખબર પહોંચાડવાની હોય ત્યારે નગારું વગાડીને, ગામમાં ઢંઢેરો પીટાતો. આજે હવે WhatsApp University ઘરઘરમાં ખુદ પહોંચી ગઈ છે. એમાંયે હવે આવતા લાંબા સંદેશાઓ વાંચવાનું ગજું નથી રહ્યું. ડંકાની ચોટથી જે કહેવું હોય તે કહો, પણ ટૂંકમાં કહો, લાંબુ સાંભળવાનો વખત હવે કોઈને નથી. લાંબુ સંભળાવશો તો સમજવાનો સમય નથી અને સમજાઈ પણ ગયું તો એને અમલમાં મૂકવાનો વિચાર આવે એના આસાર પણ નથી! કારણ, આ એકવીસમી સદી છે!

લોકોને સતત સારું સારું પણ નથી સાંભળવું. ચહેરા પર ઉદાસીનું મ્હોરૂં ચડાવી લઈને, શબ્દોમાંથી લાચારી ઝમે તો કદાચ લોકો થંભી જશે કે કંઈક બુરૂં બન્યું છે તો પળવાર જરાક માણસ હોવાની ફરજ નિભાવી લઈએ! અહીં બધાંને ચહેરા પરનાં મ્હોરાંમાં વધુ રસ છે, અસલી ચહેરા કરતાં!

“માણસો ક્યાં? અહીં તો માત્ર ચહેરાં મળ્યાં!
ચહેરા પર ચહેરા ને એ પર મ્હોરાં મળ્યાં!”

સૌને બીજાની જિંદગીમાં શું ખરાબી થઈ છે એ સાંભળવામાં વધુ રસ છે. કદાચ સારાપણાની પોઠ સારીને, થાકી ગયેલો માણસ, કંઈક અવનવું સતત શોધે છે. ખરાબી ન થઈ હોય તોયે કોઈ વાર્તા બનાવીને નહીં કહો તો સાંભળવા માટે કોઈ ઊભું પણ નહીં રહે. ઈન્દ્રિયો બધિર બની ગઈ છે અને કાન પર માત્ર ખખડતા પથ્થરો જેમ શબ્દો પડ્યા કરે છે. કાન પર કેફ ચડતો નથી કે એને કોઈ નશો કરાવી શકાતો નથી. શબ્દોનો તર્ક સાથેનો સેતુ કાનના થકી જ બંધાય છે. ઘણું બોલવું છે, ઘણું કહેવું છે અને સામા માણસના હ્રદય સુધી શબ્દો થકી પહોંચવું છે પણ અહીં સંભળાવી શકાય એની સંભાવના પણ ક્યાં રહી છે? આજે આપણે સેલેબ્રીટી અને ટિકટોકના સમયમાં શ્વસી રહ્યાં છીએ. સામાન્યમાં સામાન્ય માણસ પણ હવે ચાહે તો સ્ટાર પળવારમાં બની શકે છે ત્યારે સાવ સહજ રીતે કરાતી, અમસ્તી, ‘મારી તારી વાતો” સાંભળવા ઊભું પણ કોણ રહેશે? આજે વિચારોના વમળમાં એકલાં જ તણાતાં રહેવાનું છે કે પછી હ્રદયના આ મોજાંનો રવ, કિનારે ટોળે વળીને ઊભેલાં લોકોમાંથી કોઈના કર્ણપટલ પર પહોંચશે ખરો? આ એક એવો સાદો સવાલ છે કે જેનો જવાબ આપવાનું ગજું કોઈ પણ ધરાવતું નથી. આ વરવી સચ્ચાઈને સ્વીકારતાં થાય છે, કે, આપણે ક્યાં આવી ગયાં છીએ? બન્ટ્રાડ રસેલનું એક પુસ્તકનું શીર્ષક “માનવ તારું ભાવિ શું?” આજના સમયમાં, પોતામાં જ એક સંપૂર્ણ કવિતા છે.

“વિચારું છું રાતે કે કાલે શું કહેવું?
સવારે વિચારું, નહી સાંભળે કોઈ!”

આ શેરમાંની લાચારી અને નિરાશા ટીપે ટીપે સરી રહી છે. કવિનો શબ્દ છે, એ એને તોળી માપીને તો બોલી શકે નહીં. કેટકેટલું વ્હાલ વહેંચવાનું છે, કેવા કેવા પ્રસંગોની પરિકથા માંડવાની છે અને ઉમંગોની ઉડાન ભરતાં આ શબ્દોના મેઘધનુષોને સમજાવવાના છે..! રાત આખી આવાં વિચારોમાં વિતી ગઈ કે સવાર આવતાં જ બધું જ કહી દઈશું પણ સૂરજનું પહેલી કિરણ એની સાથે એક સાંપ્રત સંજોગોનું વરવું સત્ય લઈને આવ્યું કે છોડો, કોઈ સાંભળશે નહીં..! અને આ શેર, વાંચનારને ચાબખો મારે છે. કવિ શબ્દોમાં જે નથી કહેતાં એ વિષે અધ્યાહારમાં સમજાવી જાય છે કે હદયના દ્વાર સુધીનો રસ્તો સ્પર્શ, આંખ અને કાનથી થઈને જાય છે. આમાંની એક ઈન્દ્રિય પણ સરખી રીતે ન માણી તો હૈયાની સમૃદ્ધિ સીધેસીધી ત્રીજા ભાગની ઘટી જશે..! સમયના ટકોરા પણ આ જ કહે છે.

“આ કાચી ગઝલ જે તમે સાંભળો છો,
જો આને મઠારું નહી સાંભળે કોઈ..!

આપણે હવે અધૂરપને પણ પ્રેમથી ચલાવી લેનારા એટલી હદ સુધી બની ગયા છીએ કે પૂર્ણતાનો ભય લાગે છે. કાચું-પાકું કહેવાય, એના પર જ વિશેષ ટીપ્પણી કરીને આપણું કામ ચાલી જાય છે તો સંપૂર્ણતાનો આગ્રહ શા માટે, શેને માટે? આ શેર સમસ્ત માનવજાત માટે એક મોટો સવાલ કરે છે કે, સતત બુલેટ ટ્રેનની સ્પીડથી દોડતી આ જિંદગીમાં પૂર્ણત્વ પામવા માટે જે એક ઠહેરાવ જોઈએ, એટલું જાણી શકવાનો સમય પણ આપણી પાસે છે ખરો? કવિ સાવ સરળતાથી વહેતી આ ગઝલમાં સાદગીનો વૈભવ લઈને આવ્યા છે અને આ જ આ જ આ ગઝલની યુ.એસ.પી. – યુનિવર્સલ સેલિંગ પ્રપોઝીશન છે.

ક્લોઝ-અપઃ અમૃત ઘાયલ

“ઓઝલમાં એકમેકને સાચે જ રસ નથી,
એ સોડ પણ નથી કે હવે સંતલસ નથી

અહીંયા સંબંધ છે ઘણા પણ નામ પૂરતા,
એથી વિશેષ  કોઈને કોઈમાં રસ નથી.”

1 thought on “સાંભળે કોઈ – ગઝલઃ ભાવિન ગોપાણી – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

  1. કવિશ્રી ભાવિન ગોપાણીની ગઝલ, “સાંભળે કોઈ” નો સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા સરસ આસ્વાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s