શ્રીમદ્ ભાગવત કથા -પ્રથમ સ્કંધ – ત્રીજો અધ્યાય – ભગવાનના અવતારોનું વર્ણન – જયશ્રી વિનુ મરચંટ     


   પ્રથમ સ્કંધનૈમિષીયોપાખ્યાનનો ત્રીજો અધ્યાય – ભગવાનના અવતારોનું વર્ણન

(પ્રથમ સ્કંધના બીજા અધ્યાયમાં આપે વાંચ્યું કે, માનવ પ્રાકૃતિના ત્રણ ગુણ છે – સત્વ, રજ, અને તમ. આ ત્રણ ગુણોને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર – આ ત્રણ નામ ધારણ કરે છે. તેમ છતાં, મનુષ્યનું પરમ કલ્યાણ તો શ્રી હરિના નામ સ્મરણથી જ થાય છે. સત્વગુણ શ્રેષ્ઠ છે કારણ કે તે ભગવાનનું દર્શન કરાવે છે. જે લોકો આ ભવસાગર પાર ઊતરવા ઈચ્છે છે તેવા અસૂયારહિત મનુષ્યો, સત્વગુણી વિષ્ણુ ભગવાનની અને એમના અંશ – એવા એમના વિવિધ સ્વરૂપોની ભક્તિ કરે છે. શ્રી કૃષ્ણ જ વેદોનું તાત્પર્ય છે, શ્રી કૃષ્ણ જ યોગેશ્વર છે, શ્રી કૃષ્ણ જ યજ્ઞેશ્વર છે, “ભોક્તાડહમ્, ભોજ્યંહમ્, ભુક્તંહમ્” પણ શ્રી કૃષ્ણ જ છે. ભક્તિ, તપસ્યા, જ્ઞાન, વૈરાગ્ય અને અંતિમ ગતિ, એ સઘળું જ વાસુદેવ શ્રી કૃષ્ણ જ છે, એમાં કોઈ શંકા જ નથી. સત્વ, રજ, અને તમ – એ ત્રણે ગુણ તે જ પ્રભુની માયાનો વિલાસ છે; તે ગુણોમાં રહીને ભગવાન તેમનાથી યુક્ત હોય એવું અનુભવાય છે, પણ વાસ્તવમાં તેઓ ત્રિગુણાત્મક પણ છે અને ત્રિગુણમુક્ત પણ છે. અને આ બેઉની વચ્ચે જ એમની લીલા વિસ્તરે છે. સૌના આત્મરૂપ ઈશ્વર તો એક જ છે પણ પ્રાણીઓની અનેકતાને કારણે તેઓ અનેક જેવા દેખાય છે. એમણે જ સમસ્ત લોકની રચના કરી છે અને તેઓ જ દેવતા, પશુ-પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં અવતાર લઈને દેશકાળને અનુસાર સત્વગુણ થકી જ સર્વ જીવોનું પાલન પોષણ કરે છે. હવે અહીંથી વાંચો આગળ.)

 શ્રી સૂતજી કહે છેઃ સૃષ્ટિના આરંભમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી. ઈચ્છા થતાં જ તેમણે મહત્તત્વાદિ સાધનો દ્વારા દસ ઈન્દ્રિયો, એક મન અને પાંચ ભૂત – આ સોળ કળાયુક્ત પુરુષરૂપ ધારણ કર્યું. તેમણે જળમાં શયન કરતા હતા ત્યારે યોગનિદ્રાનો વિસ્તાર કર્યો અને તેમના નાભિ સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું. તે કમળમાંથી પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા. ભગવાનના તે વિરાટ રૂપના અંગ-પ્રત્યંગમાં જ સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે, તે ભગવાનનું વિશુદ્ધ સત્વમય શ્રેષ્ઠ રૂપ છે, એટલું જ નહીં, તે ભગવાનનું સગુણરૂપ છે.આ સગુણરૂપ એ જ છે બ્રહ્મરૂપ દર્શન.

ભગવાનનું આ રૂપ હજારો પગ, જાંઘો, ભુજાઓ અને મુખોને કારણે અત્યંત વિલક્ષણ છે. તેમાં હજારો મસ્તકો, હજારો આંખો અને હજારો નાસિકાઓ છે. હજારો મુગટ, વસ્ત્રો અને કુંડળ વગેરે આભૂષણોથી એ રૂપ ઉલ્લાસિત છે. આ સ્વરૂપને જ નારાયણ કહે છે, જે અનેક અવતારોનો અક્ષય કોષ છે. આ રૂપના કણ કાનમાંથી જ દેવતા, મનુષ્યો, પશુ, પક્ષી વગેરે યોનિઓની ઉત્પત્તિ થાય છે.

પ્રભુના અવતારોઃ

૧.  તે પ્રભુએ જ પહેલાં કૌમારસર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર – આ ચાર બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો   અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું.

૨.  બીજી વાર રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા વરાહ-રૂપ લીધું.

૩.  ઋષિઓની સૃષ્ટિમાં દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો તે અવતારમાં સાત્વત તંત્ર – જેને નારદ પાંચરાત્ર કહે   છે – નો ઉપદેશ કર્યો. આ તંત્રમાં કર્મો વડે કર્મોના બંધન કેવી રીતે કાપવા એનું વિગતવાર વર્ણન છે.

૪.  ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નર-નારાયણ તરીકે ચોથો અવતાર લીધો.

૫.  પાંચમા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલમુનિના રૂપમાં આવ્યા અને તત્વ નિર્ણય કરનારા, કાળક્રમે ભૂંસાઈ ગયેલા સાંખ્યશાસ્ત્રને, આસુરિ નામના બ્રાહ્મણને શીખવીને ફરી જીવિત કર્યું.

૬.   ઋષિપત્ની અનસૂયાને આપેલા વરદાનને પરિપૂર્ણ કરવા છઠ્ઠા અવતારમાં અત્રિ-પુત્ર દત્તાત્રય બન્યા. આ અવતારમાં અલર્ક, પ્રહલાદ અને અન્યોને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો.

૭.  સાતમો અવતાર, રુચિ પ્રજાપતિની આકૂતિ નામની પત્નીથી તેમણે યજ્ઞનો હતો અને એમણે પુત્ર યામ વગેરે દેવતાઓ સાથે સ્વાયંભુવ મન્વન્તરનું રક્ષણ કર્યું.

૮.  રાજા નાભિ અને એમની પત્ની મેરુના પુત્ર ઋષભદેવ તરીકે એમણે આઠમો અવતાર લીધો. આ અવતારમાં એમણે પરમહંસોનો માર્ગ બતાવ્યો.

૯.  ઋષિઓની પ્રાર્થનાથી નવમો અવતાર તેમણે રાજા પૃથુ રૂપે લીધો. આ અવતારમાં એમણે પૃથ્વીમાંથી ઔષધિ દોહનનો માર્ગ બતાવ્યો.

૧૦. ચાક્ષુષ મન્વન્તરના અંતે જ્યારે સઘળું ત્રિલોક સમુદ્રમાં ડૂબી રહ્યું હતું ત્યારે મત્સ્ય રૂપે દસમો અવતાર લીધો અને પૃથ્વીને નૌકા બનાવીને, એના પર આગલા મન્વતરના અધિપતિ વૈવસ્વત મનુનું રક્ષણ કર્યું.

૧૧. દેવો અને દૈત્યોના સમુદ્રમંથન સમયે અગિયારમો અવતાર કચ્છપરૂપે લઈને મંદરાચળ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો.

૧૨. સમુદ્રમંથન સમયે, બારમો અવતાર ધન્વન્તરિના રૂપમાં લઈને અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા.

૧૩. તેરમો અવતાર પણ સમુદ્રમંથન સમયે મોહિનીરૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કરીને દેવોને અમૃત પિવડાવ્યું.

૧૪. ચૌદમો અવતાર નરસિંહ રૂપનો હતો અને દૈત્યરાજ હિરણ્યકશિપુનો નાશ કર્યો.

૧૫. પંદરમો અવતાર વામનરાજનો લીધો અને દૈત્યોના રાજા બલિના યજ્ઞમાં જઈને ત્રણ ડગલાં પૃથ્વી માગી અને આ રીત ત્રિલોકનું રાજ્ય લઈને દેવોને સોંપ્યું.

૧૬. સોળમો અવતાર પરશુરામનો લીધો અને બ્રાહ્મણોના અને જ્ઞાનના દ્રોહી બનીને અભિમાની બની ગયેલા ક્ષત્રિયોને પાઠ પઢાવવા એકવીસ વાર પૃથ્વીને ન-ક્ષત્રિય કરી.

૧૭.  સત્તરમો અવતાર એમણે સત્યવતી અને પરાશરજીના પુત્ર વ્યાસના રૂપમાં લીધો. લોકોની જ્ઞાન પ્રત્યેની રુચિ અને સમજ ઓછી થઈ ગયેલી હતી, એથી એમણે વેદરૂપી વૃક્ષની શાખાઓનું નિર્માણ કર્યું.

૧૮.  અઢારમો અવતાર દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઈચ્છાથી તેમેણે રામાવતાર લીધો અને સમુદ્ર પર સેતુ નિર્માણ અને રાવણવધ અને અન્ય અસુરોનો નાશ કર્યો.

૧૯.  ઓગણીસમો અવતાર બળરામનો લીધો.

૨૦.  વીસમો અવતાર શ્રી કૃષ્ણનો લીધો. ઓગણીસમઓ અને વીસમો અવતાર પૃથ્વી પર ધર્મની રક્ષા કરવા લીધો હતો.

૨૧.  એકવીસમો અવતાર બુદ્ધનો લીધો.

૨૨.  બાવીસમો અવતાર હવે પછી, જ્યારે કળિયુગનો અંત નજીક હશે ત્યારે અને જગતના શાષકકર્તા, બધાં જ લૂંટેરા બની જશે ત્યારે ભગવાન વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કિ રૂપે લેશે.

સુતજી આગળ કહે છેઃ, હે શૌનકાદિ ઋષિઓ, ભગવાનના અસંખ્ય અવતારો થયા કરે છે. ઋષિ, મુનિઓ, મનુ, દેવતા, પ્રજાપતિ, મનુપુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે તે સઘળા ભગવાનના અંશ છે પરંતુ શ્રી કૃષ્ણ સ્વયં અવતારી છે કારણ એમણે કોઈ એક જ કાર્ય માતે નહીં પણ સમસ્ત જગતમાં ધર્મની સ્થાપના કરવા માટે પૂર્ણ અવતાર લીધો હતો. કળિયુગ તો એના સમયે આવવાનો જ હતો. એના પહેલાં જો ધર્મ સ્થાપના વિશ્વ આખામાં ન થઈ તો દુનિયામાં અંધાધૂંધિ ફેલાઈ જાત.

જ્યારે દુષ્ટોના અત્યાચાર વધે છે ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન એમનું રક્ષણ કરે છે. શ્રી હરિના જન્મોની આ કથા દિવ્ય રહસ્યોથી ભરેલી છે અને એનો મનથી ભક્તિયુક્ત બનીને નિત્ય પાઠ કરવાથી મનુષ્યોના પાપકર્મો નાશ પામે છે અને એ સર્વ લૌકિક દુઃખોમાંથી મુક્ત થાય છે.

આ વિશ્વ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્થૂળ સ્વરૂપ છે અને ભગવાને માયા દ્વારા એને આકાર આપ્યો છે. આ સ્થૂળ રૂપથી પર, એવું એક સૂક્ષ્મ તત્વ છે જેનો કોઈ આકાર નથી અને જે અવ્યક્ત છે. તેમાં આત્માનો પ્રવેશ થવાથી તેની ગણના જીવમાં થવા માંડે છે અને તેનો જ વારંવાર જન્મ થાય છે. જ્યારે આત્મસ્વરૂપ આત્મસાત થાય છે ત્યારે જ અજ્ઞાન દૂર થતાં જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. બ્રહ્મનો સાક્ષાત્કાર એ જીવ ને શિવનું અદ્વૈત સ્વરૂપ છે અને આ સમયે જ જઅ પરમાનંદ યુક્ત પરમાત્મામાં પ્રતિષ્ઠિત થતાં પરમ ગતિને પામે છે. જેમનો જન્મ પણ નથી અને જેમનું કર્મ પણ નથી એવા ભગવાનના અપ્રાકૃત જન્મો અને કર્મો એ જ વેદોનું ગોપનીય દિવ્ય તત્વ છે. ભગવાનની લીલા અપરંપાર છે. તેઓ લીલાથી જ આ સંસારનું સર્જન, પાલન અને સંહાર કરે છે. તેઓ જ બ્રહ્મા છે, વિષ્ણુ છે અને મહેશ છે. પ્રાણીઓના અંતઃકરણમાં તેઓ છુપાયેલા રહે છે પરંતુ. પ્રાણીઓના કર્મોમાં એમનું સૂક્ષ્મ આત્મસ્વરૂપ લિપ્ત નથી થતું કારણ તેઓ વિષયોથી પર છે. ભગવાનના અનેક નામોને, રૂપોને તથા વિભિન્ન લીલાઓને તર્કયુક્તિઓ કે તર્કબુદ્ધિ ઓળખી નથી શકતી. ચક્રપાણિ ઈશ્વરની શક્તિ, પરાક્રમ, જ્ઞાન અને વિજ્ઞાન અનંત છે. સ્વયં આ લોકના સ્રષ્ટા હોવા છતાં એની માયામાં લપેટાતા નથી. તેમની લીલાઓને સ્મરણ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી જ જાણી શકાય છે. હે શૌનાકાદિ મુનિઓ અને ઋષિગણો, તમે બધા જ ધન્ય છો કે શ્રી કૃષ્ણ સાથે આત્મભાવ ધરાવો છે અને અનન્ય પ્રેમ કરો છો. આથી જ તમને જન્મ મરણના ફેરામાં ફરીથી પડવું નથી પડતું.

ભગવાન વેદવ્યાસે વેદોના જેવું શ્રી હરિના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. આ કલ્યાણકારી મહાપુરાણ તેમણે, એમના મહા આત્મજ્ઞાની પુત્ર શુકદેવજીને આપ્યું. આ પુરાણમાં બધા જ વેદોનો અને ઈતિહાસનો સાર છે. મહા તેજસ્વી શુકદેવજી રાજા પરીક્ષિતને આ પુરાણની કથા જ્યારે સંભળાવી રહ્યા હતા ત્યારે અનેક ઋષિગણો સાથે હું પણ ત્યાં જ બેઠેલો હતો. એમની કૃપાપૂર્ણ અનુમતિથી મેં તેનું અધ્યયન કર્યું. મારા અભ્યાસ અને અનુગ્રહણ કરવાની સમર્થતા અનુસાર હું જે કંઈ પણ સમ્જ્યો છું તે તમને સંભળાવીશ.

 ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમિષીયોપાખ્યાનનો ત્રીજો અધ્યાય સમાપ્ત થયો.

 શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.    

વિચાર બીજઃ

૧. આ જગત एकोऽह्म् बहुस्याम् – હું એકમાંથી અનેક બનું છું –ની ભાવનામાંથી ઈશ્વરે પેદા કર્યું છે. અહીં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાનને હજારો અવયવો હતા અને એમાંથી બધાં જ જીવો સર્જાયા. અહીં આધુનિક વિજ્ઞાન પ્રમાણે વિચાર કરતાં સમજાય છે કે અનેક કોષોમાંથી અને આ કોષોના સંમિશ્રણમાંથી, અનેક સ્થૂળ આકારો ઉત્ક્રાંતિ પામતાં ગયા હશે. પણ, પ્રાણ તત્વ જે દરેક જીવના આકારમાં મૂકીને ભગવાન એને જીવિત કરે છે, એ શું હોય શકે? આ સૂક્ષ્મ અને અવ્યક્તને સ્થૂળ આકારમાં વ્યક્ત કરીને જ મનુષ્યો, દેવતા, પશુ-પક્ષીઓ અને વનસ્પતિ ઉત્પન્ન થઈ છે. એવું કહેવાય છે કે તે જીવ તત્વનું રહસ્ય જે દિવસે સમજાશે ત્યારે મનુષ્ય હરિમય થશે. આવું કંઈ હોય શકે ખરું? વૈજ્ઞાનિક રીતે આ વધુ વિચાર માગી લે એવો ગહન વિષય છે.

૨. ભગવાન વિવિધ અને કલ્યાણકારી ખાસ કાર્યો કરવા માટે પોતાનામાંથી જ અનેક અવતારો પેદા કર્યા આ કોષોના સંમિશ્રણથી વામન અવતાર, મત્સ્ય અવતાર વરાહ અવતાર વગેરે સર્જ્યા હશે તો પછી એ આકારો ફરી કેમ ન સર્જાયા? એ શું એક વખત જ “મેન મેઈડ બાયોલોજીકલી વન ટાઈમ ડીલ” હતું? આની તપાસ કરવી ઘટે.

૩. વિવેકબુદ્ધિથી વિચારીએ તો ધન્વન્તરિનો અને મોહિનીનો અવતાર, અવતાર કરતાં, “ઓન ડિમાન્ડ ઓફ ધ સિચ્યુએશન” વેશપલાટો વધુ લાગે છે.

૪. આવાં અનેક અવતારોમાં શ્રી ક્રુષ્ણનો અવતાર વિશિષ્ઠ છે. કારણ, “ધર્મ સંસ્થાપનાર્થાય, સંભવામિ યુગે યુગે” સ્વમુખેથી માત્ર શ્રી કૃષ્ણના અવતારમાં કહ્યું છે. એમણે આ અવતાર એક કોઈ કામ કરવા માટે નથી લીધો પણ જગત આખામાં કળિયુગ પહેલાં ધર્મનું સ્થાપન કરવું આવશ્યક હતું. શ્રી કૃષ્ણ સંપૂર્ણ હતા. વિજ્ઞાનમાં પૂર્ણ રૂપને કઈ રીતે આંકી શકાય, એ પણ એક સંશોધનનો વિષય છે.

1 thought on “શ્રીમદ્ ભાગવત કથા -પ્રથમ સ્કંધ – ત્રીજો અધ્યાય – ભગવાનના અવતારોનું વર્ણન – જયશ્રી વિનુ મરચંટ     

 1. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા -પ્રથમ સ્કંધ – ત્રીજો અધ્યાય મા ભગવાનના અવતારોનું વર્ણન વાર્ંવાર માણવા જેવી સરળ ભાષામા ગૂઢ જ્ઞાનમા આ વધુ ગમી ‘આ જગત एकोऽह्म् बहुस्याम् – હું એકમાંથી અનેક બનું છું –ની ભાવનામાંથી ઈશ્વરે પેદા કર્યું છે. અહીં એવું કહેવામાં આવ્યું છે કે ભગવાનને હજારો અવયવો હતા અને એમાંથી બધાં જ જીવો સર્જાયા. અહીં આધુનિક વિજ્ઞાન પ્રમાણે વિચાર કરતાં સમજાય છે કે અનેક કોષોમાંથી અને આ કોષોના સંમિશ્રણમાંથી, અનેક સ્થૂળ આકારો ઉત્ક્રાંતિ પામતાં ગયા હશે. પણ, પ્રાણ તત્વ જે દરેક જીવના આકારમાં મૂકીને ભગવાન એને જીવિત કરે છે, એ શું હોય શકે? ‘ આ વિચાર વૈજ્ઞાનીકો સ્થુળ બુધ્ધિથી સમજાવી શકે તેમ નથી.આપના પ્રશ્નોના થોડા ઘણા ઉતરો
  Candace Pert Books ‘Molecules Of Emotion’માંથી મળે.
  On Your Body Is Your Subconscious Mind, Dr. Pert describes her efforts over the past two decades to actually decode the information molecules, such as peptides and their receptors, that regulate every aspect of human physiology.As a mere graduate student, in 1972 Candace Pert discovered the brain’s opiate receptor – the cellular site where the body’s painkillers and “bliss-makers”, the endorphins – bond with cells to weave their magic.
  Pert’s discovery led to a revolution in neuroscience, helping open the door to the “information-based” model of the brain which is now replacing the old “structuralist” model…
  Molecules of Emotion begins as an eye-opener into the intellectual warfare of modern scientific discovery – the gamesmanship, the sly purloining of others’ results – but also into the round-the-clock work, the exhilaration of a shared breakthrough, and the slow, painful rise of women in the scientific professions.
  The book concludes with the author integrating the science she pioneered with the holistic “energy medicines” which work on the same principles – till now without scientific rationales.
  તમારા દર્દોનું નિવારણ… ધ્યાનમા બેસી જાઓ.
  આપણે ત્યાં વેદમા કહ્યું છે કે શુક્રશોણિતજીવ સંયોગે તુ ખલુ ગર્ભ સંજ્ઞા ભવતી ત્યારે વિજ્ઞાને હાલ
  Zygoteમા: membrane rupture થયા અને Super conscious તત્વના પ્રવેશ થતો જોયો !
  યાદ આવે Hermann Hesse, Siddhartha
  “No, a true seeker, one who truly wished to find, could accept no doctrine. But the man who has found what he sought, such a man could approve of every doctrine, each and every one, every path, every goal; nothing separated him any longer from all those thousands of others who lived in the eternal, who breathed the Divine.”

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s