‘મારા જીવનમાં પરિવર્તન લાવનાર વળાંકબિંદુ’- વૈશાલી રાડિયા
“ખુલ્લી મૂકું છું મારા જીવનની કિતાબ સહુને પોતાના જાણીને,
પ્રસંગ મારો, દ્રષ્ટિ તમારી, સ્પર્શે તો વધાવજો તમારી માનીને.”
બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. સમગ્ર સૃષ્ટિ પર અગણિત જીવો અને તેમ છતાં દરેકમાં અલગતા! એમાં પણ મનુષ્યનો જીવ તો બધાં જીવોથી બોલકો. એક-એક માણસ એટલે એક-એક વાર્તા જ જોઈ લો જાણે! હા, આમ જુઓ તો દરેકનું જીવન એક વાર્તા જેવું જ ને! બસ, દરેકના જીવનની વાર્તા, સમય, સંજોગો બધું અલગ અને તેમાં ઉતારચઢાવ તો આવે જ. એમાં દરેક પોતાની ક્ષમતા પ્રમાણે સફળ કે નિષ્ફળ થતાં જાય ને પોતાની વાર્તા આગળ વધારતા જાય. જીવનની આ કથામાં કોઈ અમુક ક્ષણે દરેક માણસના જીવનમાં એક બિંદુ એવું આવે જ કે ત્યાંથી બે જ રસ્તા મળે. જીવનને સ્થગિત કરી એ જ બિંદુ પર પોતાની જીવનકથાને સ્થગિત કરવી અથવા તો પૂર્ણ કરવી. બીજો રસ્તો એ વળાંકબિંદુ પરથી જીવનને એક નવો જ આયામ આપી નવી દિશા તરફ જવા હિંમત કરવી. પછી એ રસ્તે સફળતા, વિઘ્નો, સુખ-દુઃખ, પૈસા, શાંતિ, આબાદી, બરબાદી જે પણ મળે એ પચાવવાની તૈયારી રાખવી પડે.
મારા જીવનના બેતાલીસમાં વર્ષે હું એક એવા વળાંકબિંદુ પર પહોંચી કે અચાનક મારું જીવન એક વાર્તા જેમ અકલ્પનીય રીતે નવી દિશામાં ડગ ભરી ગયું.
એ સમય હતો, જયારે મારા પહેલેથી ડામાડોળ ચાલી રહેલા ગ્નજીવનને અઢાર વર્ષ પૂરા થવા પર હતા. એમ તો એ પહેલાના છેલ્લા છ વર્ષથી સ્થિતિ સાવ જ વણસી ગઈ હતી. વર્ષોથી નાના-નાના છમકલાં અને પછી મેં હિંમત હારીને સ્વીકારી લીધેલી ચૂપકીદી. અનેકવાર એવા વળાંકબિંદુ પર આવીને ઊભી હતી કે જીવન સમાપ્ત થવાની અણી પર પહોંચી ગયું હોય અને મનથી તો અનેકવાર મરી જવાયું હોય. ત્યાં મારો વહાલો મીઠડો દીકરો એટલું સરસ હસતો દેખાય અને એ બિંદુ પરથી ન વળાંક લઈ શકાય કે ન પાછાં ફરવાની મનોદશા હોય! આમ જ અઢાર વર્ષ વીતવા સાથે શરીર જીવતું ગયું, આત્માની શાંતિ મરતી ગઈ! પગારના બ્લેન્ક ચેક સહી કરતી ગઈ અને પૈસા માટેનો જ જેને મોહ હતો એનું મોઢું ભરાઈ જાય તો શાંતિ રહેશે એ ખોટી આશામાં જાત પર જ અન્યાય કરતી ગઈ. ‘રોટી, કપડાં ને મકાન એટલું જ જીવન’ એ જીવનસૂત્ર બનાવી લીધું પણ કુદરત પણ ક્યારેક અજીબ ખેલ ખેલતી હોય છે. જેમ નીચે નમતા જાવ તેમ કદાચ માણસોને કચડતા જવાની મજા આવતી હશે? કલ્પના જ કરું છું કેમકે, મને કોઈ સાથે એવું કરવાનો વિચાર ન આવતો. પણ આગળ કહ્યું એમ રોટી કપડાં ને મકાન પાયાની જરૂરિયાતો મળી જતી હતી તો શાંતિ માટે આખેઆખો બ્લેન્ક ચેક સહી કરી દેવો એ મને સસ્તું લાગતું હતું!
અચાનક ચાલી રહેલી આ વ્યવસ્થામાં ખલેલ ચાલુ થઈ. અન્ય તકલીફો ઓછી તો નહોતી જ પણ શાંતિનો જે માર્ગ પકડીએ ત્યાં ખલેલ કેમ કરવી એ જ જેનો સ્વભાવ બની ગયો હોય એને શું શાંતિ કે શું અશાંતિ? એટલે વર્ષો બાદ એટલી હિંમત થઈ અને જીભ એક નાનકડી માંગણી કરી બેઠી, ‘હવેથી કપડાં લેવા માટેની માંગણી વખતે તારો ગુસ્સો સહન કરવો કે રોવા બેસવું એ સહન નથી થતું એટલે દર મહિને મારું સેલેરી એકાઉન્ટ ખાલી કરતી વખતે પચાસહજારમાંથી દોઢ-બે હજાર રૂપિયા જમા રાખવા મહેરબાની.’ …અને ધરતીકંપ થયો હોય એમ મહેનત કરીને ‘માની બેઠેલી શાંતિ’નો પત્તાનો મહેલ કડડભૂસ કરતો તૂટી પડ્યો! સમાજનો ભય, સલામતીનો ભય, કુટુંબમાં બધું જાહેર થવાનો ભય બધી જ કેસેટ એ કંપનમાં મારા દિમાગમાં રીવાઇન્ડ થતી ગઈ.
આ યુદ્ધના નગારાં વચ્ચે પણ કોઈ એક કુદરતી પળે મારા જ સેલેરી એકાઉન્ટનું એટીએમ આટલા વર્ષે મળ્યું ને બેંકમાં પહેલીવાર મારો ફોન નં. રજીસ્ટર્ડ થયો! અઠવાડિયું ઉપરછલ્લી શાંતિ રહી ને ‘મેલ ઇગો’ ફરી માથું ઊંચકી મેદાનમાં આવી ગયો. અને નવી શરતોનું લિસ્ટ પકડાવાઈ ગયું, ‘આટલા વર્ષે જીભ ખુલી છે તો માવતર જ ચડાવનાર હશે, હવેથી એમનો અહીં પગ ન જોઈએ. અને પૈસા માગ્યા છે તો હવે ભાગમાં બધું ચાલશે અથવા ફરી ફોન નં. બદલાવીને જેમ હતું એમજ રહેવું જોશે ચૂપચાપ!’ મનમાં સવાલો થયા કે આટલું ભણતર જે આપણો જ રોટલો આપણે શાંતિથી ન ખાવા દયે તો પણ અન્યાય સહન કરવો એ ક્યાંનો ન્યાય? વિચારો ચાલુ થયા કે આટલી સેલેરી ને આટલા વર્ષે શું માવતર બે હજાર રૂપિયા માટે પોતાની દીકરીના જીવનમાં દખલ કરે? આટલી સામાન્ય વાત ન સમજાય એના પાસે બીજી શું અપેક્ષા?
અને એકવાર શરૂઆત કર્યા પછી હિંમત ટકાવવી મુશ્કેલ હોવા છતાં સમયે શાંત અવાજે, ધીમેથી જીભને સાથ આપી જ દીધો કે, ‘હવે બેંકમાં ફોન નં. જે છે એ જ બરાબર છે ને હવે વર્ષો સુધી જેમને દુઃખી નહોતા કરવા એમને જાણ થઈ જ ગઈ છે અને દરેક મુશ્કેલ સમયમાં જેમણે કોઈ સ્વાર્થ વિના ‘ફક્ત મદદ’ જ કરી છે એ માવતર સિવાય જીવનમાં સાથ કોનો છે તે કોઈ યોગ્ય કારણ વિના એ પણ છોડું?’ અને શરુ થયું એક શાબ્દિક યુદ્ધ. ‘મારી વાત નહીં માને તો ઘરમાંથી બહાર નીકળી સમાજમાં ખબર પાડી દઈશ કે કેવી જબરી સ્ત્રી જે મારા જેવા પુરુષને બહાર કાઢી શકે, રોતી રહીશ ને જીવવું ભારે પડી જશે, મકાનના હપ્તા કેમ ભરાય કે બેંકમાં કેમ જવાય એ તને ક્યાં ખબર છે?’ જોઇન્ટ એકાઉન્ટમાં ફક્ત બસ્સો રૂપિયા બેલેન્સ મૂકી અઢાર વર્ષે કોઈ ‘માણસ’ આવું વર્તન કરે એ માન્યામાં ન આવ્યું અને વર્ષોના એ જ, ‘હું ઘર છોડી દઈશ’ વાળા નાટકમાં એ વખતે કુદરતે મારી બોલતી જ બંધ કરી દીધી ને હું એને રોકી શકી નહીં. અને એ જ વખતે મારો દીકરો મારો હાથ મજબુતાઈથી પકડી ઊભો રહી ગયો કે, હવે બસ!
આ જ એ વળાંકબિંદુ હતું કે જ્યાં હું જેમના માટે સ્થગિત થઇ ગઈ હતી કે હું હિંમત કરીશ તો એ બધા દુઃખી થશે, એ જ પરિવારે મારી તાકાત બની, હાથ સાહીને મને વળાંકબિંદુ પરથી આગળ વધવાના રસ્તે હસતાં મુખે ચાલવા હિંમત આપી. પછી તો છેલ્લા બે જ વર્ષમાં ડિજીટલ દુનિયા તરફ હું આગળ વધી. મેં સરસ રીતે કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપ શીખ્યું, શાંતિથી બેંકમાં જઈ ‘મે આઈ હેલ્પ યુ’ વિન્ડો પાસે જઈ હિંમતથી પૂછતાં શીખી. વર્ષોથી ધીમી ચાલતી કલમમાં નવો જીવ આવ્યો ને શબ્દોની પસંદગીની બીક પણ છૂટી, મનમાં હોય એ લખવાની હિંમત આવી. મારા શબ્દો, મારી ભાવનાઓ આ શાંતિમાં એટલા ખીલતા ગયા કે એ જ વર્ષે 2017માં મને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે રાજ્યકક્ષાની સ્લોગન સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મળ્યો ને પછી તો શબ્દો સાથ આપતા જ ગયા ને ફરી આ વર્ષે 2019માં પત્રલેખનમાં રાજયકક્ષાએ તૃતિય પુરસ્કાર મળ્યો. ઓનલાઈન વાર્તાઓમાં મારા શબ્દો ભારતથી એક તબક્કે અમેરિકા પહોંચતા થયા. મારા શબ્દો, મારી ભાવનાઓ પોઝિટિવિટી તરફ જ વળ્યા. કેમકે, મને કુદરતે એ વળાંકબિંદુ પરથી અનેક ઉર્જામય રસ્તાઓ તરફ આવકારી! અને ફરી મારા જીવનમાં પ્રવેશવા માંગતા એ નકારાત્મક તત્વને હિંમતથી કહી દીધું કે, ‘આટલા વર્ષો તારા નિર્ણયે ચાલતી રહી, આજે પહેલો અને છેલ્લો નિર્ણય મારી જિંદગીમાં મેં લીધો છે કે, પૈસા નહીં માણસ સચવાય, મેં મારી અંદર જીવતા માણસને ઓળખી લીધો છે. એને પોઝિટિવલી સાચવીશ.’
આજે તો વીતેલું જીવન એક વાર્તા જેવું લાગે છે કે, આવું થયું હતું? આપણે જ કમાઈને શાંતિથી રોટલો ખાઈ શકીએ તો શા માટે રોઈને જીવવું? આટલો મોટો વળાંક જિંદગી આટલા વર્ષે લેશે અને કુદરત સામેથી રસ્તો કરી આપશે એવી સપને પણ કલ્પના નહોતી કરી! છ મહિના એકદમ સ્તબ્ધ! પણ જીવનમાં ક્યારેક કોઈ બિંદુ પર હોઈએ ત્યારે એ વર્તુળમાં હંમેશા અંદર જ નજર કરવાથી બધા રસ્તા એક જ બિંદુ પર પૂર્ણ થતાં લાગે ને જીવન પૂરું એમ માની હતાશ થઈ બેસી જઈએ. પણ એજ બિંદુ પરના વર્તુળમાં બહારની બાજુ નજર (ટર્નિંગ પોઇન્ટ) ફેરવતા જ અગણિત રસ્તાઓ હાથ ફેલાવી આપણને ખુલ્લી દિશાઓ તરફ આવકારે છે. બસ, એ જ છે કુદરતની કૃપા!
જીવન એની નિયત ગતિથી ચાલતું રહે છે. એમાં કોઈ એક વળાંકબિંદુ આવે ને મનુષ્યના જીવનની દિશા બદલી જાય ત્યારે જીવનની સાર્થકતા સમજી શકાય તો સફળ. બાકી દિશાહીન જીવનને રસ્તો ભૂલતાં વાર શી?
ગમે તે પ્રસંગે, જીવનસાગર ઈશ,
હું પાર કરી જઈશ.
મોજાં આવે ખટ્ટ–મીઠા, કે રંગ–બેરંગી,
વહેવાની તાકાત આપજે,
બસ,
હું સરીને તરી જઈશ!
.
ગમે તે પ્રસંગે, જીવનસાગર ઈશ,
હું પાર કરી જઈશ.
મોજાં આવે ખટ્ટ–મીઠા, કે રંગ–બેરંગી,
વહેવાની તાકાત આપજે,
બસ,
હું સરીને તરી જઈશ!
વાહ
LikeLiked by 1 person
વૈશાલીબેનનું આ સ્વાનુભવ કથન અનેકને નવું બળ આપશે.
LikeLiked by 1 person
મારા શબ્દોને પસંદ કરનાર દરેકનો ખૂબ આભાર!
LikeLiked by 1 person