ટૂંકી વાર્તા, કેટલી ટૂંકી? – બાબુ સુથાર


ટૂંકી વાર્તા, કેટલી ટૂંકી?

બાબુ સુથાર

 
આર્જેન્ટિનાના લેખક એનરીક એન્ડરસન-ઈમ્બરતની (Enrique Anderson Imbert) એક વાર્તા છે:
 
***
ફાબિયાનનું રક્ષણ કરતા દેવદૂતે એને કાનમાં કહ્યું, “કાળજી રાખજે ફાબિયન. એવું ફરમાન છે કે જો તું ‘ડોયન’ શબ્દ ઉચ્ચારશે તો એની બીજી જ મિનિટે તારું મરણ થશે.”

“‘ડોયન’ શબ્દ?” મુંઝાયેલા ફાબિયાને પૂછ્યું.
અને એ સાથે જ ફાબિયાનનું મરણ થયું.
***
કોઈને પ્રશ્ન થશે? આને વાર્તા કરી શકાય? મને પ્રશ્ન થાય છે: કેમ ન કહેવાય? આ વાર્તામાં કથાવસ્તુ છે, પાત્રો પણ છે અને સંવાદ પણ છે. એટલું જ નહીં, આ વાર્તામાં ચમત્કૃતિ પણ છે. ‘ડૉયન’ શબ્દ બોલતાં જ ફાબિયાન મરી જાય છે. ફાબિયાન તો ખાલી ખાતરી કરવા માગતો હતો કે મારે ‘ડૉયન’ શબ્દ નથી બોલવાનો એમને? એથી જ તો એ ખૂબ જ સાહજિકતાથી એ પ્રશ્ન પૂછે છે અને જવાબમાં એને મરણ મળે છે.

ઘણા મિત્રો મને પૂછતા હોય છે: વાર્તા કેટલી લાંબી હોવી જોઈએ.  વચ્ચે મેં એક જ વાક્યની વાર્તાનો પરિચય ‘મમતા’માં કરાવેલો. ઘણાને એના વિશે પ્રશ્નો થયેલા. મેં પણ એવો એક પ્રયોગ કરેલો. એક જ વાક્યની વાર્તા લખવાનો. કોઈ સામયિક એ વાર્તા છાપવા તૈયાર ન’તું થયું. આખરે મેં એ વાર્તાને મારા જ સામયિકમાં, ‘સન્ધિ’માં, પ્રગટ કરેલી. એ વાર્તા હતી: “આ વાર્તાના વાચકનું આજે સવારે અવસાન થયું છે.” મેં આ વાર્તા ૯૫ વરસના હરિકૃષ્ણદાદાને વંચાવેલી ત્યારે એમણે મને પૂછેલું: તો તમે હજી જીવો છો કઈ રીતે? તમે વાચક નથી? હું જે વિરોધાભાવ પ્રગટ કરવા માગતો હતો એ ભાવ એમણે તરત જ પકડી પાડેલો.

પ્રયોગશીલ વાર્તાઓ હંમેશાં પરાપરાગત વાર્તાઓના માળખાને પડકારતી હોય છે. એમ હોવાથી જ્યારે પણ આપણે એ પ્રકારની વાર્તાઓ વાંચીએ ત્યારે આપણે સૌ પહેલો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે આ વાર્તા પરંપરાગત વાર્તાના કયા પાસાને પડકારે છે? અને બીજો પ્રશ્ન એ પૂછવો જોઈએ કે વાર્તાકાર એ કામ કઈ રીતે કરે છે?

દેખીતી રીતે જ, આ વાર્તામાં વાર્તાકાર પરંપરાગત વાર્તા સાથે સંકળાયેલા લંબાણના મુદ્દાને પડકારે છે. એ એવો સંદેશો આપવા માગે છે કે વાર્તામાં લંબાણ બહુ મહત્ત્વનું નથી હોતું.

વિશ્વ સાહિત્યમાં આવી ઘણી વાર્તાઓ છે. ગુજરાતીમાં પણ હશે. અહીં મને એક અમેરિકન લેખક રસેલ એડસનની ‘Father Father, What have you done?’ વાર્તા યાદ આવે છે. એમાં એક માણસ ઘોડા પર બેસે એમ એના ઘરના વચલા મોભ પર બેસે છે અને બોલે છે: giddyup. તમે Western ફિલ્મોમાં જોયું હશે. ઘોડેસ્વાર ઘોડા પર બેસી, ચાબૂક ફટકારતાં, ‘giddyup’ (Giddy-up) બોલતો હોય છે. એ સાથે જ એના ઘરની દિવાલો તૂટવા માંડતી હોય છે અને ઘર ઘોડાની જેમ દોડવાનો પ્રયાસ કરતું હોય છે.  જોતજોતામાં ઘર ભોંય પર! ઘરના કાટમાળમાં દટાયેલી એની પત્ની કહે છે: અરે અરે, તમે આ શું કર્યું? મૂળ વાર્તામાં ‘અરે, અરે’ને બદલે ‘Father, Father’ છે. ગુજરાતમાં પણ ઘણી સ્ત્રીઓ પતિનું નામ બોલવાને બદલે ‘મગનના કે છગનના બાપા’ બોલતી હોય છે એમ.

આ વાર્તા પણ લાંબી નથી. એમાં પણ પાત્રો છે. સંવાદ છે. પરિવેશ પણ છે. એમાં પણ ન બનવાનું બને છે. કોઈ માણસ વચલા મોભ પર ઘોડા પર બેસે એમ બેસે અને એનો આદેશ થતાં જ ઘર ઘોડાની જેમ આજ્ઞાંકિત બનીને દોડવા માંડે એ અતિવાસ્તવવાદી કલ્પના આ વાર્તાને magic realismની પરંપરાની વાર્તા બનાવે છે. એટલું જ નહીં, એની પત્નીનું પાત્ર પણ એટલું જ મહત્ત્વનું બની જાય છે. જો ઘરના કાટમાળમાં દટાયેલી એની પત્નીએ ચીસાચીસ ન કરી હોત તો કદાચ આ વાર્તા એક તરંગ કે તુક્કો બની જાત. સૌથી વધારે મજા અહીં એ બાબતની છે કે વાર્તાકાર જેની વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાય એમ છે જ નહીં એ બે વસ્તુઓ વચ્ચે અર્થાત્ ઘર અને એના માલિક વચ્ચે કાર્યકારણનો સંબંધ બાંધે છે. એથી આપણે ધાર્યું ન હતું એવું બને છે. જેમ ઈશુએ પ્રકાશ થાઓ એમ કહેલું ને પ્રકાશ થયેલો એમ અહીં પણ બને છે.

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં ઘણા વાર્તાકારો ‘ફ્લેશ ફિક્શન’ લખે છે. એમાં પણ આમ જુઓ તો વાર્તાની પરંપરાગત લંબાઈની સામેનો વિદ્રોહ હોય છે. પણ, એમાંનું મોટા ભાગનું ફિક્શન કાં તો સાદી ઘટનાનું વર્ણન બની જતું હોય છે કાં તો નબળી નીતિકથા બની જતું હોય છે. એ ફિક્શનમાં આ બે વાર્તાઓમાં જોવા મળે છે એવો જાદુ ભાગ્યે જ જોવા મળતો હોય છે.

4 thoughts on “ટૂંકી વાર્તા, કેટલી ટૂંકી? – બાબુ સુથાર

 1. ટૂંકી વાર્તા, કેટલી ટૂંકી? અંગે મા બાબુ સુથારનુ જુદી જુદી વાર્તાના ઉદાહરણ સાથે સરળ ભાષામા સ રસ સમજાવ્યું.ધન્યવાદ

  Like

 2. “આ વાર્તાના વાંચકનું મૃત્યુ આજે સવારે થયું /થયું છે.”- બાસુ
  અહીં સાદો ભૂતકાળ કે પૂર્ણવર્તમાન પ્રયોજાય ? નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયાપૂર્ણ થી હોય તો સાદો ભૂતકાળ અને જ્યારે કોઈ ક્રિયાપૂર્ણ થઈ હોય પણ તેની અસર હજુ અનુભવાતી હોય ત્યારે પૂર્ણવર્તમાન આવું હું સમજી રહ્યો છું . પૂજય આ અંગે પ્રકાશ પાડશો .
  આભાર

  Liked by 1 person

 3. “આ વાર્તાના વાંચકનું આજે સવારે અવસાન થયું /થયું છે.”- બાસુ
  અહીં સાદો ભૂતકાળ કે પૂર્ણવર્તમાન પ્રયોજાય ? નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયાપૂર્ણ થી હોય તો સાદો ભૂતકાળ અને જ્યારે કોઈ ક્રિયાપૂર્ણ થઈ હોય પણ તેની અસર હજુ અનુભવાતી હોય ત્યારે પૂર્ણવર્તમાન આવું હું સમજી રહ્યો છું . પૂજય આ અંગે પ્રકાશ પાડશો .
  આભાર

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s