પ્રેમ કે બળાત્કાર? – વાર્તા – સપના વિજાપુરા


પ્રેમ કે બળાત્કાર? 

સારા અને ખલીલ લંડનથી ભારત આવી ગયાં. એકાએક મોટાભાઈનો કોલ આવેલો કે માની તબિયત સારી ના હતી. સારા વરસોથી લંડન રહેતી હતી. પપ્પા ૨૦૧૦ માં ગુજરી ગયા હતાં અને હવે મમ્મીના સમાચાર મળ્યાં. ખલીલ સ્વભાવનો જરા વિચિત્ર હતો. હંમેશા પોતાની વાત ચલાવવી અને ઘરમાં એનો જ હુકમ ચાલતો. એના મોઢામાં થી નીકળેલો છેલ્લો શબ્દ પથ્થરની લકીર હતો.

મા માટે દુઆ કરતી એ એકાંતમાં રડી પડી. ખલીલ સામે રડવાનો અર્થ ના હતો. પથ્થર ઉપર પાણી નાખવા જેવું થાત. સારા સામે ભૂતકાળ નાચવા લાગ્યો ઘરમાં પાંચ બહેનો અને બે ભાઈ ગરીબ માબાપ! અને ઘરમાં બધી બહેનોમાં એ ખૂબસૂરત!! ખલીલ અને એના માબાપ સયદાને જોવા આવ્યા પણ સારા પસંદ આવી ગઈ. રૂપાળી સારા ખલીલને ખૂબ પસંદ આવી ગઈ. બન્ને જાણે ભવ ભવના સાથી હોય એમ એક બીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયાં. ગરીબ મા બાપે સારા માટે હા પાડી દીધી. પાંચમાંથી એક ના પણ લગ્ન સારા ઘરમાં થાય તો બીજી ચાર માટે રસ્તા ખૂલી જાય. લગ્ન બાદ સારા લંડન આવી ગઈ. એ સારા પોતાને ખૂબ ભાગ્યવાન સમજતી હતી. બેઉ પ્રેમી જાણે એક છત્રી નીચે વ્હાલના ભરવરસાદમાં તરબતર થતાં હતાં. એ બે બાળકોની મા બની ગઈ. ધીરે ધીરે બધી બહેનોની શાદી થઈ ગઈ. ભાઈઓની પણ શાદી થઈ ગઈ. દરેક પોતાના ઘરમાં સુખી હતાં. પણ મા ની તબિયત બગડતી જતી હતી.

અંતે મોટા ભાઈનો કોલ આવ્યો કે, “મા નું મોઢું છેલ્લી વાર જોવું હોય તો આવી જા! કારણકે આ વખતે મા નહીં બચે એવું લાગે છે.” સારા મોટે મોટેથી ફોનમાં રડી પડી હતી. ખલીલ હાજર ના હતો. ભાઈજાન કહેતા હતાં કે. “મા આખો સમય ‘સારા, સારા’ નું રટણ લગાવી બેઠાં છે. કહે છે કે મારી સારાને વરસોથી જોઈ નથી. હું છેલ્લી વાર એનું મોઢું જોઈ લઉં એને પૂછી લઉં કે સુખી તો છે કે નહીં! બસ, એ તને જોવા માટે તડપી રહ્યા છે. તું આવે તો કદાચ એનો જીવ શાંતિથી જાય! એનો જીવ તારામાં ભરાયો છે!”

સારા પપ્પા ગુજરી ગયાં ત્યારે પણ ભારત ગઈ ના હતી. કોઈને કોઈ બહાને ખલીલ વાત ટાળી દેતો. સારા ત્યારે પણ એકાંતમાં ખૂબ રડી હતી. જે પપ્પાના ખભા પર ઘોડો થઈને બેઠી હતી એ પપ્પા દુનિયાથી ચાલ્યા ગયા. પણ એનું મોં જોવા જઈ ના શકી! ત્યારે બાળકો નાના છે કહી વાત ટળી ગઈ હતી. ખલીલને એ પોતાના સગાંઓ સાથે સંબંધ રાખે એ ગમતું જ ના હતું.  હવે મા ના સમાચાર આવ્યાં. હવે શું કરું? માને પણ નહીં જોઈ શકે? યા ખુદા, મને રસ્તો બતાવ અને ખલીલના દિલમાં રહેમ નાખી દે. હું મારી મા ને છેલ્લી વાર જોવા માંગું છું! યા ખુદા તું રહેમદિલ છે થોડી રહેમ ખલીલના દિલમાં પણ નાખી દે!

સારાએ ગભરાતાં ગભરાતાં ખલીલને કહ્યું કે, “ચાલો, ભારત જઈ આવીએ અને ફરી પણ આવીએ અને મા ને પણ મળી આવીએ” સારાએ ફરવાનું નામ પહેલું લીધું કારણ કે જો ફક્ત માનું નામ લીધું હોત તો ભારત જવું લગભગ અશક્ય હતું. થોડો વિચાર કરી ખલીલ બોલ્યો, “સારું, પણ બાળકોને ભાઈને ત્યાં મૂકી જઈએ કારણકે બાળકોનો અભ્યાસ બગડે.” સારાએ કહ્યું, “સારું, કાંઈ વાંધો નથી!” સારાએ મુસલ્લો બિછાવી બે રકાત નમાજ પડી દુઆ માટે હાથ હાથ ઊઠાવ્યા! અલ્લાહનો શુકર અદા કર્યો કે અલ્લાહ જો તું રહેમદિલ ના હોત તો આજ પણ ખલીલ માન્યો ના હોત! મારી મા ની ઉમર લાંબી કરજે અને એનો વહાલનો હાથ મારા ઉપર કાયમ રાખજે! એને તંદુરસ્તી બક્ષજે!

ગડમથલ ગડમથલ કરતાં કરતાં બાળકોને ભાઈને ત્યાં મૂકી બન્ને એરપોર્ટ પહોંચી ગયાં. દિલમાં દુઆનો દોર ચાલું હતો. છેવટે, અમદાવાદ પહોંચી ગયાં. ભારતની હવાને શ્વાસમાં ભરતા સારાએ શુકર અદા કર્યો. માદરે વતનનો ઝૂરાપો શું છે એ  સારાને પૂછો! સગાં વ્હાલાંનો વિરહ શું છે એ સારાનાં દિલને પૂછો! સારાની આંખમાં આંસું આવી ગયાં! મોટી જીપ લેવા આવી હતી. ભાઈએ જીજાજીને કોઈ તકલીફ ના પડે એનો ખાસ ખ્યાલ રાખ્યો હતો. જીપમાં ખલીલ ક્યાં ક્યાં ફરવા જવું એનાં પ્લાનીંગ કરી રહ્યો હતો. અને સારા દિલમાં ને દિલમાં દુઆ કરી રહી હતી કે મા ઠીક હોય!  હજુ સુધી કોઈ ખરાબ સમાચાર મળ્યાં નથી એટલે અલ્લાહનો શુકર!

એક કલાકમાં ઘરે પહોંચી ગયાં. ત્યારે ઘરનું વાતાવરણ ઉદાસ હતું. બધાં માના ખાટલાને વીંટળાઈને બેસી રહ્યાં હતાં. ખલીલને માની તબિયત વિષે કાઈ ખબર ના હતી. ચારે બહેનો અને બહેનોના શોહર આવી ગયાં હતાં એમના બાળકો પણ હતાં. બન્ને ભાઈ અને ભાભીઓ સેવામાં લાગેલા હતાં. મા હજુ શ્વાસ લઈ રહી હતી. સારાએ દોડીને મા પર પડતું મૂક્યું. ‘મા, મા, મા’ એ સિવાય બીજો કોઈ શબ્દ મોઢામાંથી નીકળતો ના હતો. વરસોનો ઝૂરાપો આંસું દ્વારા નીકળી રહ્યો હતો. મા ધીરે ધીરે એનાં માથાં પર હાથ ફેરવી રહી હતી. અને ધીરે ધીરે ગણગણતી હતી. “સારા, મારી દીકરી! મારી દીકરી તને જોવા માટે આંખો તરસી ગઈ હતી. મા ની આંખમાંથી આંસુની ધાર વહી રહી હતી.

બહેનોએ  મા-દીકરીને અલગ કર્યા. સારા ક્યાંય સુધી મા નો ખરબચડો હાથ, હાથમાં લઈ સેહલાવતી રહી! કેટલા કષ્ટ વેઠ્યાં હતાં આ મા એ, સાત બાળકોને ઉછેરવામાં! કેટલી મુસીબત વેઠી! મા તને સલામ! હવે તું આ દુનિયા છોડવા ચાલી!  હું તારા માટે કશું ના કરી શકી! કાંઈ નહી. પણ મા નો પ્રેમ સૌથી પવિત્ર પ્રેમ હોય છે! એમાં સ્વાર્થની બદબુ નથી. તને તો બદલામાં કાઈ નહીં જોઈએ! બસ, બાળકોની ખુશી સિવાય! ખલીલે અચાનક એને બોલાવી. સારા જાણે તંદ્રામાંથી સફાળી જાગી પડી! મા નો હાથ મૂકી, એ બીજા રૂમમાં આવી! ખલીલે કહ્યું, “તું આ માટે અહીં લાવી હતી! બરાબર ને?” સારા નીચું જોઈ જમીનને પગનાં અંગૂઠાથી ખોતરતી રહી!  “તું આટલી જુઠ્ઠા બોલી છે? તારો વિશ્વાસ શી રીતે કરવો?” ખલીલ ધુંઆપૂંઆ થતો બોલ્યો! સારાના ગળામાં શબ્દો અટવાઈ ગયાં હતાં. આછું ડૂસકું ભરી સારાએ કહ્યું “મા બીમાર હતાં, પપ્પાને તો ના મળી શકી! મા ને છેલ્લી વાર મળવું હતું એટલે!” ખલીલ હાથનો ધક્કો મારી ઉપર મેડી ઉપર જતો રહ્યો. મેડી ઉપર એક બેડરુમ હતો જે ભાઈએ સાફ કરાવ્યો હતો, સારા અને ખલીલ માટે. આખી રાત બધાં મા ને વીંટળાઈને બેસી રહ્યાં. શ્વાસ ધીરે ધીરે ચાલતો હતો. બધાં વારા ફરતી માં પાસે દૂધ બક્ષવાવતા હતાં. માફી માગતાં હતાં. બાળકો પણ નાનીનું માથું ચૂમી જતા હતાં. વાતાવરણ શોકમગ્ન હતું. ખલીલ મેડી ઉપરથી નીચે આવ્યો જ નહીં.

બધાં કુરાન શરીફની તિલાવત કરતાં હતાં. અગરબત્તીની ખુશ્બુ કબ્રસ્તાનની યાદ અપાવતી હતી. થોડી વાર પછી ખલીલ સારાને શોધતો નીચે આવ્યો. સારા કુરાન પઢી રહી હતી. એણે ઇશારાથી સારાને ઉપર આવવા કહ્યું. સારાને થયું કે કોઈ ચીજની જરૂર પડી હશે. કુરાનને ચૂમીને બાજુ પર મૂકી એ ઉપર ગઈ. ખલીલે દરવાજો બંધ કરી દીધો. સારાએ પૂછ્યું, “ખલીલ, બોલો શું કામ છે?” ખલીલ એની એકદમ નજીક આવી ગયો. અને એનાં કુર્તાની નીચેથી હાથ નાખી છાતી સુધી લઈ ગયો. સારાએ એનો હાથ હટાવી દીધો. આમ તો સારાએ એની આવી ઈચ્છા સામે હંમેશાં માથું નમાવ્યું હતું. પણ આજ? આવા સમયે? એણે હાથ હટાવી દીધો. સારાએ કહ્યું, “ખલીલ પ્લીઝ આજ નહીં.” ખલીલે ફરી એજ હરકત કરી. સારા ઉદાસ હતી. દિલ બુઝાયેલું હતું. રાત પૂરી થવા આવી હતી. ફજરની તૈયારી હતી. ઘરમાં બધાં થાકી ગયાં છતાં કુરાનનો દોર ચાલું હતો. બધાં વારા ફરતી વઝુ કરી નમાજ પડી રહ્યા હતાં. મા માટે દુઆ કરી રહ્યાં હતાં ત્યારે ખલીલ આવી હરકત કરતો હતો. સારાની આંખમાં આંસું આવી ગયાં. પણ ખલીલ પર વાસનાનું ભૂત સવાર હતું એને ના તો સારાના આંસું દેખાતા હતાં કે ના ઘરનાની ચહલપહલ! એણે સારાને નજીક ખેંચી!  કુરતાના બટન ખોલવા લાગ્યો. સારા હાથ જોડીને ઊભી હતી. પણ એની આંખમાં વાસનાનો શેતાન હતો. સારાને એ ઘસડીને પથારી પર લઈ ગયો. ધીરે ધીરે એના કપડાં ઉતારવા લાગ્યો. સારા ગભરાઈ ગયેલી શું કરવું સમજ પડતી ના હતી. ચીસ પાડી શકતી ના હતી. નિર્વસ્ત્ર સારાના દેહને એ નોચતો રહ્યો. ત્યા સુધી એને નોચતો રહ્યો જ્યાં સુધી એની શહેવત પૂરી ના થઈ. સારા એક મડદાની જેમ પથારીમાં પડી રહી. એ બાજુ પર હટી ગયો. સારાની આંખમાંથી ચોધાર આંસું વહી રહ્યા હતાં. એ પથારીમાં પડી હતી. હજુ પણ એ નિર્વસ્ત્ર હતી.

એટલામાં નીચેથી નાની બહેન શમાની ચીસ સંભળાય, “મા, મા, મા.” આ ચીસ સારાના હ્રદયને વીંધી ગઈ! મા મૂકીને ચાલી ગઈ! એ માંડ માંડ પથારીમાંથી ઊભી થઈ. ખલીલ પણ કપડા વગરનો પડ્યો હતો. હવે એને સ્નાન કરવું પડશે કારણકે શરીર સંબંધ પછી ઈસ્લામમાં સ્નાન કરવું જરૂરી છે એ સિવાય નમાજ ના પઢાય, કુરાન ના પઢાય કે મય્યત પાસે ના જવાય! મેડી ઉપર બાથરૂમ ન હતો. સારા રડતાં રડતાં કપડાં પહેરવા લાગી! નીચે રોકકળ સંભળાતી હતી. મા ચોક્કસ ચાલ્યાં ગયાં! અરે હું કેવી અભાગી છું? ભારત આવી પણ મા ને છેલ્લા સમયે ઝમઝમ પણ પીવડાવી ના શકી! અરે હું નીચે જઈ ગુસલ શી રીતે કરું? હું શરમથી મરી જઈશ! બહેનો ભાઈઓ અને જીજાઓને હું શી રીતે મોઢું બતાવીશ? એ લોકો શું સમજશે? ખલીલ, ખલીલ આજ તો તે મને છોડી દીધી હોત!  આ તારો પ્રેમ છે કે બળાત્કાર? તે આજના દિવસે પણ મને ના છોડી! અરે મારી મા આ દુનિયા છોડી ગઈ. પણ તને અસર નથી! હું શું કરું? શું કરું? આંખ જાણે ચોમાસુ બની ગઈ. એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. એ ધીરે ધીરે પગથીયા ઉતરી નીચે આવી. નાની બહેન શમા એને વળગી પડી!! ‘બાજી, બાજી મા ચાલ્યાં ગયાં, એ છેલ્લે છેલ્લે તમને શોધતાં હતાં તમારે હાથ ઝમઝમ પીવું હતું. તમે શું કરતાં હતાં? તમે ક્યાં હતાં?’ સારાએ પછાડી મારી અને છાતી કૂટવા લાગી. શમા એનો હાથ પકડી મય્યત પાસે લઈ જવાની કોશિશ કરતી હતી. એ હાથ છોડાવી બાથરુમમાં ભાગી ગઈ. બાથરૂમ નો દરવાજો બંધ કરી શાવર ચાલું કરી દીધો. અંદરથી દિવાલ પર માથાં ભટકાવાનો ક્યાય સુધી અવાજ આવતો રહ્યો. શાવર બંધ થવાનો અવાજ આવ્યો. સારા ધીરેથી બહાર આવી અને મા ના મય્યત પાસે ગઈ જેને ભાઈઓ ઉપાડવાની તૈયારીમાં હતાં. બહેનો વારા ફરતી આવી આખરી સલામ કહી રહી હતી. સારાએ પણ આખરી સલામ કર્યા.

એ મેડી પર ગઈ. ખલીલ નગ્ન અવસ્થામાં સૂતો હતો. હજુ સુધી એને મા મરી ગયાનું દુખ ના હતું. સારાએ એના કપડા લઈને એનાં પર ફેંક્યાં અને ઝટકો મારીને ઊઠાડ્યો.

રુક્ષ અવાજમાં સારા એ કહ્યું, “મા નું મય્યત ઊઠી રહ્યું છે. કપડા પહેરો અને એરપોર્ટનો રસ્તો પકડો. મારે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી. તમારો આજથી આ ઘર પરનો હક મટી ગયો છે. મારા બાળકોને ભારત મોકલી આપશો. અને નહીં આપો તો હું કોર્ટમાં જઈશ! સ્ત્રીને તમે ફક્ત એક શરીર સમજો છો. પણ એનામાં એક આત્મા છે, સંવેદના છે, લાગણી છે એ તમે સમજતા નથી. સ્ત્રીની હા અને ના ને સમજતા શીખો. બની શકે તો જો બીજી સ્ત્રી તમારા જીવનમાં આવે તો એને આ રીતે ટ્રીટ ના કરતાં. મય્યતનો એહતરામ કરશો. મોતનો ખોફ રાખશો. કારણકે મલેકુલ મોતે કોઈ ઘર છોડ્યું નથી એ તમારું ઘર પણ નહીં છોડે! મોતનો એહતરામ કરતાં શીખો.” ખલીલ પોતાની પરિસ્થિતિ સમજી ગયો અને ચૂપચાપ ઘરમાથી નીકળી ગયો!  જેના માટે આટલા દુખ સહન કર્યા એ માણસ એનો કદી ના બની શક્યો!

દુનિયાના બોલ સહ્યાં જેને કાજે હવે બોલ અમારા ખમાતા નથી.
એક છત્રી નીચે સમાઈ જનારા ,એક છત નીચે સમાતા નથી.

6 thoughts on “પ્રેમ કે બળાત્કાર? – વાર્તા – સપના વિજાપુરા

 1. આભાર જયશ્રી મારી વાર્તા લેવા માટે. આ વાર્તા થોડી જુદી છે અને સત્ય ઘટના પરથી છે. લોકોને પસંદ પડશે! ખૂબ ખૂબ આભાર લોકો સુધી પહોંચાડવા માટે

  Liked by 1 person

 2. સપનાબહેન,
  સત્ય ઘટના પર આધારિત વાર્તા વાંચી મન ગ્લાનિથી ભરાઈ ગયું. પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીની હાલત ઘણી કફોડી થતી હોય છે. આ હિંમત સારાએ પહેલા બતાવી હોત તો આ નોબત ના આવત. અમિતાભ અને તાપસી પન્નુ અભિનીત ફિલ્મ “પીંક” યાદ આવી ગઈ. “No means No” ના કહેનાર કોઈ પણ હોય, તમારી પત્નિ પણ હોય એની ઈચ્છા વિરુધ્ધ શારિરીક સંભોગ એ બળાત્કાર જ છે.

  Liked by 2 people

 3. સત્ય ઘટના પર આધારિત વાર્તા વાંચી સહજ દુઃખ થાય પણ ‘રુક્ષ અવાજમાં સારા એ કહ્યું, “મા નું મય્યત ઊઠી રહ્યું છે. કપડા પહેરો અને એરપોર્ટનો રસ્તો પકડો. મારે તમારી સાથે કોઈ સંબંધ રાખવા નથી.’વાતે સારાની હીંમત પર આનંદ થયો.સ્ત્રીને પણ તલાક.તલાક.તલાક કરવાનો હક્ક છે.થોડા ઉર્દુ શબ્દોના અર્થ લખતે તો વધુ મજા આવતે
  સ રસ વાર્તા માટે ધન્યવાદ

  Liked by 1 person

 4. એક સરસ મજાનું કુટુંબ. પણ અંતમાં કેટલો કરૂણ પ્રસંગ… ઘણી વખત પુરુષ હોય કે સ્ત્રી, જ્યારે તેમનો અહં ઘવાય ત્યારે એકદમ અકુદરતી બની જાય છે, સારાસારનું પણ ભાન રહેતું નથી, કે બીજાઓના સમાજાવવા છતાં પણ સમજવા તૈયાર હોતા નથી, એમાં પણ, જ્યારે વાસના મન ઉપર હાવી થઈ જાય છે, ત્યારે એને બીજું કઈ સુઝતુંજ નથી.. શબ્દ પણ અહીં યોગ્ય યોજ્યો છે, બળાત્કાર.. અહીં પ્રેમ નથી, બળાત્કારજ છે.

  આ ફક્ત સત્ય ઘટના ઉપરની એકજ વાર્તા ન ગણતાં , ઘણાએ કુટુંબમાં આવા બનાવો બનતા પણ હશે અને સામે પક્ષે ન છુટકે ચલાવાવું પડતું હશે, પણ દરેક માં આવી સારા જેવી મનની મજબુત નથી હોતી એ પણ્ર કરૂણતા હોય છે.

  Liked by 1 person

 5. कामातुराणाम् न भयं न लज्जा। કામવાસના માણસને કેવો હેવાન બનાવી દે છે તેનો સંપૂર્ણ ચિતાર આ વાર્તા અથવા તો સત્યઘટના આપે છે. તેથી જ પ્રત્યેક ધર્મ તેના પર વિવેક અને ધર્મનું બંધન મૂકે છે. સ્વૈરાચારથી માણસ પશુ જ બનવાનો.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s