થોડી ખાટી, થોડી મીઠી – (૧૨) – જાગૃતિ દેસાઈ-શાહ


થોડી ખાટી, થોડી મીઠી – (૧૨) – જાગૃતિ દેસાઈ-શાહ

અનાવિલ – ભાગ – 2

પહેલો ભાગ લખ્યો પછી ઘણા કોલ આવ્યા, સવાલ એક જ હતો તું કઈ ગાળ બોલે છે! હું ખરેખર પણ બોલતી હોઉં તો, મારી પાસે ભંડોળ ઘણું છે, પણ બોલવા માટે પરિસ્થિતિનું હોવું અનિવાર્ય છે. ગાળ અને અપશબ્દો એ ભિન્ન બાબત છે. અનાવિલો આ બાબત ને બહુ જ સારી રીતે જાણે છે. એક મારા મિત્ર છે, રાજકોટમાં. મને એક વાર અચાનક કહેલું, કે, તું ગાળ બોલતા બહુ ક્યૂટ લાગશે. એને હજુ સુધી ખબર નથી કે હું અનાવિલ છું, એ મારી શાહ અટકના ભ્રમમાં છે!  મારી પાસે 24×7 ક્યૂટ દેખાઈ શકું એવું ભંડોળ છે!

મારું સાસરું કાઠિયાવાડી અને બહુ આકરું હતું /છે. સ્ત્રી સ્વત્રંતા નામે તાલિબાન જેવું જ હતું. સમય જતાં પરિસ્થિતિ બદલાઈ છે. મારા સાસરામાં નાનાં બાળકો થી લઈ ને, વડીલોને, સૌને, તમે બોલવાનું અનિવાર્ય હતું. જૈન પરિવાર, જ્યાં ચોવીયારથી લઈને પ્રતિક્રમણથી લઈને બધું જ નિયમ મુજબ જબરદસ્તીથી કરવું પડતું. ‘સાલા’ બોલવું એ મહા પાપ કહેવાય! મારા પિયરમાં મારી મા થી લઈ ને મારી માસી અને મારી કાકી એકલા અને ઘણીવાર જાહેરમા પતિ ને તું / નામથી બોલાવે. (આજના જમાનામાં આ કેટલું હાસ્યાસ્પદ લાગે છે) મારા માટે બહુ જ મુશ્કેલી ભર્યું હતું. પણ આવામાં લગ્ન જીવન 30 વર્ષ વટાવી ગયા એની મને હંમેશા નવાઈ લાગે છે.

મારા સસરા ખુબજ દેખાવડા અને વેલ ડ્રેસડ, અને ખુબજ રૂઢિચુસ્ત હતા. મને ખુબ ગમતાં, એ વાત અલગ હતી, એનું એક જ કારણ કે જયારે પણ હું મારા અભ્યાસ માટે રાત્રે રસોડામાં બેસતી, એ મને કોઈ ના જાણે, એવી રીતે પાણી આપતા, એકાદ ફળ પણ આપી જતા. એ મને હંમેશા કહેતા કે તું બધાંની વાતો દિલ પર ના લેતી, તું તારા કામમાં ધ્યાન આપ અને આગળ વધ. પણ બધાની સામે બોલવાની એ હિમ્મત નહોતા રાખતા. એમનું આખા પરિવારમાં ખુબ માન હતું અને છે પણ. અમે એમને ભાઈ કહીને બોલાવીએ. એમની ભાષા હંમેશ સમ્માન જનક અને મેં એમના મોઢે કોઈ દિવસ અપશબ્દ નહીં સાંભળેલાં. એમની ખુબ આમન્યા રાખવી પડતી. મારુ પિયર ગોરેગામ સ્ટેશનથી બહુ નજીક હતું, એટલે હંમેશા અમે સ્ટેશન ચાલી ને જતા. મને ખબર નથી, કેમ પણ હું અને ભાઈ સ્ટેશને ચાલીને જતા હતા. ભાઈ સાથે હોય તો સાડી પહેરવી એ નિયમ હતો. (અને માથું ઓઢવું પડે, પણ મેં એ નિયમોનું ઉલ્લંઘન જાહેરપણે અને જાણી જોઈને કર્યું છે. થાય તે કરી લો.) મારા સસરા હંમેશા કફની ને ધોતિયું પહેરતા, એમને બહુ જ સૂટ કરતુ.

ખબર નથી શું થયું એક મનચલો, રખડુ મારી સાથે અથડાઈને ગયો. મારા સસરા ત્યારે 65 થી ઉપર હતા. અચાનક ફર્યા અને એ છોકરાને કોલરથી પકડ્યો અને જે ગાળોનો વરસાદ વરસાવ્યો છે! મને એક મિનિટ માટે થયું કે મારા મામાની આત્મા આમનામાં આવી ગઈ કે શું? ભાઈ, ધોતિયું, કફની અને બંડી પહેરીને જે રુદ્ર રૂપ ધારણ કરીને ગાળોનો વરસાદ વરસાવી રહ્યા હતા! આજે પણ ભાઈનો ફોટો જોઈને મરક મરક હસું છું. સાંજે ઘરે પાછા મળ્યા ત્યારે એમની સામે જોઈને મને ખુબ અજબ લાગેલું.  મારા અનાવિલ હોવાનો પ્રભાવ કે એક છુપાયેલી કળા કે જે હોય તે, પણ, હું શોલેની હેમા માલિનીનો dialogue બોલેલી, મનમાં, “યું કી મઝા આ ગયા!”

ગાળ એક એવી પરિભાષા છે કે એનો ઉપયોગ અપશબ્દો કરતા, venting mechanism કરીને વધારે ઉપયોગ થાય. ઘણી વાર એ defense માટે વપરાય. જયારે ટીકાના ઉપનામોનો ખજાનો ઘટી ગયો હશે ત્યારે ગાળોનો જન્મ થયો હશે. જયારે કોઈના પર ખીજ કાઢવાનાં ઉપનામો ઘટી ગયા હશે ત્યારે ગાળો નો જન્મ થયો હશે! કે, પછી ભગવાને અમુક આવા શબ્દો, જેનો જાહેરમાં બોલવાનો ક્ષોભ થયો હશે, જેને ગાળ કહેવાય, એના બ્રાન્ડ એમ્બેસેડર એપોઇન્ટ કરવાનું જ્યારે વિચાર્યું હશે, ત્યારે એમને મારા ફેવરિટ, અનાવિલો યાદ આવ્યા હશે! એટલું જ નહીં, એના માટે ભગવાને સ્થળ પણ પસંદ કર્યું દક્ષિણ ગુજરાત. આ ગાળો બોલવાની કળાને અનાવિલોએ પૂરેપૂરો ન્યાય આપ્યો છે અને વંશ પરંપરાગત ઉત્તરોઉત્તર ફેલાવી પણ છે.  જયારે ગુસ્સો આવે ત્યારે adrenaline release વધી જાય, મારું માનવું છે કે અનાવિલો ગાળ બોલીને એને કંટ્રોલ કરી લે છે.

હવે ચાલો, તમને નિલેશ, એટલે કે મારા પતિ અને મારા મોસાળની મુલાકાતની વાત કહું છું. મારા લગ્ન પછી નિલેશ પહેલી વાર મારા મોસાળ વાપી આવેલો. (હું એને તું થી બોલવું છું, મારા સાસુ અને મારી નણંદના હું નિલેશને નામથી ન બોલાવું, એના જીવલેણ પ્રયોગો નિષ્ફળ થયા છે) જેવું વાપી નજીક આવતું હતું એવું મેં નિલેશને માનસિક તૈયારી કરાવવાની શરૂઆત કરી. એન્ટીડોટ આપતી હોઉં એવી ફીલિંગ હતી. કોરોનાનો ઈલાજ vaccine જ છે, કોરોના તો રહેવાનો છે એવુ જ અમારા ક્લચરનું છે. જેટલે જલદી તમે immunity પ્રાપ્ત કરી લો, તમારા માટે હિતાવહ છે. એટલે મેં ધીરેથી વાતની શરૂઆત કરી. મેં કીધું, ‘નિલેશ, મારા ગામમાં લોકો ગાળો બહુ જ બોલશે, કોઈ તને નહિ કહે, પણ અમારી ભાષા જ આવી છે. તો, એનું રિએકશન એમ હતું કે “ગાળ શા માટે બોલવી જોઈએ, કેટલું અપમાનજનક કહેવાય!”

મને ખરેખર થયું કે પ્રોગ્રામ માંડી વાળીયે!  એને મારા પપ્પા અને ભાઈને મળીને થોડો ઘણો પરિચય હતો, પણ, હવે તો વાવાઝોડાનો સામનો એ કેવી રીતે કરશે? ટુકવાડા ગામમાં મારા મોસાળ ના 10-12 ઘર છે. મારા મામા, માસી, મારા પિત્રરાઈ ભાઈ, પિતરાઈ બહેનો, એમ પરિવારના મોટા ભાગના લોકો રહે છે. મારા માસી હતા ભૂરી માસી, અમે એમને ભૂરકી બા કહેતા. એ અંકિત દેસાઈ ના દાદી, અને મારા અને આખા પરિવારના ખુબ જ પ્રિય અને ખુબ જ લાડકાં હતાં. ગાળો એ પુરુષોનો ઈજારો રહ્યો છે, પણ, જેમ મેં આગળ કહ્યું તેમ, અનાવિલોએ સ્ત્રી અને પુરુષોને જમાનાથી સમાન હક આપેલાં છે. ગાળો અને મારા માસીને જનમ જનમનો સંબંધ હતો. એક બીજાં વગર રહી ના શકે. મારા આ માસી એક એવું વ્યક્તિત્વ હતા કે જેમ ઈંગ્લીશમાં કહેવાય “YOU CAN NOT GET ENOUGH OF HER ‘ જેવું એમનું ઘર નજીક આવ્યું હું દોડતી ઘરમાં ગઈ અને રસોડામાં જઈને માસીને કીધું “ભૂરકી બા, જમાઈ આવેલા છે તો બોલવામાં ધ્યાન રાખજે” એને મને ઉપરથી નીચે જોઈને જોરથી ઘાંટો પડીને કીધું “તમે રાણે બહાર પણવાની અને અમારા મોઢે તારા (lock) મારવાની, અમને તો હાટ (હાર્ટ) અટેક લાવવાની!” મને ખાતરી છે કે નિલેશે આ જરૂર સાંભળ્યુ હશે! માસીએ રસોડામાંથી બહાર આવવાની ના પડી દીધી. થોડી વાર પછી સંધિ થઇ કે એ બહાર આવી ને નિલેશને એમ પૂછશે કે, “તમે કેમ છો” એટલું જ, પછી પાછા એ રસોડામાં.

એમને નિલેશ કરતાં મને મળવામાં વધારે રસ હતો. પછી એ બહાર આવીને બેઠાં અને એ 5 મિનિટ એમના માટે કાળા પાણી ની સજા કરતા વધારે હતા! છેલ્લે, જતાં જતાં, નિલેશને એમ કીધેલું કે, “ભાઈ તમે કોઈ દિવસ ગાળ ની બોલેલા કે? કેમ જીવે તમે? અમે તો બે દિવસ માં ભોસરાઈ જાયે” (ભોસરાઈ એટલે મરી જઈએ) ચાલો મિશન successful! આખો દિવસ 10-12 ઘરે ચા, પાણી નાસ્તો, lunch કરીને નિલેશ થોડો resistant થઇ ગયો. મને પણ હતું કે મુંબઈ જતા રસ્તામાં રિવ્યૂ સાંભળવા મળશે.  સાંજે હું અને મામી સાથે રસોડામાં હતા થોડાક બીઝી થઇ ગયા. અચાનક નિલેશ દેખાતો નહોતો. ઓટલે પણ નહોતો. મારા બેઉ મામાના ઘર બાજુ બાજુમાં છે, 10 ફિટ ના અંતરે. અચાનક બીજા ઓટલે થી અવાજ આવતો હતો, પાના રમતા હોય એવું લાગતું હતું. ત્યાં ગઈ તો ગામના જુવાનિયા મામાના ઓટલે પાનાં રમતા હતા અને નિલેશ પાળી પાર બેસીને ને ખડખડાટ હસતો હતો. પાના રમતી વખતે મૂવી ની climax જેવી સ્થિતિ હોય છે. એનો અનુભવ અને description શબ્દો માં અશક્ય છે.
એ સમયે, મેં ‘હાશકારા’ શબ્દને સાચા અર્થમાં અનુભવ્યો!  નિલેશ રસ્તામાં મને કહે, “પાના રમતી વખતે ગાળ સાંભળીને માઈન્ડ ફ્રેશ થઇ ગયું!”

અનાવિલોની વહુને સાસુ માથું ઓઢવા નથી કહેતી, in fact માથું ઓઢે તો ટોકી જરૂર દે છે. જયારે પૌત્રો અને પૌત્રી નું આગમન થાય ત્યારે સાસુ અને સસરા પોતાની કમાણી, સાંસારિક જીવન બધાંની હસતા મોઢે આહુતિ આપી દે છે. મારી માસીની દીકરી રેખા અને સુનિતાબેન એના બહુ જ સુંદર ઉદાહરણ છે. અનાવિલોએ વાંકડા (દહેજ) નું દુષણ બહુ જ સહજ રીતે દૂર કર્યું છે. અનાવિલોની દીકરી અને વહુ, સાથે જિન્સ પહેરીને ફરે છે.  સાસુ અને સસરા વહુના શોપિંગ લિસ્ટના સ્વિમિંગ સુઈટ પણ પ્રેમથી ખરીદે છે. મારા પોતાના પપ્પા મારી ભાભી કામમાં હોય તો એના બધા કપડાંની ઘડી કરીને એમ પણ કહેશે, બીજું કૈં કામ હોય તો બોલ. મારા પરિવાર પર મને અત્યંત અભિમાન અને ગૌરવ છે. હું છાતી ઠોકીને કહી શકું છું કે મારા પિયરની સ્ત્રી અને પુરુષ એક બીજાને પ્રેમ અને હૂંફ અને માન આપવાની એક પણ તક જતી નથી કરતા. મારા યુવાન પિતરાઈ ભાઈ ચિન્ટુ અને બિન્ટુ એ અમારા પરિવારની માળાને મજબૂત દોરાથી બાંધી છે. એમાં ગાળો કે ભાષાએ કદી ગાંઠ નથી પાડી. એ તો અમારો ચાટ મસાલો છે. બધા પાર બિંદાસ નાખવાનો.

3 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૧૨) – જાગૃતિ દેસાઈ-શાહ

 1. જાગૃતિ બેનની આ ખાટીમીઠી ચટાકેદાર વાનગી દાવડાના આંગણે મિષ્ટાન્ન જમીને તૃપ્ત થયેલાં લોકો માટે મુખવાસ કે પછી હાજમૌલા જેવું કામ કરે છે. Bravo ! આગે બઢો ! જરા હસતાં રમતાં જીવો-જગત બદલાઇ જશે (શિરે ભાર લઇ ફરશો તો વદન કરમાઈ જશે.

  Like

 2. થોડી ખાટી, થોડી મીઠી – (૧૨) – જાગૃતિ દેસાઈ-શાહમા અનાવિલ – ભાગ – ૨ મા ‘તું કઈ ગાળ બોલે છે! ‘વાતે યાદ આવે આશરે ૭૦ વર્ષ પહેલાની વાત..સુરતમા નાના બાળકો રમતા લડતા ગાળ બોલતા અને અમારા દાદાજી કહેતા અમારાથી ગાળ ન બોલાય પણ ‘તારી બેનનો ભાઇ જીવે ‘ બોલવું.અમે મુંબાઇમા માળાના છોકરા છોકરીઓ દડાથી રમતા હતા અને એક છોકરાએ લુચ્ચાઇ કરતા મેં ફેંટ પકડી જોરથી ‘તારી બેનનો ભાઇ જીવે ‘કહેતા બધા નાસી ગયા કે આ છોકરી ગાળ બોલી !અમારા વડીલની સમજાવટથી સમાધાન થયું.
  .
  સાલાને ગાળ ગણતા દલપતરામની વાત કહેતા કે સૌનો સાળો સૌનો સસરો હું છુ દલપતરામ.
  .
  ‘મારા પરિવાર પર મને અત્યંત અભિમાન અને ગૌરવ છે……એમાં ગાળો કે ભાષાએ કદી ગાંઠ નથી પાડી. એ તો અમારો ચાટ મસાલો છે. બધા પાર બિંદાસ નાખવાનો.’ વાત ઘણી ગમી
  ધન્યવાદ

  Liked by 1 person

 3. “એક મનચલો, રખડુ મારી સાથે અથડાઈને ગયો. મારા સસરા ત્યારે 65 થી ઉપર હતા. અચાનક ફર્યા અને એ છોકરાને કોલરથી પકડ્યો અને જે ગાળોનો વરસાદ વરસાવ્યો છે! મને એક મિનિટ માટે થયું કે મારા મામાની આત્મા આમનામાં આવી ગઈ કે શું? ભાઈ, ધોતિયું, કફની અને બંડી પહેરીને જે રુદ્ર રૂપ ધારણ કરીને ગાળોનો વરસાદ વરસાવી રહ્યા હતા! આજે પણ ભાઈનો ફોટો જોઈને મરક મરક હસું છું”
  પોતાની વહુ દિકરીની રક્ષા કરતાં અજાણપણે સંસ્કારી માણસના મોઢે પણ ગાળોનો વરસાદ વરસે એ સાહજિક છે. જાગૃતિબહેન અનાવિલ સમાજની ઘણી ખૂબી જાણવા મળી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s