એક પરિચયઃ બે એરિયાની યુવાન પ્રતિભા – વાગ્મી કચ્છી:


 

વાગ્મી કચ્છી

એક પરિચયઃ બે એરિયાની યુવાન પ્રતિભા

મિત્રો, આજથી એક નવી શ્રેણીનો પ્રારંભ કરીએ છીએ. સમયનુસાર, બે એરિયાના અને અમેરિકાના અન્ય પ્રાંતોના પ્રતિભાશાળી કલાકારોનો પરિચય કરાવતાં રહીશું.

અમારું બે એરિયા એક વત્સલ કુટુંબ છે. અમારા આ કુટુંબમાં હવે (જે સૌથી નાની સભ્ય છે,) વાગ્મી કચ્છીનો ઉમેરો થયો છે. વાગ્મીને આવકારતાં મને ખૂબ જ આનંદ થાય છે. નવું લોહી જ કલા અને સાહિત્યને ધબકતું રાખે છે અને ઉત્સાહથી થનગનતી વાગ્મી અમારા સહુ સાથે, દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે.

એક દિવસ, “બેઠક”ના સંચાલક, પ્રજ્ઞાબેન દાદભાવાળાનો મને ફોન આવ્યો. એમણે “બેઠક” સંસ્થા તરફથી, યોજાયેલી “વાચિકમ”ની શ્રેણી માટે, “જિંદગી એક સફર હૈ સુહાના” ના મારા લેખો, જે “દાવડાનું આંગણું” માં મૂકાયેલા છે, એની માંગણી કરી અને, એ સાથે, મને વાગ્મીનો ટૂંકો પરિચય કરાવ્યો. જ્યારે મેં એનું વાચિકમ સાંભળ્યું તો મને એવી અનુભૂતિ થઈ કે જ્યાં સુધી વાગ્મી જેવી યુવાન પેઢી, ગુજરાતી ભાષાને વિદેશમાં પણ આમ પોતીકી કરીને રાખશે, તો પછી આપણી માતૃભાષાને ભવિષ્યમાં આંચ પણ નહીં આવે!

વાગ્મીના સાહિત્યપ્રેમ અને સંગીતપ્રેમથી “બેઠક”ના કાર્યક્રમોને કારણે અવગત થઈ પણ કોરોનાના આ કપરા કાળમાં, વાગ્મીને પ્રથમવાર, ઝૂમ મિટીંગના પ્લેટફોર્મ પર, બે એરિયાની અમારી સહુની લાડલી, જાગૃતિ શાહની “જવનીકા” સંસ્થા દ્વારા યોજાયેલા પ્રોગ્રામમાં સાંભળવાનો મોકો મળ્યો હતો. ત્યારે સાચે જ થયું કે મા સરસ્વતીની વાગ્મી પર કૃપા રહી છે.

નીચે વાગ્મીનો પરિચય, ઈન્ટરવ્યુના ફોરમેટમાં આપ્યો છે. આ સાથે, વાગ્મી દ્વારા કરાયેલા અનેક વાચિકમ માંથી એની પસંદગીના રોજ એક વાચિકમ અને એક એના સંગીતની લીંક આવનારા ત્રણ દિવસ સુધી મૂકીશું. “વાચિકમ”ના પ્રકરણો, “દાવડાનું આંગણું” માં વાંચવા માટે મળી રહેશે.

વાગ્મી, તમારું સ્વાગત છે.

તમારોજન્મકુટુંબઉછેરવિષે થોડુંક જણાવો. કુટુંબમાં કેટલા સભ્યો અને સંયુક્ત કુટુંબમાંમોટાં થયાંબેઝિકલી ક્યાંક્યાકેવી રીતે વગેરેનો એમાં સમાવેશ કરજો.
મારૂ નામ વાગ્મી મેઘન કચ્છી, મારો જન્મ પાંચમી જુલાઇ ૧૯૯૪ ના રોજ, ભાવનગર મારા મોસાળમાં થયેલ, અને ત્યારબાદ અહીં અમેરિકા દોઢ વર્ષ પહેલાં આવી. ત્યાર સુધી મારૂં બાળપણ, સ્કુલ, કોલેજ વગેરે અમદાવાદ માં જ થયું. અમારા કુટુંબમાં મારા દાદા-દાદી સાથે અમે છ જણાં રહેતા.

મારા દાદા શ્રી કુમુદભાઇ દેસાઇ મુળ ઉના-સૌરાષ્ટ્રના પરંતુ તેઓ બેંક ઓફ ઇંડીયામાં ઓફીસર હતા તેથી તેમની અવાર-નવાર બદલી થતી. તેઓની નિવૃતી બાદ તેઓએ અમદાવાદમાં રહેણાંક કરતાં અમે અમદાવાદમાં જ સેટલ થયા. તેઓનું ૯૪ વર્ષે અને મારાં દાદી વસુમતીબેન કે જેઓનું ૮૯ વર્ષની ઉંમરે અવસાન થયું. આથી અમને તેમનો પ્રેમ, લાગણી અને અમારા સંસ્કાર સિંચનમાં તેઓનું મોટું યોગદાન છે.

મારા પિતા શ્રી અમિત દેસાઇ કે જેઓ પણ બેંક ઓફ ઇંડીયામાં હતા અને બે વર્ષ પહેલાં ૨૦૧૮ માં નિવૃત થયા. મારા માતા શ્રીમતી હિતા દેસાઇ કે જેમણે મારાં દાદા-દાદીની સેવાની સાથે સાથે જ અમારૂં યોગ્ય ઘડતર કર્યું, અને સમાજ સેવા માટે સગપણ-સગાઇ અંગે વિના મૂલ્યે અમારા કુટુંબમાં અને જ્ઞાતિજનો ને તેમનાં સંતાનો માટે યોગ્ય પાત્ર બતાવી તેમના સફળ લગ્નજીવન માટે યોગદાન આપતી. અને તેની આ સેવાથી ઘણાં કુટુંબો છેલ્લા ૧૦ વર્ષથી સુખદ દાંપત્યજીવન માણી રહ્યાં છે.

મારો એક મોટો ભાઇ શ્રી સૌમ્ય દેસાઇ કે જેણે તેની તેના શાળાકીય ભણતર બાદ ઓસ્ટ્રેલીયા ખાતે અભ્યાસ કરીને હાલ તે IBM કંપની ખાતે કાર્યરત છે. અને મારાં ભાભી શ્રીમતી સ્તુતિ દેસાઇ પણ ઓસ્ટ્રેલિયન સરકારના એક વિભાગમાં પોતાની સેવા આપી રહેલ છે. તેમને એક ૯ મહિના ની પુત્રી છે, જેનું નામ સાનવી છે.

પ્રાથમિકઅનેહાઈસ્કૂલનું ભણતર ક્યારે પૂરૂં કર્યુંઆગળનો અભ્યાસ કોલેજમાં શેનો કરવો એક્યારે અને કેવી રીતે નક્કી કર્યુંએકાદ કોઈ એવો પ્રસંગ સ્કૂલ સમયમાં જે તમારા મન પરઅમીટ છાપ છોડી ગયો હોય?
મારી બધી જ શૈક્ષણીક કારકીર્દી અમદાવાદમાં જ પૂર્ણ થઈ. ધોરણ ૧૨ પાસ કરીને મારી ઇચ્છા ડીઝાઇનીંગ ક્ષેત્રે આગળ અભ્યાસ કરવાની હતી તેથી *ઈંટીરીયર ડીઝાઇન* માં એડમીશન લઈ તે પૂર્ણ કર્યું અને ત્યારબાદ એક કંપનીમાં થોડો સમય જોબ પણ કરી.

શાળાજીવનના યાદગાર પ્રસંગમાં જણાવું તો નાનપણથીજ હું ગાતી તેથી સ્કૂલમાં રોજ ગવાતી પ્રાર્થનામાં તથા યોજાતી સ્પર્ધામાં પણ ગાતી. એક્વાર સ્કૂલના સ્થાપના દિવસ પ્રસંગે મેં ગાયેલું. આ પ્રોગ્રામ જોવા મારાં માતા-પિતા પણ આવેલ. મારૂં ગીત પૂરું થયા પછી હું તેમની પાસે ગઈ, સ્ટેજ પાસે ઊભેલા મારા પ્રિન્સિપાલે આ જોયું અને તરત બધાં વચ્ચે અમારી પાસે આવ્યાં અને મેં ઓળખાણ આપી ત્યારે તેમણે મારાં માતા-પિતાને કહ્યું કે આ વાગ્મી અમારી સ્કૂલનો ‘હીરો’ છે. અને અમને તેનું ગૌરવ છે. આ પ્રસંગ હજી મને અવાર-નવાર યાદ આવે છે. જે મારી માટે યાદગાર છે.

તમારામાતાપિતાનોતમારા અભ્યાસ માટે અને અન્ય પ્રવૃત્તિઓ (સંગીત સિવાય) માટે કેટલો અને કેવો સપોર્ટ આપ્યો ઈતર પ્રવૃત્તિઓ કઈ હતીએવો કોઈ પ્રસંગ?
હું આજે જે કાંઇ સંગીત ક્ષેત્રે કરી રહી છું તે મારા માતા-પિતાને કારણે જ છે. મારી મમ્મી ને પણ સંગીતનો શોખ. તેણે પણ તેના નાનપણમાં સંગીત ક્લાસ કરેલ, પરંતુ મારા નાનાજી પણ બેંક માં મેનેજર હતા અને તેમની બદલી થતી અને તે પણ ઘણીવાર નાનાં સેંટરમાં તેથી તેનો સંગીતનો અભ્યાસ અને શોખ અધૂરો રહ્યો, જે મારામાં પૂરો થતો જોઈ આજે તે ખુશ થાય છે.

નાનપણમાં ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લેતી. ટીવી પ્રોગ્રામમાં પણ ભાગ લેવા માટે તેઓ દોડી દોડીને આવતાં. એકવાર ગુજરાતી ઈ ટીવી પર *લીટલ સુપર સીંગર* સ્પર્ધા હતી. તેના રેકોર્ડીંગ માટે સ્ટુડીઓ ઘરથી દુર હોવાને કારણે સવારે વહેલું નીકળવું પડતું તો તે માટે તે સવારે વહેલી ઊઠીને, ઘરનાં બધાંની રસોઈ કરી, મને તૈયાર કરે અને અમે નીકળતાં. મોડી સાંજે રેકોર્ડીંગ પુરૂં કરીને આવીને પાછી રસોઈ તો કરવાની હોય. આ સિવાય પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે પ્રોગ્રામ હોય તો રાજી થઈને પ્રોગ્રામ જોવા આવે અને મારો ઉત્સાહ વધારે.

એક અન્ય ટીવી પ્રોગ્રામનો રીકોર્ડીંગ સ્ટુડીઓ દૂર અમદાવાદ – ગાંધીનગર વચ્ચે હતો તો ત્યાં પણ જ્યારે જવાનું હોય તો ત્યાં પણ આવે. પપ્પા રોજ બેંકમાંથી આવ્યા બાદ તરત સાંજે મને સંગીતના ક્લાસમાં લઈ જાય. સંગીતની પરીક્ષા વખતે પણ તેઓ મારી સાથે આવતા. નવરાત્રી દરમ્યાન મોડી રાત્રે ગરબા પૂરા થાય તો જાગીને પણ અમુક ચોક્ક્સ જગ્યાએ લેવા આવે. હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને આવાં મમ્મી પપ્પા મળ્યાં અને તે માટે હું ઇશ્વરનો ખાસ આભાર માનું છું કે મને આ ઘરમાં જન્મ આપ્યો.

 સંગીત પ્રત્યે અભિરૂચી ક્યારે જાગીકોની પાસે સંગીતની શાસ્ત્રોક્ત તાલિમ લીધીઆતાલિમ દરમ્યાનનો કોઈ પ્રસંગ?
મેં અગાઉ કહ્યું તેમ, મારી મમ્મી ની સંગીત પ્રત્યે અભિરુચી હતી, તેથી, તેની ઈચ્છા હું સંગીતમાં કઈં કરૂં તેવી હતી. તેથી લગભગ છ વર્ષની ઉંમરથી મને ગાતાં શિખવાડતા. મેં મારી સંગીતની શાસ્ત્રોક્ત તાલિમ મણીનગર, અમદાવાદમાં શ્રીમતી તનુજાબેન મુન્શી પાસેથી મેળવી. અને આજે પણ હું તેમના નિયમિત સંપર્કમાં રહું છું. અને અમદાવાદ જાઉં ત્યારે તેમને અચૂક મળું છું. તેમને બે દીકરા છે, તેથી મને તેઓ મને તેમની દીકરી જ માને છે. તેમના તરફથી મને ઘણી વાર અલગ અલગ ભેટ પણ મળે છે. તેમણે આપેલ ભેટ હજી મારા અહીંના ઘરમાં રાખી છે.

વતનમાં સંગીતના પ્રોગ્રામો આપતાં હતાં? એવી કોઈ ખાટી-મીઠી ઘટના જે તમને કાયમ માટે યાદ રહી ગઈ હોય?
વતનમાં સંગીતના ઘણા કાર્યક્રમો કરેલા છે. અને આ દરમ્યાન ઘણી મોટી જાણીતી હસ્તીઓને મળવાનો અને વધુ સમય તેમની પાસે રહીને તેમની પાસેથી જાણકારી મેળવી જેમાં શ્રી મનહર ઉધાસ, શ્રી વીજુ શાહ સાથે ઘણા દિવસો સાથે રહીને એક ટીવી પ્રોગ્રામના રેકોર્ડીંગ વખતે શીખવાનું મળ્યું. આ ઉપરાંત શ્રી દીપેશ દેસાઇ, શ્રી સંજય ઓઝા, શ્રી અશોક દવે જેવા સાથે કામ કરવાનો મોકો મળ્યો.

લગ્ન કઈ રીતે થયાં અને બેઉ પરિવારો તરફથી મળેલી હૂંફ અને પતિના અનકન્ડીશનલ સાથ વિષે થોડુંક કહો અને એડજસ્ટમેન્ટના પિરીયડમાં કુટુંબીજનોના સહકાર વિષે કશુંક કહો.
મારા પતિ મેઘન કચ્છી અત્યારે સાન હોઝે માં સિસ્કો કંપનીમાં ટેકનીકલ માર્કેટીંગ એન્જિનીયર તરીકે જોબ કરી રહ્યા છે. તેમના કુટુંબને અને અમારા કુટુંબને એકબીજાના જ્ઞાતિબંધુ હોવાને કારણે ઓળખાણ હતી. અમે મેઘનને એક અન્ય સંબંધીને ત્યાં લગનમાં મળેલાં તેથી એકબીજાંને જાણતાં હતાં .અમારાં બન્ને પરિવારો અને અમારી બન્નેની ઈચ્છાથી અમારાં લગ્ન થયાં.

કોઇ પણ વ્યક્તિને એકવાર મળવું અને કાયમ તેની સાથે રહેવું તેમાં ફેર હોય છે. પરંતુ મેઘનને પહેલી વાર મળ્યાં બાદ, જે લાગણી-ખુશી થઈ હતી, તેવી જ હું આજે પણ લગ્ન બાદ દોઢ વર્ષે પણ અનુભવી રહી છું. તેનો સહકાર મને દરેક વખતે મળતો રહ્યો છે, કોઈ પણ શરતો વગર સંપૂર્ણ સહકાર મળતો રહે છે. આવો સહકાર આપવા માટે મમ્મી પપ્પા એટલે કે મારાં સાસુ-સસરા પણ તેને પ્રોત્સાહિત કરે છે.

મારા ફાધર ઈન લૉ શ્રી ભવેન કચ્છી *ગુજરાત સમાચાર* ના ચીફ સબએડિટર છે, અને એક જાણીતા કોલમીસ્ટ છે. મારાં મધર ઈન લૉ શ્રીમતી અલ્પાબેન કચ્છી એક સફળ ગૃહિણી છે, જ્યારે મારા બ્રધર ઈન લૉ શ્રી નિકેત અને તેમનાં પત્ની શ્રીમતી મૌના કચ્છી બન્ને ડેન્ટિસ્ટ છે. મારી ભત્રીજી કુ. શાર્વી હજી ત્રણ વર્ષની છે. તેમનો પ્રેમ મને એટલો બધો મળતો રહે છે કે મને સાસરૂં એટલે શું, તે જહજી સુધી ખબર નથી. તેઓ સર્વેનો સહકાર, મારી આ સંગીત યાત્રાનું બળ છે.

અમેરિકા આવવાનું લગ્ન પહેલેથી  નિશ્ચિત હતું કે પછીથી નક્કી કર્યુંઅમેરિકા આવતાં સમયે કેવી લાગણી થઈ હતી?
અમેરિકા આવવા માટે અગાઉ વિચાર્યું નહોતું. પરંતુ, મેઘન અહીં તેની માસ્ટર્સ ડીગ્રી પૂર્ણ કરીને, નોકરી મળી તે વર્ષે જ ઈન્ડિયા આવેલા, ત્યારે મારાં લગ્ન થયેલાં.  લગ્ન પછી તરત જ મારે અમેરિકા આવવાનું થયું. અહીં આવતી વખતે હું મિશ્ર લાગણી અનુભવતી હતી. મમ્મી પપ્પા ને છોડી આટલે દુર આવવાનું પણ મેઘનને મળવાની અને એની સાથે રહેવાની પણ એટલી જ ઉત્સુક્તા હતી. પણ અહીં આવ્યા બાદ ફક્ત બે-ત્રણ દિવસમાં જ મેઘન સાથે તેના સહકારથી હું ખુબ જ સરસ રીતે સેટ થઈ ગઈ.

અહીં આવ્યા પછીના કલ્ચરલ શોક વિષે કંઈક કહો. ઘરની યાદકૌટુંબિક જવાબદારીઓ વગેરેવગેરે. પ્રોફેશનલી શું કરવાની એમ્બીશન છે?
અહીં આવીને હું અહીં બે-એરિયામાં છું કે જ્યાં આટલા બધા ભારતીયો, અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી સમાજ, અહીંના મંદિરો, ઈન્ડિયન સ્ટોર્સ, કઈં જ ખામી ન લાગે, તેથી ઘરની અને અમદાવાદની યાદ ઓછી આવે. મારે એકલે હાથે નવું નવું ઘર વસાવવાની જવાબદારી હતી તેથી થોડો ડર લાગે પરંતુ હું અહીં થોડા જ દિવસોમાં સેટ થઈ ગઈ. પ્રોફેશનલી મારે સંગીત અને સાહિત્યમાં આગળ વધવા વિચાર છે, પરંતુ જો મને મારે લાયક કોઈ જોબ મળશે કે એની સાથે પણ હું મારી આ પ્રવૃત્તિ ચાલુ રાખી શકું. તો તે અંગે પણ વિચારીશ.

અહીંના મિત્રમંડળ અને ભારતના મિત્રમંડળ સાથે સપર્ક કેવો રહ્યો છેમિત્રો વિષે કંઈક કહો.
મારા અહીં આવ્યા પછી એક-બે મહીનામાં જ અમને ઘણા મિત્રોનો પરિચય થયો કે જેઓની પણ મારી જેવી જ જીવનયાત્રા રહેલી છે તેથી અમને બધાને એકબીજાની હુંફ રહે છે. અહીં ના મિત્ર વર્તુળ સાથે તો સંબંધ નવો જ થયો છે તેથી અને ભારતમાં જુના મિત્ર વર્તુળ સાથે જૂના સંબધ પણ હજી સુધી જળવાયેલાં રહ્યાં છે. અહીંના અમારા ગ્રુપના બધા મારી જેમ જ લગ્ન કરીને પહેલીવાર અમેરિકા આવેલ છે, અમારા બધાના અહીં આવવાના સમયમાં થોડૂં અંતર છે, પણ બધા એકબીજાની પસંદગી જાણી ગયા છીએ.

 ભાવિ માટેના કોઈ અરમાન જે તમે વાચકવર્ગ સાથે શેર કરવા માગતા હો.
આગળ જતાં મારી આ સંગીત યાત્રા સાથે મને પહેલીથી વોઈસ-ઓવર અને એંકરીંગમાં રસ છે, અમદાવાદમાં પણ મેં વોઈસ-ઓવર પ્રોજેક્ટ્સ કરેલા છે. આ ઉપરાંત દૂરદર્શન પર પણ એંકર તરીકે કામ કરેલ છે. આથી અહીં પણ જો આવું શક્ય બનશે તો તે ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા છે.

સમાપન
હું આ તકે બે-એરિયાના દરેક લોકોનો આભાર માનું છું.  હું અહીં નવી જ છું તે છતાં બધાએ મને અપનાવી અને મને તક આપી.  તમારા મારા પરના વિશ્વાસને લીધે, મારી હિંમત વધે છે, આત્મવિશ્વાસ વધે છે અને ઘરથી દૂર, ઘર જેવી હૂંફ મળે છે, જેને માટે હું હંમેશા આભારી રહીશ.

(આવતા ત્રણ દિવસ, એક વાચિકમ અને એક એમના કંઠે ગવાયેલું ગીત મૂકીશું. આ ત્રણ દિવસ એમને સાંભળવાનો લ્હાવો લેવાનું ભૂલતાં નહીં)

3 thoughts on “એક પરિચયઃ બે એરિયાની યુવાન પ્રતિભા – વાગ્મી કચ્છી:

  1. પ્રતિભાશાળી કલાકારોનો પરિચય મા સુ શ્રી વાગ્મી કચ્છી:ની રસિક વાતો માણી આનંદ

    Like

  2. ખૂબ જ સુંદર અને એકદમ જરૂરી એવું આયોજન…..વાગમી ને અભિનંદન… ખૂબ સરળ અને સરસ વ્યક્તિત્વ…..હું તો એના સમગ્ર પરિવાર ની ખૂબ નજીક છું…વાગમી નું સાહિત્ય અને સંગીત ના ક્ષેત્રે ખૂબ જ પ્રસંશનીય પ્રદાન છે અને આ તો શરૂઆત છે…..journey જોતા રહો….

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s