વાન્ડા – વાર્તા – સુચિ વ્યાસ


વાન્ડા – સુચિ વ્યાસ –

(વાર્તા સત્યઘટના પર આધારિત છે. ગોપનીયતા જાળવવા  નામ, સ્થળ અને સમય બદલી નાંખવામાં આવ્યો છે.)

સહેજ ભરાવદાર, ત્રાંબા વર્ણી, કાળી પણ કામણગારી, લટકાળી લાલના ટાઈપની બાઈ. અંગ-અંગમાં નીતરતું રૂપ. કંડારાયેલી મૂર્તિ જેવો ઘાટીલો દેહ, જોતાંવેંત ગમી જાય. પુરુષોની સામે આમ સહેજ ત્રાંસી નજર કરે ત્યાં ભલભલો ભાઈડો પાણી, પાણી થઈ જાય! કોઈ એને જોઈને કહે નહીં કે એ બે છોકરાંની મા હશે! ૩૫ વર્ષની ઉમરમાં બિચારી, બાપડીએ, લગભગ ૭૦-૮૦ વર્ષનો થાક ભેગો કરેલો છે એવું એની દર્દભરી આંખોમાં દેખાય! એ   વેસ્ટ ફિલાડેલ્ફિયાની વંઠેલી વાન્ડા યાને કે ‘વિકેડ વાન્ડા’ તરીકે પ્રખ્યાત. વાન્ડાનું આમ તો શેરીઓમાં રૂમઝૂમતું નામ છે લૈલા. આમ જુઓ તો સાચા અર્થમાં વાન્ડા ગામ આખાની લૈલા જ હતી. ચપટી મારે તો ૫૦ ભાઈડા સેવામાં હાજર અને તાલી મારે તો ફિલાના મેયરને ય આવવું પડે હોં! ધમધમતો રૂવાબ! આ રૂવાબનો જવાબ ન મળે હોં! ઠાઠમાઠથી વેશ્યાનો ધંધો ચાલતો હતો. પણ અદેખા આડોશી પાડોશીઓએ,  ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વીસીસને ફરિયાદ કરી કે તેનાં બે બાળકો આવા વાતાવરણમાં ‘નીગ્લેક્ટ’ અને ‘એબ્યુસ’ થાય છે. એક સવારે બન્ને બાળકોની કસ્ટડી વાન્ડા પાસેથી ઝૂંટવી લેવામાં આવે છે. બન્ને બાળકોને ફોસ્ટર હોમમાં ખસેડવામાં આવે છે. વેશ્યામાં રહેલી ‘મા’ – વાન્ડા ભાંગી પડે છે. સાથીદારો-મિત્રો કોઈ મદદ કરતું નથી. અંતે, થાકીને વાન્ડા સોશ્યલ વર્કરને પૂછે છે કે બાળકોની કસ્ટડી પાછી મેળવવા શું કરવું જોઈએ? વાન્ડાને જણાવવામાં આવે છે કે ૬ થી ૨૨ મહિના સુધી, ડિપેન્ડીંગ ઓન હર રિકવરી, વાન્ડાએ એક રીકવરી હોમમાં રહેવું પડશે. ત્યાર બાદ એનો કેઈસ શરૂ થાય.

વાન્ડા રાજીખુશીથી પોતાનો ધંધો – ઘરબાર બંધ કરીને ૩– ૪ જોડી કપડાં લઈ રીકવરી હોમમાં જાય છે, આ ટ્રીટમેન્ટ સેન્ટરમાં વાન્ડાની તમામ આદતોનો ભુક્કો કરી નવી વાન્ડા બનાવવામાં આવે છે. નિયમિત જીવન જીવવાની ચાવીઓ વાન્ડાને નવો વળાંક આપે છે. અઠવાડિયામાં ત્રણ વાર થેરેપિસ્ટને કલાક કલાક મળવાનું, સપોર્ટ ગ્રુપ રોજ ભરવાનાં અને પોતાની જેમ ભાંગેલી-દુઃખી સ્ત્રીઓ સાથે રહેવાનું. વાન્ડાએ તમામ અગ્નિપરીક્ષાઓ પાસ કરી, દોઢ વર્ષના અંતે એને સરકારી મકાન (સેક્શન એઈટના) દરજ્જા નીચે રહેવા માટે મળે છે. બન્ને બાળકોની કસ્ટડી પાછી મળે છે. જિંદગીમાં પહેલી વાર પોતાનું મકાન, બન્ને બાળકો અને એક આદર્શ માતા તરીકે વાન્ડા પા-પા પગલી માંડતાં-માંડતાં ચાલતી થાય છે. દર અઠવાડિયે સોશ્યલ વર્કરો એની તપાસ લેવા, ઘર જોવા, બાળકોનું ધ્યાન લેવા આવે છે. વાન્ડા દર અઠવાડિયાની કરાતી તપાસમાં પાર ઊતરે છે. ધીમે ધીમે બન્ને બાળકો અને વાન્ડા નવા રૂટીનમાં ગોઠવાતા જાય છે.

ત્યાં એક નવી સમસ્યા ઊભી થાય છે. પેન્સિલવેનિયા સ્ટેટ જેલમાંથી ફોન આવે છે કે તમારા પિતા મિસ્ટર વિલિયમસનની શારીરિક સ્થિતિ બગડતી ચાલી છે. એઈડ્સનો હુમલો આખ્ખા શરીરમાં પ્રવેશી ગયો છે. એમની પાસે વધારેમાં વધારે ૫૦-૬૦ દિવસની જિંદગી છે. જો તમે અથવા તમારાં માતા કોર્ટમાં જઈ, નામદાર જજ પાસે વિનંતી કરશો તો મિ. વિલિયમસનથી જન્મટીપના છેલ્લા દિવસો કુટુંબ સાથે ગાળી શકાશે. વાન્ડાની આંખ સામે ચલચિત્રની જેમ અનેક પ્રસંગો ભાગા-ભાગી કરવા લાગ્યા. કાનમાંથી અંગારા છૂટે એટલી ભયાનક ચીસો સંભળાવા લાગી. પોતાના સ્તન પર પહેલીવાર ઠંડાગાર હાથના ડામ લાગેલા એવો જ ઠંડો દાહ થવા લાગ્યો. છેક બાળપણની રાતોની રાતો નાની વાન્ડાને ઘરમાં એકલી મૂકીને મા-બાપ ‘કોકેન ગેલેરી’ માં ધમધોકાર ધંધો કરતા હતા. પૈસાના ઢગલા વચ્ચે દટાઈ જતા બાળકની કોને પડી હતી! વાન્ડાને યાદ નથી કે ક્યારે આખી રાત નિરાંતે સૂવા મળ્યું હોય. બંદૂકના ધડાકા, રાડા-રાડી, મારપીટ અને કારમી ચીસો પાડતી પોલીસ કારો અને એમ્બ્યુલન્સો! બન્ને કાન ઉપર ઓશીકાં ઢાંકી, એક ટેડી-બેર બે પગ વચ્ચે દબાવી મોટા સિલ્કનાં કમ્ફર્ટરમાં પોતાની જાત બચાવતી-ડરતી, અને રડતાં, રડતાં, થાકીને સૂઈ જતી હતી.

આમ ને આમ વાન્ડા ૧૨ વર્ષની થાય છે. દસ વર્ષે તો વાન્ડા પુખ્ત વયની સ્ત્રી જેવી ભરાઈ ગઈ હતી. એક શિયાળાની રાતે વાન્ડાના મા-બાપ લગભગ ૨-૩ વાગે ઘરે આવ્યાં હશે. વાન્ડાનો બાપ ચકચૂર નશામાં હળવેકથી વાન્ડાના નાના બેડમાં પ્રવેશે છે, અને વાન્ડાના સ્તન પર ઠંડા હાથનો પહેલો ડામ દેવાય છે. અતિશય ભયમાં પોતે રાડ પાડે તે પહેલાં, બીજો ઠંડો હાથ વાન્ડાના મોં પર દાબી દેવામાં આવે છે. વાન્ડાના દેહનો ઉપભોગ એક અકરાંતિયા; ભૂખ્યા વરુની જેમ, રાક્ષસી દરજ્જે કરવામાં આવે છે. વહેલી સવારે વાન્ડા ઊઠે છે ત્યારે લોહીથી તરબતર પથારી જોઈ ડરી જાય છે. મા તો ઘસઘસાટ સૂતી છે. વાન્ડા પોતે જ પોતાની પથારી સાફ કરીને નવી ચાદરો પાથરે છે. આમ ૨ વર્ષ સુધી એક બાળક રૂંધાતું જાય છે.

ત્યાર બાદ એક રાત્રે વાન્ડાના પિતાને એના બે સાથીદારો સાથે રૂમમાં પ્રવેશતાં જોઈ વાન્ડા ઉપલા માળની બારીમાંથી ભુસ્કો મારી કૂદી પડે છે. વાન્ડા નાસી છૂટે છે. બહેનપણીઓનાં ઘરે રહે છે. પણ દરેક જગ્યાએ પોતાની જાત ઉપર હુમલો થવાનો ભય એને ભાગતી કરી મૂકે છે. છેવટે હારીને વેશ્યાનો ધંધો કરે છે અને પોતાનો ગુસ્સો પોતાના પેટમાં દાબતી ફરે છે. અન્યાય, લાચારી દબાવીને મોઢા પર એક નવું હસતું મહોરું પહેરી લે છે. વિચારોની અનેક હારમાળાઓ તૂટતાં… ફરી વાસ્તવિકતામાં પ્રવેશે છે. આ જ બાપ, આ મિસ્ટર વિલિયમસનને છોડાવવા કે જેલમાં ખદબદતા મોતમાં મરવા દેવા!! – મા તો મૂઈ ક્યાં હશે? બાપ જેલમાં ગયા પછી કંઈ કેટલા ભાઈડાઓ ભેગી ફરતી ફરે છે એવા વાવડ સિવાય કોઈ વધુ બાતમી નથી. કંઈ કેટકેટલી ભાંજગડ પછી વાન્ડાને થાય છે કે.. બાપ છે, મારો છે, લાચાર છે, પોતે કાંઈક કરવું જ જોઈએ.

વાન્ડા લગભગ બધા જ નામદાર જજ સાહેબને ઓળખે; બધા જ કમ્યુનિટી લીગલ સર્વીસના વકીલોને ઓળખે. વાન્ડાની લીગલ હિસ્ટ્રી એવડી લાંબી છે કે ફિલાડેલ્ફિયાની પોલિસ, પ્રોબેશન ઓફિસરો અને જજ લોકો એને નામથી/ કામથી/ પર્સનલી ઓળખે. વાન્ડાને વિચાર આવ્યો કે લાવને, દયાળુ, જૂના-જાણીતા-ઓળખીતા જજને મળીને વાત કરું. બાપને મરવાનું તો છે જ પણ છેલ્લા થોડા દિવસ કુટુંબનાં માણસો સાથે રહેવા માટે એને મુક્ત કરે.

વાન્ડા તો જાય છે કોર્ટમાં અને કંઈ કાલાવાલા કરી મહામહેનતે જજ સાહેબની મુલાકાત માંગે છે. અનેક પ્રયત્નો પછી ૧૦-૧૨ દિવસે જજ સાહેબ દસ મિનિટની મુલાકાત આપે છે. વાન્ડા પોતાની ઈચ્છા- વિનંતી વ્યક્ત કરે છે. જજ સાહેબ હુકમ છોડે છે કે વાન્ડાના પિતાના જેલમાંથી છુટ્ટા કરો. પિતાને તાબડતોડ એક રીહેબ સેન્ટરમાં રહેવાની છૂટ મળે છે. વાન્ડાને થાય છે કે પોતે પિતાનું જીવતાં જીવ જગતિયું કર્યું. તમામ પિતૃતર્પણ પતી ગયું. વાન્ડા અને બન્ને બાળકો, રોજની સાંજ વાન્ડાના પિતા સાથે ગાળે. છૂટા પડતા પહેલાં પ્રાર્થના કરે અને વિદાય લે. આમ કરતાં-કરતાં ૨૦-૨૫ દિવસ પછી ‘ફાધર્સ ડે’ આવ્યો. વાન્ડાએ કેઈક બનાવી. ફૂલો ખરીદ્યાં અને બાપા માટે સરસ મજાનો સિલ્કનો નાઈટ ડ્રેસ લીધો. બન્ને બાળકો અને વાન્ડા હોંશેહોંશે દાદાને મળવા ગયાં.

વાન્ડાએ કહ્યું કે, ‘મારાં બાળકો અને હું ખુશનસીબ છીએ કે આજે આપણે આખ્ખું કુટુંબ સાથે ફાધર્સ ડે ઉજવીશું.’

બરાબર તે જ ક્ષણે વાન્ડાની મા પણ પ્રવેશે છે અને કહે છે કે મને આજે જ ખબર પડી કે મારા પતિ મૃત્યુની રાહ જોતાં એક રીહેબ સેન્ટરમાં છે. હું ગભરાયેલી, મૂંઝાતી આ બાજુ દોડતી’ક પહોંચી છું. મિ. વિલયમસને પત્ની સામે જોયું, પણ કંઈ જ વાર્તાલાપ ન કર્યો.

પિતાશ્રી એટલું જ બોલ્યા કે “મારો વીંખાઈ ગયેલો માળો ફરી વાન્ડાએ બાંધ્યો છે. આ નાના બે પરિંદાઓને એમાં જતનથી સંભાળજે.” ત્યાર બાદ ઈશારાથી એની માને અને બન્ને બાળકોને સમજાવે છે કે બહાર જાઓ.  બાપની ઈચ્છા હતી કે વાન્ડા સાથે એકલા વાત કરે.

વાન્ડાનો હાથ પોતાના હાથમાં લઈ કહે છે, “દિકરી, મેં તારા દેહનો ઉપભોગ ૨ વર્ષ સુધી લગલગાટ કરેલો. મને બરાબર યાદ છે કે જે દિવસે મારા સાથીદારને લઈને આવ્યો તે જ દિવસે તેં મારા ત્રાસમાંથી મુક્ત થવા, બારીમાંથી ભુસ્કો મારેલો.” પછી શ્વાસ લેવા રોકાઈને કહે, “મેં તારી જિંદગી વેડફી નાંખી, અરે, છૂંદી નાંખી, પણ તેં તો મારું મોત સુધારી દીધું. મને બને તો માફ કરજે. તું તો દીકરીને બદલે સાક્ષાત મારી ‘મા’ બની ગઈ છો!” અને આટલું કહેતાં જ વાન્ડાના બાપની આંખો મિંચાઈ ગઈ. વાન્ડાથી ચીસ પડાઈ ગઈ, “ડે..ડી…!” અને મનમાં બોલીઃ હેપી ફાધર્સ ડે ડેડી!”

3 thoughts on “વાન્ડા – વાર્તા – સુચિ વ્યાસ

  1. સુ શ્રી સુચિ વ્યાસ ની સત્યઘટના પર આધારિત હ્રુદયસ્પર્શી વાર્તા પઠનમા હોત તો વધુ મઝા આવતે

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s