છેલ્લું સ્ટેશન – ટુંકી વાર્તા – મૂળ લેખકઃ સર્ગી પૈમીસ – અનુવાદકઃ કુમાર જિનેશ શાહ


છેલ્લું સ્ટેશન – ટુંકી વાર્તા

મૂળ લેખકઃ સર્ગી પૈમીસ,  અનુવાદકઃ કુમાર જિનેશ શાહ

(કુમાર જિનેશ શાહનો પરિચયઃ કુમારભાઈ કચ્છ ના વતની છે. આમ તો વ્યવસાયે વેપારી છે પણ, એમની અંદરની સર્જકતા એમને  સાહિત્ય સર્જન સુધી ખેંચી આવી.
એમના જીવનનાં પ્રારંભિક ત્રીસ વરસ ઝારખંડ રાજ્યમાં વીત્યાં. 2000 ની સાલમાં કચ્છ પરત આવ્યા. એમના અભ્યાસનું માધ્યમ આમ તો હિન્દી હતું, પણ, પાછળથી ગુજરાતી શીખ્યા. હાલ બંને ભાષામાં સર્જન કરે છે.  કુમારભાઈ કવિતા, વાર્તા, લલિતનિબંધ, પ્રવાસનિબંધ, નાટક વગેરે લખવાની સાથે બેઉ ભાષામાં પરસ્પર અનુવાદનું કામ પણ કરે છે.  એમણે જન્મભૂમિ ગ્રુપનાં વર્તમાન પત્રમાં ફિલ્મી ગીતોની 52 હપ્તાની કૉલમ પણ લખી છે.
2019 માં, એમના પ્રવાસનિબંધોનું પહેલું પુસ્તક પ્રગટ થયું – ‘સહ્યાદ્રિના ઉત્તુંગ શૃંગથી’. ભાવકોએ તેને દિલથી વધાવ્યું, એમના અનેક નિબંધો વિભિન્ન સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થયાં છે.

અહીં એક ખાસ વાતઃ અહીં સ્પેનની પ્રાદેશિક ભાષાના લેખક સર્ગી પૈમિસની વૈશ્વિક પ્રસિદ્ધિ પ્રાપ્ત ટૂંકી વાર્તા ‘છેલ્લું સ્ટેશન’ રજુ કરાઈ છે. એનો અનુવાદ એમણે વાયા હિન્દી કર્યો હતો. અનુદિત કૃતિ ‘કુમાર’નાં 1000 માં અંકમાં સ્થાન પામી હતી. )

[સર્ગી પૈમીસ નો પરિચયઃ  સ્પેનમાં પિરેનીઝ પર્વતોથી ભૂમધ્ય સાગર સુધી પથરાયેલાં કૈટાલૂનિયા પ્રદેશનો પોતાનો એક પ્રલંબ ઈતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને જીવંત ભાષાવિશ્વ છે. આ પ્રાંતમાં બોલાતી કૈટાલન ભાષા સ્પેનના આશરે ૩૫% લોકો દ્વારા છૂટથી વપરાય છે. આ સંદર્ભમાં એને અહીં ‘જનભાષાનું બિરૂદ આપી શકાય.સર્ગી પૈમીસ કૈટાલન ભાષાના ઝળહળતા નક્ષત્ર જેવા છે. પૈમીસનો જન્મ ૧૯૬૦માં પેરિસમાં થયો હતો. તેઓ સાહિત્ય સિવાય મીડિયા તેમ જ ફિલ્મ લેખનમાં પણ સમાન હથોટી ધરાવે છે. તેમની પ્રથમ નવલકથા “ધ ઈન્સિટીંક્ટ” – The Instinct – ને પ્રુડેન્સી બર્ત્રા પુરસ્કારથી નવાજવામાં આવી હતી. ૧૯૯૬માં સર્ગી પૈમીસની બીજી નવલ, ‘સેન્ટિમેન્ટલ’ પ્રગટ થઈ. તેમની વાર્તાઓએ પણ ખાસ્સી ચર્ચા ચગાવી છે. પ્રથમ વાર્તા સંગ્રહ, “ધ ગ્રેટ નોવેલ ઓફ બાર્સોલીના” માટે એમને સેરા દિયોર ક્રિટિક્સ પુરસ્ક્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સન ૨૦૦૦માં બીજો વાર્તા સંગ્રહ, “ધ ફાઈનલ બુક ઓફ સર્ગી પૈમીસ” પ્રકાશિત થયો. પૈમીસે અન્ય ભાષાઓના સંખ્યાબંધ લેખકોને કૈટાલનમાં અનુદિત કર્યા છે.

ટૂંકી વાર્તાના પારંપારિક એકવડાં બાંધામાં રહીને પૈમિસ ખૂબ જ ત્રાસદ તથા મારક સ્થિતિઓને પણ અત્યંત હળવું અને વ્યવહારિક સ્વરૂપ આપીને દૂરગામી અર્થો સુધી પહોંચાડવામાં સફળ થતાં રહે છે. અહીં પ્રસ્તુત છે તેમની એક સંવેદનશીલ ટૂંકી વાર્તા… ]

અઠવાડિયામાં છ દિવસ, એક નિશ્ચિત સમયે ટ્રેનનું એન્જિન ખેતરો અને વાડીઓની સ્તબ્ધતામાં તિરાડ પાડી ધસમસતું નીકળી જાય છે. મૌન ઊભા વૃક્ષો અથવા પાછળ પથરાયેલા ડુંગરોને આથી કોઈ વિશેષ ફરક પડતો નથી. પણ, ખેતરની વચ્ચે ઊભેલી એકલી અટૂલી ગાય બહુ જ ધ્યાનથી તેને જોયા કરે છે. નાનકડી કેબિનમાંથી માથું કાઢીને એન્જિન-ડ્રાઈવર ઉમળકાભેર એનો હાથ હલાવે છે ત્યારે પ્રત્યુત્તરમાં ગાય પણ પૂંછડી આગળપાછળ ઝાટકતી, પોતાના આંચાળો પર ચામર ઢાળતી હોય તેવો ઉપક્રમ કરે છે. આ વિધિ તેઓ બન્ને વરસોથી પરસ્પર કરતાં રહ્યાં છે. અલબત્ત, ડ્રાઈવર જાણે છે કે આ સાતત્યનો આજે છેલ્લો દિવસ છે. કાલથી એ રિટાયર્ડ થઈ રહ્યો છે.

દરરોજ પરોઢિયે પાંચ વાગે ઊઠીને કામે ચઢવા માટે થતી તૈયારીની નિરંતરતાથી મુક્તિનો વિચાર તેને રોમાંચિત કરી દે છે. ઘરના હપ્તાઓ ચુકવાઇ ગયા પછી હવે એ મેઈન ગેટની સામે લીલી લોન વાવવાના સ્વપ્નને પ્રાથમિકતા આપી શકશે. ઓછા ખરચે યાત્રાઓનું આયોજન કરી આપતી ટ્રાવેલ્સ એજન્સીઓની લોભામણી જાહેરાતોથી એ ખૂબ આકર્ષાયો છે. હવે તેમાં નામ નોંધાવવાનું પણ વિચારી શકાય છે. અત્યાર સુધી એ માત્ર પેટ ભરવા માટે વેઠ કરતો હતો. હવે હૈયાને ધરપત આપી શકાશે કે આત્મસમ્માન માટે થોડા કામ કરવા જરૂરી હોય છે. અને હા, આજ પછી તેને પોતાના ચિડચિડયા સ્વભાવવાળા આસિસ્ટંટની હાજરી પણ સહન નહીં કરવી પડે.

સ્ટેશનથી ગાડી ઉપાડતી વખતે ડ્રાઈવરના મગજમાં આવી અગણિત યોજનાઓ ઘૂમરાવા લાગે છે. જેમાંથી ઘણીખરીને પૂરી કરવા માટે હવે ચૂંટી શકાશે. વળાંકવાળા બોગદાઓની પેલે પાર સતત વિસ્તરતી ઝૂંપડપટ્ટીઓ, પાટાની બ્ન્ને બાજુ ઊભા બહુમાળી ભવનો અને તેમની અગાશી ઉપર ચળકતી નિયોન લાઈટવાળી જાહેરખબરોને એ જોઈને પણ નજરાંદાજ કરી નાખે છે. પોતાના કામકાજવાળા જીવનની આ અંતિમ ક્ષણોને જીવતાં પણ તેને કોઈ જ વિશેષ આનંદની અનુભૂતિ થતી નથી. તેમ જ એ વિચારથી પણ ખુશી નથી અનુભવાતી કે હાશ, આજ પછી આ એન્જિન થ્રોટલ અથવા એયર્પ્રેશર ગેઝથી તેનો ક્યારેય પનારો પડવાનો નથી. ભવિષ્યની નિરાંતભરી નીંદરના ખ્યાલમાં ગુમ, અન્ય-મનસ્ક ભાવથી ટ્રેનને આગળ ધપાવતો એ શહેરી વિસ્તારને હડસેલી આવ્યો છે. હવે ગાડી એવા પ્રાકૃતિક વાતાવરણમાં પ્રવેશી ગઈછે જ્યાં ચોમેર હરિયાળી પોતાના બેહિસાબ રંગોની સાથે રૂબરૂ ઉપસ્થિત છે, જ્યાં ક્ષણે ક્ષણે છાણ અને ખાતરની ગંધ નાકને ઘેરી વળે છે… જેવી તેને પેલી ગાય દેખાઈ જાય છે, એ પોતાના સહાયકની અણગમાભરી દ્રષ્ટિને અવગણી એકાએક ગાડીની ગતિ ઓછી કરી નાખે છે. ગાયની પાસે આવતાં એને અહેસાસ થાય છે કે આજે તેના માટે માત્ર હાથ હલાવવું જ પૂરતું નહીં લેખાય. આ અવસરને અનુરૂપ આજે ગાયની સામે ગાડી ઊભી રાખી દેવા જેવું કોક અસાધારણ પગલું ભરવું જોઈએ, એવું તેને લાગ્યા કરે છે. નિઃસંદેહ રેલ્વેની નિયમાવલીમાં આવું કરવાની સખત મનાઈ છે. પણ, જેમ વિગત ત્રીસ વર્ષોની પોતાની નોકરી દર્મિયાન એ નિયમોને તોડી પાડવામાં અસમર્થ રહ્યો છે, ઠીક તેમ જ આજે તેનું મન એ જડ નિયમોના પાલન માટે તૈયાર નથી. પરિણામે એ ધીમે ધીમે બ્રેક લગાવવાની શરૂઆત કરે છે અને સ્પીડોમીટરનો કાંટો ધીરેધીરે નીચે ઊતરતો ઊતરતો છેવટે મીંડા ઉપર આવીને અટકી પડે છે.

ધીમે ધીમે, બહુ સાવચેતી જાળવતો, પોતાના કમરના જૂના દુઃખાવાની પરવા કરતો, એ કેબિનથી નીચે ઊતરીને પાટા પર આવી જાય છે. ચાલવાની ટેવ ના હોય એવા વ્યક્તિની જેમ ડગમગ ડગલાં માંડતો એ ખેતરનો શેઢો પાર કરીને ગાય ભણી આગળ વધે છે. ટ્રેનને ઊભી રહી જતી જોતાં ગાયે પૂંછડી ફટકારવાનું બંધ કરી નાખ્યું છે. માથું ફેરવી એ એન્જિન ડ્રાઈવરને જોઈ રહે છે, જે હવે તેને પંપાળવા માટે એવી રીતે હાથ વધારી રહ્યો છે જાણે કે એ મવેશી (ઢોર, પશુ) નહીં પણ માવડી હોય! કોણ જાણે કઈ અગમ્ય અનુભૂતિથી ચલિત થઈ ગાય જોશ ભેર ભાંભરે છે. જેથી તેની આંખ ઉપર બણબણતી માખીઓ ઊડી જાય છે. ગાય ફરી એકવાર વળીને થોભી ગયેલી ટ્રેન સામું જુએ છે. જ્યાં તેને આટલી દૂરી હોવા છતાં ડ્રાઈવરની કેબિનમાં ચિડાઈ રહેલાં મદદનીશની સિગરેટથી નીકળતો ધુમાડો દેખાઈ જાય છે.

બારીઓમાંથી અધીર યાત્રીઓ બૂમરાડ મચાવી રહ્યાં છે. તેઓ ઈચ્છે છે કે ડ્રાઈવર તરત જ પાછો આવે, તેઓનો સમય વેડફાઈ રહ્યો છે. “આ તો ભઈ, હદ જ થઈ ગઈ..!” – તેઓ બફારો કાઢે છે. એ લોકો ડ્રાઈવરની આવી વાઈડાઈની ફરિયાદ મેનેજમેન્ટને ચોક્કસ કરશે.

પરંતુ, પ્રમાણમાં સહેજ ધૈર્યવાન અમુક યાત્રીઓ માત્ર એટલું જ જુએ છે કે એક માણસ, જે પોતાના યુનિફોર્મથી રેલ્વેના એન્જિન ડ્રાઈવર જેવો દેખાય છે, ખેતરમાં એક ગાયના ગળે વળગીને ઊભો છે. એ જ મુદ્રામાં કેટલીક ક્ષણો વિતાવી ચૂક્યા પછી છેવટે જ્યારે એ પાછો ટ્રેન ભણી વળે છે ત્યારે તેના ચહેરા ઉપર એવા સંતુષ્ટ માણસનો ભાવ હોય છે, જેણે પોતાની તમામે તમામ જવાબદારીઓ પૂરી કરી લીધી હોય.

(“કુમાર” ના સૌજન્યથી, સાભાર)

 

 

3 thoughts on “છેલ્લું સ્ટેશન – ટુંકી વાર્તા – મૂળ લેખકઃ સર્ગી પૈમીસ – અનુવાદકઃ કુમાર જિનેશ શાહ

  1. સર્ગી પૈમીસની ટુંકી વાર્તા છેલ્લું સ્ટેશન નો જિનેશ શાહ દ્વારા સ રસ ભાવાનુવાદ ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s