પ્રાર્થનાને પત્રો – (૭૮) – ભાગ્યેશ જહા


[૭૮] પ્રાર્થનાને પત્રો.. 

પ્રિય પ્રાર્થના,

અહીં વરસાદ વિનાનું ચોમાસું ચાલે છે, સાવ ફિક્કું, કો’ક કડક અધિકારી જાનમાં આવ્યા હોય અને સાફો પણ બાંધ્યો હોય ત્યારે કો’ક ભાડે આવેલા સીક્યુરીટીના જવાન સાથે ગુનાની વિગતોની ચર્ચા કરતા હોય ત્યારે એમનું મોં જેવું લાગે એનાથી જરા વધારે ફિક્કું, હવે તો જાંબુડો પણ ઓલવાઈ ગયો છે. આપણા ઓટલા પર જાંબલી રંગની ભાત પાડતાં જાંબુ હવે પડતા નથી, કારણ વાંદરાઓએ ખાધા એના કરતાં પાડ્યા વધારે, જે પાકેલાં હતાં તે ફાટી ગયાં એટલે ડિઝાઇન દોરાણી, અને જે આખા રહ્યા એમાંથી અમે બધાયે ખાધા, ખાસ્સા. છોકરાઓ શાળાએ જતા હોય અને એમણે રેઈનકોટ ના પહેર્યો હોય તો સ્કુટર જાણે ખાલી ખાલી જતું હોય એમ લાગે. વરસાદની ધારમાં પલળેલી મા પાછળ બેઠેલા રેઈનકોટ પહેરેલા બાળક જોડે વાત કરતી હોય અને બાળક વાદળીકોટ સુધી આવતાં પહેલાં લથરપથર થયેલા શબ્દોને કાનથી પકડતા હોય, એ દ્રશ્ય જોવાની ભારે ભૂખ હતી. પણ આજકાલ તો પહેલા વરસાદની પ્રતીક્ષામાં દિવસો જાય છે, કાળઝાળ, સૂક્કાભઠ્ઠ, જાણે કોઇ યુદ્ધ પછી ખાલી થઈ ગયેલા નગરની કો’ક હવેલીમાં રહેતા હોઇએ એવું લાગે છે. જો કે આવું તો કેટલા બધા લોકો અમેરિકામાં અનુભવે છે. મારે અમેરિકાની એકલતા ઉપર કામ કરવું છે.

હમણાં બે મોટા આનંદદાયક અને આશ્ચર્યકારક ફોન-મિલન થયા. એક આપણા ન્યૂજર્સીના સંગીતકાર અને આયોજક રથિનના પપ્પાની તદ્દન નવી જ ઓળખાણ થઈ. એ રથિનના પિતાજી, વિનોદ ભટ્ટના મિત્ર કશ્યપ મહેતા હતા તે તો ખબર હતી, પણ એ નારદીપુરમાં મને મળેલા તેવી વાત અને સ્મૃતિ ભારે રોમાંચક બની ગઈ. નારદીપુર અત્યારે તો સાવ બદલાઈ ગયું છે, એ સમય જ્યારે વિષ્ણુપ્રસાદ જહા અને પિતાજીનો દબદબો હતો. ત્યારે કશ્યપભાઈ મંગુમા એટલે નાગરોની કિયારી પર રહેલા. આવી ક્ષણો જે રીતે સમયને ઓગાળીને એક લીલાછમ્મ જ્યુસની જેમ જિંદગીને આપણી સમક્ષ રજૂ કરે ત્યારે અવાચક બનીને જોઇ રહેવાની ઇચ્છા થઈ આવે છે.

આવી જ બીજી ઘટના બની, સરઢવના શ્રી નારણભાઇ પટેલનો ફોન આવ્યો. ચોર્યાસી વર્ષે એમનો અવાજ ચુંમાલીસ વર્ષના યુવાન જેવો લાગતો હતો. અવાજમાં જે રણકો હતો એ અણીદાર સ્મૃતિનો હતો, જુના જમાનાના શિક્ષણનો અને શિક્ષણમાં છલકતા પ્રેમનો હતો. નારણભાઇ એ વિષ્ણુપ્રસાદ જહાના વિદ્યાર્થી અને વાસુદેવ જહા [પપ્પા]ના પણ! અદભુત યાદશક્તિ અને સરઢવનારદીપુરના રસ્તાની એમણે રજુ કરેલી ફોટોગ્રાફિક યાદે મને ભૂતકાળમાં ધકેલી મુક્યો. સરઢવની એ આંબલી છોડીને નારદીપુર તરફ જઈએ તો રસ્તો સાંજ પડે ત્યારે ભેંકાર થવા માંડે. ટ્રાફિક બસનો, ક્યારેક જ ખટારા આવે, સાયકલો આવે-જાય પણ શાળાના સમયે જ … બળિયાબાપનું નાનું મંદિર, દિવાઓથી કાળું પડી ગયેલી એની અંદરની છત, કાણાવાળું લાકડાનું એક ઘરડું બારણું અને શીળીના ડાઘા પડ્યા હોય એવી ભોળી ગામડિયણ દિવાલો. અહીં સરઢવના બધા બાધા કરવા આવે, બાજુમાં એક આધેડ વયનો લીમડો અને સામે મોટું ખીજ્ડાનું ઝાડ. માન્યતા એવી અહીં આ ખીજડા પર ઘણા બધા ભૂત-ભુતાવળ રહે. ખીજડાને અડીને ખેતરની વાડે વાડે એક અડધું સુકાયેલું તળાવ, ચાંદનીની રાત્રે પણ બીક લાગે એવો દેખાવ સર્જાતો. કારણ ખીજડાનું ખરજવા જેવું પ્રતિબિંબ બિહામણું તળાવ. એકવાર અમે અંધારિયામાં રાત્રે નીકળેલા ત્યારે તો ખુબ જ ભયાનક લાગતું. એમાંયે કો’ક બાધા ઉતારવા આવેલા માણસોએ શ્રધ્ધા કે અર્ધશ્રધ્ધાને કારણે તેલ વધારે પુરેલું, તે દીવો રાત્રે સાડાદશે પણ ચાલે. હું અને પપ્પા ચાલતા જતા હતા. આ દીવોજ દેખાય, બળિયાબાપાનું મંદિર તો અંધારામાં ઓગળી ગયેલું..તે દિવસે મને મારા પિતાજીમાં એક મરદ માણસ દેખાયેલા. ‘ગાયત્રીમંત્ર કર’, બીક લાગતી હોય તો એમ કહ્યું. પણ એ રાતની મારી પદયાત્રા યાદ છે. નારણભાઇએ આ બધું તાજું કરી આપ્યું, એક ઝંડની વાત કરીને ! કેવી સૃષ્ટિ હતી. ભોળા લોકોની સાવ સીધી જિંદગી, પ્રેમાળ સંબંધો, ગામમાં બધા જ બધાને ઓળખે. કોઇ મોટી મહત્વાકાંક્ષાથી દબાઇ ગયેલા યુવાનો નહીં… સાવ નિર્દોષ અને સ્થુળ કહી શકાય તેવો વિનોદ.. આજે તો ગાંધીનગરમાં પણ કેટલા બધા અજાણ્યા લોકો મળે છે. બધા લોકો એકબીજાથી જોડાયેલા હોય, સૌને સૌનું સુખદુ:ખ ખબર હોય.. આવી સ્થિતિમાં તો ક્યારેક નસીબને પણ પોતાની રેખાઓ કોઇને બતાવવી પડે એવો સંપીલો માહોલ હતો. નારણભાઇ ન્યૂજર્સીમાં જ રહે છે.

માણ્યું તેનું સ્મરણ કરવું એ પણ એક જિંદગીનું ટાણું છે. મઝા આવે છે, આવા કોઇ જુના મિત્રો કે વડીલો મળી જાય તો કારણ આવી ક્ષણે સ્મૃતિની એક ચપ્પા જેવી ધારના સ્પર્શ માત્રથી ‘સમય’ જે રીતે ઓગળી જાય છે, સમયનું આવું પ્રવાહી રૂપ જોવું એ પણ એક  જીવનનો લ્હાવો છે. અષ્ટાવક્ર ગીતામાં જે સાક્ષીપણાની જે વાત છે એ આવા જ કોક મનોભાવોમાં સંતાયેલી હોય છે. આપણે જ આપણને ખોળવાના હોય છે.

કિં બહુના….

ભાગ્યેશ,

જયશ્રીકૃષ્ણ,

જય જય ગરવી ગુજરાત.

2 thoughts on “પ્રાર્થનાને પત્રો – (૭૮) – ભાગ્યેશ જહા

  1. પત્ર ગમ્યો. “કોઇ જુના મિત્રો કે વડીલો મળી જાય તો કારણ આવી ક્ષણે સ્મૃતિની એક ચપ્પા જેવી ધારના સ્પર્શ માત્રથી ‘સમય’ જે રીતે ઓગળી જાય છે,…”

    Liked by 1 person

  2. મા ભાગ્યેશ જહાના પ્રેરણાદાયી પ્રાર્થનાને પત્રો મા આ વાત ખૂબ ગમી.’જુના મિત્રો કે વડીલો મળી જાય તો કારણ આવી ક્ષણે સ્મૃતિની એક ચપ્પા જેવી ધારના સ્પર્શ માત્રથી ‘સમય’ જે રીતે ઓગળી જાય છે, સમયનું આવું પ્રવાહી રૂપ જોવું એ પણ એક જીવનનો લ્હાવો છે. અષ્ટાવક્ર ગીતામાં જે સાક્ષીપણાની જે વાત છે એ આવા જ કોક મનોભાવોમાં સંતાયેલી હોય છે.’ ધન્યવાદ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s