‘વારતા રે વારતા’ – (૪) – બાબુ સુથાર


‘વારતા રે વારતા’ – (૪) – “વાર્તા પહેલાંની વાર્તા “

          –   બાબુ સુથાર

વરસો પહેલાં એક અંગત વાતચીતમાં વીરચંદ ધરમશીએ મને કહેલું: સારા વાર્તાકાર થવા માટે વાર્તાકારે વધારે નહીં તો કોઈ એક ભાષાના લોકસાહિત્યનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. એવું જ ભરત નાયકે પણ મને કહેલું, પણ ભાષા માટે. એમણે કહેલું: પહેલાં મેઘાણીએ ભેગી કરેલી લોકવાર્તાઓ વાંચ. એ વાર્તાઓની ભાષા સમજ. ત્યારે મને એમ હતું કે સારી વાર્તા લખવા માટે ચેખોવ અને એડગર એલન પો જેવા વિખ્યાત લેખકો જ વાંચવા જોઈએ. પણ, પછી હું જેમ જેમ ટૂંકી વાર્તાનો અભ્યાસ કરતો ગયો એમ એમ મને પણ ખ્યાલ આવતો ગયો કે ચેખોવ અને પો જેવા લેખકોએ પણ લોકકથાઓનો ઊંડો અભ્યાસ કરેલો. આજે આટલાં વરસો પછી, મારા અંગત પુસ્તકાલયમાં મેં લોકસાહિત્યનો એક અલગ વિભાગ ઊભો કર્યો છે. એમાં દેશવિદેશની લોકકથાઓનાં ઘણાં બધાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

લોકકથાઓની પણ એક કથનરીતિ (narrative) હોય છે. ઘણા વિદ્વાનોએ એ રીતિનું સામાન્ય વ્યાકરણ શોધવાના પ્રયાસો કર્યા છે. થોમ્પસન જેવા વિદ્વાનોએ મોતીફના આધારે લોકકથાઓનું સામાન્ય વ્યાકરણ શોધવાનો પ્રયાસ કર્યો છે તો વળી રશિયન વિદ્વાન વ્લાદીમિર પ્રોપ જેવાએ લોકકથાઓના આકારના આધારે એમનું વ્યાકરણ શોધવાનો પ્રયાસ કર્યો છે. બરાબર એમ જ, ફ્રેંચ નૃવંશવિજ્ઞાની ક્લોદ લેવી સ્ટ્રાઉસે પણ લોકકથાઓનું સંરચનામૂલક વ્યાકરણ શોધવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી પણ ઘણા વિદ્વાનોએ કોઈને કોઈ અભિગમ સ્વીકારીને લોકકથાઓના વ્યાકરણને સમજવાનો પ્રયાસ કર્યો છે.

આ તો થઈ વિદ્વાનોની વાતો. પણ આપણા માટે સવાલ એ છે કે આપણે, અર્થાત્ આપણા વાર્તાકારે, લોકકથાઓનો શા માટે અભ્યાસ કરવો જોઈએ? આપણામાંના ઘણાને નાનપણમાં સાંભળેલી કે વાંચેલી વાર્તાઓ યાદ હશે. એમાંની ઘણી વાર્તાઓનો આરંભ આ રીતે થતો: “એક વખતે એક રાજા હતો. એને બે રાણીઓ હતી. એક માનીતી અને બીજી અણમાનીતી.” આ વાક્યો અહીં લેખનસ્વરૂપમાં છે. પણ જ્યારે પણ આપણે આ વાક્યોને વાંચીએ છીએ ત્યારે આપણને લાગે કે આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ! લોકવાર્તાની આ શક્તિ સાચે જ સમજવા જેવી છે.

આપણે બધાં જાણીએ છીએ એમ એક જમાનામાં વાર્તાઓ કહેવાતી. પણ, પછી છાપખાનું આવ્યું એ સાથે જ વાર્તાઓનું સ્વરૂપ બદલાઈ ગયું. હવે વાર્તાઓ લખાવા માંડી, છપાવા માંડી, વંચાવા માંડી. આપણે ફરી એક વાર ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ’ વાર્તાનું ઉદાહરણ લઈએ. એ વાર્તા વાંચતી વખતે આપણને એવું ન લાગે કે આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ. એ જ રીતે સુરેશ જોષીની ‘અગતિગમન’ વાર્તા લો. એ વાર્તા વાંચતાં પણ એવો જ અનુભવ થાય.

મને હજી યાદ છે: મારાં બા રોજ રાતે અમને બે વાર્તાઓ કહેતાં. બીજી વાર્તામાં દરેક વાક્યને અંતે અમારે ‘મહાદેવજી’ બોલવું પડતું. જ્યારે અમે ‘મહાદેવજી’ બોલવાનું બંધ કરતા ત્યારે બાને ખ્યાલ આવી જતો કે હવે અમે ઊંઘી ગયા છીએ!

આવી વ્યવસ્થા આજની વાર્તામાં કરવી હોય તો આપણે વાર્તા સાંભળનારાં પાત્રોને વાર્તામાં રાખવાં પડે. એ વાર્તામાંથી બહાર ન નીકળી શકે. જો નીકળે તો વાર્તા સાથેનો સંબંધ ગુમાવી દે. એમ છતાં, આપણા ઘણા લેખકોએ પરંપરાગત શૈલીમાં વાર્તાઓ લખી છે. એને કારણે આપણી ઘણી બધી વાર્તાઓ “એક વખતે…” એમ કહીને શરૂ થાય. એ વાર્તાઓને એક રીતે જોતાં તો છાપખાનાની ટેકનોલોજીનો પ્રતિકાર કરતી વાર્તાઓ કહી શકાય. કેમ કે એમાં લેખન ગૌણ બની જતું હોય છે અને કથન (કહેવાના અર્થમાં) મહત્ત્વનાં બની જતાં હોય છે.

આજે મારે વાત કરવી છેસુરિ” નામની એક નાનકડી લોકકથાની. વાર્તા આમ છે:

એક વખતે એક સ્ત્રી હતી. એને એક પતિ હતો. એનો પતિ મોટે ભાગે તો જંગલમાં રહેતો. એ સ્ત્રીને એક પુરુષ સાથે સંબંધ હતો. એક દિવસ એનો પતિ જોડેના શહેરમાં ગયો ત્યારે એનો પ્રેમી આવ્યો. કહેવા લાગ્યો, “જો તું મને સાચેસાચ પ્રેમ કરતી હોય તો આજે મને તારા ઘરમાં તારી સાથે સુવા દે.” પેલી સ્ત્રીએ કહ્યું કે વાંધો નહીં. પણ એક શરતે. હું તને ચણિયાચોળી પહેરાવી દઈશ. જો મારો પતિ ઓચિન્તો આવી જાય તો હું એને કહીશ કે તું મારી બહેનપણી છે. મારી સાથે પ્લાન્ટેશનમાં કામ કરે છે.” પ્રેમી એની સાથે સહમત થયો અને સ્ત્રીએ એને ચણિયાચોળી પહેરાવી સ્ત્રી બનાવી દીધો. પછી સાંજ પડી. પેલી સ્ત્રીનો પતિ ઘેર આવ્યો. પત્નીએ તરત જ પતિને કહ્યું કે આ મારી બહેનપણી છે. મારી સાથે કામ કરે છે. આજે રાતે એ મારી સાથે સૂઈ જશે. મેડીએ. પતિને કોઈ વાંધો ન હતો.

પછી એ સ્ત્રી અને એનો પ્રેમી સાથે સૂઈ ગયાં. સવાર થઈ. સ્ત્રીને કંઈક કામ આવી ચડ્યું. એ બજારમાં ગઈ. સ્ત્રીના પતિને થયું કે પત્ની બજારમાં ગઈ છે અને એની બહેનપણી હજી નીચે નથી આવતી. લાવ, મેડી પર જઈને જોવા દે. એ મેડી પર ચડે છે. જુએ છે તો ત્યાં એક પુરુષ બેઠો છે.

પતિ ગુસ્સે થઈ હાથમાં લાકડી લઈને બજારમાં જાય છે. પત્નીને ફટકારવા જ તો. એ જુએ છે: સામે એની પત્ની આવી રહી છે. પત્નીને પણ ખ્યાલ આવી જાય છે કે એના પતિએ એના પ્રેમીને જોઈ લીધો છે. પછી જેવો પતિ સ્ત્રીની નજીક આવ્યો ત્યાં જ સ્ત્રી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે અને હાથમાંનું છાપું બતાવતાં કહે છે, ‘જુઓ વાંચો. પ્લાન્ટેશનમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યાં સ્ત્રીઓ પુરુષ બની રહી છે. મારી બહેનપણી તો ક્યાંક…” પતિ કહે છે, “છાપાં જૂઠું ન બોલે. તારી બહેનપણી પણ એક પુરુષમાં ફેરવાઈ ગઈ છે. યોગાનુયોગ, એ સ્ત્રીનો પતિ નિરક્ષર હતો. એ છાપું વાંચી શકતો ન હતો.

મૂળ વાર્તા આપણી પાસે નથી. મેં પણ અંગ્રેજીમાં વાંચી છે. વાર્તા કહેનારે વચ્ચે વચ્ચે કેટલીક કરામતો કરી હશે. એ કરામતો અહીં ગાયબ છે. પણ, આપણે વાર્તા લખતી વખતે એવી કરામતો વાપરી શકીએ. વાર્તાકાર વાર્તા કહે ત્યારે ઘણી વાર વચ્ચે વચ્ચે શ્રોતાઓમાંના બેઠેલા કેટલાક અગ્રણીઓને બોલાવે. કહે, “સાંભળો, પર્વતબાપુ, હવે શું થાય છે?” “તમે જોજો તો ખરા હવે પેલા ગોવાળની કેવી દશા થાય છે?” “રાણીને શું ખબર કે આવું થશે? આપણને એવી ખબર પડે છે?” (આ બધાં કૃત્રિમ ઉદાહરણો છે). પણ, આપણામાંના ઘણાએ આપણા લોકપ્રિય વક્તાઓને સાંભળ્યા હશે. એ લોકો પણ જાહેરમાં પ્રવચનો આપતી વખતે આવી પ્રયુક્તિ વાપરતા હોય છે. YouTube પરનાં જય વસાવડા કે ગુણવંત શાહનાં વ્યાખ્યાનો સાંભળજો. અરે, મોરારિ બાપુ પણ એ પ્રયુક્તિ વાપરતા હોય છે. હું જે કહેવા માગું છું તે આ: લોકકથાઓની આ પ્રયુક્તિઓનો વિનિયોગ કરીને પણ આપણે આધુનિક જ નહીં, અનુઆધુનિક વાર્તાઓ પણ લખી શકીએ.

આપણે જે લોકકથા જોઈ એમાં વસ્તુ સંકલના ખૂબ સરળ છે. બીજું, ઘટનાઓ બધી સળંગ ક્રમમાં બને છે. ત્રીજું, કથન ત્રીજા પુરુષમાં છે. આવી ચતુરાઈભરી કથાઓ સંસ્કૃતમાં પણ છે, પ્રાકૃતમાં પણ છે, અને અપભ્રંશમાં પણ. આધુનિક ગુજરાતી સાહિત્યમાં પણ હશે. પણ, આ લોકકથામાં એક વાત તરત જ આપણા ધ્યાનમાં આવે છે. એ છે છાપાનો ઉપયોગ. છાપામાં હકીકતમાં એવા કોઈ જ સમાચાર નથી આવ્યા. પણ પત્ની કહે છે કે આવ્યા છે અને પતિ માની લે છે. એટલું જ નહીં, પત્નીને ટેકો પણ આપે છે. કહે છે: છાપામાં આવે એ બધું સાચું જ હોય. એ જોતાં આ આધુનિક સમયની લોકકથા લાગે. હું બધી જ લોકકથાઓને અને પુરાકથાઓને પણ આજની આધુનિક વાર્તાઓના પૂર્વજ તરીકે જોઉં છું. જો કે, આપણા ત્યાં પૂર્વજોની વિભાવના જરા જુદા પ્રકારની છે. આપણે હજી જ્યારે પણ માર્ગદર્શનની જરૂર હોય ત્યારે પૂર્વજોને પૂછતા નથી. પણ, હવે એમ કરવાની જરૂર છે. જ્યારે વાર્તા નબળી પડવા લાગે ત્યારે પૂર્વજોને પૂછવું. એમનું માર્ગદર્શન આપણને આપણો વર્તમાન સમજવામાં મદદ કરે.

3 thoughts on “‘વારતા રે વારતા’ – (૪) – બાબુ સુથાર

  1. બાબુભાઈ સરસ કથા આપે છે. હમણાં જ થોડા સમય પહેલાં સુમનભાઇ પંચાલ તરફથી કથા વિશ્વ પ્રકાશિત થયેલ છે.બાબુભાઈ ને તો ખબર જ હોય.

    Liked by 1 person

  2. .
    અભ્યાસપૂર્ણ લેખની આ વાત’હું બધી જ લોકકથાઓને અને પુરાકથાઓને પણ આજની આધુનિક વાર્તાઓના પૂર્વજ તરીકે જોઉં છું. જો કે, આપણા ત્યાં પૂર્વજોની વિભાવના જરા જુદા પ્રકારની છે. આપણે હજી જ્યારે પણ માર્ગદર્શનની જરૂર હોય ત્યારે પૂર્વજોને પૂછતા નથી. પણ, હવે એમ કરવાની જરૂર છે. જ્યારે વાર્તા નબળી પડવા લાગે ત્યારે પૂર્વજોને પૂછવું. એમનું માર્ગદર્શન આપણને આપણો વર્તમાન સમજવામાં મદદ કરે.’ ઘણી ગમી

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s