બે કાંઠાની  અધવચ – નવલકથા – (૫) – પ્રીતિ  સેનગુપ્તા 


બે કાંઠાની  અધવચ    —– પ્રીતિ  સેનગુપ્તા  –  પ્રકરણ ૫

કૉલૅજમાં જવાનું થયું ત્યારે કેતકીના મનમાં બહુ ગભરાટ હતો. સ્કૂલ સુધી તો બધું જાણીતું હતું. બધાં ટીચર દીજીને અને બાપ્સને ઓળખે. બધી બહેનપણીઓ પાડોશમાં જ રહેતી હોય. સાથે જ રમવાનું, ને સરખેસરખું જ જીવવાનું. હવે આમાંનું ઘણું બદલાઈ જવાનું. ટીચર તો નવાં જ હોવાનાં, ને બહેનપણીઓ જુદી જુદી કૉલૅજોમાં જવાની.  કેટલીક તો કદાચ કૉલૅજમાં ના પણ જાય. કેતકીને આગળ ભણાવવા માટે બાપ્સ મક્કમ તો હતા, પણ તે ઘેર રહીને નજીકની કૉલૅજ માટે જ.કેતકીને ફાઇન આર્ટ્સમાં જવું હતું, પણ તે માટેની કૉલૅજ જરા દૂર પડે, ને તેથી હૉસ્ટૅલમાં રહેવું પડે. એ માટે બાપ્સ અને માઇ જ નહીં, દીજી પણ તૈયાર નહતાં. છોકરી હમણાં પરણવા જેવી થવાની. આ ઉંમરે તો એ ઘરની પાસે, આંખોની સામે રહે તે જ સારું. કદાચ એ ત્રણેયનાં મનમાં એમ પણ ખરું, કે ફાઇન આર્ટ્સમાં તે છોકરીને મોકલાતી હશે? કળાને નામે, અને કળાકાર કહેવાતાં, બધાં તદ્દન બગડી જતાં હોય છે. લાંબા વાળ, ચોળાયેલાં કપડાં, સારી રીતે બોલતાં ના આવડે, અને પાછાં સ્ત્રી-પુરુષો છડે ચૉક સાથે રખડતાં હોય. ના ભાઇ, એવા લોકોની વચમાં આપણી સીધી-સાદી છોકરી પહોંચી ના વળે, હોં.

માઇ, બાપ્સ કે દીજીએ આમાંનું કશું કેતકીને કહ્યું નહતું, અને ફાઇન આર્ટ્સ માટેનો પોતાનો અણગમો એમણે કેતકીની સાથે ચર્ચ્યો નહતો, પણ કેતકીને ખ્યાલ આવી ગયો હતો કે મૂળ વાંધો એ લાઇન તરફ લાગે છે. આમ તો ચિત્ર, સંગીત, ભરતકામ વગેરે માટેના એના શોખનાં વખાણ એ ત્રણેય હંમેશાં કરતાં રહેલાં. પણ વખત આવી લાગ્યો ત્યારે એ વિષયમાં એને આગળ વધવા દેવાની છૂટ આપી ના શકાઈ. કેતકી થોડા દિવસ ખાસ્સી ઉદાસ રહેલી, પણ ઘરનાં મોટાંને મનાવવાનો, ને એમનો મત બદલવાનો કોઈ ઉપાય હતો નહીં. નજીકવાળી કૉલૅજમાં પાછાં સુમી અને નીલુ પણ સાથે હશે, એમ વિચારીને છેવટે એણે મોટાંઓનો એ નિર્ણય સ્વીકારી લીધેલો.

જોકે મનમાં નક્કી તો કરેલું જ, કે ગમે તે રીતે ચિત્ર કરવાનું, અને સંગીત શીખવા-સાંભળવાનું ચાલુ તો રાખશે જ. ફાઇન આર્ટ્સ કૉલૅજમાં કોર્સ ના કરી શકાય, પણ ક્યાંક નજીકમાં ક્લાસિઝ તો લઈ શકાય ને.

શરૂઆતમાં કેટલીક બહેનપણીઓ બસ-સ્ટૅન્ડ પર ભેગી થઈને સાથે કૉલૅજમાં ગઈ. એકલાં જતાં બહુ ગભરાટ થતો હતો, ને શરમ પણ લાગે. જ્યાં ત્યાં છોકરાઓ ઊભા હોય, સામે જોતા રહેતા હોય. કૉલૅજમાં નવી નવી આવતી છોકરીઓની તો આંખ પણ ઊંચી ના થાય, છતાં એમને ખબર તો પડી જ જાય કે કયો છોકરો જરાય સારો નથી દેખાતો, ને કયો દેખાવડો છે.

ચાર-પાંચ દિવસ આમ ગયા પછી તો એ બધાં અંદર અંદર ચર્ચા પણ કરવા લાગે- છોકરાઓ વિષે, ને પછી તો મઝા આવવા માંડે એમને પણ – આમ અંદર અંદર. કેટલા બધા ફેરફારોની એ શરૂઆત હતી.

ધીરે ધીરે બધી છોકરીઓ પોતપોતાની મેળે બસ લઈને કૉલૅજ જવા લાગી હતી. અમુક તો છોકરાઓ સાથે ભળી પણ ગઈ હતી. જાણે મિત્રો ના હોય. જોકે કોઈ કોઈને ભાઈ હતા, ને એમના ભાઇબંધો સાથે થોડી ઓળખાણ પણ પહેલેથી હતી. ક્લાસ ના હોય ત્યારે કૅન્ટીનમાં જઈને બેસવાનો રિવાજ ચાલુ થઈ ગયો હતો.

આમાંની એક સુમી પણ ખરી. શરદ નામના છોકરાને એ પહેલેથી થોડું જાણતી તો હતી, પણ હવે બંને વચ્ચે દોસ્તીની શરૂઆત થવા માંડી હતી. કેતકી અને નીલુ સુમીને ચિડાવવા પણ માંડ્યાં હતાં. આટલાં જલદી ‘મોટાં’ થઈ જવાતું હશે? કેતકીએ પોતાને જ પ્રશ્ન કર્યો હતો. જાણે કૉલૅજમાં આવતાંની સાથે એ પણ છોકરાઓ વિષે સભાન થઈ ગઈ હતી. એવું નહતું કે સ્કૂલમાં કોઈ છોકરાઓ સાથે વાત થતી જ નહતી. ઊલટું, કદાચ વધારે થતી હશે. અમુક પ્રૉજૅક્ટ બધાં સાથે મળીને કરતાં હતાં, ને ત્યારે ઘણીયે હસાહસ અને મજાક-મશ્કરી થતાં હતાં. ઘેર જતાં, ઘણી વાર, ક્લાસનો કોઈ છોકરો સાથે થઈ જાય તો વાતો કરતાં કરતાં ચાલતાં હતાં. ત્યારે શરમનો, ગભરાટનો, સભાનતાનો કોઈ ભાવ ક્યાં હતો? નહતો જ ને વળી.

પણ કેતકી બીજી પણ ઘણી બાબતો અંગે સભાન થઈ ગઈ હતી. અચાનક જાણે એ દુનિયાની અંદર પ્રવેશી ગઈ હતી. દુનિયા તો એની એ જ, પણ તોયે, જાણે કેટલી જુદી હતી. કેટલું બધું જાણવાનું છે, ને કેટલા બધા હોશિયાર લોકો છે આ દુનિયામાં. કેટલું બધું લખાયું છે જુદા જુદા વિષયો પર. કેટલું બધું વાંચવાનું છે.

કેતકી જાણે દુનિયા નામના એક મહાપ્રાસાદમાં પહોંચી ગઈ હતી. એમાં સૌથી સુંદર અને આકર્ષક ખંડ હતો લાયબ્રેરીનો. ક્લાસ ના હોય ત્યારે એ લાયબ્રેરીમાં જ જોવા મળતી. વાંચવા માટે પુસ્તકો ઘેર લઈ જતી, અને બે-ત્રણ દિવસમાં પાછાં પણ લઈ આવતી.

તો બધાંનું ધ્યાન એના આ વર્તાવ પર ખેંચાયું. કૅન્ટીનમાં જઈને બેસતી છોકરીઓ પર ખેંચાતું હતું તેના કરતાં પણ વધારે. શું એ ખરેખર વાંચતી હશે આટલાં થોથાં? એવું કદાચ કોઈ કોઈકને થતું હશે. પણ, એ ખોટા દેખાવ માટે જ છે, એવું વિચારનારાં તો ભાગ્યે જ કોઈ હતાં. ભણવામાં કેતકી સૌથી આગળ હતી, તે બધાં જાણવા માંડ્યાં હતાં.

પાછી ઊંચી અને દેખાવડી. અને ટૅલન્ટૅડ પણ ખરી. કૉલૅજના ઍન્યુઅલ ફંક્શનમાં કેતકીએ ભાગ લીધેલો. હતો તો ગ્રૂપ સૉન્ગનો પ્રોગ્રામ, પણ એમાં થોડો ભાગ એના એકલીના અવાજમાં હતો. ત્યારથી એ આર્ટીસ્ટ પણ ગણાવા લાગી. કોઈ એક પળે આ ખ્યાલથી એ ચમકી હતી. અરે, જુઓ તો ખરાં. ફાઇન આર્ટ્સમાં ગયા વગર જ આર્ટીસ્ટ ગણાઈ ગયાં. આને વિધિની વક્રતા કહેવી, કે હાસ્યાસ્પદતા?

પછી તો કૉલૅજના દરેક ફંક્શનમાં એને ભાગ લેવો જ પડતો. નાટકમાં રહેવા માટે પણ એને કહેવામાં આવ્યું. નાટક? ઓ બાપ રે. ઍક્ટીંગ તો એણે ક્યારેય કરી નહતી. ના ફાવે તો? મશ્કરી ના કરે બધાં?

એને મન થયું તો ખરું, પણ એ માટે તો ઘેર પૂછવું પડે. દીજી, બાપ્સ અને માઇ બધાં હતાં તો સારાં એવાં મૉડર્ન, પણ અંદરખાને એમ માને કે છોકરીને બહુ છૂટ ના અપાય. હજી તો એણે પરણવાનું બાકી છે. વળી, સારા ઘરની છોકરીઓ નાટક ના કરે, એવો સંકુચિત ખ્યાલ પણ ખરો.

નિર્ણય કેતકીએ જાતે જ લીધો. કૉલૅજનું બીજું વર્ષ. એટલે સ્ટેટ ઍક્ઝામ આપવાની. આખું વરસ વાંચતાં રહેવું પડે. રીહર્સલ પાછળ કેટલો બધો સમય જાય. ના, એમ સમય બગાડવાનું ના પોસાય.

ઠાકર સરે એને નાટકમાં ભાગ લેવા વિષે વાત કરવા બોલાવી હતી. પણ કેતકીનો નિર્ણય એ ફેરવી શક્યા નહતા. બે છોકરાઓ પણ રૂમમાં હતા. એમાંના એકે કહ્યું, તમારા જેવી દેખાવમાં સરસ છોકરી સ્ટેજ પર બહુ શોભે. કેતકીએ તીખી નજરે એની સામે જોયું હતું. બીજો છોકરો વાત સુધારવા કહેવા લાગ્યો હતો, મિસ, સ્ટેજ-પ્રૅઝન્સ હોય એવી અભિનેત્રીની અમે શોધમાં છીએ, એમ કહેવા માગે છે આ બાઘો.

નામનું હસીને કેતકીએ એની સામે જોયું હતું. નજર એના મોઢા પર થંભી જવા માગતી હતી. ચોક્કસ મુખ્ય અભિનેતા તરીકે એ જ હશે. કેટલો સરસ ઊંચો, અને એની આંખોમાં તેજ હતું- કશાક ઉત્સાહનું. પહેલી વાર કેતકીનો જીવ બળ્યો, કે એ દેખાવડા છોકરાની સાથે સ્ટેજ પર એ કામ કરી શકવાની નહતી.

ઠાકર સરે કહ્યું, અરે, બાઘા સુરેશ, તું વાત કરતાં શીખ. અને ભાઈ વિકાસ —-

પછીના શબ્દો કેતકીએ સાંભળ્યા નહીં. વિકાસ. નામ તેવા ગુણ હશે એનામાં. ખાતરી છે. અત્યાર સુધી તો એને કૅમ્પસ પર ક્યારેય જોયો નહતો. હવે ફરી ક્યારે જોવા મળશે?

રૂમની બહાર રાહ જોઈને ઊભેલી નીલુ સાથે કેતકી દાદર ઊતરી ગઈ હતી.

વિકાસ ખાસ દેખાતો નહીં કૅમ્પસ પર. કેમ નથી દેખાતો? પૂછવું કોને? બે ક્લાસની વચ્ચે એક વાર ઠાકર સર મળી ગયા હતા. વાતવાતમાં એમણે કહ્યું, તમે નાટકની ના પાડી તે એક રીતે સારું જ થયું. પેલા છોકરાઓ તો ઍન્જિનિયરીન્ગમાં  છે, એટલે એમને તો મોડી સાંજ પહેલાં રીહર્સલ માટે ટાઇમ મળતો જ નથી. રાત થઈ જાય ઘેર જતાં જતાં. તમને એ ફાવત જ નહીં, ખરું ને?

ઓહ, તો એ ઍન્જિનિયરીન્ગનું ભણતો હતો. પછી ક્યાંથી દેખાય એ આર્ટ્સના કૅમ્પસ પર? કેતકી જરા નિરાશ થઈ હતી. પણ બન્યું એવું કે શનિ-રવિમાં સંગીત અને નાટકનાં રીહર્સલ લગભગ સાથે જ થવા માંડ્યાં. ત્યારે ક્યારેક સામસામે થઈ જવાતું. એક-બે વાર વિકાસે કેમ છો? પૂછેલું. એક વાર સંગીતના ગ્રૂપને સાંભળવા આવ્યો, ને પછી તાળી પાડીને વાહ વાહ કરવા લાગ્યો.

કેતકીની સાથે એની નજર મળી હતી. આંખો નચાવીને -કે કેતકીને એવું લાગ્યું? -સહેજ મલકીને એણે માથું હલાવ્યું હતું- ‘બહુ જ સરસ’ના અર્થમાં. દુપટ્ટો સરખો કરવાને બહાને કેતકીએ છાતી પર હાથ મૂક્યો હતો. જોરથી ધબકારા થતા હતા. એક અપરિચિત આનંદનો સ્વાદ એનું મન અનુભવતું હતું. ક્યારેય નહીં ભુલાય એ સ્વાદ, કેતકી જાણતી હતી. ઍન્યુઅલ ફંક્શન પછી પરીક્ષાની તૈયારીમાં ઇન્ટરવાળાં બધાં મગ્ન થઈ ગયાં. કૉલૅજ કે લાયબ્રેરીમાં પણ હવે જવાનું થતું નહતું. ઘેર બેસીને જ વાંચવાનું હતું. ચોટલી બાંધીને વાંચવું પડશે, નહીં? દીજી કહેતાં.

સુમી બહુ ગભરાતી હતી. નપાસ થવાશે તો? નીલુ કહે, બહુ રખડી આખું વરસ, પછી નપાસ નહીં તો —

કેતકીએ એને રોકેલી, ને સુમીને કૉન્ફીડન્સ આપવા માંડેલી. તું બરાબર વાંચ. હું મદદ કરીશ તને.

સદ્ભાગ્યે ત્રણેયનાં પેપર્સ સારાં ગયાં. હવે નિરાંતે વેકેશન ભોગવી શકાશે. સુમી તો પાછી શરદની સાથે ફરવા લાગી ગઈ. નીલુને દાદાની માંદગીને લીધે ઘરમાં રહેવાનું થયું. કેતકીને વિકાસ બહુ જ યાદ આવતો હતો, પણ એને શોધવા માટે કૉલૅજ પર કઈ રીતે આંટા મરાય?

ત્યાં તો કૉલૅજની ઑફીસમાંથી ફોન આવ્યો કે સંગીત અને નાટકનાં ગ્રૂપનાં બધાં એક વાર ભેગાં થવાનાં છે. સાથે ચ્હા-નાસ્તો હશે. એની વ્યવસ્થા કૉલૅજ તરફથી થશે. એ દિવસે વિકાસ મળશે, એ વિચારે કેતકીના મન પર ફરીથી એ જ તાજા આનંદનો સ્વાદ લિંપાઇ વળ્યો.

ભેગાં થયાં હતાં તો ઘણાં જણ, પણ કેતકી ચ્હા લેવા ઊભી થઈ ત્યારે વિકાસ એની સાથે થઈ ગયો. થોડીક પ્રાઇવસી હતી. એક પૅકૅટ આપતાં એણે કહ્યું, તમને હંમેશાં લાયબ્રેરીમાં જતાં જોઉં છું. વાંચવાનો બહુ શોખ છે, એટલે તમારે માટે એક નાનું પુસ્તક લાવ્યો છું.

તો વિકાસ એને જોતો હતો? કેતકીને એ કેમ દેખાયો નહતો?  ને આ પહેલી જ વાર વિકાસને કશોક જવાબ આપવો પડે તેવો બનાવ બન્યો હતો. કેતકીની અંદર એક થરથરાટ હતો. પૅકૅટ હાથમાં લેવાને બદલે એણે અચકાતાં કહ્યંુ, ના, ના. તમે તકલીફ— ના, મારાથી ના લેવાય.

અરે, તમે જુઓ તો ખરાં. તમને બહુ ગમશે, હું જાણું છું.

હાય, એ જાણે છે વળી કઈ રીતે? ને આટલી મીઠી વાત સાંભળવાની તો મને ટેવ પણ નથી. કેતકીએ એની સામે જોયું હતું. જોયા જ કરવાનું મન થતું હતું. હાથ લંબાવીને પૅકૅટ એણે લીધું ત્યારે સ્પર્શની નહીં, પણ આંગળીઓ નજીક હતી તેની જ કોઈ લહરી બંને ઉપર ફરી વળી હતી.

બસમાં બેસીને તરત કેતકીએ પૅકૅટ ખોલ્યું. રવીન્દ્રનાથની ગીતાંજલિ હતી. આશરે જ ખોલેલા પાના પરના શબ્દો હતા – સવારના તેજથી મારી આંખો છલકાય છે, આ તારો સંદેશો છે મારા હૃદયને માટે.

કેતકીને તો પ્રેમ-કાવ્ય જ લાગ્યું હતું એ.

(વધુ આવતા સોમવારે )

2 thoughts on “બે કાંઠાની  અધવચ – નવલકથા – (૫) – પ્રીતિ  સેનગુપ્તા 

  1. સુ શ્રી– પ્રીતિ સેનગુપ્તા ની નવલકથા બે કાંઠાની અધવચ
    પાત્ર કેતકીની વાતે ‘ રવીન્દ્રનાથની ગીતાંજલિ હતી. આશરે જ ખોલેલા પાના પરના શબ્દો હતા – સવારના તેજથી મારી આંખો છલકાય છે, આ તારો સંદેશો છે મારા હૃદયને માટે.” વાત વધુ ગમી
    રાહ પ્ર….૬

    Like

  2. કોલેજનુ પહેલું વર્ષ અને કેતકીની ખીલું ખીલું થતી મુગ્ધવસ્થાનુ વર્ણન વાંચવાની મઝા આવી. આવતા પ્રકરણમાં વિકાસ સાથેના સંબંધને જાણવાની ઉત્કંઠા!

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s