રક્ષાબંધન. વિશિષ્ટ પૂર્તિ…


                        રક્ષાબંધન નિમિત્તે આંગણામાં…

       શ્રાવણી પૂનમ

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ  સુમનથી  મહેંકે આંગણ
આંખ   ધરે   પ્રેમ  મોતીના    થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ફૂલ  હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
છલકે સ્નેહ સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

વરસ્યા ઝરમર મેઘ આભલે
બે    હૈયાં   હરખરસ    ઢોળે
મિલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા

રેશમનો  દોરો સ્નેહનો ગોટો
ભાલે તિલક કરી હેતે બાંધ્યો
આરતી  કરે  સ્નેહ    ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

ખોલ  રે  વીરા  હસતું   મુખ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

મંગલ જોડી ભાઈ બહેનની
વીરો  પૂરસે   આશડી તારી
છલકાવું   અમર  પ્રેમના   પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

રમેશ પટેલ(આકાશદીપ)
———

રક્ષાબંધન

જિંદગીમાં  દીર્ઘ, રુજુ  રુણબંધ ભાઈબહેનમાં,
બે  કિનારા  સ્નેહનાં  વારી છલકતા  વ્હેણમાં.

માવડીની   ગોદમાંથી    ખેંચતો    ઉતારવા,
વળી  બોરજાંબુ આપતો  બેનીને મનાવવા.

મસ્તીમાં મારે ખરો પણ મારવા ના દે કોઈને,
હું કદી વઢું લડું પણ આંચવા ના દઉં કોઈને.

અરે! કોણ આને પરણશે!’ ચાહીને સતાવતો,
બહેનનો સુહાગ શોધેકો કસર   ચલાવતો.

અંતિમ સમય હો માતનો કે કષ્ટનું કારણ હશે,
હ્રદયના  ખાસ ખૂણામાં સહોદર  હાજર  હશે.

પાનખરનાં પ્રહરમાં, હું  આજ  આવીને  ઊભી,
બાલપણથી  શુભેચ્છા  સદભાવ વરસાવી રહી.

અત્યંત નાજુક લાગણી  અણકહી જે અનુભવી,
પ્રાર્થના,  હીરદોરથી   રક્ષા કરો  મમ  વીરની.
——– 
સરયૂ પરીખ

                                                                સ-મુ રાખી  સરયૂ-મુનિભાઈ ૧૦૫૦

સૌથી લાંબો સાથ આપણા ભાંડરડાંનો હોય છે.         
સ્નેહ જળવાઈ રહે તો જીવનમાં સદૈવ શક્તિ આપનાર સંબંધ બની રહે છે.
પ્રતિભાવ:  “અત્યંત નાજુક લાગણી અણકહી જે અનુભવી, પ્રાર્થના, હીરદોરથી રક્ષા કરો મમ વીરની.”  તો અક્ષર રાખડી બનાવી તમે! બહુ સરસ અને સહજ અભિવ્યક્તિશ્રી. પંચમ શુક્લ.

Rakhi

The longest relationship in my life is with my sibling,
Kind of competing, but caring deep feeling.

My brother, who used to pull me down from my mother’s lap,
Is the one who brought in my life pleasantry and pap.

He might hit me for mischief, but he wouldn’t let anyone harm me.
I screamed and fought with him, but I wouldn’t let anyone scold him.

‘Oh, who will marry her?’ He used to pull my hair and tease,
But to find a good husband for me, he would not compromise.

It could be the last hours of our mom’s life or some trouble in my life,
My brother will be present in that special corner of my heart.

Years have gone by since our childhood departed,
Always shower him well wishes from the bottom of my heart.

The gentle subtle feelings  are  wrapped  in a  string. 
This soft   shiny  silk  prays  all  the  joy  to  bring.

                                                 ——–   સરયૂ પરીખ

રક્ષા બંધન!!

rakshabandhan
કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધોની આ માયાજાળ અને ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો. વાત આજે એ સંબંધની કરવી છે, જે ક્યારે સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.

સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનુ બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતું. મમ્મી સરસ તૈયાર થઈને હાથમાં પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?”

રાકેશના મમ્મી જ્યોતિમાસી, જે શાળામાં પ્રિન્સીપાલ હતા ત્યાં જ સીમાની મમ્મી શિક્ષીકા હતાં, ખાસ બેનપણી પણ હતાં.. એ વર્ષે, સીમા અને રાકેશ ઉનાળાની રજામાં સ્કુલના કેમ્પમાં દસ દિવસ સાથે હતા. કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ જેમા દરેકને એમના સપના વિશે પૂછવામાં આવ્યું. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતું કે મારે એક ભાઈ હોય. મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!!” બોલતાં બોલતાં એની આંખો છલકાઈ ઊઠી.

રાકેશના દિલમાં સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ. એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો. રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”

એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે.

સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમાં મમ્મીને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી. પપ્પાના અવસાનની કળ હજી તો માંડ વળી ત્યાં ચાર જ વર્ષમાં મમ્મીનુ અકસ્માતમાં નિધન થયું ત્યારે બન્ને બહેનો અને સાવ નાનકડો અબુધ ભાઈ, જેને શું ગુમાવ્યું કે શું થયું એની કોઈ હજી સમજ નહોતી. આપ્તજનો વચ્ચે પણ, સીમા જે માનસિક યાતનામાંથી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પૂછે અને સીમા રડતાં રડતાં એ જ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા, અને વીસ વર્ષના રાકેશે.

નાનાએ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત સવાલ ન કરે. રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલી હવામાં બહાર લઈ જવા માંગે છે.

સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલ્લી હવામાં બહાર લઈ આવે, સોસાયટીના બગીચામાં થોડો સમય મૌન બની સાથે બેસે અને નાનકડા ભાઈને આઈસક્રીમ અપાવે. સહુને આ દુઃખના દરિયામાંથી બહાર કાઢવા બનતો પ્રયાસ કરે. કાંઈ ન કહેવા છતાં એ મૌન કેટલો સધિયારો આપી જાય, કેટલુંય કહી જાય, કેટલી હિંમત આપી જાય… “કોઈ ચિંતા ના કરતાં, હું તમારો ભાઈ હંમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”

એ હિંમત આપનાર જેણે રક્ષા બંધન સાચા અર્થમાં સાર્થક કરી, આજે પણ સીમાનો વહાલસોયો ભાઈ બની જીવનભર સીમાની પડખે ઊભો રહ્યો છે!!

સત્ય ઘટના પર આધારિત.
              શૈલા મુન્શા તા.૦૫/૦૭/૨૦૧૫

 

 

 

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

9 thoughts on “રક્ષાબંધન. વિશિષ્ટ પૂર્તિ…

 1. રક્ષા બંધનના પાવન પર્વે ખૂબ શુભેચ્છા
  બધી સ રસ રચનાઓ માણી ગમી
  મારી દીકરી યામિનીની રચના..
  💐રક્ષાબંધનની ખૂબ શુભેચ્છાઓ💐
  ગીત: યામિની વ્યાસ
  સ્વર/સ્વરાંકન: ડૉ.ફાલ્ગુની શશાંક
  સંગીત:દીપેશ દેસાઈ
  સંકલન:વલય શર્મા
  દ્રશ્ય સંકલન:કેવલ ઉપાધ્યાય
  વહાલપના તાંતણાથી બાંધુ
  રે વીરલાને વહાલપના તાંતણાથી બાંધુ
  ઈટ્ટા કીટ્ટાને શું રાખું?
  રે વીરલાને વહાલપના તાંતણાંથી બાંધું
  કુમકુમ તિલકથી વધાવું રે ભાલ પર
  ટપકું એક કાળું લગાડું રે ગાલ પર
  પાંચે પકવાન આજ રાંધુ
  રે વીરલાને વહાલપના તાંતણાંથી બાંધુ
  આશિષ દીર્ધાયુના માગું મંદિર દોડી
  સુખમય જીવન તારું યાચું રે હાથ જોડી
  દીવડામાં પ્રાર્થનાને સાધુ
  રે વીરલાને વહાલપના તાંતણાથી બાંધું
  યામિની વ્યાસ
  વ્હાલપ ના તાંતણાથી બાંધુ

  4:54
  NOW PLAYING
  Raakhi ગીત:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:ફાલ્ગુની શશાંક સંગીત:દીપેશ દેસાઈ સંકલન:વલય શર્મા એડિટ:કેવલ

  Yamini Vyas

  99 views
  1 day ago
  ઉપાધ્યાય ગીત વહાલપના તાંતણાથી બાંધુ રે વીરલાને વહાલપના તાંતણાથી બાં…
  New

  3:12
  NOW PLAYING
  WATCH LATER
  ADD TO QUEUE
  Raakhi song:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:સોનલ વ્યાસ

  ……………..સુરક્ષા કવચ
  યાદ છે?
  “લે તારી રાખડી ને લાવ પાછી મારી ગીફ્ટ ”
  રક્ષાબંધનને દિવસે ઝઘડો થાય તો અચૂક તારો આ સંવાદ.
  તને રાખડીનો કેટલો શોખ!
  મિકી,ડોનાલ્ડ, સ્પાઇડરમેન, મ્યુઝિક કે લાઈટવાળી
  ને દર વર્ષે બજારમાં નવી આવે એ તો ખરી જ.
  વળી તું દોસ્તોને બતાવી કલાકે કલાકે બદલાવે પણ ખરો!
  પણ લુચ્ચો ગિફ્ટ એક જ વાર આપે,
  અને એ પણ ચોકલેટથી પતાવે!
  એકવાર ડેન્ટિસ્ટ અંકલે દાંતના સડા વિશે પૂછેલું તો
  મેં તારું નામ લીધેલું!
  તું ખરેખર મારું સુરક્ષાકવચ.
  તને રિપોર્ટ કાર્ડમાં પપ્પા ની સહી કરતા આવડે.
  કફ સિરપની બાટલી ફૂટી જતાં પિગી બેંકમાંથી ખરીદી, થોડી અધૂરી કરી જગ્યા પર ગોઠવતાં આવડે.
  પીલો લડાઈમાં પીલો કવર ફાટતાં રૂ ખોસી સ્ટેપ્લરથી સીવતાં આવડે…
  મારાથી એક વર્ષ પાછળ છતાં મારું હોમવર્ક આવડે.
  નાનપણથી તને ઉકેલવા હતા ઘણા કૂટપ્રશ્નો,
  સિદ્ધ કરવા હતા કેટલાય પ્રમેય,
  નાસા પહોંચી બનવું હતું એસ્ટ્રોનટ ને
  બોલની સાથે બેટ પણ ઉછાળી બનવું હતું ક્રિકેટર…
  રાયફલમાંથી ગોળી છૂટી,આરપાર વીંધી બૂમરેંગની માફક પાછી આવે એવી શોધ કરી બનવું હતું યોદ્ધા….
  ફેન્સી ડ્રેસમાં તું આ સઘળું બની ચૂક્યો હતો….
  રિસર્ચનાં સપનાંથી ખીચોખીચ ભરેલી તારી આંખો જોઈ લાગતું’તું કે તું
  સાયન્ટિસ્ટ જ બનશે…
  આખરે તેં સાચુક્લો સફેદ કોટ પહેરી હાથમાં નાજુક સિરિન્જ પકડી,
  આખી દુનિયાને તારે સાજી કરવી હતી
  ગમે તેટલી ઈમરજન્સી હોય રક્ષાબંધને રાખડી બંધાવવા અચૂક આવતો…
  યાદ છે! એકવાર તો ઓપરેશન થિયેટરમાંથી ગ્લોવ્ઝ સાથે જ કાંડુ ધરી દીધેલું.!
  ને મને મારો ભાઈ દેવદૂત હોવાનું ગૌરવ થયેલું…
  તું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ રાખડીની સાઈઝ નાની થતી ગઈ ને ગિફ્ટ મોટી અનોખી…
  પેનડ્રાઈવથી લઈ પુસ્તકો સુધીની
  ભાઈ,
  આજે પણ તારી ગમતી રાખડી
  અપલક તારી રાહ જુએ છે
  પણ તું…
  વાયરસની પાછળ એવો દોડ્યો કે દૂર દૂર….
  હવે?
  મારું સુરક્ષાકવચ?
  એક વાર પણ નહીં આવે???
  -યામિની વ્યાસ
  કાવ્યસંગ્રહ:સૂરજગીરી
  પ્રકાશન:અનન્ય સીટી
  રજૂઆત:યશ્વી સ્માર્ત
  યશ્વીએ આ કાવ્ય ખૂબ હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યું છે. થેન્ક યુ યશ્વી

  Like

 2. રક્ષાબંધનની શુભેચ્છા . બંને કવિતા રમેશભાઈ અને સર્યુબેનની કવિતા તથા શૈલા મુન્શા ની વાર્તા ને ખૂબ માણી આભાર

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s