“શામળા”ના દુહાઃ  સો ટચનું સોનું   – બળવંત જાની


“શામળા”ના દુહાઃ  સો ટચનું સોનું   – બળવંત જાની

પાલરવભા પાલિયાએ ‘શામળા’ નામછાપથી રચેલા દુહા આજે શતાધિક વરસ પછી પણ કંઠસ્થ પરંપરામાં જીવંત રૂપે જળવાયેલા સાંભળવા મળે છે.

તેઓ મેઘાણીના માહિતીદાતા હતા. વાતુના, કાઠી-દરબારના પરાક્રમી પુરુષાર્થના જાણતલ હતા. દુહા તો આંખના પલકારામાં રચી શકતા. તેઓનું અનુભવજગત કોઈ વેદપાઠી પંડિતને પણ અચરજ પમાડે એવું હતું. તેઓને પાંચાળના પરિવ્રાજક ગણી શકાય. પારેવાળા-ભોંયરા વચ્ચે અમારું ગામ મોટી અણિયાળી – કમળાપુર આવે. મારા દાદાજી કહેતા કે પાલરવભા આવતા કે જતા, આપણે ત્યાં એકાદ ટંક રોકાતા અને જીવરામબાપુ સાથે સત્સંગ કરતા. ‘કાં’ક’ સંભળાવો એમ કહીએ ત્યારે ત્રણ-ચાર દુહાઓ એકસામટા સંભળાવી દેતા. મારા દાદાજીને ગમતાં, થોડા દુહા અને સંસ્મરણો મેં નોંધી રાખેલાં. એમાંના થોડા દુહા આશ્વાદીએ.-

‘મેલી નંઈ મોહજાળ, આખો ભવ એળે ગયો;
કબજૅ કરસે કાળ, શી ગત કરવી શામળા?’
જેમને મોહમાયાની જાળ મૂકી નથી, છોડી નથી એનો અવતાર-જન્મારો નકામો જ ગયો. જ્યારે કાળદેવતા એનો કબજો લેશે ત્યારે એની શી ગતિ થશે? પાલરવભાનો કહેવાનો મુદ્દો એટલો જ છે કે મોહ, માયા ને મમતાની જાળમાં ફસાયા, એનો જન્મ સાવ નકામો ગણાય. અંતકાળે એની ગતિ શી થશે? દુર્ગતિ થશે એમ ન કહીને આખરે તો અંગુલિનિર્દેશ એના તરફ જ છે. પાલરવભાની આવી વિશિષ્ટ કથનકળાશક્તિને કારણે જનમાનસમાં એ કાયમી છવાઈ રહ્યા.

બીજા એક દુહામાં ગાય છે કે, –

‘જીવડા દાખે જગત, સગપણ જૂઠું છેક;
અંતને ટાણે એક, સાચો બેલી શામળા.’
આ જીવાત્માને ભલે આખું જગત પોતાનો ગણે પણ એ બધા પોતાના ગણાતા સગપણ-સંબંધો જૂઠા છે. અંતકાળે તો ખરા સંબંધી – સગપણવાળો – તો શ્યામજી છે. શામળો પોતાની નામછાપ છે અને કૃષ્ણનું ગ્રામીણ નામ છે. આ દુહામાં પણ પાલરવભા માનવસંબંધો કેવા ક્ષણભંગુર અને કેવા બોદા છે કે બટકણા છે, એના પરત્વે નિર્દેશ કરે છે. એમની વાતો કે વિગતો સો ટકા સાચુકલી જણાય છે. આ કારણે એમની દુહાવાણી સો ટચનું સોનું જેવી મૂલ્યવાન ગણાઈ છે.

‘વાગ્યાની તમને વગત, ઝાંઝર કીડીનાં જે;
દૈવ થાઉં દેતે, સુણતાં નથી શામળા.’
ઈશ્વરને ઉદ્દેશીને કહે છે કે, ફે ભગવાન, તમારી પાસે તો જે કંઈ દુઃખ વાગે એની વિગત હોય છે અને તમે તો કીડીના પગના ઝાંઝરનો ધ્વનિ પણ સાંભળવા સમર્થ છો. અર્થાત્, સૂક્ષ્માતિસૂક્ષ્મ ગતિના જાણતલ છો. તો પછી, મારા દૈવની સ્થિતિ અને મારી પ્રાર્થના તમને કેમ સંભળાતી નથી?

પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી વંચિત રહ્યાની પીડાને અહીં કલાત્મક અભિવ્યક્તિ સાંપડેલી જોવા મળે છે. પ્રભાવક રીતે અને અસરકારક રીતે કહેવાની કળા-કસબ-કૌશલ્ય ધરાવતા કવિની દુહાવાણી આવા કારણે આજ સુધી લોકકંઠે જળવાઈ રહી.

‘મોઢે માનવિયું તણા, ગાયા મેં તો ગાણા;
માધવા રાખી નણાં મળાં, શી ગત મારી શામળા?’
હે માધવ, મેં મનુષ્યોનાં ગુણ-ગાન ગાવામાં કંઈ કસર રાખી નથી. અર્થાત્ મેં માનવીઓના જ ગુણગાન ગાયા કર્યા છે. એમાં કંઈ બાકી રહ્યું નથી. (પણ, હે પ્રભુ, તારા ગુણ ગાયા નથી) તો હવે મારી શી ગતિ થશે? અહીં પાલરવભા ઈશ્વરનું નામ સ્મરણ ન કરનારને અંતસમયે- છેલ્લે કેવો પસ્તાવો – પશ્ચાતાપ કરવાનો આવે એની વિગતને દુહાના માધ્યમથી કથતા જોવા મળે છે.

‘રાંકાથી રૂઠી ફરછ, એછ ધિંગાને દાન;
પાસે નહિ પરધાન, (તને) સમજાવે કોણ શામળા.’
રંક અને ગરીબોથી તું હંમેશાં મોઢું ફેરવી લે છે અને અમીર-શાહુકારને ખૂબ દાન-પૈસા આપે છે. તારી પાસે કોઈ સાચી સલાહ આપવાવાળો પ્રધાન નથી. એટલે હે ઈશ્વર, તને કોણ સમજાવે? જેને અભાવ છે આવશ્યકતા, એને આપવાનું વલણ ભગવાન ધરાવતા નથી અને જેમને જરૂર નથી એવા ધનવાનને ખૂબ ધન મળે છે. એના તરફ નિર્દેશ કરીને સાચી સલાહ દેવાવાળા કારભારી કે પ્રધાનની આવશ્યકતાનો નિર્દેશ કર્યો છે.

પાલરવભા આવી સો ટચના સોના જેવી વાત – બોધ – ઉપદેશ એમના કથનમાં વણી લેતા હોઈને એ દુહાઓ ખૂબ જ મૂલ્યવાન ગણાયા છે. એનો મહિમા આજ સુધી અકબંધ રહ્યો છે.

(“ગુર્જરી ડાયજેસ્ટ” ના સૌજન્યથી, સાભાર)

4 thoughts on ““શામળા”ના દુહાઃ  સો ટચનું સોનું   – બળવંત જાની

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s