શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – પાંચમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા
પ્રથમ સ્કંધ – પાંચમો અધ્યાય – ભગવાનના યશ-કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વ ચરિત્ર

 (પ્રથમ સ્કંધના  ચોથા અધ્યાયમાં આપે વાંચ્યું કે, સરળતાથી વેદોનો સાર સમાજના દરેક વર્ગ પહોંચે એ માટે વ્યાસજીએ મહાભારતની- જે એક ઈતિહાસ છે – એની રચના કરી. જોકે, વ્યાસજી, પોતાની પૂરી શક્તિથી સદાયે સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખી, એમના કલ્યાણમાં જ રત રહેતા હતા, પણ, તોયે ખિન્નતા અને અસંતોષ એમના મનમાંથી કોઈ રીતે જતો નહોતો. એમને સતત એવું થતું હતું કે પોતે આટલા જ્ઞાની હોવા છતાં, સઘળું સમજતા હોવા છતાં આ ઉદાસીનતા કેમ લાગે છે? એમણે એ પણ વિચાર્યું કે, “સહુને સરખું વેદોનું જ્ઞાન મળે, ધર્મ અને કર્મોની સમજણ મળે એ માટે સરળ સ્વરૂપે મહાભારતના ઈતિહાસની રચના કર્યા પછી પણ આટલી અપૂર્ણતા કેમ લાગે છે? હું બ્રહ્મતેજથી સંપન્ન છું, સમર્થ છું છતાં મારા દેહમાં રહેનારા આત્માનો યોગ, સાચે જે પરમાત્મા સાથે નથી થયો. કદાચ મેં હજુ સુધી ઘણું કરીને, ભગવત્પ્રાપ્તિ કરાવનારા ભક્તિયુક્ત ધર્મનું નિરૂપણ નથી કર્યું, જે ભગવાનને પણ પ્રિય છે.” શ્રી કૃષ્ણદ્વૈપાયન- વેદવ્યાસજી, આમ પોતાને અપૂર્ણ માનીને ખિન્નતા અનુભવતાં હતાં, અસંતોષ અનુભવતા હતા, ત્યારે જ વ્યાસજીના આશ્રમમાં નારદજી પધાર્યા. વેદવ્યાસજીએ ઊભા થઈને દેવર્ષિનું સ્વાગત વિધિપૂર્વક પૂજન કરીને કર્યું. હવે અહીંથી આગળ વાંચો.)

સૂતજી અહીંથી આગળ કથા કહે છે કેઃ દેવર્ષિ નારદ પોતાની સમીપ બેઠેલા વેદવ્યાસજીને જોઈને, સ્મિતપૂર્વક કહે છે કે, “હે મહાભાગ વ્યાસજી, તમે સર્વ ધર્મના જ્ઞાતા છો. આપે જે જીવન કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો, અને જેના લીધે આ મહાન, અદભૂત ગ્રંથ ‘મહાભારત’ લખાયો, તે છતાં આપના મુખ પર સંતુષ્ટિની છાયા કેમ નથી? કારણ, અંતઃકરણની સંતુષ્ટિ બહુ મોટી વાત છે. એના થકી જ સનાતન પરમ તત્વની શોધ શક્ય બને છે. બ્રહ્મ તત્વ વિશે પણ આપે ખૂબ જાણી લીધું છે, વિચાર્યું છે છતાં આપ કૃતાર્થ થયા હો એવું કેમ મને નથી પ્રતીત થતું? આપની આવી શોકપૂર્ણ સ્થિતિ જોઈને મને લાગે છે કે આપની શોધ અપૂર્ણ રહી છે અને હજુ કંઈ કરવાનું બાકી છે.”

આ સાંભળીને વ્યાસજી નારદજીને કહે છે કે, “હે નારદજી, તમે જે પણ કહ્યું તે સદંતર જ સત્યવચન છે. મને નથી ખબર કે શા માટે હજુ મને હ્રદયમાં ગ્લાનિ થાય છે અને શા માટે એવું લાગે છે કે હજુ કશુંક અધૂરૂં રહી જાય છે. પરબ્રહ્મ અને શબ્દબ્રહ્મ, બંનેમાં મારું જ્ઞાન પૂર્ણ છે. ધર્મનું પણ હું પાલન કરું છું. તે છતાં મારામાં કોઈક ઉણપ છે. તો હે મહાભાગ નારદ, તમારું જ્ઞાન તો અગાધ છે. તમે તો પ્રકૃતિ અને પુરુષ, બંનેના સ્વામી એવા પૂર્ણ પુરાણપુરુષની ઉપાસના કરી છે. એનો અર્થ એ કે તમે તો પરમાત્મા અને પ્રકૃતિ બેઉ સાથે તાદાત્મ્ય સાધ્યું છે. તમે કૃપા કરીને મને મારી ઉણપ જણાવો જેથી હું મનમાંની ગ્લાનિ ઓછી કરી શકું અને પરમસંતોષને પામી શકું.

એ સમયે નારદજી કહે છે કે, “વ્યાસજી. એ શાસ્ત્રો અને જ્ઞાન અર્થહીન છે જેનાથી ભગવાન સંતુષ્ટ થતા નથી. તમે વેદ, ધર્મ, પુરાણ અને ઈતિહાસનો મર્મ ઉકેલી આપ્યો પણ એવી જ સરળતાથી પ્રભુના મહિમાનું યશોગાન નથી કર્યું. પરમ પુરુષ શ્રી કૃષ્ણના મહિમાનું કિર્તન અને ગુણગાન થકી અંતરાત્મામાં ભક્તિ, જ્ઞાન અને સહજ વૈરાગ્યનો ઉદય થાય છે ભક્તિ વિનાના નિર્મળ જ્ઞાનની કોઈ પણ શોભા નથી હોતી અને જ્ઞાન વિનાના વૈરાગ્યની કોઈ ભૂમિકા નથી હોતી. જે વાણી ભગવાનના સુયશવાચક નામોથી યુક્ત હોય, એ જ વાણીનું સત્પુરુષો શ્રવણ, જ્ઞાન અને કિર્તન કરતા રહે છે. ભગવદ્ ભાવ વિનાનું કર્મ શોભતું નથી, પછી ભલે ને એ કર્તાભાવ વિના કરવામાં આવ્યું હોય. હે મહાપુરુષ વ્યાસજી, તમારી દ્રષ્ટિ અમોઘ છે. તમે સત્યપરાયણ છો, દ્રઢવ્રતી છો. તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા માટે અચિંત્યશક્તિના ભગવાનની લીલાઓનું સમાધિ દ્વારા સ્મરણ કરો. ભગવાન તો અનંત છે. કોઈ વિચારવાન જ્ઞાની પુરુષ જ સંસારથી વિરકત થઈને ભગવાનના સ્વરૂપભૂત પરમાનંદનો અનુભવ કરે છે. તેથી, જે લોકો પારમાર્થિક બુદ્ધિથી રહિત છે અને મોહના બંધનોમાં જકડાયેલાં છે, એ સહુના કલ્યાણ માટે જ તમે સર્વસાધારણ હિતની દ્રષ્ટિએ ભગવાનની લીલાઓનું વર્ણન કરો. સતત ઈશ્વર સ્મરણમાં રત રહીને, ભક્તિભાવથી જીવ સાથે બંધાયેલાં કર્મો કરતા રહેવાથી જ સત્યની સમજણ કેળવાય છે. માત્ર સાધનલક્ષી, ક્રિયાકાંડી ઉપદેશોથી સાધારણ લોકોની બુદ્ધિ ભગવાનના ધ્યાનમાં સ્થિર થઈ નથી શકતી. દરેક જીવને સુખ અને દુઃખ, કાળચક્રની નિયતિને કારણે એકે પછી એક, મળ્યા કરે છે. કોઈ જીવ, બ્રહ્મલોકથી માંડીને નિમ્ન લોકમાં ક્યાંય પણ કાયમનું સુખ પામી શકતો નથી. શાશ્વત સુખ માત્ર અને માત્ર ભગવદ્ પ્રાપ્તિમાં છે. હે વેદવ્યાસજી, તમે તો પુરુષોત્તમ ભગવાનનાં લીલા અવતાર છો. તમે અજન્મ હોવા છતાં, જગત કલ્યાણ માટે જન્મ લીધો છે. આથી જ તમે પુણ્યકીર્તિ એવા શ્રી કૃષ્ણના ગુણોનું અને એમની લીલાઓનું વર્ણન કરો તો તમને મનની પરમ શાંતિ અવશ્ય મળશે.” આમ પોતાનું વક્તવ્ય સમાપ્ત કરીને નારદમુનિ પળવાર અટક્યા અને પછી પોતાના પૂર્વ જન્મની વાત કરી. પૂર્વ કલ્પમાં, નારદજી કહે છે કે પોતાના પૂર્વજીવનમાં વેદવાદી એક દાસીના દીકરા હતા. નારદજી આગળ વાત માંડતા ઉચ્ચારે છે, “એ વેદવાદી યોગીઓ વર્ષા ઋતુમાં જ્યારે ચાતુર્માસ કરી રહ્યા હતા ત્યારે એ મુનિઓની સેવા મેં શીલ-સ્વભાવ અને જિતેન્દ્રિય બનીને કરી. એમની સેવા કરીને અને એમની સંગતમાં પૂજન કીર્તન કરીને તથા એમના સત્સંગમાં શ્રી કૃષ્ણની મનોહર લીલા કથાઓ સાંભળીને મારી બુદ્ધિ નિશ્ચળ બની અને આમ હું બ્રહ્મરૂપ થઈ ગયો. આમ મારા હ્રદયમાં રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. એ દીનવત્સલ મહાત્માઓએ જતી વેળાએ મારા પર અસીમ કૃપા કરીને સ્વયં ભગવાને શ્રી મુખેથી કરેલા ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો. એ ઉપદેશને કારણે જ હું જગતનિર્માતા શ્રી કૃષ્ણના માયાના પ્રભાવને જાણી શક્યો, જે જાણવાથી ભગવાનના પરમપદની પ્રાપ્તિ થાય છે. જ્યારે સર્વ કર્મો ઈશ્વરને સમર્પિત કરીને કરવામાં આવે છે ત્યારે તે કર્મોનું કર્મપણું અને કર્તાનો કર્તાભાવ નાશ પામે છે. જે કર્મો ભગવાનની પ્રસન્નતાને પામવા માટે કરવામાં આવે છે, તેનાથી જ પરાભક્તિયુક્ત*** જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ભક્તો એમના ગુણોનું અને નામોનું વારંવાર સ્મરણ અને કીર્તન આ પ્રમાણે કરે છે, કે, “હે પ્રભુ! આપને, ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને નમસ્કાર છે! અમે ભગવત ચિત્ત થઈને આપનું ધ્યાન ધરીએ છીએ. પ્રદ્યુમન, અનિરુદ્ધ, અને સંકર્ષણને પણ નમસ્કાર છે!” હે વ્યાસજી, આ ચતુર્વ્યુહરૂપી ભગવાનની મૂર્તિઓ, જે પ્રાકૃત-શરીરથી રહિત છે, એવા યજ્ઞપુરુષ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે, ભક્તિ કરે છે, તેના જ જ્ઞાન અને વૈરાગ્ય યથાર્થ છે.”  (***પરાભક્તિ – પરમ તત્વમાં સર્વોત્કૃષ્ટ અનુરાગ, તદાકાર વૃત્તિવાળી અસામાન્ય અનન્ય ભક્તિ)

આમ મહાભાગ નારદમુનિ, ભગવાન વેદવ્યાસજીને ભગવાનની પ્રેમપૂર્ણ લીલાઓનું અને શ્રી હરિના યશોગાનનું વર્ણન કરવાનું કહીને, “નારાયણ, નારાયણ,” કહેતા કહેતા ત્રિલોક ભ્રમણ કરવા નીકળી પડ્યા.

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો વ્યાસ-નારદ સંવાદનો પાંચમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

વિચાર બીજઃ

૧. આ અધ્યાયમાં પરાભક્તિ અને પૂર્વ જન્મનું સ્મરણ નારદજીને થાય છે, એની વાત આવે છે. આ અનન્ય ભક્તિ એટલે કે પરાભક્તિની પરાકાષ્ઠા શું અને આજના સાંપ્રત કાળમાં એનું આકલન કેવી રીતે થાય? પૂર્વ જન્મનું સ્મરણ અને એની સાથે, આત્માની ઓળખ પામવાનું એ રહસ્ય, આજના પરબ્રહ્માંડવાસી એટલે કે ‘એલિયન’ સાથે સંકળાયેલું હોઈ શકે ખરું?

૨. નારદજીનું અવિરત ત્રિલોક ભવન એટલે ટાઈમ મશીનો કોઈ કન્સેપ્ટ હોઈ શકે ખરો?

2 thoughts on “શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – પાંચમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

  1. પરાભકિત-શબ્દને પણ એક સીમા હોય છે. તેથી પરાભકિત વિશે શબ્દોમાં વર્ણન કઠિન છે. છતાં સંક્ષિપ્ત સાર એટલો કે પરા ભકિત એટલે શ્રેષ્ઠ છે કે તેમાં ભકત અને ભગવાનનું અદ્વૈત છે. બંને સરખી ભૂમિકા પર. નરસિંહ મહેતા કહે છે કે “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે”

    Like

  2. શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો વ્યાસ-નારદ સંવાદમા ‘ આ અધ્યાયમાં પરાભક્તિ અને પૂર્વ જન્મનું સ્મરણ નારદજીને થાય છે, એની વાત આવે છે. આ અનન્ય ભક્તિ એટલે કે પરાભક્તિની પરાકાષ્ઠા શું અને આજના સાંપ્રત કાળમાં એનું આકલન કેવી રીતે થાય? પૂર્વ જન્મનું સ્મરણ અને એની સાથે, આત્માની ઓળખ પામવાનું એ રહસ્ય, આજના પરબ્રહ્માંડવાસી એટલે કે ‘એલિયન’ સાથે સંકળાયેલું હોઈ શકે ખરું?;’ચિંતન ગમ્યુ
    નારદજીનું અવિરત ત્રિલોક ભવન એટલે ટાઈમ મશીનો કોઈ કન્સેપ્ટ હોઈ શકે ખરો?
    ટાઈમ મશીનો કન્સેપ્ટ થી ઘણુ ઉચ્ચ ચરિત્ર

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s