થોડી ખાટી, થોડી મીઠી – (૬) – દિપલ પટેલ


થોડી ખાટી, થોડી મીઠી – (૬) – દિપલ પટેલ

વાત છે 2012ની, જયારે મને પહેલ વહેલી નોકરી લાગી હતી. હું ભારતની પહેલી મહિલા એન્જીનીયરીંગ કોલેજમાં ટ્રેઈની આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરતી હતી જે વિદ્યાનગરમાં છે. મારે ત્યાં સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવું હતું એટલે પ્રિન્સિપાલને એ અંગે વાત કરી, તો એમણે જણાવ્યું કે સ્ટાફ ક્વાર્ટર્સમાં માત્ર હોસ્ટેલ રેક્ટર જ રહી શકે, મેં પૂછ્યું “હોસ્ટેલ રેક્ટરની પોઝિશન ખાલી છે? તો હું એપ્લાય કરી શકું? “
પ્રિન્સિપાલ ખુશીથી ચોકી ગયા! મોટા ભાગે હોસ્ટેલ રેક્ટરની નોકરી એ ખુબ જવાબદારીવાળી છે અને એ પણ છોકરીઓની! એટલે સ્વાભાવિક રીતે વેકેન્સી હતી જ. જોકે કોલેજને પણ શરુ થાયે 2 જ વર્ષ થયા હતા!
પછી તો હું આવી ગઈ, કોલેજ કેમ્પસના 3 બેડરૂમવાળા વિશાળ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવા. ઘરમાં બીજા 2 મેડમ પણ હતા મારી જેમ જ રેક્ટર પણ.

હું કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને તરત નોકરી પર લાગી હતી એટલે વિદ્યાર્થીનીઓ અને મારી ઉંમર વચ્ચે માત્ર 2-3 વર્ષનો જ ફરક હતો! એટલે જ કદાચ એમની સાથે હું મિત્રની જેમ રહી છું. મારે પહેલા વર્ષમાં ભણતી 120 છોકરીઓની જવાબદારી હતી. જવાબદારી ધારી હતી એનાથી ઘણી મોટી હતી. એક તો પહેલી વાર છોકરીઓ એમનાં માં-બાપ અને ઘરને છોડીને પારકાં શહેરમાં ભણવા માટે આવે, બધું યાદ આવતું હોય એમાં નવી છોકરીઓ સાથે રૂમમાં એડજસ્ટ થવાનું, મેસનું જમવાનું, બધા કામ જાતે કરવાનાં, ભણવાનું, વગેરે.

હું પહેલા દિવસે એ બધી છોકરીઓને રૂમમાં મળવા ગઈ અને મારા વિષે જણાવ્યું. મારો મોબાઈલ નંબર બધાંને આપ્યો અને દરેક રૂમમાં શું તકલીફો છે, એ બધી માહિતી લઇ આવી. ઘરે આવી એક ચાર્ટ બનાવ્યો 120 છોકરીઓ અને 60 રૂમ. અમુક રૂમમાં પંખો ના ચાલે, તો અમુકમાં નળ ટપકતો હોય, કોઈકમાં મચ્છર જાળી તૂટી ગઈ હોય, તો ક્યાંય ભેજ આવતો હોય, ક્યાંક કબાટ તૂટી ગયું હોય તો કોઈકની ચાવી ન હોય, આમ તકલીફો તો અનેક હતી પણ બધી જ સહેજ મહેનત અને પ્લાનીંગ કરવાથી દૂર થઈ શકે એવી હતી.
મેં બધી તકલીફો અલગ, અલગ ફાળવી, પ્લમ્બર માટેના કામની એપ્લિકેશન લિસ્ટ સાથે, ઈલેસ્ટ્રીશીયનના કામની એપ્લિકેશન, તિજોરીવાળાની એપ્લિકેશન, મિસ્ત્રીની એપ્લિકેશન. બધું લઈને, બીજે દિવસે પ્રિન્સિપાલને આપવા ગઈ. પ્રિન્સિપાલ જોઈને ફરીથી ખુશીથી ચોકી ગયા! એમણે કહ્યું, કે, “આનાથી સારું તો કંઈ જ ના હોઈ શકે! હું આજે જ આ બધી એપ્લિકેશન આગળ CVM (ચારુતર વિદ્યા મંડળ)માં પહોચાડું છું અને 2-3 દિવસમાં બધું કામ થઇ જવું જોઈશે. (CVM – ચારુતર વિદ્યા મંડળ – આણંદ -વિદ્યાનગરમાં 45 થી વધારે કોલેજ-શાળાઓ ચલાવે છે અને બધી સત્તા એમનાં હાથમાં હોય).”

2-3 દિવસમાં સાચે જ પ્લમ્બર, તિજોરીવાળા અને મિસ્ત્રીના ફોન આવી ગયા અને બધાં જ કામો સારી રીતે, સમયસર પતી પણ ગયાં. ખાતરી કરવા, હું જાતે જઈને જોઈ આવી કે બધું કામ બરાબર થઈ ગયું હતું કે નહીં. છોકરીઓ પણ ખુશ હતી એનો મને વિશેષ આનંદ હતો. આ બધામાં ઈલેક્ટ્રિશિયનનું કામ કંઈ જ થયું ન હતું. મેં એમને ફોન કર્યો તો એમણે કહ્યું કે મેડમ થઇ જશે. મેં બે દિવસ રાહ જોઈ પણ કામ નહોતું થયું.  મેં ફરી એમને ફોન કર્યો, તો, એ ભાઈએ જણાવ્યું, કે, “મેડમ આગળ મંડળમાંથી લાઈટ અને પંખા આવ્યા નથી.” અહીં છોકરીઓ પંખા લાઈટ વગર હેરાન થતી હતી. 12000 રૂપિયા ભરે અને એ પછીય આવી રીતે કેમ ચાલે?
પ્રિન્સિપાલે પણ બનતા પ્રયત્ન કર્યા હતા પણ એમને પણ આજ જવાબ મળ્યો હતો કે મંડળમાંથી સામાન આવ્યો નથી. એ દિવસે બપોરે જેવી નવરી પડી કે મંડળ પહોંચી. અને ત્યાંના ઉપપ્રમુખને જઈને સીધી મળી. એમને મેં ટૂંકમાં બધું જણાવ્યું અને મારી એપ્લિકેશન બતાવી. એમણે તરત જ એક ફોન કર્યો અને એક માણસ આવ્યો જે ઈન્વેન્ટરી સંભાળે. એમણે એપ્લીકેશન જોઈને તરત કહી દીધું કે મેડમ 5 દિવસ પહેલા જ આ એપ્લિકેશન આવી હતી અને બધો સામાન અમે મોકલી આપ્યો છે ઈલેક્ટ્રિશિયનને! હું સમજી ગઈ કે શું થઇ રહ્યું છે! વર્ષોથી કામ કરી રહેલા સિનિયર માણસ, મારા જેવી જુનિયર વ્યક્તિનું અને એ પણ સ્ત્રીનું કામ આમ તાત્કાલિક થોડી કરી આપે?
ઉપ-પ્રમુખ પણ આ વાત સમજી ગયા. એમણે તરત જ એ ભાઈને ફોન લગાવ્યો અને મારી હાજરીમાં જ એમને ગાળ બોલીને 5 મિનિટમાં હાજર થવા કહ્યું. એ ભાઈ હાંફળા – ફાંફળા ત્યાં હાજર થયા અને મારી સામે જ એમનો ભાંડો ફૂટ્યો. હું મારા ઉપરનો એમનો ગુસ્સો જોઈ શકતી હતી. એમણે એ બધું જ કામ એ જ દિવસે પતાવી દીધું!
અહીં એક વાત ખાસ ગમી કે ઉપપ્રમુખ આટલા વ્યસ્ત હોવા છતાં, મને સમય આપ્યો અને મારી આ ફરિયાદ સમજ્યા. એટલું જ નહીં, તરત જ એનો નિવેડો પણ લાવ્યા. મેં એમનો ખુબ આભાર માન્યો, એ ઘણાં આખા બોલીના હતા, એ તો એમણે જે ગાળ બોલી એનાથી હું સમજી ગઈ હતી. પણ એમણે મને જણાવ્યું કે “બેન, થેંક્યુ તમને, મને નહિ. તમે બીજાની દીકરીઓ માટે આમ દોડીને મારી પાસે આવો તો હું એક ફોન ન કરી શકું? એ તો હું તમને જોઈને સમજી ગયેલો કે કામ કેમ નહોતું થયું! એક તો તમારી ઉંમર અને ઉપરથી સ્ત્રી! હજુ જરૂર પડે તો મને યાદ કરતા ખચકાતાં નહિ”
મને થયું ચાલો હાશ કામ પત્યું! પણ અહીંથી તો કામ શરુ થયું હતું. એ માણસે મારી સામે કોલ્ડ વૉર છેડી દીધી હતી! જોકે યુદ્ધ એક તરફી જ હતું એટલે લાબું ટકવાનું ન હતું. એ ઘણાં સિનિયર અને પહોંચેલી માયા હતા. અમારી કોલેજના બધાં પ્યુનના એ સાહેબ! એ સમયે એ નવા કેમ્પસમાં કોલેજ બની હતી એટલે ત્યાં કૂતરા બહુ હતા અને છૂટથી ફરતા. એ મુક્ત વાતાવરણમાં જીવતાં જીવો હજુ નિયમો શીખ્યાં ન હતા! મને પહેલેથી ભરપૂર પ્રેમ કૂતરાઓ માટે એટલે એમને રોજ રોટલી, દૂધ, બિસ્કિટ ખવડાવું.
એ બધા કૂતરા મારી જોડે ત્રીજે માળે લેક્ચર સાંભળવા પણ આવે અને પતે એટલે મારી સાથે નીચે આવે. પ્યુન આ રોજ જુએ, અને આમ એમને મારા વિરોધી ફરિયાદ કરવાનું બહાનું મળ્યું. એમણે પ્રિન્સિપાલને ફરિયાદ કરી કે “મેડમ કૂતરા કોલેજમાં રાખે છે ને કૂતરા આખી કોલેજ બગાડે છે અને પ્યુનો માટે કામ વધારે છે”.
એમને એની નથી ખબર કે માણસ સિવાય કોઈ પણ જાનવર જ્યાં રહે એ જગ્યા ક્યારેય બગાડતું નથી! એટલે મારાં નામની નોટિસ લાગી. કોલેજના દરેક નોટિસ બોર્ડ ઉપર! આમાં હું સાચી હતી, એ મારે પ્રિન્સિપાલને કે કોઈને કહેવાની જરૂર ન હતી કારણ કે બધા મને પણ જાણતાં હતાં અને શું થઈ રહ્યું છે, એ પણ જાણતાં હતાં! આ તો એક નાનકડું ઉદાહરણ હતું. પણ, આ ઉપરાંત, પરોક્ષ રીતેય મને હેરાન કરવા માટે, એમના તરફથી ઘણાં પ્રયત્નો થયા.

એક દિવસ હું ત્યાંના મુખ્ય પ્યુનને મળવા ગઈ અને સીધું પૂછ્યું, કે, “ભાઈ, તમને મારાથી ક્યારે અને કેમ તકલીફ પડી?” ત્યારે એમની સાથે વાત કરતાં, આ ષડ્યંત્રના સૂત્રધાર સાહેબ – ધ ઈલેક્ટ્રીશિયનના કાવતરાંની જાણ થઈ.
હું ચાહું તો એમનાં વિષે મંડળમાં ફરીથી મને હેરાન કરવાં બદલ એમની ફરિયાદ કરી શકું અને એનાથી કદાચ એમની નોકરી પણ જઈ શકે પણ મારે એ નહોતું કરવું. મેં ગાંધીજીને યાદ કર્યાં અને સીધી એમને મળવા ગઈ. એમણે મારો ફોન ઉપાડવાનું ક્યારનું બંધ કરી દીધું હતું અને હું જ્યાં હોઉં ત્યાં ફરકવાનું પણ! તો પણ મેં એમને શોધી કાઢ્યા અને એમની સાથે પ્રેમથી વાત કરી, મેં જેટલા પ્રેમથી કરી એમણે એટલા જ ગુસ્સાથી.
મેં એમને સમજાવ્યું કે “હું મારી ડ્યુટી કરતી હતી, અને તમે નહોતા કરતા. જૂઠું તમે બોલ્યા, અત્યારે પણ ગુસ્સો તમે કરી રહ્યા છો. તમારી દીકરી લાઈટ અને પંખા વગર ભણશે એ ગમશે તમને?” ઘણી લાંબી ચર્ચાઓ ચાલી અને છેલ્લે અમે બંને હસતાં હસતાં એ રૂમમાંથી બહાર નીકળ્યાં. એ પછી તો અમારાં સંબંધો ઘણા સરસ રહ્યાં અને મારાં એક ફોનથી 1 જ કલાકમાં કોઈ પણ કામ થઇ જતું 🙂

ગાંધી બાપુની વાત તો સાચી કે પ્રેમ અને અહિંસામાં ખૂબ તાકાત છે અને સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે એનાથી તમે તમારાં દુશ્મનના હ્ર્દયમાં પણ સ્થાન મેળવી શકો છો 🙂 અને એને બદલી શકો છો 🙂

********

9 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૬) – દિપલ પટેલ

 1. ‘ગાંધી બાપુની વાત તો સાચી કે પ્રેમ અને અહિંસામાં ખૂબ તાકાત છે અને સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે એનાથી તમે તમારાં દુશ્મનના હ્ર્દયમાં પણ સ્થાન મેળવી શકો છો અને એને બદલી શકો છો ‘
  પ્રેરણાદાયી વાત ધન્યવાદ

  Liked by 2 people

 2. PREM-AHINSA MA AJAB-GJAB NI TAKAT CHE. BRITISHRO NE BHAGADI NE AZAD HINDUTAN NE KRANAR GANDHI BAPU NE VANDAN. ELECTRICIAN TO ANGDI NO BEDO KAHEVAY. TENE DIPALBEN PREM THI SAMCHAVI LIDHO. GANDHIJI NITI APNAVI .JE HER HAMESH KAM MA AVE CHE. PREM-AHINSA JITVA MATE NU PRATHAM PAGTHIYU. CHE, TME TAMARA BADK NE PREM THI KAHE SHO TO TE TAMARU MANSHE UP-PRAMUKH PAN SAMJI GAYA NANI AGE, GIRL. ANE KHAD NO KADHEL ELECTIRICIAN MODU KARECHE.

  Liked by 2 people

 3. ગીતામાં ભકતના 36 ગુણો બતાવ્યા છે. તેમાં સૌથી પહેલો જ છે-અદ્વેષ્ટા સર્વભૂતાનામ્………દીપલબેન….તમે આ ગુણ પ્રાપ્ત કર્યો છે તે માટે અભિનંદન.

  Liked by 2 people

 4. “ગાંધી બાપુની વાત તો સાચી કે પ્રેમ અને અહિંસામાં ખૂબ તાકાત છે અને સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે એનાથી તમે તમારાં દુશ્મનના હ્ર્દયમાં પણ સ્થાન મેળવી શકો છો 🙂 અને એને બદલી શકો છો 🙂”
  દિપલબહેન, ગાંધીજીના સિધ્ધાંતનો સરસ અમલ કર્યો.સાબિત કર્યું કે પ્રેમ અને ધીરજથી કામ કરીએ, આપણે સાચા હોઈએ તો તકલીફોનો સામનો થઈ શકે અને ઉકેલ પણ આવે.

  Liked by 2 people

 5. સ્વાનુભાવની રસસભર પ્રેરક કહાણી.
  ‘ગાંધી બાપુની વાત તો સાચી કે પ્રેમ અને અહિંસામાં ખૂબ તાકાત છે અને સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે એનાથી તમે તમારાં દુશ્મનના હ્ર્દયમાં પણ સ્થાન મેળવી શકો છો અને એને બદલી શકો છો ‘
  પ્રેરણાદાયી વાત ધન્યવાદ…..

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s