પ્રાર્થનાને પત્રો… (૮૦) – ભાગ્યેશ જહા


પ્રિય પ્રાર્થના, 

આમ તો આજકાલ ગાંધીનગરમાં થોડો ચિંતાનો માહોલ છે, વરસાદ પડ્યો નથી. ખેડૂત વાવણી કરી શક્યો નથી, ક્યાંક ક્યાંક પાણીની અછતના સમાચારો આવી રહ્યા છે. સૌથી વધું ચિંતા તો આપણને મૂંગા પશુઓની થાય છે. એટલે પર્યાવરણના આ રૂસણાથી ખિન્ન મન પ્રસનતા શોધે છે ત્યારે શેમાં શેમાંથી આનંદ પ્રગટી રહ્યો છે એ જણાવવાની ઇચ્છા થઈ આવે છે. જો તો ખરી કેટકેટલી બાબતોમાં બહુ મઝા આવી રહી છે, એક તરફ યુરોપ ફરવા જવાના છીએ એની આતુરતાભરી ઉત્તેજના છે તો બીજી તરફ લખાતા જતા લેખો અને ખાસ કરીને જાપાનીઝ લેખક હારુકી મુરાકામીનો વધતો પરિચય છે. આ મુરાકામી એ સાહિત્યના નોબેલ પ્રાઈઝ માટેનો મસ્ત અને યોગ્ય ઉમેદવાર છે. એ જે રીતે પ્રતીકોનો ઉપયોગ કરે છે એ બુધ્ધિથી સમજવાના હોય છે. આવી સ્થિતિ સર્જાય ત્યારે કોઈ પ્રતીકને લઈને મનમાં જે સંઘર્ષ અથવા ગુદગુદી અનુભવાય એ જ રસનિષ્પત્તિનું ગંતવ્ય હોય છે. એક વાર્તામાં એ કહે છે, હી વૉઝ ઇન ડેઝર્ટ… એ રણમાં હતો, અને પછી બે ત્રણ વાક્યમાં તો મુરાકામી આપણને કહી દે છે, હી વૉઝ અ ડેઝર્ટ.. એ પોતે જ એક રણ હતો. શરુઆતમાં એક પાત્ર લાગતો માણસ એની ઉર્મિઓથી આપણને એની સાથે ખેંચે અને પછી એ પોતે જ એક અફાટ રણ થઈ જાય એ એક બૌધ્ધિક કસરત છે. એક પાત્ર આપણને સાવ કૃષ્ણની અદામાં નહીં, પણ અલગ રીતે અને કલાત્મક રીતે વિશ્વરુપદર્શન કરાવે છે. આવા લેખકોની સાથે સમય ગાળવાની મઝા આહલાદક બની રહે છે. 

અહીં કલ્ચરલ ફોરમ ગાંધીનગરમાં પચ્ચીસમું વર્ષ ઉજવે છે ત્યારે એની રજતજ્યંતિ એ ‘પ્રસન્નતાનું પર્વ’ એવા નામાભિધાન સાથે ઉજવાય છે. ગાંધીનગરના અનેક આયામો, ખાસ કરીને, કલા અને સંસ્કૃતિના આયામો, રજુ થઈ રહ્યા છે. હું જોઈ રહ્યો છું, વિધવિધ કલાશાખાઓમાં હવે બીજી ત્રીજી પેઢી સક્રિય થતી દેખાઇ રહી છે. આ વિકાસની અનેક વિશેષતાઓ છે, ગાંધીનગર સાહિત્ય સભા પણ ગુજરાતની એક અગત્યની સાહિત્યિક સંસ્થા તરીકે ઉભરી રહી છે. 

આ વખતે ‘અર્ક વ્યાખ્યાનમાળા’માં અનેક નામો ચર્ચાયા અને જુદા જુદા વક્તાઓ આવીને પ્રવચન પણ આપી ગયા. પહેલાં તો મારે, અજય ઉમટ અને પ્રશાંત ભીમાણીના પ્રવચનો યોજાવાના હતા. અંતે અઢારમીએ સાંજે પૂ.મોરઆરીબાપુ આવ્યા અને ‘પ્રસન્નતા એ જ જીવન’ એ વિષય પર પ્રવચન આપ્યું. બાપુએ એમની લાક્ષણિક શૈલીમાં ગાંધીનગરના ચિક્કાર ભરાયેલા ટાઊનહૉલમાં સૌ પ્રબુધ્ધજનોને જગાડ્યા હોય તેવી વાત કરી. જેમ સાહિત્યમાં, એમ વહીવટમાં લોકો જેમ જેમ ઊંચા પદને પામે છે એમ ગંભીર બની જાય છે, પ્રસન્નતા વિસરાઇ જાય છે. 

પૂ.બાપુએ કહ્યું, મનની પ્રસન્નતા એ તો બહુ નાની વ્યાખ્યા થઈ જશે. માણસ નાની નાની બાબતોમાં મનથી પ્રસન્ન થઈ જાય છે. બુધ્ધિની પ્રસન્નતા અગત્યની છે, પણ એનું અહંકારમાં ક્યારે અને કેવું પરિવર્તન થઈ જાય છે એ બાબતે ભારે જાગરુકતા રાખવાની જરૂરી છે. સાચી પ્રસન્નતા એ અંત:કરણની પ્રસન્નતા છે, સાચી પ્રસન્નતા આધ્યાત્મિકતાના પડોશમાં વિકસે છે, સાચી પ્રસન્નતા એ નિરપેક્ષ પ્રસન્નતા છે. માણસ સ્પર્ધામાં ખર્ચાઈ જાય છે, માણસ ઇર્ષ્યામાં પોતાની અંદર રહેલી પ્રસન્નતાની ભાગિરથીને પ્રગટવા નથી દેતો. 

બાપુએ કહ્યું, ત્રિકાળને જાણી શકાય તો જાણવો પણ મહિમા તો વર્તમાનનો જ છે. વર્તમાનને ‘એન્જોય’ નથી કરવો પણ ભુતકાળને વાગોળ્યા કરવો છે અને ભવિષ્યની ચિંતા કર્યા કરવી છે. આમ જે વર્તમાનને વિસરીને જીવે છે એ માણસ પ્રસન્નતાથી જે જીવનનો આનંદ મળે છે એનાથી વંચિત રહે છે. 

અને છેલ્લે પ્રભુ નામસંકીર્તનમાં જે પ્રસન્નતા છે તે તો અવર્ણનીય છે. મીરાં જે પામ્યાં, નરસિંહ જે મસ્તીથી ગાઈ ઉઠ્યા એ પ્રસન્નતા સમજવી જોઇએ. 

આમ પૂ.મોરારીબાપુની આ પ્રસન્નતાનું પ્રવચન સાચે જ અર્કસમું બની રહ્યું. 

આખું અઠવાડિયું ક્રિકેટની વિવાદાસ્પદ વર્લ્ડ-કપ-ફાઈનલની મજાકોથી ભરેલું રહ્યું. ટાઈ પડી, પછી સુપર ઓવરમાં પણ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેંડે સરખા રન કર્યા તેથી જેના ચોગ્ગા વધારે હતા એવા ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કર્યું પણ જગત એમ સહેલાઈથી આ વાત સ્વીકારવા તૈયાર ના થઈ શક્યું. તેના લીધે ભારે મજાકોનો વરસાદ સોશિયલ મીડિયામાં અનુભવાઇ રહ્યો. કોઈએ સરસ કહ્યું, કે માનો કે ચોગ્ગા પણ બન્ને ટીમના સરખા થયા હોય તો શુ કરશો ? ગમ્મતમાં લોકોએ ચલાવ્યું તો પછી બન્ને ટીમના કેપ્ટનની દશમા ધોરણની માર્કશીટની સરખામણી કરવી પડે. પણ જો એમાં પણ ટકા સરખા હોય તો ક્યા વિષયના માર્ક નિર્ણાયક સાબિત થાય ? ગણિતના કે અંગ્રેજીના કે માતૃભાષાના… આપણા સમાજને સોશીયલ મીડિયાને એક સમર્થ માધ્યમ તરીકે એવી રીતે સ્વીકારી લીધું છે કે તત્ક્ષણ જ ‘વિકેંદ્રિત વિનોદ’ વહેતો થઈ જાય છે. આ આપણા સમયની એક ઉપલબ્ધિ છે. 

ચાલો, સાચવજો. અમે યુરોપ જઈ રહ્યા છીએ ત્યાંથી કશુંક લખાશે તો મોકલીશું નહીં તો ગાંધીનગર પાછા ફર્યેથી તો વાતીશું જ… !! 

સૌને યાદ, 
ભાગ્યેશ. 
જય જય ગરવી ગુજરાત.

2 thoughts on “પ્રાર્થનાને પત્રો… (૮૦) – ભાગ્યેશ જહા

  1. ભાગ્યેશ જહાના સદા સુંદર પત્રોની આ વાત
    ‘પ્રભુ નામસંકીર્તનમાં જે પ્રસન્નતા છે તે તો અવર્ણનીય છે. મીરાં જે પામ્યાં, નરસિંહ જે મસ્તીથી ગાઈ ઉઠ્યા એ પ્રસન્નતા સમજવી જોઇએ ‘ખૂબ ગમી

    Liked by 1 person

  2. PARTHNA ETLE EKAGRATA . HE KARUNA NA KARNARA TARI KOI PAR NATHI, HE SAKANT NA HERNARA TARI KARUNA NO KOI PAR NATHI. (2) O ISHWAR BHAJI ETANE MOTU CHE TUJ NAM , GUN TARA NIT GAYIE THAY AMARA KAM . KAVI SHRI DALAPTRAM NI PARTNA ROJ BAL MANDIR MA GATA THA.. CLASS CHALU THAYA PEHLA

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s