અંતરની ઓળખઃ (૧૬) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ


“સંબંધો એવા વણસે કે ત્યારે સ્મૃતિ બોજો બની જાય.” – સુરેશ દલાલ

(મને હજી પણ યાદ છે, સુરેશભાઈ દલાલ સાથેની એ વાતચીત, જે મીડ એઈટીઝમાં, લેજેન્ડરી કવયિત્રી પન્નાબેન નાયકના ઘરે ગોઠવાયેલી એમની બેઠક પછીની અંગત મિત્રો સાથેની મહેફિલમાં થઈ હતી. કંઈક બગડેલા સંબંધો વિષેની વાતોનો દોર શરૂ થયો. સુરેશભાઈ ફોર્મલ બોલે કે ઈનફોર્મલ બોલે, એમની વાતો સહુને પોતાની જ લાગે અને સાંભળનારા સહુ એમની વાતોના વહેણમાં વહી જ જાય. એમણે કહેલી એ વાતો મેં ઘરે જઈને મારી ડાયરીમાં નોંધી લીધી હતી. આજે ફરી જૂની ડાયરી કાઢીને વાંચવા બેઠી ત્યારે આ લખાણ મારા ધ્યાનમાં આવ્યું. મારા ખ્યાલથી આ વાત એમના કોઈક પુસ્તકમાં પણ છે, પણ એ પુસ્તકનું નામ યાદ નથી આવતું. ઘણું બધું મારા સ્મરણમાંથી મારી ડાયરીમાં લખાયેલું છે, તો એની નોંધ વાચકોને લેવા વિનંતી.)

“આપણો કોઈક સાથે સંબંધ બંધાય છે ત્યારે હકીકતમાં શું થાય છે? પહેલાં તો મળીએ ત્યારે છૂટા પડવાનું મન થતું નથી અને છૂટા પડ્યા પછી ફરી પાછા મળવાની તાલાવેલી લાગે છે. મળીએ ત્યારે વાત વહી જાય છે. નૌકાની જેમ, સમયની જેમ. વાતમાં નોંધપાત્ર એવું કશું નથી હોતું. છૂટા પડ્યા પછી શું કર્યું, શા વિચારો કર્યા, કોને મળ્યા, પ્રિય વ્યક્તિ વિના કૈંક સારું જોયું અને આનંદ માણ્યો, પણ, સાન્નિધ્યના અભાવનો ખટકો રહી ગયો…. આવી બધી વાતોની બારીમાંથી સૂર્યપ્રકાશ જેમ ઉમળકો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક, પ્રકટી જાય. આવું બધું બોલવું ગમતું હોય છે, સાંભળવું ગમતું હોય છે, સ્પર્શવું ગમતું હોય છે. છૂટા પડ્યા પછી એ ક્ષણોને વાગોળવાનું ગમતું હોય છે. જીવન એક રંગીન, રોમાંચથી જીવાતું હોય છે, એવું લાગવા માંડે છે.

અચાનક એવું “કશુંક” બને છે, કે, કશુંય ન બનવા છતાં પણ મનથી જ દૂર થઈ જવાય છે. હવે મળીએ છીએ ખરાં, પણ શબ્દો પતંગિયાની રંગગતિએ ઊડતા નથી. શબ્દો નાછૂટકે હોઠ પર આવે છે. સમય સ્ટીલ લાઈફની ફ્રેમમાં થીજી ગયેલું ઝરણું બનીને રહી જાય છે. એક જમાનામાં, સાથે મળતાં અને કંઈ કરવાની કે કહેવાની વાતો નહોતી બાકી રહેતી, ત્યારે પણ, સાથે ચૂપચાપ બેસીને મૌનની પણ મજા લેતાં હતાં, એ મૌનનું પણ, પોતીકું લાગતું એક રૂપાળું રહસ્ય હતું.  હવે એ જ મૌન અસહ્ય અને ભેદી લાગે છે. એક જમાનો એવો હતો કે આસપાસના વાતાવરણને પણ એક લયપૂર્ણ અર્થ હતો. હવે એનું એ જ વાતાવરણ પણ અર્થહીન બનીને ખૂંચવા માંડે છે, ખટકવા માંડે છે. મન તો એ વાતાવરણમાંથી ક્યારનુંય ભાગી ચૂક્યું છે અને હવે તો પ્રત્યક્ષ હાજરી પણ ખૂંચવા માંડે છે.

એની એ જ વ્યક્તિઓ છે – પણ સંબંધમાં તિરાડ પડી છે. વાત કરવા જઈશું તો એકેમેકના દોષની કહેવીયે નહીં ગમે કે સાંભળવીએ નહીં ગમે એવી દાસ્તાન હશે..! ઝંખનાઓ જીર્ણ થઈ ગઈ છે. અપેક્ષાઓ નંદવાઈ ગઈ છે, રસ સૂકાઈ ગયો છે અને એકમેકના સાથની ભૂખ રહી નથી. એક વખત જે મનગમતું અને માનીતું હતું, તે હવે અણગમતું અને અણમાનીતું થઈ ગયું છે.  સ્મૃતિના મેઘધનુષનો રંગ કાળો થઈ ગયો છે. જીભ નામનું સંબંધોનું એક અવયવ રહી ગયું છે પાછળ, પણ એ સંબંધોનો સ્વાદ જતો રહ્યો છે. કોઈ દેખીતું કારણ પણ અનેકવાર નથી હોતું, બસ, “કશુંક” ઓચિંતું જ જિંદગીના સતત દોડતા રેલ-એન્જિનમાં ખોટવાઈ જાય છે અને જિંદગી એક એવા “પોઈન્ટ ઓફ નો રીટર્ન” પર આવીને ઊભી રહી જાય છે. હવે અચાનક મળી પણ જવાય છે તો માત્ર શિષ્ટાચાર પૂરતું , કહેવા ખાતર મળી લેવાય છે, એકમેકને મળવા ખાતર કે મનાવવા ખાતર તો નહીં જ! કશુંયે બગડ્યું ન હોય અને કશુંયે બન્યું ન હોય છતાંયે, અનેકવાર, ભૂતકાળની કોઈ સ્મૃતિ, કોઈ દુખતી રગ ઓચિંતી જ દર્દ કરવા માંડે છે. એ જ દર્દ, જે પહેલાં, સંબંધ સાચવી લેવા ખમી લીધું હોય છે ને અચાનક જ, કંઈક થવાથી કે કહેવાથી, સંબંધના કોઈ મોડ પર, મનોભૂમિનો કબજો કરી લે છે. જ્યારે આવું બને છે ત્યારે, સંબંધો ના અનેક સ્વરૂપ અને અનેક સ્તર માંથી માથું ઊંચકે છે, એક વણસેલો, કણસેલો, દુભાયેલો ને દુણાયેલો સંબંધ, જે અત્યાર સુધી, ખુશી ખુશી અથવા તો કોઈ લાચારીથી કે પછી ડરથી સહી લીધો હતો. આ સંબંધ એક એવી અને અંતિમ ખીણ બની જાય છે કે અહીં પહોંચ્યા પછી, એ ખીણમાંથી નીકળવું પણ શક્ય નથી હોતું અને એ સંબંધની સ્મૃતિ પણ બોજો બની જાય છે.“
*******
આ કક્ષાએ પહોંચેલા સંબંધોમાં કંઈ બાકી નથી રહેતું, ત્યારે, “વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકે છોડના અચ્છા.”

એટલી સચોટતાથી સુરેશભાઈએ સંબંધો વિષે એક ઈનફોર્મલ સેશનમાં વાત કરી હતી જેનું સત્ય, કદાચ, પાંત્રીસ પાંત્રીસ વર્ષોના વ્હાણાં પછી પણ એટલું જ સો ટચના સોના જેવું ચમકે છે. આ જ છે સાચી, કેળવાયેલી, સૂઝબૂઝવાળી, પરિપક્વ અને સહજ સર્જકતાનો જાદુ, જેને દેશકાળના કોઈ અંતર નડતાં નથી અને એ દરેક પરિવેશમાં અમર રહે છે. સુરેશભાઈ, વી મીસ યુ!

3 thoughts on “અંતરની ઓળખઃ (૧૬) – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

 1. જીવન એક રંગીન, રોમાંચથી જીવાતું હોય છે, એવું લાગવા માંડે છે.

  અચાનક એવું “કશુંક” બને છે, __સરસ લેખ, અને analysis, Jayshreeben

  Liked by 1 person

 2. ઘણા ખરા સ્નેહીઓની વાત અત્યારનાં છોકરા અને છોકરીઓને સૌથી અઘરું જો કંઇ લાગતું હોય તો એ છે કે, હાઉ ટુ ટેકલ બ્રેકઅપ. કોઇનો સાથ તૂટે તો કેવી રીતે ટકવું? કેટલું રડવું અને કેવી રીતે સહેવું? એ વાત સચોટતાથી સુરેશભાઈએ સંબંધો વિષે એક ઈનફોર્મલ સેશનમાં વાત કરી તે મનનીય છે.
  વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે ઇક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા.. હા, છોડ્યા પછી પણ બહુ દુ:ખી નહીં થવાનું, સપનું ખરાબ રીતે પૂરું થાય એના કરતાં સપનું અધૂરું જ છૂટી જાય એ બહેતર હોય છે.

  Liked by 1 person

 3. atyar na young boys-girl no care for old relation, one relation broke forget and start new life journey, don’t not remeber old and don,t get any pain. go smmothly enjoyed life your way.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s