ખુદપરસ્ત – વાર્તા – સપના વિજાપુરા


ખુદપરસ્ત

મરિયમ કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. એને આગળ ભણીને એમ.બી.એ. કરવું હતું. પણ એક ખૂબ ખાનદાન કુટુંબ તરફથી એના હાથની માગણી આવી હતી. મરિયમને લગ્ન કરવાની ઉતાવળ ના હતી, એને તો માબાપ નો સહારો બનવું હતું. ઘરમાં એક બીજી નાની બહેન હતી એને ભણાવવીહતી. પણ આવું પૈસાવાળું અને ખાનદાન ઘર મળે તો માબાપને શું જોઈએ?

મમ્મી વારંવાર આવી મરિયમને પૂછતાં હતાં કારણકે સામેવાળા લોકો જવાબની ઉતાવળ કરતા હતા. અંતે હારીને મરિયમે હા પાડવી પડી. મમ્મીએ તરત સામે પક્ષે ફોન કરી હા પાડી દીધી. એ લોકો મીઠાઈ અને અંગૂઠી લઈને આવી ગયા. આમિર દેખાવડો, ભણેલો-ગણેલો, બિઝનેસ મેન હતો.  કોઈપણ છોકરીને પોતાના નસીબ પર અભિમાન થાય એવો છોકરો. વાત વાતમાં જાણવા મળ્યું કે આમિરની નાની બહેન મરિયમની કૉલેજમાં હતી અને આમિર એક દિવસ એને કૉલેજ મૂકવા આવ્યો ત્યારે મરિયમને જોઈ હતી અને એક જ નજરે પસંદ કરી લીધી હતી.

મરિયમ પણ ખૂબ સુંદર યુવતી હતી. ગોરો વાન, ઘુઘરિયાળ વાળ, મોટી મોટી આંખો અને પહેલી નજરમાં કોઈને પણ ગમી જાય એવી સુંદરતા ખુદાએ બક્ષી હતી. જન્નતની હૂર જેવી લાગતી હતી. આમિર અને મરિયમને ઘર વાળાએ એકલા મળવાની સગવડતા કરી આપી. અને બંને છત પર ગયા. આમિરે મરિયમને પૂછ્યું,” તમને જવાબ આપતા આટલી વાર કેમ થઈ?” મરિયમે કહ્યું એને હમણાં લગ્ન કરવા ના હતા. એમ બી એ કરવું હતું અને જોબ કરવી હતી. પછી મરિયમે આમિરને પૂછ્યું કે એ જોબ કરી શકશે ને? આમિરે હા પાડી અને કહ્યું મરિયમ જે રીતે એના માયકામાં રહે છે એજ રીતે સાસરીમાં રહેવાનું છે. એ ખૂબ ખુશ થઇ ગઈ અને પોતાને નસીબવાળી સમજવા લાગી. સગાઈને ત્રણ દિવસ થયા છતાં આમિર મરિયમને કોલ કરતો નહોતો અને મરિયમ કોલ કરે તો ઉપાડતો ના હતો. મરિયમને આ વર્તણુક જરા ઓકવર્ડ પણ કાંઈ બોલી નહિ. ચોથા દિવસે જ્યારે આમિર આવ્યો તો એને આ બાબત પૂછ્યું તો આમિરે કહ્યું, “તેં પણ હા પાડવામાં બહુ દિવસો લગાડયા હતા.”  મરિયમને નવાઈ લાગી આ કેવું વળી? શું એ બદલો લઈ રહ્યો હતો?

ખેર, એ લોકોને લગ્નની જલ્દી હતી. મહિનામાં લગ્ન થઇ ગયા. મરિયમ તે દિવસે પહેલીવાર આમિરને ઘરે આવી હતી. વિશાળ બંગલો જાણે કોઈ મુવીનો પેલેસ હોય. મોટા મોટા ઓરડા અને મોટી મોટી ગૅલેરી.

એનો ઓરડો તો ફૂલોથી સજાવી દેવામાં આવેલો. સુંદર મખમલી ચાદર અને સજાવેલી પથારી પર એ આમિરની રાહ જોતી હતી. આખો ઓરડો ફૂલોથી મઘમઘી રહ્યો હતો. કેન્ડલ લાઈટની રોશનીમાં એ બેઠી હતી. આમિર આવ્યો. એની સામે જોયા વગર પોતાનો ચહેરો આયનામાં જોવા લાગ્યો અને વાળ ઓળ્યા, પરફ્યુમ છાંટયું અને એ પથારી પર આવ્યો.  મરિયમ શરમાઈ ગઈ. એણે બોક્સ ખોલી એમાંથી હીરાનું બ્રેસલેટ કાઢયું અને મરિયમનો હાથ પકડી લીધો. બ્રેસલેટ પહેરાવતા પહેરાવતા, આમિર બોલ્યો, “મરિયમ તારા હાથ કેટલા જાડા છે, પુરુષ જેવા.” મરિયમે ધીરેથી હાથ ખેંચી લીધો.  ફરી ઉભો થઈને બોલ્યો, “હું કેટલો હેન્ડસમ દેખાઉં છું. મારી પાછળ તો કેટલી છોકરીઓ મરે છે.” સુહાગરાતે આવા અપમાનની આશા નહોતી રાખી. ફરી એનો ઘૂંઘટ હટાવી બોલ્યો, “અરે.. તારા વાળ તો વાંકડિયા છે. મેં તો તને સીધા વાળમાં જોયેલી, મને વાંકડિયા વાળ પસંદ નથી.”

મરિયમ ધીરેથી બોલી, “મેં તો વાળ સ્ટ્રેટ કરાવેલા બાકી મારા વાળ તો વાંકડિયા જ છે.” આમિરે મોઢું બગાડ્યું.  પછી તરત જ મરિયમ ના માબાપ વિષે બોલવા લાગ્યો કે, “તારા માબાપ કેવા ચીપ છે! દીકરીને લગ્નમાં કશું આપ્યું જ નહિ અને ખાવાનું કેટલું ખરાબ હતું?”  મરિયમે ગુસ્સા પર કન્ટ્રોલ કરતા કહ્યું, “મારા માબાપની હેસિયત કરતા એમને વધારે જ કર્યું છે. પાપાએ તો પેન્શનના પૈસા પણ વાપરી નાખ્યા.” સુહાગરાત ના સપનાં કુવારી છોકરી જેવા જોવે છે એવી મરજી પ્રમાણેની આ રાત ના હતી. આવી બધી વાતોએ મરિયમને ઉદાસ કરી દીધી. કુંવારી છોકરી સુહાગરાત માટે કેવા કેવા સપનાં જુએ છે!! જ્યારે અહીં તો આત્મ સન્માન પર ઠેસ વાગી હતી.

બીજા દિવસે રિવાજ પ્રમાણે માયકેથી નાસ્તો આવે અને મરિયમની નાની બહેન અને પિતા નાસ્તો લઈને આવ્યા પણ ઘરના કોઈએ માનથી બોલાવ્યા નહિ. અને દરેક પોત પોતાના ઓરડામાં ભરાઈ ગયા અને આમિર તો ફેક્ટરી પર ચાલ્યો  ગયો. પાપાને મરિયમની આંખોમાં ઉદાસી દેખાઈ.  જતા પહેલા આટલું જ કહ્યું, “બેટા, કાંઈ પણ અજુગતું લાગે મારી પાસે આવી જજે.” મરિયમે હકારમાં માથું હલાવ્યું.

દિવસો નીકળવા લાગ્યા.  મરિયમ જાણે આખા ઘરમાં એકલી હોય એવું લાગતું હતું. કોઈ એની સાથે બરાબર વાત પણ નહોતું કરતુ.  આમિર વાત વાતમાં એને ઉતારી પાડતો હતો. મરિયમે જોબ કરવાનું નક્કી કર્યું. એણે આમિરની ઓફિસમાં જ જોબ કરવાનું નક્કી કર્યું જેથી એ આમિરની સાથે રહી શકે. ઓન લાઈનથી એપ્લાય કર્યું અને એને ઇન્ટર્વ્યૂ માટે બોલાવી. એને  એમ કે હું આમિર ને સરપ્રાઈઝ કરીશ એ ઇન્ટરવ્યુ માટે ગઈ અને એને જોબ મળી ગઈ તો એ સીધી આમિરની કેબિનમાં ગઈ અને કહ્યું, કે મને તારી ઓફિસમાં જોબ મળી છે. તો આમિર એકદમ ગુસ્સે થઇ ગયો. એને ધક્કા મારતો મારતો ઓફિસની બહાર ખેંચી ગયો અને કહ્યું, “કોઈ જોબ બોબ કરવાની નથી, ઘરે બેસીને ખાવાનું બનાવો.”  મરિયમ તો આ સાંભળીને સડક થઇ ગઈ. એ રડતી રડતી ઘરે આવી.

સલમા આમિરની કોલેજકાળ ની બહેનપણી હતી. તેણે આમિર સાથે લગ્નની ના પાડી અને શાહિદ સાથે લગ્ન કરી લીધા હતા. હવે શાહિદ સાથે ફાવ્યું નહિ એટલે ખુલા લઈને ઘરે આવી ગઈ હતી. એ ફરી આમિર સાથે ફરવા લાગી. આમિર રોજ રાતે મોડો આવે અને મરિયમ રાહ જોઈ થાકીને સુઈ જાય. મરિયમને સલમા સામે ઉતારી પાડે, વારંવાર સંભળાવ્યા કરે કે, “મેં તારા પર એહસાન કર્યો છે કે તારી સાથે લગ્ન કર્યા છે. બાકી તારી જેવી છોકરી સાથે કોણ લગ્ન કરે?” એ મરિયમને ઉતારી પાડે પણ એ મરિયમના માયકામાં જાય તો એવી સરસ વાતો કરે કે મા બાપને એમાં જ લાગે કે અમારા જમાઈ જેવો કોઈ જમાઈ જ નહિ. મરિયમના પાપાને આર્થિક મદદ પણ કરે અને પછી મરિયમને કહે, કે તારા પાપા તો ફકીર છે ભિખારી છે. મરિયમ પાપાને સમજાવી ના શકે તમે આની કોઈ મદદ ના લો. દુનિયા સામે સારો દેખાતો આમિર અંદરખાને કેવો હતો એ મરિયમ જ જાણતી હતી. માબાપને એની દીકરીમાં દોષ દેખાવા લાગ્યો કે અમારી દીકરીને ઘર સાચવતાં આવડતું નથી. !

એક દિવસ એ પાપા પાસે ગઈ અને બધી સાચી વાત કરી પણ પાપાને તો જાણે હાર્ટએટેક આવી ગયો. એ ફરી ચૂપ થઇ ગઈ. પાપા તો એની વાત માનવા તૈયાર ના હતા. હવે શું? આવી જિંદગી કાઢવી? કે માબાપે આપેલા શિક્ષણનો ઉપયોગ કરવો?  આમિરનો એક મિત્ર શાકિર હતો. એ ગરીબ હતો પણ એ આમિરને બરાબર ઓળખતો હતો. એ મરિયમની ઉદાસ આંખોને વાંચી શકતો હતો. એ પેઈન્ટર પણ હતો.

મરિયમને જોઈ એને એની મા ની યાદ આવતી કારણકે એના બાપે એની માને આવી જ રીતે હેરાન કરેલી માર પણ મારતો.  આ બધું યાદ આવતા એ મરિયમની પ્રત્યે હમદર્દી રાખતો.  પણ એની હમદર્દી ક્યારે પ્રેમમાં પરિમણી એ એને ખ્યાલ પણ ન આવ્યો. મરિયમ તો વફાદાર પત્ની હતી. પણ, એ ક્યારેક ક્યારેક શાકિરને પોતાની વાતો કરતી. કારણકે માબાપ સાંભળવા તૈયાર ના હતા. સાસરામાં કોઈ એનું ના હતું। કોને વાત કરે?

આમિરની બહેન શાકિરને મનમાં ને મનમાં પ્રેમ કરતી હતી. એ એક દિવસ શાકિરના ઘરે જઈ ચડી તો ત્યાં એને મરિયમનું પોટ્રેટ જોયું.  અને બસ, ઈર્ષ્યાની મારી એ સળગી ગઈ. એણે ઘરે આવીને ભાઈને કહ્યું કે શાકિરના ઘરમાં ભાભીનું પોટ્રેટ છે. બસ, પછી તો શું વાત હતી. ઘરના બધાએ ભેગા થઈને બોલવાનું ચાલુ કર્યું.  મરિયમે ઘણું કહ્યું કે એને તો ખબર પણ નથી કે શાકિરે એનુંપોટ્રેટ બનાવ્યું છે. પણ કોઈ માનવા તૈયાર ના હતું.  આમેય આમિર તો સલમાની સાથે લગ્ન કરવા માંગતો હતો તેથી કોઈ પણ બહાને મરિયમને ઘરમાંથી કાઢવી હતી. એટલે એના પર શાકિર ની સાથે નાજાયેઝ સંબંધ હોવાનો ઈલજામ નાખી, આમિરે તેને તલાક આપી દીધા.

મરિયમ એટલી હેબતાઈ ગઈ હતી કે પોતાના ઘરે તે દિવસે જવાને બદલે, પોતાની એક મિત્ર અમનના ઘરે ગઈ અને બીજા દિવસે એ પોતાને ઘરે ગઈ. મરિયમ ઘરે તો પાછી આવી ગઈ પણ એના માબાપ એનાથી નારાજ રહેતા હતા. એમને હજુ લાગતું હતું કે આમિર સાચો અને મરિયમ ખોટી હતી. જ્યારે એમને ખબર પડી કે આમિરે મરિયમ પર શાકિરની સાથે નાજાયેઝ સંબંધ હોવાનો ઈલજામ નાખ્યો છે. ત્યારે પાપાની તબિયત એકદમ બગડી ગઈ. અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા ને પરિવારવાળા બધાં મરિયમને દોષી સમજવા લાગ્યાં હતાં. પાપાની તબિયત થોડી સારી થઇ એટલે એમણે એક તલાકવાળા માણસ જેને એક દીકરો પણ હતો, એની સાથે મરિયમના નિકાહ કરાવવાનું નક્કી કર્યુ. મરિયમ જાણે ઘરમાં એક મુસીબત બની ગઈ હતી.

આ બાજુ, શાકિર મરિયમના પાપા પાસે મરિયમનો હાથ માગવા આવ્યો પણ એને પાપાએ ધકકા મારીને કાઢી મૂક્યો. એમને એવું જ લાગ્યું કે, નકી મરિયમ અને શાકિરના સંબંધની વાતમાં તથ્ય હશે, એટલે જ એ આમ મરિયમનું માંગુ લઈને આવ્યો! જ્યારે મરિયમ તો બિચારી કંઈ જાણતી નહોતી કે શાકિર આમ ઓચિંતો જ એના પાપા પાસે એનું માંગુ લઈને આવશે. જ્યારે આમિરને એની બહેન દ્વારા ખબર પડી કે શાકિર, મરિયમના પિતા પાસે એનો હાથ માગવા ગયો હતો તો આમિર ફરી મરિયમના પાપા પાસે પહોંચી ગયો ને મસ્કા મારી ને કહ્યું કે શાકિર જરાયે સારો છોકરો નથી. હવે મરિયમના નિકાહ નક્કી કરવા પેલા તલાકવાળા માણસ પાસે જવાનું હતું, પણ, પાપાના એક મિત્રે જણાવ્યું કે એ માણસ એની આગલી પત્નીને ખૂબ મારતો હતો તેથી પત્ની નાસી ગઈ છે. પાપા તૂટી ગયા હતા અંદરથી, ફરીથી દીકરીનું ઘર તૂટતું જોવાની એમનામાં હામ નહોતી. છેવટે એમણે મરિયમના નિકાહનું એ ડિવોર્સી સાથે માંડી વાળ્યું. હવે પાપાનું એક જ જાણે મીશન હતું કે કેમેય કરીને દીકરીને ઠેકાણે પાડે. ઘણે બધે ઠેકાણે કોશિશ કરી મરિયમના નિકાહ માટે પણ ક્યાંય સરખાઈ આવતી નહોતી.

છેવટે, થાકીને પાપાએ શાકિર સાથે જ મરિયમના નિકાહ કરાવવાનું નક્કી કર્યું અને એ શાકિરના ઘરે પહોંચી ગયા. જોગાનુજોગ, આમિર શાકિરને ત્યાં પહેલેથી હાજર હતો. આમિર શાકિરને બેશરમીથી કહી રહ્યો હતો કે મને તો પહેલેથી જ ખબર હતી કે મરિયમ પતિવ્રતા હતી પણ મારે એને ઘરમાંથી કાઢવી હતી, અને સલમા સાથે લગ્ન કરવા હતા. આ બધી વાતો મરિયમના પાપા સાંભળી લે છે અને એમને ખ્યાલ આવે છે કે આમિર કેટલો શાતીર હતો. અને મરિયમ કેટલી ભોળી! એમણે આમિરને એક તમાચો મારી દીધો અને કહ્યું, કે, “અલ્લાહ તને કદી માફ નહિ કરે અને તું હંમેશા દુઃખી જ રહીશ તું તારી જાતને એટલો પ્રેમ કરે છે કે તને બીજાની મહોબતની કદર નથી. તુ ખુદપરસ્ત છે. તને માત્ર તારી જાત સાથે પ્યાર છે, બીજાના દિલની કદર નથી.  હજી સમય છે, ખુદાપરસ્ત થા, નહિ તો તારો અંજામ ખૂબ ખરાબ જ છે, એ નકી માનજે.”

પાપાએ શાકિર અને મરિયમના લગ્ન કરાવી આપ્યા. એમની પાસે મરિયમને અને શાકિરને આપવા માટે કંઈ વધુ નહોતું, સિવાય કે ભરપૂર દુવા. શાકિર અને મરિયમને પણ દુવા સિવાય બીજું કંઈ ખપતુંયે નહોતું. આજે બંને ખુશખુશાલ જિંદગી જીવે છે. મરિયમ જોબ કરે છે. શાકિર પેઈન્ટિંગ્સ બનાવી વેચે છે. બંને પાસે ન તો મોટું ઘર છે કે ન તો ગાડી. ભલે એમની પાસે બહુ પૈસા નથી પણ સુખ છલોછલ છે, બંને ખુશખુશાલ જિંદગી ગુજારે છે.

(સત્ય ઘટના પર આધારિત)

3 thoughts on “ખુદપરસ્ત – વાર્તા – સપના વિજાપુરા

  1. સત્ય ઘટના પર આધારિત સપના વિજાપુરાની ખુદપરસ્ત સ રસ વાર્તા –
    ‘…પૈસા નથી પણ સુખ છલોછલ છે, બંને ખુશખુશાલ જિંદગી ગુજારે છે.’ સ રસ અંત

    Liked by 1 person

  2. જોકે કોઈ પણ સમાજ હોય, આવા આમીરો ઘણા ઘરોમાં હોય છે અને મરિયમ જેવી પણ ઘણી હોય છે, જ્યારે આ મરિયમ તો નસીબદાર, શાકિર મળ્યો. બધીને શાકિર નથી પણ મળતાં હોતા. ખબર નથી, આવા આમીરો શા માટે લગન કરીને કોઈની જીંદગી બરબાદ કરતાં હશે…. શું મળતું હશે એમને?

    સુખદ અંતવાળી બહુ સુંદર વાર્તા..

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s