‘કૈસે દિન કટિ હૈ જતન બતાયે જઈએ!’ – કબીર – આસ્વાદઃ સુરેશ દલાલ


કૈસે દિન કટિ હૈ જતન બતાયે જઈએ!

એહિ પાર ગંગા વોહિ  પાર જમુના
બિચવાં મંડૈયા હમકાં છવાયે જઈએ!

અંચરા   ફારિકે  કાગદ  બનાઈન
અપની સુરતિયાં હિયરે લિખાયે જઈએ!

કહત  કબીર  સુના  ભાઈ  સાધો
બહિયાં પકરિકે રહિયા બતાયે જઈએ!

  • કબીર

આસ્વાદઃ સુરેશ દલાલ

ક્યાંક એકલા નીકળી પડવાનું હોય અને મીરાં, કબીર અને ટાગોર સાથે હોય તો પછી કોઈ ચિંતા નથી. આ બધાં કવિતાનાં કલ્પવૃક્ષો છે. ભીતરના સંતાપમાં શાતા આપે, માનવીય ક્રૂરતાની ઠંડીમાં હુંફ આપે. અલબત્ત, કવિતા આપણે એટલા માટે નથી વાંચતા પણ જ્યારે જ્યારે તરસ લાગે છે ત્યારે આ ત્રણેયની કવિતા જળનો અને અમૃતરસનો અનુભવ કરાવે છે. એની ખૂબી એ છે કે, આપણને તરસ ન લાગી હોય તો એ આપણી તરસને જગાડે પણ છે.

કોઈક માણસ વારંવાર એમ કહ્યા કરે છે કે હું સુખી છું તો એ શબ્દોમાં શ્રદ્ધા નથી બેસતી. કોઈક કવિએ કહ્યું હતું કે સુખ તો સૂર્ય જેવું છે, એ ચહેરા પર આપોઆપ ઝગમગે છે. મીરાં, કબીર અને ટાગોરની કવિતાનો સચ્ચાઈનો રણકો સૂર્ય સમો જ ઝળહળતો હોય છે.

કબીરનું આ પદ છે તો નાનકડું, પણ એ પદનો અનુભવ તો આખોય અવતાર ચાલે એટલો ગહન અને એટલો જ સહજ! જીવ અને શિવનો સંબંધ પ્રિયતમ અને પ્રિયતમા જેવો છે. બંને વિખૂટા પડી શકે નહીં. એકમેક વિના રહી શકે નહીં. અહીં વાતને વિપ્રલંભ શૃંગારની ભાષામાં વહેતી કરી છે. વિયોગ આવ્યો નથી પણ આવવાની તૈયારી થઈ ચૂકી છે. વિયોગ પણ એક યોગ છે, વિશિષ્ટ યોગ છે. સંયોગ વિના વિયોગ નથી અને વિયોગ વિના સંયોગ નથી. આપણે બધા જ સંયોગ અને વિયોગની પાતળી રેખા પર ઊભા છીએ.

પહેલી જ પંક્તિમાં પ્રિયતમ વિનાની અસહાયતા અને નિરાધારપણાની વાત છે. પ્રિયતમને સીધું સંબોધન છે, તમે જાઓ છો તો ખરા, પણ તમારા વિના દિવસ અને રાત, રાત અને દિવસ કેવી રીતે વીતશે? તમે જ એનો ઉપાય બતાવતા જાઓ. કેલી કરનારા પણ તમે અને મુશ્કેલી પણ તમે જ કરો છો! ક્રીડા કરનારા તમે અને પીડા દેનારા પણ તમે. આ પીડા અમારે કઈ રીતે વેઠવી, એનો ઉપચાર પણ તમે જ બતાવો હવે! વેણીભાઈ પુરોહિતની એક પંક્તિ યાદ આવે છે,

“તમારા વિનાના અમે અમારા વિનાના”

એક બાજુ ગંગા છે અને બીજી બાજુ જમના છે. ગંગા અને જમનાની વચ્ચે તમે જાઓ તો અમારે માટે એક મઢૂલી તૈયાર કરીને જજો. તત્વજ્ઞાનીઓ આ ગંગા જમાના અને, વચ્ચેના માર્ગને ‘ઈંગલા, પિંગલા અને સુષુમ્ણા’ માર્ગ તરીકે ઓળખે છે. એક બાજુ જાત છે, બીજી બાજુ જગત છે. આ બંનેની વચ્ચે તમે છો, તો, હું કાયમ તમારામાં જ લીન રહું, તલ્લીન રહું, એવી મારા મનની મઢૂલી કરી આપો. તમારું જ તપ, તમારા જ જપ, તમારી જ આસક્તિ, તમારી જ ભક્તિ, તમારી જ સ્તુતિ, તમારો જ રંગ, તમારો જ રાગ, તમારી જ આગ. તમારું જળ, તમારું જ્ઞાન, તમારી જ સમાધિ.

તમારી જ ચૂંદડી ઓઢી છે. તમે જાઓ તો જતાં જતાં આ ચૂંદડીનો પાલવ ચીરી નાખો. એનો કાગળ બનાવો અને એ કાગળ પર તમારી મોહિની સૂરત આ હ્રદયમાં આલેખતા જજો.

આ અંતિમ કથનમાં ઉત્કટતાની પરાકાષ્ઠા છે. જતા પ્રિયતમને બાંય પકડીને રોકી તો શકાય નહીં પણ એ બાંય પકડવામાં છૂટા નથી પડવું એનો ભાવ છે. કબીર કહે છે કે આ મારી બાંય પકડીને, તમે જતાં જતાં મને રાહ બતાવતા જાઓ. આ રસ્તો તે ક્યો રસ્તો? એ રસ્તામાં હું સતત તમારી સાથે ને સાથે રહું અને જેમાં તમારું સતત સાંનિધ્ય મને માલામાલ કરી દે..!.

(‘કાવ્યછાયા’ – સુરેશ દલાલ ના સૌજન્યથી સાભાર)

1 thought on “‘કૈસે દિન કટિ હૈ જતન બતાયે જઈએ!’ – કબીર – આસ્વાદઃ સુરેશ દલાલ

  1. ‘કૈસે દિન કટિ હૈ જતન બતાયે જઈએ!’ –
    સંત કવિ કબીરની રચનાનો
    મા સુરેશ દલાલ જેવા પ્રખર કવિનો – આસ્વાદ
    આનંદ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s