પ્રાર્થનાને પત્રો – (૮૧) –ભાગ્યેશ જહા


પ્રાર્થનાને પત્રો – (૮૧) –ભાગ્યેશ જહા  

પ્રિય પ્રાર્થના

હવે વરસાદ આવ્યો છે, જેમ અમે પાછા આવ્યા છીએ. બન્ને વિષયોની સ્પર્ધા છે, શું લખું વરસાદની બારાખડી કે અમારા ક્રુઝપ્રવાસની વાતો… ચાલો, બન્ને લખું.

પણ, પહેલા વરસાદ.. સારો અને ખરાબ વરસાદ, ધીમો અને ધમાકેદાર વરસાદ. ગાંધીનગરના વરસાદની વાત કરું એ પહેલાં વડોદરાનું જળસંકટ વિશે વાત કરવાની ઇચ્છા છે. વિશ્વામિત્રી એ ઉભરાતી નદી છે, થોડો વરસાદ પડે એટલે ઉભરાઇ જાય છે. શહેરમાં આવી જાય છે, કાંઠાઓ ઓલવાઇ જાય છે. કેટલાક વિસ્તારોમાં તો પાણી સાથે મગર પણ ફરવા આવી ગયા છે. આવું વાંચીએ ત્યારે ચિંતા થાય. ચારે બાજું પાણી હોય અને પાણીમાં મગર દેખાય ત્યારે સામાન્ય નાગરિકોની મદદ કરવાની ઇચ્છા થઈ આવે, મારી લાંબી કારકિર્દીમાં આવા પ્રસંગોએ લોકોને મદદ કરવાનો એક રોમાંચ થતો હોય છે.

તને યાદ નહીં હોય, પણ પાદરા તાલુકાના ડબકા ગામે જ્યારે મહીસાગરના પાણી ગામ અંદર પ્રવેશવાની તૈયારીમાં હતાં ત્યારે હું ત્યાં પહોંચેલો. એન.ડી.આર.એફના જવાનોની ટોળી સાથે ગયો હતો. ગામનાં લોકોએ જ્યારે કહ્યું, ‘રાજાએ પોતાના લોહીથી નદીને વધાવવી જોઈએ.’ બધા મારી સામે જોતા હતા, મારી સંમંતિ હતી, પણ કોઇ રાજા કહે એ વાત થોડી કઠતી હતી. સરપંચ અને એક કાકા હતા એંશી ઉપરના, એ બધાને મેં કહ્યું, “હું તો રાજા નથી, તમારો સ્વજન છું, એક વહીવટી અધિકારી છું, પણ મને વાંધો નથી.’ અને હાજર ડોક્ટરે એક સોયથી એક કાણું તો નહીં કહેવાય, પણ ‘પ્રીક’ કર્યું. થોડું લોહી આવ્યું, અને ઢીંચણસમાણાં પાણીમાં જઈને મહીસાગરને વધાવી. જે નદી રોજ મહી લાગતી હતી પણ તે દિવસે એ સાચે જ મહીસાગર થઈને વહેતી હતી. દુર નાનકડા ટાપુ જેવા બની ગયેલા ખેતરમાં કેટલાંક ઘેટા-બકરા સાથે કેટલાક ખેડુતો ફસાયેલા એમને બચાવીને લાવવામાં પેલા તરવૈયા જવાનો સફળ થયા એનો બહુ આનંદ થયેલો. કાંઠાના ઝુંપડાવાસીઓને પ્રાથમિકશાળામાં ‘શીફ્ટ’ કરવામાં શરુઆતમાં થોડી આનાકાનીનો સામનો કરવો પડેલો, પણ કેટલાક શાણા લોકોએ મદદ કરી, સમજાવટથી જ બધાને ખસેડ્યા હતા.

મારો નર્મદા-સરદાર સરોવરના વિસ્થાપિતોનો અનુભવ પણ કામ લાગ્યો… આ તો એક લહેરખી સ્મૃતિની આવી ગઈ. પણ આ વખતે વડોદરામાં જે થયું છે એ વડોદરાના 2005ના પુર જેવું જ લાગે છે. મારી તો હજી હમણાં જ ટ્રાન્સફર થયેલી, અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેંદ્રભાઇના આદેશથી હું, ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ સાથે ગયેલો. એ એક મહારોમાંચક અનુભવ હતો, બધા હાઈવે ઉભરાતા હતા. એક્ષ્પ્રેસ-હાઇવે બંધ હતો, હેલીકૉપ્ટર કે પ્લેન ખરાબ હવામાનને કારણે જઈ શકે તેમ નહોતું ત્યારે અમે એનએચ-8 પરથી નીકળેલા. આણંદ અને વાસદ વચ્ચે પાણીમાં ફસાયેલા… જીવ તાળવે ચોંટે ત્યારે શું થાય તે તે દિવસે અનુભવેલું. પાણીના ‘ફોર્સ’નો અવાજ કાનના કો’ક ખુણામાં સચવાયેલો પડ્યો છે. પોલિસવાનની ઉપર ચઢીને નીકળેલા, સૌરભભાઇની ટાટા-સફારી પ્રમાણમાં ઉંચી ગાડી કહી શકાય એ મૂકીને પોલીસવાન અને પછીથી પોલીસની બીજી જીપ્સીકારમાં વડોદરા પહોંચેલો. ત્યારે તું, લજ્જા અને મમ્મી, રાજારામ બંગલોમાં જ હતા. હું આવ્યો, પણ વચ્ચે વિશ્વામિત્રીના ચિક્કાર પાણી હતા. જલારામ મંદિર, સ્વામીનારાયણ મંદિર અટલાદરા અને લાયન્સ ક્લબની સાથે સંકલન કરીને રસોડા શરું કરાવવાની જવાબદારી મુખ્ય હતી. બધાને સાંજે ખીચડી પણ ખાવા મળે તેવું ગોઠવ્યાનો આજેય સંતોષ છે. જો કે હું વિશ્વામિત્રી ઓળંગીને આવ્યો નહોતો, કલેક્ટર ઑફિસમાં રાત્રે એક વાગ્યા સુધી આ બધું ગોઠવ્યા પછી કોઈને ઘેર જવાને [આપણે ઘેર તો આવી શકાય તેવું જ નહોતું ]] બદલે હું અને બન્ને મંત્રીશ્રીઓ હોટેલ એરપોર્ટમાં પહોંચેલા. ત્યાં પણ ફ્લાઈટના ફસાઈ ગયેલા મુસાફરોને રૂમ અપાઈ ગયેલા. એક રૂમ માંડ મળેલો, બન્ને મંત્રીશ્રીઓને એમાં રાખીને હું મેનેજરના રૂમના બાંકડા પર ઊંઘી ગયેલો. [માંડ બે ત્રણ કલાક] કારણ સવારથી તો બાકીનું રાહતનું કામ ગોઠવવામાં નવા કલેક્ટરને મારે મદદ કરવાની હતી.

બધું ગોઠવીને બાંકડે સૂતો હતો ત્યારે જાણીતા રસ્તાઓ પરના અજાણ્યા પાણીની કાળી બારાખડી વાંચવા મથતો હતો, આણંદ પછીના પાણીના ફોર્સમાં ઢળી ગયેલા મૃત્યંજય જાપના અક્ષરો આજેય ભીંજવે છે. અમે ચોમાસામાં આ રસ્તે જઈએ ત્યારે અચુકપણે વરસાદ આવે છે, અને જો રાત્રે આ રોડ પર હોઇએ તો અમને ખીજવવા પડતો હોય એવો તોફાની વરસાદ આવે છે. આમેય વરસાદ અને મારી વચ્ચે એક જુદા જ પ્રકારની લવસ્ટોરી છે. એની રોમાંચક કથા ફરી ક્યારેક…

અહીંના વરસાદની ગતિ કોઈ ગુંચવાયેલી ફાઇલ જેવી છે, એને આજે છોડી દઉં છું, આવતા અઠવાડિયે.

હા, યુરોપનો ક્રુઝ અનુભવ એક સમુદ્રનિવાસની કવિતા જેવો રહ્યો. અફાટ અને અસીમ. શાંતિથી અહેવાલ આપીશ જો બીજે ક્યાંય લખાઈ નહીં જાય તો…

બાકી, બધું બરાબર છે.

ભાગ્યેશ.

જયશ્રી કૃષ્ણ.

જય જય ગરવી ગુજરાત.

3 thoughts on “પ્રાર્થનાને પત્રો – (૮૧) –ભાગ્યેશ જહા

  1. એક સંવેદનશીલ સર્જક અને સંનિષ્ઠ સચિવની જાત અનુભવ ની આ વાસરિકા કોઈ પણ નવલકથા કરતાં પણ વધારે રોમાંચક છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s