લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ


લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

(લલિતકળાના વિભાગમાં મ્યુઝિયમો વિષેની આ શ્રેણીનો આરંભ કરતાં, આજે મને પહેલીવાર થાય છે કે, હું “દાવડાનું આંગણું”ના વડવૃક્ષના મૂળ સુધી પહોંચી છું. વડીલબંધુ દાવડાભાઈએ લલિતકળાને ઉજાગર કરવા આ બ્લોગનો પ્રારંભ કર્યો હતો, એમના નિધન પછી આ લલિતકળાના વિભાગમાં, પહેલીવાર આ લેખ મૂકતાં મને આનંદ પણ થાય છે અને પૂ. ભાઈની યાદ આવતાં આંખો અનાયસે ભીની પણ થાય છે. તો પ્રિય વાચકમિત્રો, આવનારા બીજા ૬ અઠવાડિયા સુધી આપણે મ્યુઝિયમો વિષે થોડીક જાણકારી મેળવીશું. આશા છે આપ સહુને આ શ્રેણી ગમશે)

‘મ્યુઝિયમ’ અંગ્રેજી નામ છે. આપણે એને સંગ્રહસ્થાન કે સંગ્રહાલય કહીએ છીએ. મ્યુઝિયમની કલ્પના પશ્ચિમના દેશોની છે અને એનો આરંભ પણ ત્યાં જ થયો છે. ઐતિહાસિક-સાંસ્કૃતિક મહત્વની કુદરત-નિર્મિત ને માનવ-નિર્મિત, દેશ-પરદેશની કલાત્મક અને નમૂનારૂપ વસ્તુઓનું કાયમી પ્રદર્શન અને એ પ્રદર્શનનું સ્થાન એટલે મ્યુઝિયમ.

સુસજ્જ ગ્રંથાલયો આખા વિશ્વની ઝાંખી કરાવે છે, તેમ મ્યુઝિયમ પણ આખા વિશ્વની ઝાંખી કરાવે છે. કવિ રોબર્ટ ફ્રોસ્ટે કવિતા માટે જે કહ્યું છે, તે મ્યુઝિયમ માટે પણ એટલું જ સાચું છે.

Poetry begins in delight and ends in wisdom. (કવિતાનો પ્રારંભ મુગ્ધતાથી અને અંત શાણપણથી થાય છે. મ્યુઝિયમ એક આનંદદાયક અને આનંદ સાથે જ શિશણ આપતી, હ્રદય-મન-બુદ્ધિને કેળવતી મહત્વની સંસ્થા છે.

 હેતુ અને વિકાસઃ મ્યુઝિયમના નિર્માણના હેતુ અને વિકાસના ઈતિહાસ પર નજર નાખીએ, તો મ્યુઝિયમ એટલે શું, એનો ખ્યાલ આવે. મ્યુઝિયમ મૂળ ગ્રીક શબ્દ છે, Mouseion. એ પરથી મ્યુઝિયમ (Museum) શબ્દ બન્યો. કલા અને વિજ્ઞાનની દેવીઓ (મ્યુઝિસ) muses. Mouseion એટલે કલા અને દેવીઓનું મંદિર. Muses (મ્યુઝ) નો બીજો અર્થ છે, to study in silence એટલે કે શાંત, નીરવ વાતાવરણમાં અધ્યયન.

મ્યુઝિયમ તરીકે ઓળખાવાયેલી સૌથી પહેલી સંસ્થા ખરેખર તો યુનિવર્સીટી હતી. સ્વાભાવિક છે કે તેમાં કલાકારીની વસ્તુઓનો સંગ્રહ ન હોય. કલાને કેન્દ્રમાં રાખતી કોલેજોનું જૂથ જ આરંભમાં મ્યુઝિયમ તરીકે ઓળખાતું. આજે મ્યુઝિયમ એટલે કેવળ કલા-વિજ્ઞાનની દેવીઓનું મંદિર અને અધ્યયન સ્થળ જ નહીં, પણ માનવ-નિર્મિત કલાત્મક તેમ જ પ્રાકૃતિક, ઐતિહાસિક અને વૈજ્ઞાનિક મહત્વની પ્રાચીન અને અર્વાચીન વસ્તુઓના સંગ્રહ, પ્રદર્શન અને અધ્યયન માટેના સંસ્થા.

કાળનો સ્વભાવ છે નષ્ટ કરવાનો. માણસનો સ્વભાવ છે સર્વનાશમાંથી ઉગારી શકાય તે ઉગારી લેવાનો; જાળવવાનો, વિરલ વસ્તુઓ જળવાઈ રહે એવો પુરુષાર્થ કરવાનો, જેમાં રસ હોય, જેના પ્રત્યે અતોનાત પ્રેમ હોય એ સાચવવાનો. શું સાચવવાનું ને શું જતું કરવું, એમાં પણ વિવેકબુદ્ધિ જોઈએ. કેવળ સંઘરો કરવાની વૃત્તિથી સંગ્રહસ્થાન નિર્માણ ન થાય. સંગ્રહસ્થાન માટે ક્રમબદ્ધ યોજનાઓ કરવી પડે. ભેગી કરેલી વસ્તુઓ એક જગાએ ખડકી દેવાય તો વખાર બને પણ કોઈ સ્વપ્નદ્રષ્ટાની દ્રષ્ટિને અનુસરીને વ્યવસ્થિત ગોઠવાય તો જ મ્યુઝિયમ બને.

જેમ કવિતા એટલે ‘Rearrangement of Emotions’ – સંવેદનાઓની પુનઃરચના, એમ મ્યુઝિયમ એટલે       ‘Rearrangement of the Whole Past’ – સમગ્ર અતીતની વ્યવસ્થિત વર્ગીકૃત ગોઠવણી.

મ્યુઝિયમનું ધ્યેયઃ લોકોને આનંદ આપે એ રીતે એની રુચિ-અભિરુચિની કેળવણી, મ્યુઝિયમ એટલે માણસને અતીતમાં લઈ જવાનો કીમયો. મ્યુઝિયમમાં એક ભૂતકાળ અને એની મૂલ્યવાન સંવેદનાના ધબકારા મુર્તિમંત થયા હોય છે. લોકો એ જુએ, જાળવે, વાંચે, વિચારે, સમજે, માણે અને એ વિષે લખે અને ચર્ચા વિચારણા કરે. આમ કરવાથી, ભૂતકાળ અને ઈતિહાસની અમૂલ્ય વસ્તુઓની કિમત સમજાય છે અને એને ભેગી કરવામાં, એને પ્રદર્શિત કરવામાં અને એની જાળવણી કરવામાં લોકોની કલાભિરુચિ ખીલે છે. લોકોને કળાકૃતિઓ માટે અને એને સાચી રીતે મૂલવવા માટે તથા એના અધ્યયન માટેનો અભિગમ કેળવવામાં ફાળો આપવો એ જ મ્યુઝિયમનું મુખ્ય કામ છે.

પ્રદર્શનોનાં આયોજનો ઉપરાંત માર્ગદર્શન કરવું, વ્યાખ્યાનો યોજવાં, રેડિયો-ટીવી વાર્તાલાપો આપવા, પુસ્તકો ઈત્યાદિનાં પ્રકાશનો કરવાં – આ બધી મ્યુઝિયમોની અનેક પ્રવૃત્તિઓ છે. શાળા ને કોલેજોના વિદ્યાર્થીઓ અને સામાન્યજનો અનેક પ્રકારનાણ રચાયેલા મ્યુઝિયમોની મુલાકાતે આવે અને એમાંથી જિજ્ઞાસાવૃત્તિ તથા સંશોધનની અભિરુચિ બેઉનો આવિર્ભાવ થાય છે. વિદ્વાનો માટે તો મ્યુઝિયમો સ્વર્ગની જ ગરજ સારે. એમને આ મ્યુઝિયમોમાં ઊંડો અભ્યાસ કરવા માટેની અમૂલ્ય સામગ્રી ત્યાં મળી રહે છે.

મનુષ્યની સંવેદના અને કલ્પનાની શ્રેષ્ઠતમ અભિવ્યક્તિ એટલે કલાત્મક સર્જનો, જે માનવીની અને માનવબુદ્ધિની વિકાસયાત્રાનાં સીમાચિહ્નો પણ છે અને વૈજ્ઞાનિક સંશોધનો અને સર્જનોમાં સતત વિકસતી ઉત્ક્રાન્તિના પ્રતીકો પણ છે. આ બધા જ પ્રકારોના સર્જનોમાં પ્રાકૃતિક વિસ્મયજનક સર્જનોનો પ્રવાહ મળીને સર્જનોનું ચિરંતન મહાલય એટલે મ્યુઝિયમ.

મ્યુઝિયમમાં ધર્મ, ભાષા, દેશકાળ, ગૌર-શ્યામ, વર્ણ, નાતજાત, ઊંચનીચ, સ્ત્રીપુરુષ, બાળક-વૃદ્ધ, આવા સર્વ ભેદ લુપ્ત થાય. રહે છે કેવળ મનુષ્ય અને પ્રકૃતિના ચૈતન્યનો ઉત્કૃષ્ટ આવિષ્કાર અને વિવિધ સંસ્કૃતિઓનો સંગમ. ઈતિહાસ અહીં પલાંઠી વાળીને બેસે છે અને ભૂગોળ હાથમાં હાથ મિલાવીને બેસે છે.

કોઈ પણ મ્યુઝિયમનું મહત્વ કોઈ સંસ્કૃતિના ઈતિહાસ જેટલું જ છે. એક દેખીતો ફરક એ છે કે, ઈતિહાસને ગ્રંથસ્થ કરનારા જેટલા મહાન સર્જકો મળ્યા એટલા મહાન સર્જકો કદાચ વિશ્વભરમાંના મ્યુઝિયમોને નથી મળ્યાં. એનું એક એવું કારણ આપી શકાય કે ઈતિહાસ અને મ્યુઝિયમ બંને ભલે કાળની વસ્તુઓ છે પણ ઈતિહાસનું પુસ્તક થાય, એ ગમે ત્યાં લઈ જઈ શકાય, પણ મ્યુઝિયમ તો મોટે ભાગે સ્થળ સાથે બંધાયેલું હોય. આજકાલ એક નવો કોન્સેપ્ટ પણ આવ્યો છે, અને એ છે મીની મોબાઈલ મ્યુઝિયમ પણ એ આજની તારીખમાં પણ એટલો પ્રચલિત નથી થયો.

વિશ્વનું સૌથી પહેલું મ્યુઝિયમ ઈ.સ.પૂર્વે ૩૦૦માં, ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં તૈયાર થયું હતું. આજે જેને મ્યુઝિયમ તરીકે ઓળખીએ છીએ એનો વિકાસ તો બહુ પછી થયો. આજનું મ્યુઝિયમ તો કળાકૃતિઓ અને ઈતિહાસ માટેની મનુષ્યની પ્રબળ જિજ્ઞાસાવૃત્તિ, સંવેદના અને સંજ્ઞાનનું પરિણામ છે. સન ૧૪૩૩માં કોન્સ્ટેન્ટિનોપોલની પડતી અને સન ૧૪૯૨માં અમેરિકા ખંડની શોધ થતાં, લોકોમાં પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિ વિષે જિજ્ઞાસા જાગી. આથી થોડાં સંશોધકોએ પ્રાચીન નગરોમાં ફરીને, ગ્રીક અને રોમન કલાના નમૂના, સિક્કા, મેડલ્સ અને પેઈન્ટીંગ ભેગા કર્યા અને વહાણવટું કરતા વેપારીઓએ પણ નવી શોધાયેલી દુનિયામાંથી ખનિજપદાર્થો, પ્રાણીઓના અવશેષો, અને ખાસ પ્રકારની વનસ્પતિઓના નમૂનાઓ પણ ભેગા કરવા માંડ્યા. આ બધાને સાચવવા માટેના એ સમયના સત્તધારીઓની મદદ મળતા, રીતસરના વૈજ્ઞાનિક પ્રયત્નો થતાં સંગ્રહસ્થાનો બન્યા. આ સંગ્રહસ્થાનો જ પછી કાળક્રમે બસો-અઢીસો વર્ષો પછી મ્યુઝિયમો બન્યા. ૧૭મી સદીમાં વૈજ્ઞાનિક સંશોધનોની સંસ્થાઓ સ્થાપવામાં આવી અને એ સમયના શાસકોએ પણ આવી સંસ્થાઓની સ્થાપના માટે ઉત્તેજન અને મદદ આપી. અભ્યાસ અને રિસર્ચની દ્રષ્ટિએ આ મ્યુઝિયમોનું મહત્વ વૈશ્વિકસ્તરે સ્વીકારવામાં આવ્યું.

(વધુ આવતા બુધવારના અંકે)
(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સ” ના સૌજન્યથી, સાભાર)

1 thought on “લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૧) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s