શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – છઠ્ઠો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અથ શ્રી ભાગવત કથા
પ્રથમ સ્કંધ – છઠ્ઠો અધ્યાય – વ્યાસનારદસંવાદમાં દેવર્ષિ નારદજીના પૂર્વ ચરિત્રનો શેષભાગ

 (પ્રથમ સ્કંધના પાંચમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, નારદજી કહે છે કે પોતાના પૂર્વજીવનમાં વેદવાદી એક દાસીના દીકરા હતા. નારદજી આગળ વાત માંડતા ઉચ્ચારે છે, “વેદવાદી યોગીઓ વર્ષા ઋતુમાં જ્યારે ચાતુર્માસ કરી રહ્યા હતા ત્યારે એ મુનિઓની સેવા મેં શીલ-સ્વભાવ અને જિતેન્દ્રિય બનીને કરી. એમની સેવા કરીને અને એમની સંગતમાં પૂજન કીર્તન કરીને તથા એમના સત્સંગમાં શ્રી કૃષ્ણની મનોહર લીલા કથાઓ સાંભળીને મારી બુદ્ધિ નિશ્ચળ બની અને આમ હું બ્રહ્મરૂપ થઈ ગયો. આમ મારા હ્રદયમાં રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. એ દીનવત્સલ મહાત્માઓએ જતી વેળાએ મારા પર અસીમ કૃપા કરીને સ્વયં ભગવાને શ્રી મુખેથી કરેલા ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો. એ ઉપદેશને કારણે જ હું જગતનિર્માતા શ્રી કૃષ્ણના માયાના પ્રભાવને જાણી શક્યો, જે જાણવાથી ભગવાનના પરમપદની પ્રાપ્તિ થાય છે. જ્યારે સર્વ કર્મો ઈશ્વરને સમર્પિત કરીને કરવામાં આવે છે ત્યારે તે કર્મોનું કર્મપણું અને કર્તાનો કર્તાભાવ નાશ પામે છે. જે કર્મો ભગવાનની પ્રસન્નતાને પામવા માટે કરવામાં આવે છે, તેનાથી જ પરાભક્તિયુક્ત*** જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ભક્તો એમના ગુણોનું અને નામોનું વારંવાર સ્મરણ અને કીર્તન આ પ્રમાણે કરે છે, કે, “હે પ્રભુ! આપને, ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને નમસ્કાર છે! અમે ભગવત ચિત્ત થઈને આપનું ધ્યાન ધરીએ છીએ. પ્રદ્યુમન, અનિરુદ્ધ, અને સંકર્ષણને પણ નમસ્કાર છે!” હે વ્યાસજી, આ ચતુર્વ્યુહરૂપી ભગવાનની મૂર્તિઓ, જે પ્રાકૃત-શરીરથી રહિત છે, એવા યજ્ઞપુરુષ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે, ભક્તિ કરે છે, તેના જ જ્ઞાન અને વૈરાગ્ય યથાર્થ છે.”  (***પરાભક્તિ – પરમ તત્વમાં સર્વોત્કૃષ્ટ અનુરાગ, તદાકાર વૃત્તિવાળી અસામાન્ય અનન્ય ભક્તિ) હવે અહીંથી વાંચો આગળ)

શ્રી સૂતજી કહે છેઃ હે શૌનકજી, દેવર્ષિ નારદના જન્મની અને સાધનાની વાત સાંભળીને સત્યવતીનંદન ભગવાન શ્રી વ્યાસજી એમને ફરીથી પ્રશ્ન કર્યો.

વ્યાસજીએ પૂછ્યું નીચેના પ્રશ્નો કર્યા.

૧. જ્યારે વેદવાદી યોગી મહાત્માઓ તમને છોડીને ચાલ્યા ગયા ત્યારે તમે શું કર્યું? તમારી ઉંમર ત્યારે તો નાની હશે?

૨. તમે તમારી શેષ આવરદા એ જન્મમાં કેવી રીતે વ્યતીત કરી અને મૃત્યુવેળાએ કઈ રીતે દેહત્યાગ કર્યો?

૩. કાળ તો નવા જન્મમાં પૂર્વ જન્મની સ્મૃતિઓનો નાશ કરે છે તો તમારી આ પૂર્વ કલ્પની આ સ્મૃતિનો નાશ કેમ ન કર્યો?

એના જવાબમાં નારદજી કહે છે, “મહાત્માઓના ગયા પછી હું અને મારી મા, જે દાસીનું કામ કરતી હતી, પણ, મને ખૂબ વ્હાલ કરતી હતી અને મારા યોગક્ષેમ વિશે સતત ચિંતીત રહેતી હતી. પોતે દાસી તરીકે પરાધીન હોવાથી આ બાબતમાં વધુ કશું નહોતી કરી શકતી. તે સમય મારી ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. મને દિશા, દેશ અને કાળની સમજ નહોતી. એક દિવસ મારી મા ગાય દોહવા ગઈ ત્યારે અચાનક જ સર્પદંશથી મૃત્યુ પામી. મેં એને ઈશ્વરની ઈચ્છા માનીને, એનો આ અનુગ્રહ સ્વીકારી લીધો અને ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. મને રસ્તામાં શ્રીમંત નગરો, ગામો તો કદીક ભરવાડોની અને અન્ય પ્રજાઓની વસ્તીઓ, ખાણો, ખીણો, પર્વતો, વનો, ઉપવનો અને સુંદર કમળોયુક્ત જળાશયો જોવા મળ્યા. વન-ઉપવનોમાં અનેક પ્રકારના વૃક્ષો, ફળો, ફૂલો, જાતજાતના પ્રાણીઓ, સુંદર પતંગિયા અને પક્ષીઓ જોવા મળ્યાં. આ બધું જોતો જોતો હું આગળ વધી રહ્યો હતો. પછી ગાઢ જંગલ આવ્યું જેમાં સિંહ, વાઘ, વરુ, શિયાળ જેવા હિંસક પશુઓ રહેતા હતા. હું ચાલતા, ચાલતા ખૂબ થાકી ગયો હતો. ત્યાં મેં એક નદી જોઈ. એમાં મેં સ્નાન, જળપાન અને આચમન કર્યું તો મારો થાક ઊતરી ગયો. એક વિશાળ પીપળાના ઝાડ નીચે હું બેસી ગયો, અને પછી પેલા મહાત્માઓ પાસે સાંભળ્યું હતું એમ, ભગવત્સ્મરણમાં ધ્યાન ધરીને બેસી ગયો. ધીરે, ધીરે, હ્રદયમાં ભગવાન પ્રગટ થયા અને મારું રોમરોમ પુલકિત થઈ ઊઠ્યું. હું આનંદના સગરમાં એવો ડૂબી ગયો કે હું પ્રભુમાં જ એકાકાર થઈ ગયો. ભગવાનનું એ સોહામણું રૂપ અત્યંત લોભામણું હતું. મેં આંખો ખોલી તો તેમને સમક્ષ ન જોતાં વ્યાકુળ થઈ ગયો. મેં ફરી તે રૂપ જોવાની ઈચ્છા વારંવાર કરી પણ પ્રભુ સાથે એકાકાર એ રીતે ફરી થઈ ન શક્યો અને ફરી એ દર્શન ન કરી શક્યો અને હું મૂઢ, અત્યંત વિહ્વળ થઈને નિર્જન વનમાં ફરીફરી ભગવાનના એ રૂપને જોવાના વિફળ પ્રયત્નો કરતો રહ્યો. શ્રી હરિએ કરૂણા કરીને, એમની મધુર વાણીમાં કહ્યું, કે, અપરિપક્વ યોગીઓને આ દર્શન મળતું નથી. તારા મનમાં મારી પ્રાપ્તિની ઈચ્છા જગાડવા જ એમણે મને એમના રૂપનું દર્શન કરાવ્યું હતું. પ્રભુએ જણાવ્યું કે અલ્પકાલીન સંતસેવાથી જ મારી ચિત્તવૃત્તિ એમનામાં સ્થિર થઈ હતી. અને એમણે મને આશિર્વાદ આપ્યા કે હવે હું એ જન્મનું પ્રાકૃત શરીર છોડીને એમનો પાર્ષદો બની જઈશ અને એમને પ્રાપ્ત કરવાનો દ્રઢ નિશ્ચય મારો કદી તૂટશે નહીં. મેં પ્રભુને નતમસ્તકે પ્રણામ કર્યા અને ત્યારથી હું પ્રભુના પવિત્ર નામનું સતત ભજન અને કીર્તન કરતા, આનંદપૂર્વક કાળની પ્રતીક્ષા કરતો આ પૃથ્વી પર ભ્રમણ કરવા માંડ્યો. આમ હું મારી સઘળી આસક્તિ છોડી દઈને, શ્રી કૃષ્ણપરાયણ બની ગયો અને કેટલાક સમય પછી મારો કાળ આવી જતાં મેં મારા એ પંચમહાભૂતોથી બનેલા લૌકિક શરીરનો ત્યાગ કર્યો. આમ મારા સર્વ પ્રારબ્ધ કર્મોનો નાશ થયો. એ કલ્પના – યુગના અંતમાં, ભગવાન નારાયણ પ્રલયકાલીન સમુદ્રમાં શયન કર્તા હતા તે સમયે બ્રહ્માજી આ સમસ્ત સૃષ્ટિને સમેટીને એમના હ્રદયમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે એમના શ્વાસમાં ભળીને હું પણ નારાયણમય બની ગયો.

એક હજાર ચતુર્યુગી વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજી જાગ્યા અને સૃષ્ટિનું પુનઃ સર્જન કર્યું ત્યારે એમની ઈન્દ્રિયોમાંથી પ્રગટેલા મરીચ વગેરે ૠષિઓની સાથે હું પણ પ્રગટ થયો. ત્યારથી હું નારાયણની કૃપાથી વૈંકુઠથી માંડીને ત્રણેય લોકમાં, કોઈ પણ રોકટોક વગર વિચરતો રહું છું. ભગવાને આપેલી સ્વરબ્રહ્મથી વિભૂષિત કરેલી આ વિણા પર સૂર છેડીને હું એમની લીલાઓનું ગાન કરતો અને સતત નારાયણનું કીર્તન કરતો, હું એક આનંદની સમાધિમાં જ સતત રહું છું. ત્યારે મને એવું લાગે છે કે તેઓ મારા હ્રદયમાં બિરાજીને મને સતત દર્શન દઈ રહ્યા છે. શ્રી ક્રુષ્ણની સેવાથી, ભક્તિથી, જેવી શાંતિ મળે છે એવી શાંતિ માત્ર યોગ, તપ કે જ્ઞાનથી નથી મળતી, આ મારો પાકો અનુભવ છે. હે વ્યાસજી, મેં તમને તમારા દરેક પ્રશ્નનો ઉત્તર આપી દીધો છે. મારા પોતાના જન્મનું અને સાધનાનું રહસ્ય તથા તમારી આત્મ-તુષ્ટિનો ઉપાય પણ હું જણાવી ચૂક્યો છું. હવે આથી વિશેષ શું કહું?

શ્રી સૂતજી આગળ કહે છેઃ હે શૌનકાદિ ઋષિઓ, દેવર્ષિ નારદે, વ્યાસજીને આમ કહીને, જવાની અનુમતિ માગી અને વિણા વગાડતા વગાડતા સહજ રીતે ચાલ્યા ગયા. અહો! દેવર્ષિ નારદ ધન્ય છે કારણ પોતે તો નારાયણની કીર્તિ ગાઈ ગાઈને, આનંદ મગ્ન રહે છે જ પણ વેદવ્યાસજી જેવા અનેકોઅનેકને, પ્રભુનું યશોગાન કરીને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો રસ્તો ચીંધે છે. આંગળી ચીંધ્યાનું પુણ્ય બહુ મોટું છે.

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો વ્યાસનારદસંવાદનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત થયો
શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

વિચાર બીજઃ

. અહીં નારદજી એમના પૂર્વ જન્મોને જાણે સ્વયં જોઈ આવ્યા હોય એમ, એટલી ઝીણી વિગતથી વર્ણવે છે. મને ફરી એક વિચાર આવે છે કે નક્કી ટાઈમ મશીન જેવું કંઈક હશે ખરું?

. બ્રહ્માજીનું સમસ્ત જગતને સંકેલીને જળશયન કરતા નારાયણના હ્રદયમાં જઈને હજારો ચતુર્યુગી સુધી રહેવું એનો વૈજ્ઞાનિક તાળો કેમ મળે? એ સાથે, નારદજીનું બ્રહ્માજીના શ્વાસમાં વસી જઈને બ્રહ્મમય થવું એનો ખુલાસો પણ કેમ થાય? એવું હોય શકે કે નારાયણસ્વરૂપ કોઈ એક વિશાળકાય “માસ્ટ સેલ” – Mast Cell*** – હોય જેમાંથી ડીએનએ અને આરએનએના ફ્રેગમેન્ટસ અલગઅલગ સંયોજનમાં છૂટા પડે અને વિવિધ પ્રાણીઓનું અને સંપૂર્ણ સૃષ્ટિનું સર્જન થાય? શ્વાસમાં ભળીને અન્ય સેલ સાથે ફરી જન્મ લેવો એ પણ ઉપરની જ ક્રિયાનો એક ભાગ હોય? આ વિચાર માગી લે છે.

4 thoughts on “શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ – છઠ્ઠો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

 1. જયશ્રીબેન,તમે મૂકેલા વિચાર બીજના સંદર્ભ માં વાત કરું તો પૂર્વજન્મ અને પુનર્જન્મ ની સંપૂર્ણ માહિતી વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે સમજવી હોય તો “સંસ્કૃતિ ચિંતન “પુસ્તક (સદ્વિચાર દર્શન ટ્રસ્ટ પ્રકાશિત)માંથી મળી રહેશે.

  Liked by 1 person

 2. વ્યાસનારદસંવાદનો છઠ્ઠો અધ્યાય ની સરળ ભાષામા ગુઢ વાત ખૂબ સુંદર રીતે સમજાવી.માણવાની મઝા આવી.
  આપની નારદજી પાસે ટાઈમ મશીન અને ‘નારાયણસ્વરૂપ કોઈ એક વિશાળકાય “માસ્ટ સેલ”’વાત યોગ્ય લાગતી નથી.
  યાદ આવે..
  અમેરિકામાં રહેનારી ૨૯ વર્ષીય જોહાના વૉટકિન્સ ને પતિ અને તમામ પ્રકારના કેમિકલ્સ દરેક વસ્તુથી એલર્જી છે.તેના માસ્ટ સેલ યોગ્ય રીતે કામ નથી કરતા.

  Liked by 1 person

 3. મુરબ્બી વડીલ પ્રજ્ઞાબેન, આપની વાતની નોંધ મેં ખૂબ હકારાત્મકતાથી લીધી છે. આ એક વિચાર માત્ર છે અને આ વિચાર મને HeLa Cells ની કથા વાંચતામ આવ્યો હતો. અલબત, માસ્ટ સેલના કોન્સેપ્ટમાં એલર્જી વગેરે ઈમ્યુન રિસપોન્સ નો ખ્યાલ આવે જ આવે. એક તર્ક એવો કર્યો કે કદાચ આ બધાનું નિરાકરણ કરે એટલી પ્રગતિશીલ ટેકનોલોજી તે સમયે હોઈ શકે ખરી? આપ જેવા વિદ્વાન અને વેલ રેડ વ્યક્તિ પાસેથી શીખ મળવી એ મારું અહો ભાગ્ય છે. પ્રણામ પ્રજ્ઞાબેન. આપે તો હેલા સેલ્સ વિશે વાંચ્યું જ હશે. પણ જે અન્ય વાચકો ની જાણ માટેઃ
  Henrietta Lacks was an African-American woman whose cancer cells are the source of the HeLa cell line, the first immortalized human cell line and one of the most important cell lines in medical research.
  આ બુક સમય મળે તો સર્વને વાંચવા વિનંતી.
  મુરબ્બી વડીલ પ્રજ્ઞાબેન, આપને ફરીથી પ્રણામ. આપ તરફથી મળતું માર્ગદર્શન મારા માટે વિશેષ સંજ્ઞાન છે અને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s