અપૂર્ણાંગ મોતી – વાર્તા – વૈશાલી રાડિયા


||||

અપૂર્ણાંગ મોતી

મોતી એનું નામ. કદાવર એની કાયા. જાંબુ જેવો રંગ અને ખીલથી ખબાખબ ગાલવાળો લંબચોરસ ચહેરો. ખેડુની જાત, જોરાવર એનો હાથ. હતી ભલે છોકરી પણ એ હાથ જેના પર પડે એ સામેવાળાની જાત બતાવી દયે.

પ્રાથમિક શાળાનું ભણતર પૂરું થતાં હું ગામની એકમાત્ર ગર્લ્સ હાઇસ્કૂલમાં આઠમા ધોરણમાં પ્રવેશી અને સામેની બેન્ચ પર નજર પડી ત્યાં અમાસની રાતે જેમ તારા ચમકે એમ એ બ્લેકી ચહેરામાં મોતી જેવી દંતાવલી હાસ્ય કરી ઊઠી અને ટીચરની નજર ચૂકવી મેં પણ હસી દીધું. અમે આખો ક્લાસ સફેદ શર્ટ અને બ્લુ પિનાફોર્મમાં અને મોતી સફેદ શર્ટ અને ઘેરદાર બ્લુ કલરના ઘાઘરામાં આવે. અમે બધાં બે ચોટલા ઊંચા વાળીને આવીએ અને એ બે ચોટલાના છેડે ફૂમતાં બાંધી રિબન નાખે. હું બની ક્લાસની મોનિટર પણ તારીખ લખવા બોર્ડ પર પહોંચાય નહિ તે રોજ ઠેકડા મારીને ડસ્ટરથી લૂંછું! એમાં પણ મજા તો હતી જ; પણ વધુ મજા ત્યારે આવી, જયારે એક દિવસ હું ઠેકડા મારતી હતી અને પાછળથી મને કોઈએ ઊંચકી લીધી! મેં જોયું તો મોતી હસતી-હસતી ત્યાં ઊભી હતી, કે આરામથી બોર્ડ સાફ કર અને લખ હવે! મારી જીભ બોલકી અને મોતીની આંખો બોલકી. પણ સ્મિત બેયનું બહુ બોલકું એટલે એ સ્માઇલી દોસ્તી જામી ગઈ.

રિસેસ હોય કે રમતનો પિરિયડ, મોતી બધાથી આગળ. એમાં પણ ગોળાફેંક હોય ત્યારે તો મોતીના હાથમાં ગોળો આવે એટલે સામેનું મેદાન ખાલી! બધા સાઈડમાં! નાની દડી જેમ ગોળો એના હાથમાંથી છૂટે અને ઓ ..ઓ..ઓ..વાઉ… ચિચિયારીઓ ગાજી ઊઠે. મોતી … મોતી … બધા ગાજી ઊઠે. દોડની હરીફાઈમાં પણ એવું જ બનતું, મોતી જે ડાફું દેતી દોડે કે બધા ખાલી બીજો નંબર કોનો આવશે એની જ ચર્ચા કરે. આવી આ બહુ ઓછું બોલતી મોતીને એક ભારી શોખ-ગાવાનો! સંતોષી જીવડા સમાન મોતીને ગીત ગાવા માટે કાંઈ પણ કરી છૂટવાનું જાણે વળગણ! એની તાકાત જેમ એનો અવાજ પણ ભારે પહાડી. જોયા વિના એને કોઈ સાંભળે તો સમજાય નહિ, કે છોકરી ગાય છે કે છોકરો? કોઈ અંદરોઅંદર મસ્તી કરી છાને ખૂણે દાંત દબાવીને હસી લે. મોતીને અંદાજ આવતો પણ એ તો અલગારી જીવ એટલે એવું ધ્યાને લીધા વિના ગાઈ લ્યે.

મને મોતી માટે હંમેશા સોફ્ટ કોર્નર રહેતો. એક અજીબ ખેંચાણ રહેતું. સમજાતું નહિ, પણ કાંઈક એવું હતું જે બધી છોકરીઓમાં મોતીને અલગ પાડતું. મોતીને પણ આંખોથી જ મારા માટે વહાલ ઊભરાતું એવું મને અહસાસ થતો. એકવાર રિસેસમાં મોતીએ મને કહ્યું, “બંસી, તારે ઘરે છાપાં આવે છે?” મેં કીધું, “હા, કેમ?” તો ધીમેથી કહે, “કોઈ વાર ગાવાની હરીફાઈની જાહેરાત આવે તો મને કે’જે ને મારે રહેવું છે! અમારે ઘરે ટીવી નથી પણ હમણાં એકવાર અમારા એક સગાંને ત્યાં બેસવા ગઈ ત્યાં મેં જોયું. ટીવીમાં સારેગમપ નામનો સંગીતનો પ્રોગ્રામ આવતો હતો, કેટલા છોકરા-છોકરીઓ એમાં ગાતાં હતા! અને સાથે એમના મા-બાપ તેમજ ગુરુજી પણ ત્યાં આવેલા હતા. મારું એક સપનું-એક લક્ષ્ય છે કે ગાયિકા બનવું છે મારે બસ; હું આ ગામમાં આ વરસે જ ગામડેથી આવી છું એટલે કોઈ સારા સંગીત શીખવાડે એવા ગુરુ તારા ધ્યાનમાં હોય તો મને ક્લાસ જોઈન કરવા છે.  બંસી, તું મને આમાં કાંઈ મદદ કરી શકે? મારા અવાજને લીધે બીજા બધા મારી મશ્કરી કરે એટલે કહી નથી શકતી. પણ તું આ બધામાં એવી લાગી કે મને સમજી શકશે. મારે બહુ જ ગાવું છે, ટીવીમાં ધૂમ મચાવવી છે દેશમાં અને ભારતનું પ્રતિનિધિત્વ કરી દુનિયામાં આપણી ભારતીય સંસ્કૃતિ ફેલાય એવા ગીતો ગાઈ દુનિયા ગજવવી છે પણ આ ઘોઘરો અવાજ સાંભળી કોઈ ભરોસો નથી કરતું. પણ કહેવાય છે ને કે, ‘જહાં ચાહ વહાં રાહ’ અને ‘મન હોય તો માળવે જવાય’ એટલે જો મને કોઈ સારા શીખવવાવાળા મળી જાય તો હું દિલ નીચોવીને  શીખીશ.”

મોતીની વાત સાંભળી મારા મનમાં મારી પ્રાઇમરી સ્કુલના આંધળા મ્યુઝિક સર મનસુખ સરનું નામ ચમક્યું. બીજા જ દિવસે અમે બન્ને તેમને મળીને ટ્યુશન પાકું કરી આવ્યા. ત્યારે અમારા ત્રણમાંથી કોઈ નહોતું જાણતું કે ભાવિના ગર્ભમાં શું છે અને વિધાતાના લેખ શું લખાયેલા છે! આમજ છ માસમાં તો મોતીએ સંગીતમાં મનતોડ મહેનત કરીને ગોતાખોર જેમ ડૂબકી જ લગાવી! એનો ઘોઘરો અવાજ બાદ કરતાં બીજી કોઈ ખામી ના રહે એમ તાલ અને લય તો જન્મથી એ લઈને આવી હતી અને મુખ્ય તત્વ હતું એની હિંમત. દુનિયાથી બેખબર મોતી પોતાની ધૂનમાં ડૂબતી ગઈ અને મારી સાથે દિલની દોસ્તી પણ જામતી ગઈ. અચાનક વેકેશન બાદ …………………

વેકેશન બાદ નવમા ધોરણનો પહેલો દિવસ. હું સ્કુલના ગેઈટમાં એન્ટર થઇ ત્યાં મને કોઈ બચ્ચન જેવા પૌરુષી અવાજે સાદ પાડયો, “એય, બંસી..” મેં પાછું ફરીને જોયું. એક છોકરો મંદ-મંદ હસતો ઊભો હતો. હું હજુ મામાને ત્યાં આખું વેકેશન કરીને ગઈકાલે જ ગામમાં આવેલ એથી મને થયું કોણ હશે આ? મારા વિચારોના ઘોડાપુર માંડયા દોડવા..  આ છોકરાને ક્યાંક જોયેલો હોય એવું લાગે છે પણ યાદ આવતું નથી. મને ગૂંચવાયેલી જોઈને એણે મને હસતાં-હસતાં એક ધબ્બો માર્યો ને હું તો ગભરાઈ ગઈ! કેમકે એ સમય એવો હતો કે અમને ઘરમાંથી કડક સુચના કે છોકરાં સાથે બહુ બોલાય નહિ અને આ તો સીધો ધબ્બો! હું તો અવાચક બની ઘોઘી જેમ ઉભી રહી. ત્યાં એ કહે, “બંસી, ક્યાં જતી રહી હતી? મેં તારા ઘરે કેટલા ધક્કા ખાધા પણ તાળું જ હોય.” હું વિચારું કે આ કેમ મારા ઘરે આવેલો અને મને બહુ ઓળખે છે એમ વાત કરે છે! ત્યાં બીજો આંચકો! એ કહે, “મને ના ઓળખે તું એમ હેં?” બોલી ખડખડાટ હસતા મસ્તીથી કહે, “હું મોતી, આઈ મીન હું મુકેશ.”  હું હજુ જડભરત જેમ જોતી હતી. માંડ એટલું બોલાયું કે, “હેં…એ .એ.એ..? આ કેવી રીતે?” …

સ્કુલના ગાર્ડનમાં અમે બેઠા અને શરુ થઇ મોતી-મુકેશની જુબાન. મોતીને પોતાને પણ એ બધું આ વેકેશનમાં ખબર પડેલ. મોતી- “આ વેકેશનમાં મારા નાનપણના ડૉ. મને કહેતા હતાં, ‘તું જન્મી ત્યારે જ તારા શરીરની રચના અને હોર્મોન્સ એવા હતા કે મેં તારા માતા-પિતાને કહેલું કે ‘આ બાળકી ૧૪ વર્ષની થાય ત્યારે તમારે ચેકઅપ કરાવવા આવવું જોશે. ત્યારે એનું ઓપરેશન કરાવી એને સંપૂર્ણ છોકરો બનાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યાં સુધી એને કાંઈ વાત ના કરશો; નહિ તો બાળમાનસમાં ખોટા સવાલો ઊઠશે.’ મને પણ ઘણીવાર મારા શરીરને વિકસતું જોઈ કાંઈક અલગ ફિલ થતું પણ કોઈને કહેવામાં શરમ આવતી. વેકેશનમાં મારા માતા-પિતા મને ડૉ. પાસે અમદાવાદ લઇ ગયા, ત્યાં ડૉ.એ શાંતિથી બધું સમજાવ્યું કે ડરવાની જરૂર નથી, હવે આવા ઓપરેશનમાં ધીમે-ધીમે હોર્મોન્સ ટ્રાન્સફરના ઇન્જેક્શન અને દવાઓથી બે વરસમાં તો તું સંપૂર્ણ રીતે છોકરો બની જઈશ અને એ ફરજીયાત જ છે નહિ તો થોડા સમયમાં તારા શરીરના ફેરફારો પુખ્ત વયમાં આવતા જ તને મૂંઝવણ થશે કે હું કોણ? નહિ સંપૂર્ણ છોકરી કે નહિ સંપૂર્ણ છોકરો! પહેલા તો હું ઓપરેશનના નામથી બહુ ડરી ગઈ! સમજાતું ન હતું કે મારી જિંદગીમાં આ બધું શું બની રહ્યું છે? એક-બે દિવસ તો મને કાંઈ સૂઝયું જ નહિ. ના જમવાનું મન થાય ના નિંદર આવે! પણ બે દિવસ રહી વિચાર્યું કે જો કુદરતની આ જ મરજી હોય તો શા માટે નહિ છોકરી, નહિ છોકરો જેમ જીવન વીતાવવું ને તાબોટા પાડવા? એકાદ વર્ષની તો વાત છે ને? એટલા સમયમાં તો સંપૂર્ણ સારવાર થઈ જશે અને મારું જીવન અપૂર્ણ ના રહે. આમ મારી ટ્રીટમેન્ટનો પહેલો તબક્કો પૂરો થયો બંસી! હવે થોડો સમય ઘરે આરામ કરી સંપૂર્ણ સ્વસ્થ થઇ મારે બાજુના શહેરમાં અમારી નાતની બોયસ હોસ્ટેલમાં ભણવા જવાનું થશે. પણ અત્યારે તો હું હવે ગર્લ્સ સ્કુલમાં નહિ ભણી શકું. પણ ભગવાન જે કરે તે સારા માટે એમ માની હમણાં મારું સપનું – મારું સંગીત-મારા ગીતમાં વધુ સારું ધ્યાન આપીશ અને હા બંસી, અમદાવાદ રોકાઈ એ દરમિયાન જાણવા મળ્યું કે આ વરસે સારેગમપનું ગુજરાતનું ઓડીશન અમદાવાદમાં બે મહિના પછી છે. મને તો એમ લાગે કે આ તો મને ભગવાને આપેલી તક છે. તો હું ફ્રી હોઈશ ને એ સપનું પૂરું કરીશ, એટલે હું તો પોઝિટિવ વિચારું છું કે મારી મહેનત રંગ લાવશે અને હું સિલેક્ટ થઈશ જ. એય બંસી, તું આમ ઉદાસ કેમ થઈ ગઈ યાર, આપણે ઘરે મળતા રહીશું. આપણા અંગ્રેજીના ટીચર રોજ એક વાક્યથી ભણાવવાની શરૂઆત કરે છે એ યાદ છે ને બંસી?” અને સ્મિત સાથે અમે એકસાથે બોલી ઉઠયા કે, “ALWAYS THINK POSITIVE AND BE POSITIVE.”

કુદરતના નિર્ણયો સામે બાથ ભીડવી એ કાંઈ જેવો તેવો પડકાર નથી. હું રોજ મુકેશને મળવા જતી અને એની પ્રગતિ જોઈ ખુશ થતી. બે મહિના પછી એક દિવસે હું મુકેશને અમદાવાદ જતી ટ્રેનમાં ઓડિશન માટે ખૂબ શુભેચ્છાઓ સાથે વળાવીને ભણવામાં ડૂબી ગઈ. થોડા દિવસો પછી મુકેશ આવ્યો એ ખબર પડતાં જ હું હરખાતી એને મળવા ચાલી. રસ્તામાં હું ગુલાબનું ફૂલ લેવા રોકાઈ. ફૂલવાળાને કહ્યું, “ભાઈ, એક સરસ તાજું ખીલેલું ફૂલ આપજો, જલ્દી કરમાય નહિ એવું.” ફૂલ લઇ હું ચાલી કે મુકેશને ફૂલ આપી વિશ કરીશ અને એ પણ ફૂલ જેમ ખીલી ઉઠશે. જરૂર એ સિલેક્ટ થઇ જ ગયો હશે. મુકેશના ઘરે હું પહોંચી ત્યાં તો કાંઈક જૂદું જ વાતાવરણ હતું.  જાણે કોઈ મરી ગયું હોય એમ બધાં બેઠા હતાં! મુકેશ એક ખૂણે લાલ આંખો અને ઊતરી ગયેલા ચહેરે બેઠો હતો. મને જોઈને મુકેશ દિલ ખોલીને મોટેથી રડવા લાગ્યો. હું “શું થયું યાર?” બોલતા મુકેશને વળગી પડી, ને મુકેશના વાંસામાં હાથ ફેરવતાં રડી પડી કે આટલું મોટું શું દુઃખ આવ્યું હશે? થોડીવારે શાંત થતાં એક મર્દાના સ્વસ્થતા મેળવી મુકેશ બોલ્યો કે, “બંસી, ઓડિશનમાં મારો લય-તાલ-સૂર-હૃદયથી કરેલી સંગીતસાધનાથી કેળવાયેલો પહાડી અને અંદરથી કોમળતાભર્યો અવાજ સાંભળી નિર્ણાયકો પ્રભાવિત થઈ ગયા અને સિલેક્ટ કરવા અંદરોઅંદર ચર્ચામાં પડી ગયા. મારું સિલેકશન એમણે બીજા દિવસ પર છોડયું. પબ્લિક પણ મારા પરફોર્મન્સથી બહુ ખુશ હતી. બધા મંત્રમુગ્ધ થઇ ગયા હતા. એન્કરે પણ કીધું કે, ‘આવો અવાજ આપણા દેશને મળ્યો એ આપણા માટે સદભાગ્ય અને ખુશીની વાત છે; એક અલગ હલક છે એના ગળામાં અને ઉષા ઉથ્થુપ જેમ એક પહાડી લહેકો છે સાથે એક કુદરતી નરમાશ, કોમળતા ને ખરજ પણ છે.’ પણ નિર્ણાયકો ક્યાં ગૂંચવાયા તે મને સમજાયું નહિ. બીજે દિવસે એમણે મને એક ચેમ્બરમાં બોલાવી કીધું કે, ‘અમે ખુબ જ દિલગીર છીએ. તારું સિલેકશન ફાઈનલ જ હતું, પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા તને મોકલવામાં એક તકલીફ આવી છે. રજીસ્ટ્રેશન કરવા માટે મેલ અને ફિમેલ બે જ કેટેગરી અવેલેબલ છે. તું જીતી શકે એમ છે, પણ તારા મેડિકલ સર્ટિફિકેટ્સ હજુ અધૂરા છે, પ્રોસેસમાં છે, એટલે તું અત્યારે નથી સંપૂર્ણ છોકરો કે નથી સંપૂર્ણ છોકરી! તો તને કઈ કેટેગરીમાં સિલેક્ટ કરવો એ માટે અમે સમય માંગેલું. કેમકે, તું આગળ નામ રોશન કરી શકશે એ સ્પષ્ટ છે પણ ઇન્ક્વાયરી કરતાં આ વરસે તો તારું સિલેકશન અમે નહિ કરી શકીએ. WE ARE REALLY SORRY FOR THAT.’  બંસી, તું જ કહે મને…  મારી સંગીતની સાધના-આરાધના અને મારું સપનું બધું આમ કોઈ એક કાગળ પરનો કાયદો એક ક્ષણમાં રગદોળી નાખે એવો કેવો માનવ અધિકાર? મારી કલાની કોઈ કદર જ નહિ?

હું શું છું? મોતી? મુકેશ? કે પછી અત્યારે હું એક…” કહી ખૂબ વેદનાથી મહેશે બે હાથ સીધા સામ સામે પછાડી જોરથી તાળી પાડી-તાબોટા સ્ટાઇલથી! અને ફરી એ ચિત્કારી ઉઠ્યો કે, “એય…બંસી, મારું સપનું આજ મરી ગયું રે..એ..એ..એ ” ને આ બંસીના હાથમાં એક આક્રોશથી ગુલાબનું ફૂલ રહેંસાઈ ગયું – એક તરોતાજા ફૂલ થોડાજ સમય માટે ખીલીને જાણે મૂરઝાઈને નીચે પડી ગયું!

*—————-*—————-*—————–*

વૈશાલી રાડિયા

વાર્તામાં કોઈ નોંધ લખવાથી વાર્તાની મજા મરી જાય એ જાણવા છતાં આ વાર્તા એક ઉદ્દેશથી લખાયેલી છે એટલે એની સાથે સંકળાયેલ વાત અહીં અલગથી નોંધ મૂકવા મારા મનના આદ્દેશને મેં અનુસર્યો છે.

(લેખિકાની નોંધ: મોતી અને હું 1988ની સાલમાં આઠમાં ધોરણમાં સાથે ભણેલા અને ગોળાફેંકમાં એનો જોટો જડવો મુશ્કેલ! 1989 નું વેકેશન ખુલતાં મોતી મને 5 મિનિટ માટે મહેશ સ્વરૂપે મળી હતી અને પોતાના જન્મ વખતે એના માતાપિતાને ડૉ. કહેલ 14 વર્ષની આસપાસ મારી પાસે લાવજો, એનું ઓપરેશન કરી સંપૂર્ણ છોકરો બનાવવી પડશે. આટલી સત્ય હકીકત અમારી સાથે ભણેલી જૂની છોકરીઓને હજુ પણ યાદ છે! પ્રાથમિક સ્કુલમાં આંધળા મનસુખ સર અમને સંગીત શીખવાડતા સરને હજુ પણ ગુરૂપૂર્ણિમા અને શિક્ષકદિવસ વર્ષમાં બે દિવસ ફોન પર વાત થાય છે. કથાબીજ લઇ અન્ય વાત સંગીતનો શોખ વગેરે કલ્પના સાથે માનવ અધિકાર માટે વાર્તાની ચારેક વર્ષ પહેલા રચના થયેલ અને મોતીનું હાલનું નામ મહેશ છે પણ કોશિશ કરવા છતાં ફેસબુક પર મળેલ નથી. વાર્તામાં પાત્રનું નામ બદલાવેલ છે. વાર્તાનું વિષયવસ્તુ 30 વર્ષ પહેલાનું હોય રીતે વાતાવરણનું વર્ણન, માનસિકતા દર્શાવેલ છે. વર્ષોથી મનમાં રહેલ પાત્રો વારે વારે દિલોદિમાગમાં ઘૂમરાતા હતા જેને વર્ષો બાદ શબ્દદેહ આપી શકાયો અને આજે થર્ડ જેન્ડરને બધા હકો મળી ગયા છે ખુશી! સમયની એમની વ્યથાઓથી આજનો સમાજ પરિચિત થાય તો થર્ડ જેન્ડર પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ બદલાય.

સમાજમાં તૃતિયપંથી તરીકે તિરસ્કૃત આ વર્ગને નવી મુંબઈમાં એક હાઇ-ફાઇ રેસ્ટોરામાં વેઈટર-સ્ટુઅર્ટ તરીકે માનભેર તાલીમ સાથે નોકરી આપનાર ત્રણ યુવાનો- નિતેશ કાંડરકર, નિમેશ શેટ્ટી, પ્રસાદ શેટ્ટીએ ખૂબ ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું છે. ચિત્રલેખા ૨૬ ફેબ્રુઆરી, 2018ની નોંધ. એમને ખૂબ અભિનંદન સાથે દેશે એમના કાર્યની નોંધ લેવી ઘટે.  ધન્યવાદ)  

4 thoughts on “અપૂર્ણાંગ મોતી – વાર્તા – વૈશાલી રાડિયા

  1. સુ શ્રી વૈશાલી રાડિયાની અપૂર્ણાંગ મોતી સ રસ વાર્તા બાદ ‘સમાજમાં તૃતિયપંથી તરીકે તિરસ્કૃત આ વર્ગને નવી મુંબઈમાં એક હાઇ-ફાઇ રેસ્ટોરામાં વેઈટર-સ્ટુઅર્ટ તરીકે માનભેર તાલીમ સાથે નોકરી આપનાર ત્રણ યુવાનો- નિતેશ કાંડરકર, નિમેશ શેટ્ટી, પ્રસાદ શેટ્ટીએ ખૂબ ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું છે’ વાત ઘણી ગમી ધન્યવાદ

    Liked by 1 person

  2. sarv jiv sarkha .out side body different. black-white-beautiful-handsome any out side body last go for rakh. all rakh is same. but jiv go to atma-parmatma.why trutipanth? drek jan potani rite jove che ane vichre che.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s