યામિની વ્યાસ – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ


(યામિનીબેન વ્યાસના કાવ્યસંગ્રહ, “સૂરજગીરી” ની ઈ-બુક હાથમાં આવી ને એ સાથે એક જ બેઠકે વાંચી ગઈ. કોઈ કાવ્ય સંગ્રહ એકવાર તો માત્ર ચાખી શકાય, પણ માણવા માટે તો એક એક કરીને જ દરેક કવિતાને આત્મસાત કરવી પડે. યામિનીબેનની કવિતાઓને વાંચતા એક વાત ઊડીને આંખે વળગી કે સરળતા અને સહજતામાં, ગહનતા પ્રચ્છન રીતે, કવિતાના પ્રવાહમાં વહેતીવહેતી આવે છે અને વાચકોને ભીનાશમાં તરબતર કરી નાંખે છે. આવતા ગુરુવારે યામિનીબેનના સૂરજગીરીના બે કાવ્યોનો આસ્વાદ મૂકીશું. પણ, યામિનીબેન આંગણું માટે ઘરનાં છે, નવાં નથી. આજે સ્વ. વડીલબંધુ દાવડાભાઈએ એમનો અને એમની એક ગઝલનો આસ્વાદ કરાવ્યો હતો ૨૦૧૭માં, તેને, એમને સ્મરીને અહીં ફરી પોસ્ટ કરી રહી છું અને યામિનીબેનનું “દાવડાનું આંગણું”માં ફરી સ્વાગત કરી રહી છું.  યામિનીબેન, આવતા ગુરુવારે ફરી આપના કાવ્યોનો આસ્વાદ મૂકીશું. માનનીય વડીલ, મુરબ્બી પ્રજ્ઞાબેનનો આભાર કે એમણે આ લેખને મોકલ્યો. વાચક્મિત્રો, આ દાવડાભાઈનું લખાણ વાંચીને માત્ર એટલું જ કહું છું કે, “ભાઈ, તમારી કમી સાલે છે.’)

યામિની વ્યાસ-૨ (પી. કે. દાવડા)

કલા અને સાહિત્યમાં ગુજરાત અને ગુજરાતીઓમાં પોતાનું સ્થાન અંકે કરનાર બહેન યામિની વ્યાસ વિશે એક વાત ખાસ જાણવા જેવી છે. એમણે ૧૯૮૦ માં માઈક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે, અને મેડિકલ ટેકનોલોજીનો અભ્યાસ કરી એમાં ડીપ્લોમા મેળવ્યો છે. વર્ષો સુધી આ વિષયના વ્યવસાયમાં જ રત રહ્યાં છે, અને છતાં કલા અને સાહિત્યમાં આટલી મહારથ કેવી રીતે હાંસિલ કરી?

ચાલો આજે મારા પરિચિત, યામિની બહેનના માતૃશ્રી શ્રીમતિ પ્રજ્ઞાબહેન વ્યાસે મને ખાનગીમાં કહેલી વાત જાહેર કરી દઉં.

“યામિની નાના લેખો-વાર્તાઓ છાપામા આપતી અને ૧૫-૨૦ રૂપિયાના પુરસ્કારમાં હરખાતી. તેને આર્ટસમા જવું હતું, પણ અમે જીદ કરી સાયન્સ લેવડાવ્યું…નોકરી કરતાં વાર્તા-નાટક લખવા માટે ગુજરાતીના પ્રોફેસરની દોરવણી નીચે પ્રયત્ન કર્યો, અને ગઝલો માટે – ગુરુ શ્રી નયનભાઇ ની દોરવણી લીધી.”

અને હવે આવે છે Climax.

“આવતા જુનમા તે રીટાયર થાય બાદ આર્ટસ કોલેજમા દાખલ થવાનું નક્કી કર્યું છે!”

સલામ યામિનીબહેન, કલા અને સાહિત્ય માટે આવી લગની હોય તો સફળતાના શિખર સર કરતાં તમને કોણ રોકી શકે?

ચાલો તો આજે એમની એક ટુંકી બહેરની ગઝલ માણએ.

ગઝલ

જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.

ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.

વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.

પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.

બાળક રડતું ‘મા. મા.’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.

આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે?

યામિની વ્યાસ

ગઝલના મત્લાથી મક્તા સુધીનો એકે એક શેર અસરકારક વાત કહી જાય છે. મત્લામાં ગરમાળાની વાત છે. ગરમાળો એક પીળા ફૂલોવાળો સુંદર વૃક્ષ છે. કવિયત્રી કહે છે કે ગરમાળાએ એવું તો શું જાદુ કર્યું કે એની પ્રત્યેક ડાળ ઉપરથી ટંહુકા સંભળાય છે? એનો જવબ મળે એ પહેલાં જ મનમાં એક તરંગ ઊઠે છે, આ સમયના તાણાવાણા ચલાવી, આ વસ્ત્ર કોઈ કબીર ગુંથે છે? અહીં વસ્ત્ર અને તાણાવાણા સાથે યાદ કરવા કબીરથી સારૂં પાત્ર ક્યાં મળવાનું છે?

સમયની વાત કરી તો વીતિ ગયેલા વર્ષોની યાદ આવી ગઈ છે, પણ સીશ..અવાજ ન કરશો, આ યાદો તો કરોળીયાના ઝાળાં જેવી નાજુક યંત્રણાંમાં અટવાયલી છે. જરાક ભુલ થશે તો એ ખોવાઈ જશે.

ત્યાર પછીના શેરમાં તો યામિનીબહેનની કલ્પના કમાલ કરે છે. નાજુક પાંદડી ઉપર પડેલી ઝાકળ, પાંદડીને પીવી છે, એના માટે સૂરજના કિરણોની મદદ લેવી પડશે. સુરજ નીકળ્યા પછી ઝાકળ દેખાતી નથી, તો શું એને પાંદડી પી ગઈ?

તે પછીના શેરમાં માનવીય સંવેદનાની પરાકાષ્ટા છે. બાળક્ના રડવાનો અવાજ સાંભળી, માને ફાળ પડે છે, શું થયું મારા લાલને?

આખરે મક્તામાં એમના પ્રિય વિષય ગઝલને જ કહે છે, આવ આવ ! તારૂં સ્વાગત છે. તને ભલા કોઈ ટાળી શકે?

સમગ્ર ગઝલમાં ક્યાંયે ભાર લાગતો નથી, હલકા-ફુલકા ભાવવાળા શેર વાંચવાની મજા પડી.

-પી. કે. દાવડા

3 thoughts on “યામિની વ્યાસ – સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

 1. મા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટના યામિની વ્યાસ ના સંકલન અંગે ધન્યવાદ
  તેમા ‘આ દાવડાભાઈનું લખાણ વાંચીને માત્ર એટલું જ કહું છું કે, “ભાઈ, તમારી કમી સાલે છે. વાતે આંખ ભીની થઇ.
  મને કોમેન્ટ લખવામાં આનંદ આવે છે આ બ્લોગ-જગત પણ મને તો એક મોટી પાઠશાળા જ લાગે છે. રોજ રોજ નવું નવું શીખવાનું. વળી માહિતિસભર, જ્ઞાનવર્ધક અને ઉપયોગી પ્રતિભાવ માણવાના..પ્રતિભાવ આપવા એ ગુણ અને સંસ્કાર છે. કલાકાર માટે કદર અને આદર છે મેનર છે. એક જાતની સર્જક કે લેખક્ના મનની માંગ કે અપેક્ષા પણ છે.વળી દરેક વખતે સહમત થવું જરૂરી નથી . મતભેદ હોવા જોઈએ,પણ મનભેદ નાં હોવા જોઈએ.
  એક વાર અમે ભારત ગયા હતા અને આંગણામા બે ત્રણ અઠવાડીઆ પ્ર્તિભાવો ન લખાતા મા . દાવડાજીને અમારી તબીયત અંગે શંકા થતા તેમના જણાવ્યા પ્રમાણે ગુગ્ગલ પરથી ચિ યામિનીનો ફોન # શોધી તેને ફોન કરી, મોટા ભાઈ નાની બેનની ફીકર કરે તેમ કુશળ મંગળ અંગે માહિતી મેળવી હતી ! લાગ્યું ……….
  બેખુદી બે સબબ નહીં, ‘ગાલિબ’
  કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.
  સાથે જણાવું કે મારા બ્લોગમાં ખાસ પ્રતિભાવો હોતા નથી કારણકે મોટા ભાગે તેમાં જુદા જુદા વિચારકોના વિચાર હોય છે અને વળી તે વિવાદાસ્પદ હોવા કરતા પ્રેરણાસ્પદ વધારે હોય છે તેથી લોકો વાંચીને કશોયે પ્રતિભાવ આપ્યાં વગર ચાલ્યાં જાય તો તેમાં કશું ખોટું નથી.

  Liked by 1 person

 2. પ્રજ્ઞાબહેનની વાત ખરી છે. દાવડાસાહેબે આપણને સારી રીતે જોડ્યા છે અને તમારા પ્રતિભાવોએ ઘણાને પ્રોત્સાહિત કર્યા છે. તમારો બહોળો સાહિત્યસંગ્રહ લખાણમાં જણાય આવે છે.
  આજનું યામિનીનું લખાણ વાંચી આનંદ થયો. સરયૂ.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s