અંતરનેટની કવિતા- અનિલ ચાવડા


“મૂંગા ફટાકા દિલ માંહી ફૂટે”

લોગ ઇનઃ

‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું; 
તારા સર્યા વ્યોમ થકી અહીં શું ? 
કેવા ફટાકા આ અહીં ફૂટે છે ! 
આ કાનના તો પડદા તૂટે છે.’

‘સુણ્યા નથી તેં વીજના કડાકા ? 
એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા ! 
ત્યાં વાદળવાદળીઓ અફાળી 
સૌ દેવબાલો ઊજવે દિવાળી.’

‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા, 
ઝીલું ન તારાં વચનો અમોલાં; 
મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે 
ને એ સમે તો ઉરતંતુ તૂટે.’

– ચંદ્રવદન મહેતા

લોગ ઇનઃ

ચં.ચી. મહેતા આપણા ગાંધીયુગના અગ્રગણ્ય કવિ અને નાટ્યલેખક. તેમનું આખું નામ ચંદ્રવદન ચિમનલાલ મહેતા. તેમની આત્મકથાત્મક ‘ગઠરિયા’ શ્રેણી તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. ‘ઈલાકાવ્યો’ તેમનું અનોખું કાવ્યસર્જન છે. ગુજરાતી સાહિત્યમાં ભાઈબહેનના નિર્વાજ્ય કરૂણ-મધુર પ્રેમનો આટલો સઘન અને સફળ પ્રયોગ કરનાર તે પહેલા હતા. તેમના સાહિત્યસર્જન અને વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને ઉમાશંકર જોશીએ લખેલું, ‘ચંદ્રવદન એક ચીજ/ ગુજરાતે ના જડવી સહેલ/ એક અલક મલકની ચીજ/ ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન.’ 

અત્યારે દિવાળીનો સમય છે. હમણા જ ભાઈબીજ પણ ગઈ. બાઈબહેનના પવિત્ર સંબંધને આપણે રાખડીના તાંતણા દ્વારા જીવંત રાખ્યો છે. ભાઈબીજ વિશે એક દંતકથા પણ છે. કહેવાય છે કે એ દિવસે યમરાજે પોતાની બહેન યમીને ત્યાં ભોજન કરેલું અને બે વરદાન આપેલાં. એક તો દર વર્ષે આજના દિવસે ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભેટ આપશે. બીજું કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહીં થાય. આ દંતકથામાં કેટલું સત્ય છે તે તો આપણે નથી જાણતા, પણ રક્ષાબંધન અને ભાઈબીજ જેવા તહેવારો દ્વારા ભાઈબહેનના સંબંધની પવિત્રતા આપણે અનુભવી શકીએ છીએ. 

ચં.ચી. મહેતા રચિત આ કવિતામાં ભાઈબહેનના પ્રેમની સંવદનસભર રજૂઆત છે. દિવાળીના સમયમાં કાવ્યનાયક પોતાની બેહન ઈલાને યાદ કરે છે. કહે છે કે આપણે દિવાળીમાં સાથે મળીને દીવડા કરીશું. આકાશમાંથી જાણે તારાઓ ધરતી પર આવી ગયા છે કે શું? જાણે આકાશના તારાઓ પણ દીવડા બનીને અજવાળું પાથરવા આવી ગયા છે હોય એવું લાગે છે, પણ અફસોસની વાત એ છે કે બહેન હવે રહી નથી. આજુબાજુમાં પુષ્કળ ફટાકડાઓ ફૂટી રહ્યા છે, પણ બહેન વિનાના ફટાકડા કાનના પડદા તોડી નાખતા હોય એવી અનુભૂતિ થાય છે. પોતાની બહેનને ઉદ્દેશીને કહે છે કે તેં આકાશમાં થતા વીજળીના કડાકા સાંભળ્યા? એ કડાકા તો સ્વર્ગમાં ફૂટતા ફટાકડાના ધડાકા છે! કેમકે બહેને તો હવે સ્વર્ગમાં દિવાળી ઉજવવાની છે. સ્વર્ગમાં તો વાદળ-વાદળીઓ એકબીજા સાથે અથડાવીને બધાં જ દેવબાળો દિવાળી ઊજવે છે. તો ત્યાં પોતાની બહેન પણ દિવાળી ઊજવી રહી હશે તેવી ચં.ચી. મહેતા કલ્પના કરી રહ્યા છે. 

સ્વર્ગમાં રહેલી બહેન સાથે તો હવે જાણે કાયમી અબોલા થઈ ગયા છે. તેના શબ્દો કાને પડતા નથી. કાનમાં અવાજનો દીવો પ્રગટે તો એનું અજવાળું છેક હૃદય સુધી પહોંચતું હોય છે. બહેનના ટહુકા માટે કાન તરસી રહ્યો છે. બહેનના અમૂલાં વચનો ઝીલવા તે તત્પર છે, પણ થાય શું? હવે તો તેની યાદમાં હૃદયમાં મૂંગા ફટાકડાઓ ફૂટી રહ્યા છે અને આ ફટાકડાથી હૃદયના તારેતાર તૂટી જાય છે. જાણે હૃદય અંદર કોઈકે સિંદળીબોમ્બ મૂકીને ફોડ્યો હોય એવો અહેસાસ થાય છે. બહેન વિનાની દિવાળી પ્રકાશપર્વ નહીં, પણ અંધકારપર્વ બની ગઈ હોય એવું કવિને લાગે છે.

દરેક પરિવારમાં નાના-ભાઈબહેન સાથે મળીને દિવાળી ઊજવે છે. તેમાં નાના-મીઠા ઝઘડાથી લઈને ધોધમાર પ્રેમ સુધીની સ્મૃતિઓ રચાય છે. ભાઈબહેનના સંબંધને ચંચીએ ઈલાકાવ્યો દ્વારા હૃદયદ્વાવક રીતે રજૂ કરી આપ્યો છે. તેમણે પોતે જ બહેન ઈલા માટે લખ્યું છે કે, ‘હું કુબેરદેવ હોઉં તો ઠેકઠેકાણે ઇમારતો બાંધી એને ‘ઈલા’ નામ આપું; (અરે હું વિશ્વકર્મા હોઉં તો -કે બ્રહ્મા જ હોઉં તો- નવી સૃષ્ટિ રચી એને ‘ઈલા’ નામ નહિ આપું?); હું શિખરિણી હોઉં તો એકાદ ભવ્ય અને સુંદર ગિરિશૃંગ શોધી, ત્યાં ચડી એને ‘ઈલાશિખર’ નામ આપું; હું કોઈ મોટો સાગરખેડુ હોઉં તો એકાદ ખડક શોધી વહાણોને સાવચેત રહેવા ત્યાં એક નાજુક પણ મજબૂત દીવાદાંડી બાંધી એને ‘ઈલા દીવી’ નામ આપું અથવા તો હું એક મહાન વૈજ્ઞાનિક થાઉં તો જગતજ્યોતિમાંથી એકાદ નવું રશ્મિ શોધી એને ‘ઈલાકિરણ’ નામ આપું કે ખગોળમાં નવો જ ‘ઈલાતારો’ શોધું. બહેન માટે આટલું કરવાની ભાવના ધરાવતા ભાઈને વંદન. તેમણે લખેલ ઈલાકાવ્યોમાંથી જ અન્ય એક કાવ્ય દ્વારા લોગઆઉટ કરીએ.

લોગ આઉટઃ

ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડીદાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

ચાંદો ફરંતો નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ દડે હું વીજરેખ બાંધું
એને ઉછાળી જળવ્યોમ સાંધું.

ને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ
લાવે સજાવું તુજ અંગ ન્યારું;
ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.

– ચંદ્રવદન મહેતા

2 thoughts on “અંતરનેટની કવિતા- અનિલ ચાવડા

 1. ને સાતરંગી ધને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ
  લાવે સજાવું તુજ અંગ ન્યારું;
  ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે
  ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.! હજુ પણ યાદ છે…
  અંતરનેટની કવિતામા અનિલ ચાવડાનો સ રસ આસ્વાદ
  જયહીંદ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s