“…ને તમે યાદ આવ્યાં” – કાવ્યનો આસ્વાદઃ સુરેશ દલાલ


—– ને તમે યાદ આવ્યાં…!

 • હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.  –  તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.  –  તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં. – તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં. – તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં  શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં. – તમે યાદ આવ્યાં.

આસ્વાદઃ સુરેશ દલાલ

હરીન્દ્રનું આ ગીત મારાં ગમતાં ગીતોમાંનું છે. સ્મૃતિ આજે પણ લીલીછમ છે, એમ સીધેસીધું કહેવાને બદલે કવિ કહે છે, “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં.” આ ગીતોનું ઉપનિષદ છે. અહીં સ્મૃતિનો આનંદ છે, એમાં વેદના છે છતાંયે નથી, કારણ કે એમાં સ્મૃતિની ગતિ અને વ્યાપ્તિ છે. કલાપીએ ઈશ્વરના સંદર્ભમાં જે લખ્યું તે અહીં પ્રિય વ્યક્તિના સંદર્ભમાં છેઃ

‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.”

કલાપીએ પણ ‘ઠરે’ શબ્દ વાપર્યો. અહીં કોઈ વેદનાનો ‘અરે’ નથી. વિયોગની તીવ્રતા એવી છે કે સ્થળેસ્થળે અને પળેપળે સ્મરણની સંહિતા જ વંચાય છે. પ્રિય વ્યક્તિ યાદ તો આવી પણ એ યાદનો અનુભવ મોસમના પહેલા વરસાદને ઝીલતા હોઈએ એના જેવો છે. નેરુદાની પંક્તિ છેઃ
You were raining all night.

પાન તો હતું જ, અને એને જોઈને સ્મૃતિ જાગી ઊઠી. પણ વરસાદને સ્પર્શે, ‘એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં!’ કવિએ મોઘમ ઘણું બધું કહ્યું છે. આ લીલું પાન, એ પણ સ્મૃતિ હોઈ શકે; આ પહેલો વરસાદ, એ પણ સ્મૃતિ હોઈ શકે; આ કોળતું તરણું, એ પણ સ્મૃતિ હોઈ શકે. અથવા આ લીલું પાન બહાર હોય પણ નહીં, ભીતર જ કોઈ વ્યક્તિ જ લીલા પાન જેવી લીલીછમ હોઈ શકે. અર્થઘટનની ઊંડી જંજાળમાં ન પડતાં, કવિના જ શબ્દોને સ્વીકારીને ચાલીએ તો ક્યાંક કશું એવું જોયું કે તમે યાદ આવ્યાં..! આ તો આંતરબાહ્ય, બેઉ કાંઠે છલકાતી સ્મૃતિઓની વાત છે.

કાવ્ય વર્તુળાકાર ગતિએ વિકસે છે. આંખથી જોયું, હવે કાનથી સાંભળવાની વાત આવે છે. પંખીના ટહુકામાં પ્રિય વ્યક્તિની સ્મૃતિનો ટહુકો છે. શ્રાવણના આકાશમાં ઉઘાડ રૂપે આ સ્મૃતિ જ છે અને આ સ્મૃતિ એક તારો થઈને પણ ટમટમે છે. આ કાવ્યમાં સંયમ પણ છે અને કાંઠા તોડી નાખે એવી બેફામ વાત પણ છે. સહેજ ગાગર ઝલકે છે અને સ્મૃતિ મલકે છે, પણ પછી તો સાગર એવો અફાટ ઊછળે છે કે કાંઠા તોડીને જ જંપે છે. આ બધુંયે હોવા છતાં અહીં સ્મૃતિનો ઝંઝાવાત નથી, કારણ કે આ મહેરામણ ઉપર સહેજ ચાંદની છલક્યાં કરે છે. આખું કાવ્ય સ્મૃતિના આક્રમણ અને અનાક્રમણના સંગમતટે છે. કોઈ અમસ્તું મલકે છે અને સ્મૃતિ ઝંકૃત થઈ ઊઠે છે. કોઈક અમસ્તું આંખને ગમે છે અને એ ચહેરો આંખને વળગે છે ત્યારે પણ તમે જ યાદ આવો છો. આ આખા કાવ્યમાં “જાણે કાનુડાના આંખમાં બ્રહ્માંડ દીઠું રામ” એ પંક્તિ મને બંધબેસતી નથી લાગતી. તાણીતૂંસીને આપણે અર્થ બેસાડીએ કે કોઈકના સ્મિત અને ચહેરાની વચ્ચે સ્મૃતિનું બ્રહ્માંડ દેખાય છે, તો પણ આ વાત કાવ્યના મિજાજ જોડે જામતી નથી.

કોઈક આંગણ અટકે છે તો પણ તમારી યાદ છે ને પગલું ઊપડે છે તોયે તમારી યાદ છે. પગરવની દુનિયામાં તમારી યાદનો કલશોર છે.
આ ગીત લીલા પાન જેવું, મોસમના સર્વસ્પર્શી વરસાદ જેવું અને તરણાં જેવું કોમળ, કોમળ અને તાજું જ રહેવાનું, – -કવિની કાવ્યસૃષ્ટિમાં અને સહ્રદયઈની ભાવનસૃષ્ટિમાં

નીચેની લીંક ક્લીક કરીને આ ગીતનું ઓડિયોવીઝ્યુઅલ પ્રેઝન્ટેશન સાંભળોઃ

https://www.youtube.com/watch?v=_U0m9sjr1qo

 

4 thoughts on ““…ને તમે યાદ આવ્યાં” – કાવ્યનો આસ્વાદઃ સુરેશ દલાલ

 1. મહાન કવિ હરીન્દ્ર દવેની રચના-‘ ને તમે યાદ આવ્યાં…!’નો સુરેશ દલાલ જેવા વિવેચક દ્વારા સ રસ આસ્વાદ

  Liked by 1 person

 2. મુરબ્બી સુ. વડીલ પ્રજ્ઞાબેન, બહુ સાચી વાત. આ આસ્વાદમાં મને જે ખરેખર વાત ગમી ગઈ એ હતી કે સુરેશભાઈ જેવા મહાન સાહિત્યકાર કોઈ પણ છોછ વિના એક objectivity થી લખી શકે છે કે “જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ જોયું રામ,” એ પંક્તિ ગીતના મિજાજ સાથે મેળ નથી ખાતી અને હરીન્દ્રભાઈ જેવા A+ listed કવિ આ વાતનો વિરોધ વિના, એમની ટીપ્પણી સુધરાવવા માટે કોઈ આગ્રહ ન રાખે કે ન કોઈ એનો વિરોધ દર્શાવે, એ વાત કેટલી પ્રેરણાજનક છે! સુરેશભાઈ અને હરીન્દ્રભાઈની દોસ્તી અપ્રતિમ હતી. આવી વિચારલક્ષી ટીકા બેઉ એકેબીજાના સર્જનો માટે કરી શકતા અને છતાં મૈત્રી એની જગા પર યથાવત રહેતી.
  અને, સુરેશભાઈ કે હરીન્દ્રભાઈ જ શા માટે, એ સમયના સર્જકો, વિવેચકોની ટીકા ટિપ્પણીને વ્યક્તિગત રીતે લઈને સામો મોરચો નહોતા માંડતા અને જે કમી દર્શાવવામાં આવે એના પર ઊંડો વિચાર અવશ્ય કરીને, ગમે કે ન ગમે, યથાશક્તિ અને યથામતિ, પોતાની સર્જન પ્રક્રિયાને સતત પ્રગતિશીલ રાખવાનો પ્રયત્ન તો કરતા જ.
  આજના સર્જકો માટે, કે જેમની કૃતિઓમાં કેટલીયે જોડણીની ભૂલો કે સુઘડ વાક્ય રચનાઓની કમી કે પછી વિચાર પ્રાગટ્યના અસ્ખલિત પ્રવાહની કમી હોવા છતાં જો થોડું કંઈ પણ કહેવામાં આવે તો એ બધું જ પર્સનલ બની જાય છે. અહીં જ પછી એ સર્જક પોટેન્શ્યલી અનહદ પ્રતિભાવાન હોવા છતાં વધુ વિકસીત નથી થઈ શકતો. આ ભયસ્થાન ભાષાના વિકાસ અને સંવર્ધન માટે દુર્ઘટનાકારી છે પણ ‘બિલાડીને કોટે ઘંટ કોણ બાંધે?’

  Liked by 1 person

 3. યાદ આવ્યા… કાવ્યમાં, વ્રેમાન્ડ ટાઈપો લાગે છે. બ્રહ્માંડ હોઈ શકે. ગીતમાં એ કડી કાઢી નાખી છે, તેથી ખાત્રી કરી શકાતી નથી. શબ્દકોષમાં એ શબ્દ નથી મળ્યો.

  Liked by 1 person

 4. સરયૂબેન, એ ભૂલ મારા કમ્પ્યુટરમાં જોડાક્ષર માટે કોઈ ટેકનીકલ ગ્લીચને કારણે ક્યારેક થાય છે અને પછી મારા સંતાનો કંઈક ફોન્ટમાં એડજસ્ટ કરે છે તો સરખું થાય છે. તકલીફ એ થાય છે કે જ્યારે હું પોસ્ટ કરું છું તો બધું બરબર દેખાય છે પણ પછી ક્યારેક આ રીતે થઈ જાય છે. સોરી ફોર ધેટ.
  મેં સુધારી લીધું છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s