પ્રાર્થનાને પત્રો – (૮૨) – ભાગ્યેશ જહા


[૮૨] પ્રાર્થનાને પત્રો… 

પ્રિય પ્રાર્થના

મઝા આવી રહી છે, સાવ ચોમાસાનો ના કહેવાય એવો પવન વાઈ રહ્યો છે, ઓલવાયેલા જાંબુડા પર આવતાં વાંદરાઓ નહીં આવે એવી આશાઓ ખોટી પડી રહી છે, કોઇ કહે છે, વાદળો અને વાંદરાને બને નહીં. પણ વાંદરાઓ આવ્યા છે   તો શું વાદળો શરમાઈ જશે. ઋતુઓનું આ માનવસહજ વર્તન હવે ચિંતા ઉપજાવે છે.

ક્રુઝયાત્રાની સહેજ વાત આપણે કરી હતી. પણ ક્ષિતિજો ખુંદતું એ મહાજહાજ મનમાંથી જતું જ નથી. ક્યારેક એમ લાગે આ આકાશને તો સીમાઓ છે, ક્ષિતિજની, પણ મનના કિનારા તો દેખાતા જ નથી… પણ, યસ, જીવનનો એક નૂતન અનુભવ, સાત દિવસનું સમુદ્રશયન એટલે વિષ્ણુ ભગવાનની અનુભૂતિ મેળવવી. તારી મમ્મી તો રોજ વિષ્ણુંસહસ્રનામ તો ચૂક્યા વગર બોલે, અને દરિયાદેવમાં આ વહાણની હણહણાટી અલગ જ રીતે એક અલગારીની જેમ ક્ષિતિજોને ખોલ્યા કરે.

એકવીસમી જુલાઈની બપોરે સ્ટોકહોમ પહોંચ્યા ત્યારથી જ જાણે દરિયા સાથે દોસ્તી માટે હાથ ફેલાવ્યો. પોર્ટ પર સ્વાગતકક્ષમાં થોડી ‘ફોર્માલીટીઝ’ થઈ, અમને રુમ મળ્યો સાતમામાળે. એ લોકો એને ડેક-7 કહે. પ્રવેશતાં પહેલાં સામાન આપી દીધો, વિશાળકાય વહાણ, જાહોજલાલીથી ઝાકમઝોળ જહાજ, સોળે કળાએ શણગારેલા માંડવા જેવો માહોલ..

પહેલા દિવસે તો શીપમાં જ હતા, બધા માળ ઘુમી વળ્યા. લોકોને લીફ્ટમાં આવતા જતા જોયા, સેંટ્રમ જેવી એક કેંદ્રસ્થ જગા હતી, ત્યાં ક્યારેક સંગીત તો ક્યારેક ડાન્સ જોવા મળતો. હા, ડાન્સ. ગરબામાં આપણે ગરબો રમીએ, એમાં રમવું ક્રિયાપદ આવે, કો’ક ભરતનાટ્યમ કે કથ્થકની પ્રસ્તુતિ કરે તો એને નૃત્ય કહીએ તો આપણને જ યોગ્ય શબ્દ વાપર્યાનો ઓડકાર આવે. પણ આ તો પ્યોર ‘ડાન્સ’. વળી, પાંચમામાળે કેસીનોની ઝળહળ ઝંકૃતિ તો ખરી જ! મને બીજા એક ટ્રોપીકલ થિયેટરમાં મઝા આવી. ત્રણેક દિવસ તો એમાં કાર્યક્રમ નિહાળવા અમે ગયા. એક દિવસ જાદુગર, બીજા દિવસે નૃત્ય (હા, નૃત્ય) અને ત્રીજા દિવસે સંગીત, થોડું વૃંદગાન જેવું પણ ખરું. દુનિયાની પ્રજાને આ અસ્તિત્ત્વના કોમળ ટુકડાને માણવાની મઝા આવે છે એ જોઇને આનંદ થયો.

બીજા દિવસે રશિયાના સેન્ટપિટર્સબર્ગ ગયા. બહુ મઝા આવી. વિશાળ અને અતિવિશાળ નેશનલ મ્યુઝિયમ જોયું. કેટલા બધા ચિત્રકારો અને સંગીતકારોની તસ્વીરો જોઇ. વ્યક્તિગત રીતે ચિત્રકારોએ દોરેલા ચિત્રો મનમોહક હતા. કદાચ અમે સદભાગી હતા કે રશિયાની આ ભાગોળે અમને આખા યુરોપની કલાનો પરિચય થયો. ચિત્રકારો લિયોનાર્દ-દા-વીંચી (Leonardo da vinci),  માઇક્લ એન્જેલો (Michelangelo), રાફેલ (Raphael), ટીટામ(Titam). આ તો થોડા નામ લખ્યા જેની પ્રખ્યાતિને કારણે અને એમની પ્રખ્યાત કલાકૃતિઓને સ્વચક્ષુષા જોવાનો આનંદ લીધો એટલે. મારું એવું માનવું છે કે ખાલી સેન્ટપીટર્સબર્ગના મ્યુઝિયમ જોવા માટે જ એક અઠવાડિયું રાખવું પડે. વિશ્વની આવડી મોટી મહાસત્તાના ખણખણતા શસ્ત્રો વચ્ચે મનુષ્યના હાથે પીંછીંથી દોરાતી લાગણીઓની રેખાઓ અને રંગ મારે મન એક મહાકાવ્ય જેવા હતા અને છે. આજે પણ એ ચરણ ચાલી ચાલીને થાકી જાય એવા વિશાળ ‘વિન્ટર પેલેસ’ની દિવાલો યાદ આવે, એ છત પર ચિત્રાયેલા રાણીઓના ઠસ્સા, ક્યાંક એમની અર્ધનગ્ન તસ્વીરોમાં કલાકારોએ દોરેલી ભાવભંગિમાઓ, તો રંગોની જમાવટ કરતા ઝુમ્મરો, એમની કાચની બનેલી પાકી કાયામાં ધન્યતા અનુભવતો આધુનિક પ્રકાશ અને લાંબી બાલ્કનીઓનો વિસ્તાર. રશિયાનો આ પ્રવાસ બીજા બધા કરતાં યુરોપની પ્રજાની કલાસાધનાને કારણે લાંબો સમય સુધી યાદ રહેશે. બધું તો ક્યારેક સમય મળશે ત્યારે લખીશ. પણ બીજા દિવસે અમે મેટ્રોરેલની મઝા લેવા ગયા. સામાન્ય માણસને એમ લાગે કે પોતે મહેલમાંથી મુસાફરી કરી રહ્યો છે એ માટે સ્ટેશનોને મહેલ જેવો માહોલ પ્રદાન કરતા આર્કીટેક્ચરલ આભાકૃતિઓ જોવાની મઝા આવી. પ્રજા રોજેરોજ લથબથ ઇતિહાસની પીતી હોય તેની માનસિકતા તપાસવી છે પણ ક્યારેક રશિયન સાહિત્યને નવેસરથી વાંચવું પડશે, આપણા પરિચયમાં આવેલા ચેખૉવ, ટોલ્સ્ટોય, દોસ્તોયેવેસ્કી જેવા મહાસર્જકોને હવે નવેસરથી વાંચવાનો આનંદ આવવાનો છે કારણ મારી ચક્ષુમંજુષામાં હું એક નાનકડું રશિયા સાચવીને લાવ્યો છું. નેવા નદીના પાણીમાં બીજા દિવસે ભરચક બોટીંગ કર્યું, મહેલ જોવા ગયા, નગરનો જળમાર્ગ માણ્યો. ફાટફાટ થતા આ નગરજીવને પ્રવાસનને કેવી રીતે વિકસાવ્યું છે તે જાણી મારા અંદર રહેલો પ્રશાસક થોડો કોસાયા કરતો હતો. કશું પણ જોઇએ એટલે આવું આપણે કરી શકીએ એવો એક પ્રશ્ન પણ ઉઠતો. કદાચ અંદર ફુટતા આ પ્રશ્નો અમને થાક વધારવામાં કામ કરતા હોય તેવું અનુભવાતું હતું.

એમ થાય છે લખ્યા જ કરું, આ દિવસોની આખી શ્રેણીબધ્ધ લેખો કરવાની ઇચ્છા છે. સ્મૃતિમાંથી બધું ઉડી જાય એ પહેલાં લખવું છે, આવતા પત્રમાં બાકીનું જણાવીશ.

એક સમાચાર, મને ભારતસરકારના સાંસ્કૃતિક મંત્રાલયે યુનેસ્કો માટેના પ્રોજેક્ટસની સમિતિમાં લીધો છે. મિત્રોને ખુબ જ આનંદ થયો છે તે તેં સોશિયલ મીડિયા પર પણ જાણ્યું હશે.

એક તરફ પેલા જહાજની સ્મૃતિનો આનંદ છે તો બીજી તરફ વિધ્યાકાકીની બિમારીની ચિંતા છે. હવે, પાછો, દોંડાડોંડીમાં…

ત્યાં સુધી,

ભાગ્યેશના

જયશ્રીકૃષ્ણ,

જય જય ગરવી ગુજરાત.

3 thoughts on “પ્રાર્થનાને પત્રો – (૮૨) – ભાગ્યેશ જહા

  1. ખૂબ સુંદર પ્રેરણાદાયી પત્રોમા ‘મને ભારતસરકારના સાંસ્કૃતિક મંત્રાલયે યુનેસ્કો માટેના પ્રોજેક્ટસની સમિતિમાં લીધો છે’. વાંચીને આનંદ

    Like

  2. સરસ લખાણ. ભાષા ધ્યાન ખેંચે છે…મારી ચક્ષુમંજુષામાં હું એક નાનકડું રશિયા સાચવીને લાવ્યો છું.
    શુદ્ધ ગુજરાતી લખવાના મારા જેવાં આગ્રહીને ગમે. સરયૂ.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s