લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૨) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ


લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૨) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

અર્વાચીન કાળનું સૌથી પ્રાચીન અને પ્રથમ Ashmolean Museum (સન ૧૬૮૭) ઑક્સફર્ડ યુનિવર્સીટીમાં છે. મ્યુઝિયમને જાહેર સંસ્થા તરીકે સ્વીકારવા માટે તો એક સૈકા જેટલી પ્રતીક્ષા કરવી પડી.  અતીતનો વારસો જાળવવાની અને માનવસંસ્કૃતિના વિકાસને સમજવાની દ્રષ્ટિએ આજે તો વિવિધ વિષયોને લગતાં અલગ અલગ મ્યુઝિયમો પણ તૈયાર કરાયાં છે. આરંભનાં સર્વસમાવેશી મ્યુઝિયમો ઉપરાંત વિવિધ કલાઓ, વિજ્ઞાનો અને ટેકનોલોજી, પ્રાકૃતિક ઈતિહાસ, સામાજિક-રાજકીય ઈતિહાસ અને તેની વિવિધ પ્રકારની સામગ્રીઓના પણ અલાયદાં અને અનોખાં મ્યુઝીયમો અસ્તિત્વમાં આવ્યાં છે. આ બધી પ્રક્રિયાઓ થતી રહી ત્યારે બાળકો માટેનાં ખાસ મ્યુઝિયમો ન હોય તો જ નવાઈ. બાળઉછેરને કેટલું મહત્વ અપાય છે એનીયે પ્રતીતિ અહીં થાય છે.

વિશ્વનું સૌથી પહેલું જાહેર મ્યુઝિયમ છે, ‘ધ બ્રિટિશ મ્યુઝિયમ’, (લંડન, સન ૧૭૫૯).

આજે તો બ્રિટન, અમેરિકા તેમ જ ફ્રાન્સ, જર્મની વગેરે યુરોપના જુદાજુદા દેશોમાં સર્વ સમાવેશી મ્યુઝિયમો ઉપરાંત જુદાજુદા વિષયોને લગતાં અનેક મ્યુઝિયમો છે. આથી જ મ્યુઝિયમની વાત વૈશ્વિક સ્તરે જ અને વિશ્વના સંદર્ભમાં કરવી ઘટે. વસ્તુ સંચયની શરૂઆત તો વ્યક્તિગત ધોરણે થઈ હતી. રાજાઓ, શ્રીમંતો, સોદાગરો જેવા ઘણો પ્રવાસ કરતા લોકો જાતજાતની વસ્તુઓનો અંગત સંગ્રહ કરતા અને તે લોકોને દેખાડીને ચકિત કરતા. મ્યુઝિયમનો વ્યવસ્થિત ઈતિહાસ પંદરમી સદીના આરંભથી મળે છે. અલબત્ત, કલાત્મક વસ્તુઓ, કુતૂહલપ્રેરક વસ્તુઓ, ધર્મ અને ધર્મ સંસ્થાનો સાથે સંકળાયેલી ચીજો વગેરેના સંગ્રહો તો ઘણા પ્રાચીન સમયથી થતા રહ્યા છે. ઍલેક્ઝાન્ડરે (ધ ગ્રેટ) ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં પોતાનાં આક્રમણો અને વિજયો દરમિયાન મેળવેલી વસ્તુઓનો નોંધપાત્ર સંગ્રહ પોતના ગુરુ એરિસ્ટોટલને સાચવી રાખવા મોકલ્યો હતો. એની સાથે એ કહેણ પણ હતું કે આ બધી વસ્તુઓ ને એનો અસબાબ ઝાંખો ન પડે એ માતે શું જરૂરી છે એ શોધીને એ સહુ વસ્તુઓને યથાવત રાખાવા બધાં જ પ્રયત્નો કરવા. આ કદાચ તે સમય માટે મ્યુઝિયમની સૌથી નજીકનો અભિગમ ગણી શકાય. ઍલેક્ઝાન્ડ્રિયા મ્યુઝિયમની સ્થાપના તો પછીથી થઈ હતી. આ મ્યુઝિયમ આજની વિચારસરણી અનુસાર નહોતું. તે એક સંશોધન સંસ્થા તરીકે કાર્યરત વિશેષ હતું. સમય જતાં આવાં અનેક વ્યક્તિગત સંગ્રહસ્થાનો જાહેર મ્યુઝિયમો માં ભળી ગયાં, કારણ કે એ બધાંની જાળવણી, મુખ્ય સંભાળ રાખનારના મૃત્યુ પછી, વ્યક્તિગત રીતે કરવી શક્ય નહોતી રહી.

૧૮મી સદીમાં મ્યુઝિયમ જાહેર મહત્વની સંસ્થા તરીકે માન્યતા પામ્યાં, પણ હજી રાજાશાહી કે વ્યક્તિગત સંગ્રહો અસ્તિત્વ ધરાવતાં હતાં. ઈ.સ.ની ૧૯ મી સદીમાં મોટાં ભાગના આવા ખાનગી- પ્રાઈવેટ- સહુ સંગ્રહોનો, જેમજેમ આધુનિક મ્યુઝિયમ બનતાં, તેમતેમ એમાં સમાવેશ થવા માંડ્યો. ધીમેધીમે, ૧૯ મી સદીના ઉત્તરાર્ધમાં શૈક્ષણિક મૂલ્યની વસ્તુઓ પણ મ્યુઝિયમોમાં સ્થાન પામી, અને મ્યુઝિયમ એક આનંદદાયક શૈક્ષણિક સંસ્થારૂપે ઊભરી આવ્યાં. આમ જુઓ તો આરંભ વ્યક્તિગત ધોરણે થયો હતો, પછી પોતે જે માણ્યું છે, સંચિત કર્યું છે, તેમાં અન્ય લોકો પણ રસ લે, એ સાધારણ રીતે દરેક માણસને ગમે, એટલે એ ‘ગમતાંનો કરીએ ગુલાલ’ એવી વૃત્તિથી આ પ્રાઈવેટ સંગ્રહસ્થાનો જાહેર જનતા માટે ખુલ્લાં મૂકાયા. પછી તો આ બધાં જ મ્યુઝિયમમાં ભળી જતાં, આ સહુ જાહેર, સરકારી અને વ્યવસ્થિત રીતે સંભાળાતાં સંસ્થાનો બનતાં ગયાં.

આ મ્યુઝિયમની મુલાકાત માટે શરૂઆતમાં તો ઘણાં બંધનો ને નિયમો હતાં. સામાન્ય માણસોને તો તેમાં પ્રવેશ જ મળતો નહીં. મ્યુઝિયમની મુલાકાત માટે અગાઉથી પરવાનગી મેળવવી પડતી હતી. એક દિવસમાં ત્રીસથી વધુ લોકોને પરવાનગી નહોતી મળતી. પણ પછી બંધનો હળવાં થતાં ગયાં. નિયમોમાં અનેક ફેરફારો થતા ગયા. ઘણાં મુલાકાતીઓને પ્રવેશ મળવા માંડ્યો. હવે તો આ મ્યુઝિયમો ફી લઈને સહુ માટે ખુલ્લાં મૂકાયા છે. ધીરેધીરે મ્યુઝિયમના કાર્યક્ષેત્રનો વિસ્તાર થવા માંડ્યો. મ્યુઝિયમમાં અને મ્યુઝિયમની દીવાલોની બહાર પણ લોકો પર મ્યુઝિયમનો પ્રભાવ પડે તે માટે અને શાળા તથા કોલેજો સહિત આમ જનતા સુધી પહોંચવા માટે મ્યુઝિયમ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓનો આરંભ થયો. વસ્તુઓના કાયમી પ્રદર્શનો સાથે પ્રસંગે-પ્રસંગે ટૂંકા સમય માટેના પ્રદર્શનો, કલા-જ્ઞાન-વિજ્ઞાનને લગતાં પ્રવચનો, કાર્ય શિબિરો વગેરે પ્રવૃત્તિઓ પણ થવા માંડી. કાયમી તેમ જ ટૂંકા સમયનાં પ્રદર્શનો આકર્ષક ને અસરકારક થાય તે માટે સરસ રીતે વસ્તુઓની ગોઠવણી તેમ જ તે તે વસ્તુઓને યોગ્ય ને સ્વાભાવિક વાતાવરણ ઊભું કરવા જુદીજુદી સરસ પાર્શ્વભૂ તૈયાર કરવાનું શરૂ થયું. પ્રવૃત્તિઓ ને કાર્યશિબિરો માટે લોકોના વયજૂથ; શૈક્ષણિક સ્તર, રુચિ-અભિરુચિ ઈત્યાદિ ખાસ લક્ષમાં રખાવા માંડ્યાં. સુસજ્જ મ્યુઝિયમો હવે આ સમય દરમિયાન અનેકાવિધ આવી પ્રવૃત્તિઓથી ધમધમતાં થયાં.

આજે વિશ્વમાં લગભગ આઠ હજાર મ્યુઝિયમો છે. તેમાંથી છ-સાત હજાર તો યુરોપ, બ્રિટન અને અમેરિકામાં છે. એકલા જર્મની, ફ્રાન્સ અને અમેરિકામાં, દરેક દેશમાં ૧૫૦૦થી વધુ મ્યુઝિયમો છે. એવું પણ કહેવાય છે કે આ દેશોમાં દર ચાળીસ હજાર માણસો દીઠ એક-એક મ્યુઝિયમ છે. અનેક દેશોમાં હવે મ્યુઝિયમ અંગે ત્યાંના સ્થાનિક નિવાસીઓની યોગ્ય સમજ પણ ધીરેધીરે કેળવાતી જાય છે. મ્યુઝિયમની સંખ્યા પૂર્વના દેશોમાં સૌથી વધુ જાપાનમાં, લગભગ ૧૬૦, ચીનમાં ૧૦૦ની આસપાસ, અને ભારતમાં આશરે ૯૦ જેટલી છે. સૌથી ઓછાં મ્યુઝિયમો મેક્સિકો અને વેસ્ટ ઈંડિઝમાં – દરેકમાં ૭૫-૭૫ છે.

અમેરિકામાં મ્યુઝિયમની પ્રવૃત્તિઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને ખૂબ મહત્વ અપાયું છે. ત્યાં ૧૫૦૦માંથી ૮૦૦ જેટલાં તો જાહેર મ્યુઝિયમો છે અને ૬૦૦+ જેટલાં મ્યુઝિયમો સ્કૂલ-કોલેજ અને યુનિવર્સીટીમાં છે.

(વધુ આવતા બુધવારના અંકે)

(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સ” ના સૌજન્યથી, સાભાર)

 

 

1 thought on “લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૨) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

  1. લલિતકળામા મ્યુઝિયમ્સ જયા મહેતા સ રસ લેખ તેનુ સંપાદનઃ સુરેશ દલાલનુ હોય એટલે વધુ મઝા આવે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s