‘અલગ અલગ લાગે’ કવિશ્રી ભાવેશ ભટ્ટ – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ


અસર સવારની સૌ પર અલગ અલગ લાગે
કે રોજ રોજ મને ઘર અલગ અલગ લાગે

ડૂબી જવાય છે ત્યારે જુદો જ લાગે છે
તરી શકાય તો સાગર અલગ અલગ લાગે

અમારી પર તો નજર ફક્ત એક જણની છે
છતાં દરેક જગા ડર અલગ અલગ લાગે

કદાચ હોઈ શકે એ ક્ષણોનું કાવતરું
બધા જ શ્વાસ સમયસર અલગ અલગ લાગે

સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો
બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે
             –             ભાવેશ ભટ્ટ

આસ્વાદઃ  જયશ્રી વિનુ મરચંટ

સૂરજની ગતિ તો બ્રહ્માંડની રચનાના સમયથી એ ની એ જ છે. એક જ ઘટનાક્રમમાં સવાર અને સાંજ પડે છે. પણ એવું ક્યારેક નથી લાગતું કે આજની સવાર તો મારા માટે જ ઊગી છે? એવી સવાર ઉલ્લાસનો ઉત્સવ લઈને આવતી હોય છે. તો ક્યારેક એવું પણ થાય કે આ અંધારઘેરી રાત પછીની સવારની રાહ જોવામાં એવું લાગે કે જિંદગી આખી વિતી જશે આમ જ સવારની પ્રતીક્ષામાં, પણ એ કદીયે આવવાની નથી! ઉત્સાહ, ઉદાસી, આશા, નિરાશા આ બધાંને એની રીતે પોંખતી પોંખતી સવાર આવે છે ત્યારે મનની સ્થિતિ પ્રમાણે સવારનો મૂડ લાગે છે અને એના હિસાબે એના એ જ ઘરની દીવાલો, છત, બારી, બારણાં સહિત બધું જ જુદું લાગવા માંડે. એમ લાગે કે ઘર નવા ચહેરે રોજ સવારે આપણને આવકારે છે! આપણું જ ઘર કંઈ કેટકેટલાં નવા આયામો લઈને આપણી સમક્ષ રોજેરોજ ઉઘાડ પામતું હોય છે?

યાદ આવે છે, નિદા સાહેબ,

“બાંધ રખા હૈ કીસી સોચને ઘર સે હમકો,
વર્ના ઘર કી દરો દિવાર મેં રખા ક્યા હૈ?”

સાગરમાં ડૂબવું કે તરી જવું એ બેઉ પરિસ્થિતિમાં Constant – અવિચલ, સ્થાયી સ્વરૂપે જો કંઈ હોય તો તે સાગર છે. અનેકવાર જિંદગી એવા મોડ પર આવીને ઊભી રહી જાય છે કે એમાંથી ઉગરવાનો જેટલો પણ પ્રયાસ કરો, સફળતા નથી મળતી. જેમ જેમ આ દશામાંથી બહાર નીકળવાના પ્રયાસો કરો તેમ તેમ, વમળમાં અંદર અને અંદર ખેંચાતાં જ જઈએ છીએ. તે સમયે આત્મવિશ્વાસ જ સાથ છોડી દે છે તો બહારનાં લોકોની તો શી વાત કરવી? પણ જ્યારે પ્રેમના સાગરમાં ગળાડૂબ હોઈએ ત્યારે એ ડૂબવાની મઝા વર્ણવતાં પણ વર્ણવી શકાય નહીં. ત્યારે, પ્રેમના વમળોમાં ઘૂમરીઓ ખાનારાંને એમ જ લાગે છે કે “મહીં ડૂબ્યા તે મહાસુખ માણે..!” ડૂબતી અને તરતી વખતે સાગર કેવો લાગે છે એની વાત તો બાજુ મૂકીએ પણ ડૂબવા- ડૂબવાનાં કારણો અને હાલતમાં જ સમંદર જુદો જુદો ભાસે છે. સમુદ્રમાં તણાતાં હોઈએ અને ઉગરી જવાનો કોઈ રસ્તો ક્યાંય દેખાતો ન હોય, ત્યારે અચાનક, એક તરણું મળી જાય તો એના સહારે આખો ભવસાગર પાર કરી જવાય છે. એ વખતે મનમાં એક છાનો હાશકારો હોય છે. પણ, આપણે આપણા પ્રિયપાત્ર વિના જો માઈલો લાંબો સાગર ખેડી જઈએ તો આપણી તરવાની સિદ્ધિની ખુશી પર, પ્રિયજન વિના ગુજારેલી સફરનો રંજ, આપણને તરવાની આ પ્રક્રિયામાંથી મળેલી Accomplishment – પરિપૂર્ણતાને માણવા નથી દેતો.

“અકેલે હમ દરિયા પાર ભી કર લેં તો ક્યા બાત હુઈ
આપ સે જાતે જાતે ભી યહાં ન કોઈ મુલાકાત હુઈ!”

એમના વિના એકલા આખો દરિયો પાર પણ કરી ગયા તો કઈ મોટી વાત થઈ જશે? આ સફર પર એકલા જતા પહેલાં પણ, એમને મળી ન શકાયું એનું દુઃખ, દરિયો તરી ગયાના સંતોષ પર પાણી ફેરવી દેશે.

આપણે એક એવા ભ્રમમાં જ જીવતાં હોઈએ છીએ કે બધાં જ મારી વાત કરે છે. બધાં જ સતત જોયા કરે છે કે હું શું કરું છું. એટલું જ નહીં, પણ આપણે એમ પણ આપણી જાતને ભરોસો અપાવી દઈએ છીએ કે લોકોને આપણી ઈર્ષા છે. “મારી વાત કરવાની કોની હિંમત છે” એવું આપણી જાતને ઠસાવી દઈએ છીએ પણ એ ખબર નથી કે ઈશ્વર સિવાય કોઈની નજર પણ આપણા પર નથી, કોઈ બીજું ધ્યાન આપવાનું પણ નથી. આ કોઈથી ડરવાનો અને લોકોને ભય પમાડીને જીવવામાં એ ભૂલી જવાય છે કે આપણે આપણા જ પોતાના ડરનો શિકાર બનતાં હોઈએ છીએ. જીવનના અલગ અલગ તબક્કા પર, આ અલગ અલગ ભય લાગે છે, ક્યારેક આબરૂનો, ક્યારેક જે લૌકિક અને ભૌતિક શોખ સામગ્રી છે તે ખોવાનો, તો ક્યારેક વિરહનો જ નહીં, પણ મિલનનો અને પ્રેમ કરવાનો પણ ડર લાગતો હોય છે. એટલું ઓછું હોય તેમ માણસને પોતાના ઘરના આરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને પણ ડર લાગે છે કે હું કદાચ સાચે સાચ મને પામી જઈશ તો અથવા તો, ન કરે ને નારાયણ, મને જ હું નહીં મળી જઈશ તો? ફરાગ રુહ્વી નો શેર યાદ આવે છે;

“દેખા જો આયના તો મુઝે સોચના પડા
ખુદસે ન મિલ સકા તો મુઝે સોચના પડા!”

આ ભયનો ઓછાયો પોતાને પોતાની સાથે ન તો જીવવા દે છે અને ન તો જિંદગીને જીરવવા દે છે. એક ચોક્કસ સમયમાં અનેક ભાવ સાથે અનેક જાતના પાત્રો ભજવતાં, આપણે જીવી જવાનું હોય છે, આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી. કોઈક એવી ક્ષણો પણ આવે જ્યારે ‘જિંદગી ગુલઝાર હૈ” લાગે, તો ક્યારેક એમ થાય કે આ વેરાન જીવનમાં ફૂલના નામે કાંટા પણ નસીબ નથી થતાં! સમયને બધી જ ખબર છે તો આ ખરેખર અહીં કવિ કહે છે એમ, કોઈ મોટું કાવતરું ક્ષણો રચી રહી છે? કેમ શ્વાસે શ્વાસે સમય પણ અલગ અલગ અનુભવની વણઝાર લઈને આવે છે, કે જેથી કોઈ રીતે કાળના સિપાહીઓ સમી પળોને પકડીને સજા ન આપી શકાય?

“સ્વભાવ જેનો જીવનમાં કદી ન બદલાયો
બધી ગઝલમાં એ શાયર અલગ અલગ લાગે”

આ ગઝલનો આ છેલ્લો શેર પણ કવિ ભાવેશ ભટ્ટનો “સહી-સિકા”વાળો છેલ્લો શેર છે. સ્વભાવ એટલે કે પ્રકૃત્તિ તો પ્રાણ છે ત્યાં સુધી તો બદલાવાની નથી પણ આ તો શાયરની વાત છે, દરેક ગઝલમાં એ અલગ મિજાજમાં ઢળી જાય છે અને આમ, માત્ર પોતાના જ કે ઈશ્વરના જ નહીં, પણ, સમસ્ત જગતના અલગ અલગ પાસાને ઉજાગર કરવાનો જાદુઈ કિમિયો વાપરીને ગઝલના કેલિડોસ્કોપમાં નિતનવા રંગોની ભાત બતાવે છે. શાયર એક અનોખી, અલગ અલગ સૃષ્ટિનું શબ્દો વડે સતત સર્જન કરતો રહે છે અને એ રીતે એ ઈશ્વરની અને એની સર્જેનક્રિયામાં એક પ્રકારનું સામ્ય છે. આ વાત અધ્યાહાર રાખીને, ગઝલનો આ છેલ્લો શેર, આખી ગઝલને ઉન્ન્ત શિખર પર લઈ જાય છે.

1 thought on “‘અલગ અલગ લાગે’ કવિશ્રી ભાવેશ ભટ્ટ – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

  1. શ્રી ભાવેશ ભટ્ટ ની રચના અલગ અલગ લાગેનો સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનો સ રસ આસ્વાદ
    “અકેલે હમ દરિયા પાર ભી કર લેં તો ક્યા બાત હુઈ
    આપ સે જાતે જાતે ભી યહાં ન કોઈ મુલાકાત હુઈ!” એમના વિના એકલા આખો દરિયો પાર પણ કરી ગયા તો કઈ મોટી વાત થઈ જશે? વાત વધુ ગમી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s