પુરુષોત્તમ ઉપાધ્યાય
“અય ઝિંદગી ગલે લગા લે!”
નંદિની ત્રિવેદી
જીજીવિષા. આ શબ્દનો ખરો અર્થ આ કોરોનાકાળમાં દરેકને સમજાઈ ગયો છે. જિંદગીથી વિશેષ કશું જ મહત્વનું નથી અને જિંદગી ટકાવવા સારા સ્વાસ્થ્યથી અગત્યનું કંઈ નથી એ સત્ય સામે આવી ગયું છે. જાન હૈ તો જહાન હૈ! આખી દુનિયા મહામારીના કટોકટી કાળમાંથી પસાર થઈ રહી છે. એક સૂક્ષ્મ વાયરસની સામે ઝઝૂમી રહી છે. કેટલાય યોદ્ધાઓ એને હરાવીને, વિજેતા બનીને, વિજયતિલક સાથે સ્વગૃહે પાછા ફર્યા છે. સલામ છે આ બધાં વોરિયર્સને.
આજે આવા જ એક યોદ્ધા, આપણા સૌના માનીતા, લાડીલા, પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો વિજયદિન ઉજવવો છે. કારણ કે આજે એમનો જન્મદિન છે. સંક્રમિત રોગને પરાસ્ત કરીને એમણે નવજીવન મેળવ્યું છે. સ્વાતંત્ર્ય દિને જેમનો જન્મ થયો હોય એમને ભલા કોણ બાંધી શકે? પુરુષોત્તમભાઈ, સૌથી પહેલાં તો આપના અઢળક ચાહકો, શ્રોતાઓ વતી જન્મદિવસની અનંત શુભકામના. તાજેતરમાં જ તમે મહાવ્યાધિ કોરોનાને મ્હાત કરીને એક યોદ્ધાની જેમ બહાર આવ્યા છો. સંગીતની તમારી આસમાનને આંબતી સિદ્ધિઓ, તમારા સેંકડો લોકપ્રિય સ્વરાંકનો, સંગીતજગતના તમારા અનુભવો, તમારા ગુરુજનો, સ્વજનો વિશે તો કેટલીક મુલાકાતોમાં આપણે વાતચીત કરી જ છે. ગીતના શબ્દોને ઉઘાડી આપીને સંગીતની બારીકીઓ સરળ-સહજ રીતે સંગીતચાહકો સુધી તમે પહોંચાડી આપી છે. બાળ નટથી સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની રોચક સફરથી ઘણા ચાહકો પરિચિત છે. પરંતુ, આજે વાત કરવી છે તમારી જિંદગી વિશે.
પુરુષોત્તમભાઈ સજ્જ છે આ વિશે વાતચીત કરવા. ફોન કરતાં જ એમનો ફ્રેશ અવાજ સંભળાય છે.
“ઘરમાં સૌથી પહેલાં મારાં પત્ની ચેલનાને આ વ્યાધિનાં લક્ષણો દેખાયાં હતાં. એની કેવી રીતે સારવાર કરવી, હોસ્પિટલમાં દાખલ કરવી કે નહીં એ બધી ધમાલમાં અમે હતાં. બહારથી કોઈને બોલાવાય નહીં એટલે દીકરી-જમાઈઓ બધી મહેનત કરે. હજુ ચેલનાને દાખલ કરી ત્યાં મને તાવ ભરાવા લાગ્યો. મને પણ સીધો હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો. શારીરિક નબળાઈ વધતી જતી હતી પણ મન મક્કમ હતું. આ વ્યાધિમાં મનની શક્તિ જાળવી રાખવી બહુ અગત્યની હતી. હોસ્પિટલની રૂમમાંથી ફક્ત નિર્જન રસ્તો દેખાય અને દિવસમાં એકાદ-બે વાર ડોક્ટર-નર્સની વિઝિટ. ફક્ત જાત સાથે જ જીવવાનું હતું.”
“તમે મિસ શું કરતા હતા?” પ્રશ્નના ઉત્તરમાં કહે, “મારો સવારનો રિયાઝ. મારી સવાર સંગીતના સૂરોથી જ પડે. હોસ્પિટલમાં તો સર્જિકલ સાધનો જ જોવા મળે એમાં હું મારો તાનપુરો ક્યાં શોધું? મારા પરિવારને મિસ કરતો હતો. દીકરીઓ વિરાજ-બીજલ સાથે વિડિયોકૉલથી સંપર્કમાં રહેતો હતો. ક્યારેક કોઈ મિત્ર સાથે પણ વાત કરી લઉં. પરંતુ, અશક્તિને કારણે ઓછી વાતચીત કરતો. 21 દિવસ હું હોસ્પિટલમાં રહ્યો. માંદગીમાં ડૉક્ટરો જ આપણા ભગવાન હોય છે. ઈશ્વર કૃપા અને ડૉક્ટરોના સઘન પ્રયાસોથી મને નવજીવન મળ્યું છે. ફરી કાર્યરત થઈ જવું છે, પણ પછી વિચાર આવે કે કાર્યક્રમો તો થવાના નથી, છતાંય સંગીતમગ્ન તો રહેવું જ છે. ઓડિટોરિયમ્સ ફરી ધમધમતાં જોવાં છે. અમને કલાકારોને તાળીઓની ગૂંજ વિના ચેન ના પડે.”
“જીવન પ્રત્યેનો અભિગમ બદલાયો છે?” સવાલના જવાબમાં પુરુષોત્તમભાઈ એટલું જ કહે છે કે, “જીવનનું મૂલ્ય વધારે સમજાય છે. માનવતા કદી છોડવી નહીં. બાકી હવે તો એ જ કહી શકું કે રામ રાખે તેમ રહીએ. અમારે માટે અસંખ્ય શુભચિંતકોએ પ્રાર્થના કરી, શુભેચ્છાઓ મોકલી એ સૌના અમે ઋણી છીએ.”
“87મા જન્મદિવસે શું ઈચ્છા છે? ઉજવવાનું મન થાય છે?”
“એક જ ઈચ્છા છે કે કોઈને કોરોના ન થાય. જેમને થયો હોય એ બધાં જ સ્વસ્થ થઈ જાય. આખી દુનિયા પર મહામારીની આફત હોય તો ઉજવવાનું મન કેવી રીતે થાય? ઈશ્વરને પ્રાર્થના કે આપણે સૌ આ તકલીફમાંથી સુખરૂપ બહાર આવીએ.”
આપણે પણ એ જ ઈચ્છીએ છીએ કે તેઓ હંમેશાં સ્વસ્થ, વ્યસ્ત અને મસ્ત રહે અને આ સંકટ ટળે.
પુરુષોત્તમભાઈનાં ગીતો લતાજી, રફીસાહેબ, ઉષા મંગેશકર, સુમન કલ્યાણપુર જેવાં અગ્રગણ્ય કલાકારોએ ગાયાં છે. તાજેતરમાં લૉકડાઉન દરમ્યાન જ લતાજીએ હૈયાને દરબાર ગીત યાદ કરીને પુરુષોત્તમભાઈને ફોન કર્યો હતો અને યાદ કર્યું હતું કે એના રેકોર્ડિંગ વખતે પિયાનિસ્ટ ન આવવાથી પુરુષોત્તમભાઈએ પિયાનોવાદન કર્યું હતું. આ ગીત લતાજીએ લાજવાબ ગાયું છે. ગુજરાતી કલાકારો-શ્રોતાઓ તો પુરુષોત્તમભાઈની કલા પ્રત્યે અપાર આદર ધરાવે છે પરંતુ, બિનગુજરાતી કલાકારો પણ એમનું સન્માન કરે છે.
કબીર, તુલસીદાસ, વિવેકાનંદ જેવા લોકપ્રિય મ્યુઝિકલ મોનો એક્ટના અભિનેતા, ગાયક, કવિ, સ્વરકાર તથા સંગીત નાટક અકાદમીના ચેરમેન પદ્મશ્રી શેખર સેન પુરુષોત્તમભાઈ પ્રત્યે શુભકામના વ્યક્ત કરતાં કહે છે, ” સુગમ સંગીત ક્ષેત્રે પુરુષોત્તમભાઈ માત્ર ગુજરાતનું જ નહીં, ભારતનું ગૌરવ છે. નદીની રેતમાં…જેવાં એમનાં સ્વરાંકન મેં ગાયાં છે. ઉર્દૂ ગઝલ પણ એ જ લહેજા સાથે ગાય. એ આલા દરજ્જાના સંગીતકાર તો છે જ પણ વ્યક્તિત્વ હસમુખું. તમે એમની પાસે જાઓ તો તમારા દુઃખ ભૂલાવી દે. એમની પાસે બેસીએ તો એટલું હસાવે કે આપણે પ્રસન્ન થઈ જઈએ. ગુજરાતીઓમાં જેમ મુખવાસ હોય ને એમ પુરુષોત્તમ ઉપાધ્યાયને મળવું એ સુખવાસ છે.”
સુપ્રસિદ્ધ ગાયિકા ઉષા મંગેશકરે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું, “પુરુષોત્તમભાઈ માટે શું કહું? એમની સાથે તો અમારે જૂનાં સંબંધો છે. લતાદીદી, ભાઈ હ્રદયનાથ એમને માટે બહુ આદર ધરાવે છે. એમનું સૌપ્રથમ ગીત નેજવાને પાંદડે મેં ગાયું હતું. બહુ સરસ સ્વરાંકન છે. એ પછી તો એમના સંગીત નિર્દેશનમાં કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ મેં ગાયું હતું. એક આખું આલબમ મારાં ગુજરાતી ભાષાનાં ગીતોનું મેં કર્યું હતું એનું નામ ‘રંગ ડોલરિયો’ પુરુષોત્તમભાઈએ જ આપ્યું હતું. એમાં મેં એક ગીત ગાયું હતું ; એક ઝાડ માથે ઝૂમખડું ઝૂમખડે રાતાં ફૂલ રે રંગ ડોલરિયો. એમણે કહ્યું કે આ સરસ નામ છે ને મેં એ રાખી દીધું હતું. એ રેકોર્ડ બહુ ચાલી હતી. તેઓ કોરોનાને હરાવીને બહાર આવ્યા એ જ બહુ મોટી વાત છે. એમને જન્મદિવસની ખૂબ વધાઈ આપું છું કે, તુમ જિયો હઝારો સાલ!”
પુરુષોત્તમભાઈની બન્ને દીકરીઓ વિરાજ-બીજલ મા-બાપની પડખે ખડકની જેમ ઊભી રહી હતી. વિરાજ-બીજલ એમના અત્યંત પ્રેમાળ પિતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં કહે છે, “પપ્પા ઝડપથી એમના મૂળ મિજાજમાં પાછા આવી જાય એ જ આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છે. જિંદગીને એ બહુ ચાહે છે, સંગીતમાં હજુ કંઈક કરવું છે. જીવન પ્રત્યે એટલું બધું સકારાત્મક વલણ ધરાવે છે કે શારીરિક તકલીફો એમના મનોબળને હંફાવી શકતી નથી. હી ઈઝ અ ફાઈટર. એમણે સમાજને એટલું બધું આપ્યું છે તેથી જ એમની આ બીમારીમાં અનેક લોકોએ એમનાં ક્ષેમ કુશળ માટે પ્રાર્થનાઓ કરી છે. એમની સાથે વિતાવેલું બાળપણ કે જિંદગી તરફ પાછાં ફરીને જોઈએ તો એમણે અમને પુષ્કળ પ્રેમ આપ્યો છે કે અમે એમના પ્રેમના ભાર નીચે દબાઈ ગયાં છીએ. સંગીત તો જાણે એમની જનમોજનમની સાધના હોય એવું લાગે. ધીમે ધીમે માંદગીમાંથી બહાર નીકળી રહ્યા છે છતાં આજે પણ કોઈને એમનો ક્વોટ જોઈતો હોય, મુલાકાત લેવી હોય સદાય તત્પર. હી ઈઝ અ ‘પીપલ્સ પર્સન’. એમની તબિયતના સમાચાર પૂછવા કોઈ ફોન કરે તો વીકનેસ છે એવું નહીં કહેવાનું. મમ્મી મજાક પણ કરે કે, સારું તો એમ કહીશ કે એ તો મેરેથોન દોડવા તૈયાર છે. કહેવાનો આશય એ જ કે એમને ઝડપથી સાજાં થઈ જવું છે. એકલવ્ય જેવા એમના ભક્તો, ચાહકોએ ક્યાં ક્યાંથી અમને ફોન કર્યા છે. એમના જેટલી પોઝિટિવિટી અને હિંમત અમારામાં દસ ટકા આવે તોય ઘણું. ઈશ્વરને એમના સ્વસ્થ જીવનની અંત:કરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ.”
1972ની સાલથી મુંબઈના કિન્નરી વૃંદને સુગમ સંગીત શિખવાડતા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગૃહિણીઓને ગાતી કરી હતી. અત્યારે તો કિન્નરી વૃંદ વટવૃક્ષ બનીને ફૂલ્યુફાલ્યું છે. આ બહેનોએ સીડી પણ બહાર પાડી છે. પાશ્ચાત્ય સંગીતનું ક્વૉયર પ્રકારનું ગાન શિખવવાની શરૂઆત પુરુષોત્તમ ઉપાધ્યાયે જ કરી હતી. આ વૃંદ સાથે પહેલા જ વર્ષથી જોડાયેલાં રેખા સોલંકી, જે પુરુષોત્તમભાઈની ત્રીજી દીકરી સમાન છે એ જન્મ દિવસની શુભેચ્છા આપતાં કહે છે, “પુરુષોત્તમભાઈના સંગીતનો સૌથી વધુ લાભ અમને મળ્યો છે. 1972થી દર અઠવાડિયાની અમારી બેઠકમાં અમે પુરુષોત્તમભાઈ પાસેથી સંગીત-સાહિત્યનો જે ખજાનો મેળવ્યો છે એ અમૂલ્ય છે. સંગીત જ એમનું જીવન છે ને એ જ એમનો શ્વાસ. આજે પણ એમનું ગળું એટલું સરસ ચાલે છે તો પ્રભુને એ જ પ્રાર્થના કે અમને એમના સંગીતનો સતત લાભ મળતો રહે અને એ દીર્ઘાયુષ્ય ભોગવે.”
પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સમર્થ ગાયક-સંગીતકાર એ પરમ તત્વની દેન છે. સંગીતકલા પ્રત્યેનું આવું સમર્પણ અને સામર્થ્ય કોઈ એક વ્યક્તિમાં દેખાય ત્યારે એમની કલાથી શ્રોતાઓ ધન્ય થાય છે. હેપી બર્થડે પુરુષોત્તમભાઈ!
(સાભારઃ “મુંબઈ સમાચાર” “વીક એન્ડ – વિષેશ” સૌજન્યથી)
અહેવાલ વાંચીને બહુ ગમ્યું.
LikeLike
એહવાલમા આ વાત ગમી
૮૭મા જન્મદિવસે શું ઈચ્છા છે? ઉજવવાનું મન થાય છે?”
“એક જ ઈચ્છા છે કે કોઈને કોરોના ન થાય. જેમને થયો હોય એ બધાં જ સ્વસ્થ થઈ જાય. આખી દુનિયા પર મહામારીની આફત હોય તો ઉજવવાનું મન કેવી રીતે થાય? ઈશ્વરને પ્રાર્થના કે આપણે સૌ આ તકલીફમાંથી સુખરૂપ બહાર આવીએ.”
જન્મદિનની હાર્દીક શુભકામના પુરુષોત્તમભાઈ!
LikeLiked by 1 person