પ્રાર્થનાને પત્રો – (૮૩) – ભાગ્યેશ જહા


[૮૩] પ્રાર્થનાને પત્રો… 

પ્રિય પ્રાર્થના,

વરસાદ પડ્યો, એનો અડાબીડ આનંદ છે, ઘરનું આંગણ જલાંગણ બની ગયું છે. વૃક્ષો નાહીધોઈને ઉભા છે, કોઇ સ્કુલબસની રાહ જોતાં બાળકોની જેમ. બાજુમાં રીનાને ત્યાં બાંધકામ, ઘરને ઊંચું લઈ જવાનો એક પ્રયાસ, ચાલે છે, એટલે મચ્છરોની એક નવી પેઢી તૈયાર થઈ ગઈ છે. જો કે એના આનંદ કરતાં ડર [તાવ આવવાનો] વધુ છે, પણ એ તો બધું ચાલ્યા જ કરશે. મઝા તો પાછી પે’લી ત્રણ ભેંસો વહેલી સવારે નીકળી તેની છે. પાંચ વાગ્યાનું ભીનું અંધારું, બાજુના ઘરબાંધકામમાંની રેતીમાં ઘુસી જતાં ફોરાં, એનું થોડું અનિર્દોષ ફસાવવું, ઘુસવું..રેતી ચાળવા લાવેલા મોટા ચાળણાની મશ્કરી કરતાં જળબિંદુઓ, અને કપચી પર કુકા રમવા આવેલી જળક્ન્યાઓ. આવું રમતવલોણું ચાલતું હોય ત્યારે છત્રી વગર નીકળેલી આધેડ ઉંમરની ત્રણ ભેંસો, પુરતી જડ, લાઈનબદ્ધ અને દિશાઓનું ભાન છે એવા ઠાવકા ભાવ અને ભાન સાથે જતી ત્રણ ભેંસો. તેં મારી ‘એકદા નૈમિષારણ્યે.. ‘ વાળી ભેંસ કવિતા તો સાંભળેલી જ છે. જાણે સાક્ષાત ત્રિગુણાત્મક માયા જગતને ચાલું કરવા નીકળી હોય તેવું લાગે. ક્યારેક તો હીનોપમા આપવી હોય તો આપણે એરપોર્ટ પર બૉર્ડીંગ ચાલું થાય તેની રાહ જોતા હોઇએ અને એ વખત કેપ્ટન અને ક્રુમેમ્બર્સ વિમાન ચાલું કરવા માટે જતા હોય તેવી રીતે, પણ તેનાથી બિલકુલ વિપરીત એવી જ્ઞાનવસ્થા કે જાગૃતિ સિવાય નીકળતી ભેંસો આછા અંધારામાં એક કેડી પાડી રહી છે. પણ, આ બધામાં ચોમાસું આવ્યાનો પુષ્કળ આનંદ છે.

હા, તને કહેલું, એક દિવસની રાષ્ટ્રીય ગોષ્ઠીમાં મારે સારસ્વત અતિથિ તરીકે બોલવાનું હતું, સારું રહ્યું. વિષય હતો, ભવિષ્યાય સંસ્કૃતં…. ભવિષ્ય માટે સસ્કૃત… જો કે ઘણા બધા વક્તાઓ એક પ્રકારના મનોભાવોને કારણે સંસ્કૃતના ભવિષ્ય વિશે જ બોલ્યા. મેં તો વિષયને વફાદાર રહીને વાત કરી.

પહેલો મુદ્દો તો એ છે કે જગતમાં જે લોકો છાશવારે ‘સંસ્કૃતનું ભવિષ્ય શું છે?’ એવા પ્રશ્નો પૂછે એમને પૂછવા જેવું છે, ‘ભાઈ, તમારું ભવિષ્ય શું છે?”  કારણ આ પ્રશ્ન અગત્યનો છે. મનુષ્યજાતિ એ.આઇ. [આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ] (જેને હું સંસ્કૃત અને ગુજરાતીમાં ‘યંત્રપ્રજ્ઞા’ કહું છું), અને આઈ.ઓ.ટી. [ઇન્ટરનેટ ઑફ થીંગ્સ] (અને આ વિજ્ઞાનને ‘પદાર્થાનાં અંતર્જાલં ‘). મૂળ વાત તો એ છે આવનારા પાંચ દશ વર્ષમાં આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ થકી આવનારા વ્યાપક ફેરફારોને લીધે ઘણી બધી સંસ્થાઓ અને કાર્યો અપ્રસ્તુત બની જશે. ડોક્ટરોમાં મને લાગે છે રેડિયોલોજિસ્ટનું ઘણું બધું કામ મશીનો કરવા માંડશે. અર્થાત એક પ્રકારની અંધાધુંધી અને અવ્યવસ્થા અથવા તદ્દન નવી વ્યવસ્થા ઉભી થશે. એટલે તદ્દન અજાણ્યા ભવિષ્યને ‘હેન્ડલ’ કરવાની શક્તિ માત્ર સંસ્કૃત આપી શકશે. આજે પણ આપણે જોઇએ છીએ કે વ્હૉટસ-એપ જેવી સુવિધાઓ અને વળગણને કારણે આપણે મનની સ્થિરતા ગુમાવી રહ્યા છીએ. બાળકોને હવે લખવાને બદલે કી-પેડ પર કામ કરતા શીખવવું પડશે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે સંસ્કૃત અનેક રીતે ઉપયોગી થઈ શકશે.

ત્રણ ઉપાયો સંસ્કૃતમાં છે, એક, સંસ્કૃત વ્યાકરણ ખુબ જ વૈજ્ઞાનિક હોવાથી તમે સાવધાનીપૂર્વક એનું ભણતર કરશો તો તમારી મનની શક્તિઓ અકબંધ રહી શકશે. સાથે સાથે જેને ‘પ્રોસેસીંગ અને રીટ્રાઇવલ’ કહીએ છીએ એ પણ વાક્યરચના અને વ્યાકરણના ‘એપ્લિકેશન વિજ્ઞાન’થી માનસિક શક્તિઓ અકબંધ રહેશે એમ નહીં, પણ એનો વિકાસ પણ થઈ શકશે.

બીજી, અગત્યની બાબત છે, એ મનોધૈર્ય અને મનોસ્થૈર્ય. મનની સ્થિરતા માટે, ધ્યાન, યોગ, નિદિધ્યાસન જેવા પ્રયોગોની ઉપયોગિતા વધવાની છે.

ત્રીજી બાબત, સંસ્કૃતમાં સમાયેલા અગાધ જ્ઞાનસાગરમાં જીવનના અગત્યના મૂલ્યો પડેલાં છે, ઉપલબ્ધ છે. તત્વજ્ઞાનમાં ‘અનુભવજન્ય અધ્યાત્મ’નું ભારે મહત્ત્વ છે, એટલે ‘આધિકારિક સંસ્કૃત’ની આવતીકાલે ખુબ જ જરૂરત ઉભી થવાની છે.

એક જુદા કેંદ્રબિંદુથી વિચારીએ તો વિવિધ વિધ્યાશાખાઓમાં જે રીતે ‘રીસર્ચ થઈ રહી છે તે પ્રમાણે પ્રાચીન અને અર્વાચની જ્ઞાનપધ્ધતિઓ અને તર્કપ્રણાલીઓનું એક સમન્વિત સ્વરૂપ વિકસાવવું પડશે. આ એક અગત્યનું ક્ષેત્ર છે જેમાં સંસ્કૃતમાં સમાવિષ્ટ વિવિધ જ્ઞાનશાખાઓને આધુનિક જ્ઞાન સાથે તેની વિચારવિકાસની પધ્ધતિઓ અને પરંપરાઓને જોડવામાં આવે. આ બધી જ્ઞાનધારાઓ આધુનિક મેડીસીન, આર્કીટેક્ચર, સંગીત, રસાયણ અને ભૌતિકશાસ્ત્ર જેવા ઉપરાંત સંગીત અને કલાની અનેક નૂતન પ્રકલ્પોને સંસ્કૃતજ્ઞાનથી સમૃદ્ધ કરી શકાય એમ છે.

એક અન્ય દ્રષ્ટિએ જોઇએ તો શાસ્ત્રીય સંગીત અને નૃત્ય મનને શાંતિ આપી શકે તેવી તાકાત ધરાવે છે. પ્રાચીનકાળમાં થયેલા પ્રયોગોને આધારે જીવન અને આરોગ્ય માટેના કેટલાક અગત્યના જીવન સિદ્ધાંતો સંસ્કૃત થકી જાણી શકાય તેમ છે.

સૌથી અગત્યનો મુદ્દો આપણી ઓળખનો છે. સંસ્કૃત આપણી ઓળખ છે. ભારતમાં એના નામથી માંડીને એવું કશું નથી જેમાં સંસ્કૃતની એક ભાષા તરીકે અને સંસ્કૃતિના પ્રાણબળ તરીકે ઉપસ્થિતિ ના હોય.

આમ, એક ખુબ જ અગત્યની ગોષ્ઠી ગુજરાત પ્રાંત સંસ્કૃતભારતી તરફથી યોજાયેલી, તેમાં શ્રીશ દેવપૂજારી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા ઉપરાંત શ્રી હિમાંજય પાલીવાલ અને ફિલ્મકલાકાર મનોજ જોશી ઉપસ્થિત રહેલા.

વધુ ફરી ક્યારેક,

ભાગ્યેશ.

જય જય ગરવી ગુજરાત.

2 thoughts on “પ્રાર્થનાને પત્રો – (૮૩) – ભાગ્યેશ જહા

 1. આજના લેખમાં ભવિષ્યમાં સંસ્કૃત ભાષાની ભૂમિકા વિશે ખૂબ સરસ માહિતી આપી. સંસ્કૃત ભાષા તો છે જ. તેનો અર્થ સંસ્કાર અને જ્ઞાન સમૃદ્ધ માણસ અને સમાજ એ સંસ્કૃત સમાજ એવો પણ છે.ભવિષ્યમાં જ્યારે ભાગ્યેશ ભાઇ કહે છે તેમ અનુભવજન્ય તત્વજ્ઞાન માનવ સમાજ માટે અનિવાર્ય બનશે ત્યારે સમસ્ત વિશ્વનું કલ્યાણ સંસ્કૃત ભાષાનો આ વૈભવશાળી જ્ઞાનભંડાર જ કરશે.

  Liked by 1 person

 2. પ્રેરણાદાયક પત્રોમા આજે ‘ભેંસ કવિતા’ વાતે યાદ…
  કવિશ્રી જ્યોતીન્દ્ર દવેએ ન્હાનાલાલના ‘એ કોણ હતી?’ કાવ્યની પૅરડી રચી છે. ડોલનશૈલીની મજાક તો તેમાં છે જ, વૈભવી વાણીમાં મોટો પ્રારંભ કરી ઊંચી જિજ્ઞાસા જગાવી છેવટે સામાન્ય અંત લાવી અસરકારક હાસ્ય સર્જ્યું છે.
  સારાય જગતને પોષતી,
  માનવભાગ્યની કલ્યાણ પ્રેરતી,
  મસ્તક વડે પ્રેરણા પ્રેરતી,
  એ તો હતી મહિષી,
  એક મીઠી ભેંસલડી!
  સમ્સ્કૃત વાતે-સંસ્કૃત ઊમિર્કાવ્યોનું સાહિત્ય પ્રમાણ તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ એટલું સમૃદ્ધ છે કે જગતના ઉત્તમ સાહિત્યમાં તેને સહેજે સ્થાન આપી શકાય. તેમાં જે સંવેદનશીલતા, ભાવોની સુકુમારતા, ભાષાસામર્થ્ય, લાઘવ અને વ્યંજકતા પ્રતીત થાય છે તેને કારણે કાવ્યરસિકોને માટે તે એક અક્ષયનિધિ બની રહે તેમ છે

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s