વૅલ, મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે જો તમે આંખ,નાક,કાન,મગજ અને હૃદય સચેત રાખીને કોઈપણ જગ્યાએ લટાર મારવા નીકળો તો કશુંક તો એવું મળે જ,જે તમારી પાસે અત્યાર સુધી નહોતું!
હું હમણાં ઘરની બહાર નીકળી,ચોખા અને વટાણા લેવા. એક રીતે આ બધું કરિયાણું અને શાકભાજી ખરીદવા નીકળવું એ સખત બોરિંગ કામ છે, મને તો લાગે છે. પણ..પણ..પણ.. આજે જે બન્યું એ થોડું હટકે હતું.
હું એક કરિયાણાની દુકાનમાં ગઈ. ઓનેસ્ટલી, મને દાળ-ચોખામાં બહુ ખબર પડતી નથી પણ,ચોખા જેટલા જૂના હોય એટલા સારા એવું સાંભળ્યું છે. એટલે મેં દુકાનમાં હાજર આન્ટીને કહ્યું ‘આઈ વોન્ટ બાસમતી રાઈસ ફોર ટેસ્ટિંગ. કેન યુ પ્લીઝ ગીવ સમ 200 ગ્રામ્સ?’ અને આન્ટી બોલ્યા ‘ અય્યો અમ્મા.. લૂઝ રાઈસ ઇલ્લેયા!’ અને મારું મોઢું પડી ગયું. છૂટક ચોખા એમની પાસે નહોતા. મારે વટાણા પણ લેવા હતા,અહીં બધી જ દુકાનો પર કરિયાણું, શાકભાજી,પાણીની મોટી બોટલ,પ્લાસ્ટિકની વસ્તુઓ.. બધું જ મળે. અને દર ત્રીજી દુકાન આની જ હોય! મારું દુઃખી મોં જોઈને બિચારા આન્ટી પણ દુઃખી થઈ ગયા. મેં થોડા વટાણા લીધા,તો એ કહે કે પાંચ રૂપિયા! મારાથી બોલાઈ ગયું,આર યુ શ્યોર? એ હસીને તમિલમાં કૈંક બોલ્યા,એનો મતલબ હું એવો સમજી કે ચોખા તો છૂટક નથી,પણ વટાણા તો આપી શકું ને?
એમણે ચોખા માટે બીજી દુકાન બતાવી,અને કહ્યું ત્યાં મળી જશે. હું ઇશારાથી જોકે બધું સમજતી હતી. ત્યાં એક ઘરડા કાકા આવ્યા,એમણે અમુક વસ્તુઓ લીધી. ડુંગળી ને બધું ભારે-ભારે ઉંચકતા એમના હાથ ધ્રુજતા હતા. મેં એમનો સામાન એમની થેલીમાં મૂકવા માંડ્યો,એમા મારું પર્સ જરાક કાકાને અડી ગયું. તો ઝાટકાથી મારાથી દૂર થઈ ગયા. મને નવાઈ તો લાગી,પણ કાકા દેખાવથી જ સખત કન્ઝર્વેટિવ લાગતા હતા એટલે હું કે મારી વસ્તુ એમને અડી ન જાય એવું ધ્યાન રાખીને એમની વસ્તુઓ મૂકી આપી ને હું નીકળી ગઈ.
બીજી દુકાનમાંથી ચોખા મળી ગયા,ત્યાં હું પૈસા ચૂકવતી હતી ત્યારે બીજી 3-4 સ્ત્રીઓ પણ ઉભી હતી,જે મેં કોઈ ગુનો કરી નાંખ્યો હોય તેમ મારી સામે જોતી હતી. પહેલા હું સમજી નહીં, પછી ધ્યાન ગયું કે એ બધાંએ સિલ્કની સાડી ચપોચપ પહેરી હતી અને અધમણ સોનુ લટકાવ્યું હતું,જ્યારે હું મારા રાષ્ટ્રીય પોશાકમાં એટલે કે કાગળિયા જેવા નાઈટ ડ્રેસમાં સજ્જ હતી! મને હસવું આવી ગયું અને હું ત્યાંથી નીકળી ગઈ.
ત્યાં જ સામેથી પેલા ઘરડા કાકા સાવ ધીમે-ધીમે ચાલતા આવતા હતા. હું એમની જ સામે જોઈ રહી હતી અને વિચારતી હતી કે કાકા સ્ત્રીઓ વિશે,છોકરીઓ વિશે શું ધારતા હશે? આ નવી પેઢી એમના માટે કેટલી અઘરી સાબિત થઈ રહી હશે? અને ત્યાં જ એમણે પણ મારી સામે જોયું. મને એમ કે મોઢું ફેરવી લેશે પણ ના.. એમણે સાવ નિર્દોષ સ્માઈલ આપી!
હવે મારા વિચારોની દિશા બદલાઈ ગઈ અને એટલામાં જ પાછળથી એક બાઇક આવતું હશે એનો મિરર મને ભટકાયો. મારાથી જોરથી બોલાઈ ગયું,’ડફોળ’! અને એ સાથે જ બાઇક પરથી પણ અવાજ આવ્યો ‘બીપ..બીપ…(ગાળ, યુ નો?)બાઇક ઉભું રહ્યું, આશરે ત્રીસેક વર્ષનો ‘ભઈલો’ હતો. મને પૂછ્યું ‘ગુજરાતી??’ અને મેં સામે પૂછ્યું ‘દિલ્હી સે હો ક્યા?’ સાચું પૂછો તો બંને ચોંકી ગયેલા. એણે હા પાડી અને બોલવા લાગ્યો કે આઈ એમ રિયલી સોરી મેડમ, વો ગલતી સે ગાલી નિકલ ગઈ..મેરા ઐસા કોઈ ઈરાદા નહિ થા.. વો મેં થોડા સ્ટ્રેસમેં થા..’ ને આજે મૂડ મારો સારો હતો,એટલે મેં સામે કહ્યું કે ‘ઇટ્સ ઓકે. મુજે દિલ્હીવાલોકા પતા હૈ. સો નો પ્રૉબ્લેમ.’ એને નવાઈ લાગી. અને પૂછ્યું, આર યુ શ્યોર? ઇતની જલ્દી ઔર સ્માઈલ કે સાથ કૌન માફ કર દેતા હૈ બે?’ પછી મને લાગ્યું કે આ નોટ એમ વાત પતાવશે નહીં, એટલે થોડું ગુસ્સામાં મેં કહ્યું ‘લાઇન નહીં માર રહી હું ભાઈ’સાબ! બોલાના કી માફ કિયા,અબ નિકલો!’
અને હું ચાલવા લાગી. તો એણે ફરી બૂમ પાડી અને કહ્યું,’બુરા મત માનના, લેકિન બહોત દિનો બાદ કિસી નોર્થ ઇન્ડિયનકી આવાઝ સુની યહાં પે, તો થોડા ઝયાદા બોલ ગયા મેં. સૉરી સિસ્ટર!’ અને એ બાઇક સાથે નીકળી ગયો.
મેં વર્ષો પહેલા એક જોડકણા જેવી કવિતા લખી હતી,જેમાં ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા અને લાલ-લાલ આંખોવાળા-પોતાના સપનાઓનો ભાર ન જીરવી શકતા છોકરાઓ વિશે લખ્યું હતું. આજે ખબર નહિ કેમ,પણ આ યુવાનમાં પણ એ જ ભાર વર્તાતો હતો. માણસ કેટલો એકલો થઈ જતો હોય છે, કે રસ્તે જતા કોઈ સાવ અજાણ્યું ભટકાઈ જાય તો એની સાથે પણ એની એકલતા ચાડી ખાઈ જાય?
બેફામ સાહેબની પેલી ગઝલ યાદ આવી ગઈ – ‘કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો? એને આખી કહાણી સુણાવી દીધી.. થાય સરખામણી તો ઉતરતાં છીએ..!’
તો હા,હવે મેં મગજમાં બરફ અને જીભ પર મીઠાશ રાખીને જ ઘરની બહાર નીકળવાનું નક્કી કર્યું છે.
~ Brinda
બ્રિન્દા ઠક્કર ની સ્ક્રીપ્ટઃ મુકામ Zindagi ની દિપલ પટેલની ખૂબ સરસ રજૂઆત
LikeLike
સરસ અનુભવકથા
LikeLike