એન્ડ્રુ – સુચિ વ્યાસ   


એન્ડ્રુ – સુચિ વ્યાસ   – (સત્ય ઘટના  પર આધારિત)

એન્ડ્રુ અમારી પાસે જાન્યુઆરી ૨૦OOમાં આવ્યો. આવતા પહેલાં અનેક Intake Interview Appointments ચૂકી ગયેલો. અમારી પૉલિસી પ્રમાણે દર અઠવાડિયાના અંતે એપોઇન્ટમેન્ટ પ્રમાણે ન પધારેલા દર્દીઓના ઘરે ફૉન કરી ભાવભીનું નવું નિમંત્રણ આપવામાં આવતું. એ જ વિધિસર મેં લગભગ ત્રણ મહિના સુધી નવી નવી એપોઇન્ટમેન્ટ આપેલી. છેવટે એન્ડ્રુના બાપા એક દિવસ દીકરાનો કાન ઝાલી અમારી પાસે આવી પહોંચ્યા. 

એન્ડ્રુ શાંત, શરમાળ, ઊંચો, પહોળો, જુવાનજોધ છોકરો. મુખ પર બાળક જેવું સ્મિત અને ૫૦૦- ૫૦૦ વૉટના ગોળા જેવી મોટી મોટી, બ્લુ દરિયા જેવી આંખો. છેલ્લા દસ વર્ષથી હેરોઇન અને કોકેઇનમાં ફસાયેલો છતાં એ ગભરુ બાળક જેવો દેખાય. ચોખ્ખા ચણાક બગલાની પાંખ જેવા સફેદ કપડાં પહેરે. આ પહેલા અનેક જગ્યાએથી ટ્રીટમેન્ટ લઈને નિષ્ફળતા પામતો પામતો થાકીને અમારી પાસે “બાળ ઊભો શિશુ ભોળો, દયામય મંગલ મંદિર ખોલો.’ કરીને આવકારેલો.

એન્ડ્રુની સારવાર ચાલુ થઈ, એન્ડ્રુને અઠવાડિયામાં ત્રણ વાર ત્રણ- ત્રણ કલાકના ગ્રુપમાં અને એક કલાક અંગત રીતે, એમ કામ ચાલુ કર્યું. બહુ સાદી, સીધી ભાષામાં કહું તો ભાંગેલા, હારેલા, થાકેલા માણસને ફરીથી બેઠો કરવાની વાત. તાવ-શરદી હોય તો ઠીક બે ચાર દિવસ ઍન્ટિબાયોટિક અને ટાઇલિનોલ આપો ને વાત પૂરી! આ તો માંયલો સુધારવાની વાત! બંધ હૃદય- બુદ્ધિની ચાવી શોધતાં છેક પાતાળમાંથી મરજીવાની જેમ મોતીડાં કાઢવાં પડે.

એન્ડ્રુ કહ્યાગરો બહુ. એના સમયસર ગ્રુપમાં આવી પહોંચે. કૅથોલિક સ્કૂલમાં ભણેલો. એટલે ઉપરછલ્લી વાતોનો દાદો. (“Good Morning, How are you?”)માં પાછો ન પડે. દફતર, પાટી પેનના બદલે એક નોટબુક અને ત્રણ-ચાર ધારદાર પેન્સિલ લઈને ગ્રુપમાં એક ખૂણામાં લગભગ સંતાઈને બેસે. બને ત્યાં સુધી પોતાની જાત આજુબાજુના ગ્રુપ મેમ્બરની વચ્ચે ઓગળી જાય એવી રીતે ગોઠવે. કોઈની સાથે વાતચીત ન કરે. ગ્રુપમાં થતી વાતચીત (ટોપિક કે ડિસ્કશન) વગેરેમાં ભાગ ન લે. બસ, બેઠો બેઠો અનેક ચિત્રો દોરે. તમે જો આ ચિત્રો જોવા માંગો તો ગ્રુપ પત્યા પછી ઊભો ઊભો બધાં ચિત્રો બતાવે. પણ મોઢું બંધ! આંખો સાવ ભાવશૂન્ય !!

એનાં ચિત્રોમાં લગભગ હાડપિંજર, ખોપરી અને ભડકે બળતી આગના દર્શન થાય. એન્ડ્રુની ચિત્રશૈલીથી ક્યારેક પ્રભાવિત થવાય તો ક્યારેક રડવું આવી જાય. ચિત્રકલામાં દાદો. ફક્ત એક બે નાની મોટી પેન્સિલમાંથી કેટલાયે જુદાજુદા શેડ્ઝ ઉપસાવે. એન્ડ્રુ જો તમને સવારે વેઇટિંગ રૂમમાં મળે તો દોડીને ગુડમૉર્નિંગ કહે. બાળકની જેમ ભેટી ભેટીને વહાલથી નવરાવી દે. પણ આ જ એન્ડ્રુ પાંચ મિનિટ પછી ગ્રૂપ રૂમમાં જુદા જ સ્વરૂપે દર્શન આપે.  સાવ તાળું, મોઢું બંધ! સતત છ મહિના પછી ગ્રુપમાં કોઈ પણ વિકાસ ન થતાં મેં એને બીજી થેરાપિસ્ટ પાસે ટ્રાન્સફર કર્યો. કોઈ પણ જાતની માથાકૂટ વગર એન્ડ્રુએ એ વાત સ્વીકારી લીધી.

નવી થેરાપિસ્ટને પણ મારા જેવી જ લમણાઝીક થાય. હંમેશ મુજબ એન્ડ્રુની બોલતી બંધ, જીભડી બંધ, ફક્ત ચિત્રો. એન્ડ્રુના ચિત્રો વિષે અમારી ક્લિનિકના તમામ સ્ટાફ મેમ્બરોએ જાતજાતનું વિશ્લેષણ કરેલું કે ભડકે બળતી આગ, હાડપિંજર, ખોપરીઓ દ્વારા ઍન્ડ પોતાનો ભારેલા અગ્નિ જેવો ગુસ્સો પ્રદર્શિત કરતો હોવો જોઈએ. નવી થેરાપિસ્ટે એન્ડ્રુના મા-બાપને બોલાવ્યા, ફેમિલી સેશન્સ કર્યા.

નવા પ્રયોગનો જવાબ મળ્યો કે આખા કુટુંબને ઍન્ડ્રની જેમ બોલાવે, પણ તાળા સજ્જડ! ઘણા પ્રયત્નો બાદ એટલો પ્રકાશ પડ્યો કે એન્ડ્રુ અનેક Psychiatrist પાસે Treatment કરી ચૂક્યો છે અને ક્રોનીક ડિપ્રેશનથી પીડાય છે. નવી થેરાપિસ્ટના કહેવા મુજબ, આ એક મિનિસ્ટર (પાદરી) નો દીકરો છે, મા શિક્ષક છે. મને લાગે છે કે એના પિતાને ચર્ચના કામમાંથી ઘરમાં આપવા માટે સમય નથી મળતો. મા-બાપ વચ્ચે પણ કોઈ વાર્તાલાપ થતો એન્ડ્રુએ અનુભવ્યો નહોતો. ઘરમાં સ્મશાનવત શાંતિ રહેતી. દર રવિવારે ઠાઠમાઠથી તૈયાર થઈ મોઢા ઉપર એક સુંદર આછું સ્મિત છાંટીને, -Picture Perfect – બનીઠનીને કુટુંબ સાથે ચર્ચની સર્વિસમાં જાય. તે દરમિયાન પ્રાસ્તવિક (“Hi, How are you, Good Morning, bless you, peace be with you..”) સિવાય વધુ બોલવાની છૂટ મિનિસ્ટરોના (Picture perfect) બાળકોને હોતી નથી.

એક વાર એન્ડ્રુ બોલતા બોલી ગયેલો કે, “મારે તો મારા જેવા મિનિસ્ટરના બાળકોના સપોર્ટ ગ્રૂપમાં જવાની જરૂર છે. જ્યાં હું મારી મૂંઝવણો મારી જેમ પીડાતા માણસો સાથે રીલેટ કરી શકું.”

મારી સાથે એન્ડ્રુનો રોજે રોજનો રિશ્તો આમ છૂટી ગયેલો. બસ, પણ દોસ્તી પાકી થવા લાગેલી. સવારે જેવી હું ક્લિનિકમાં પગ મૂકું કે દોડતોક એન્ડ્રુ બાળકની જેમ મને આવકારે, ભેટી પડે, ક્યારેક એ મને ઊંચકી લે! અલકમલકની વાતો કરે. અમેરિકન. રિવાજ પ્રમાણે વેધર ઉપર પાંચ મિનિટ બોલે, નવા ચિત્ર દેખાડે. કુટુંબની, મિત્રોની, પોતાના કાકા મામાના છોકરાની વાતો કરે. વાત કરતાં કરતાં હાથ પકડી રાખે, મારા વાંસે હાથ ફેરવે. એન્ડ્રુને આમ હસતો, રમતો જોવાની મને બહુ મજા પડે. એકાદ દિવસ એન્ડ્રુ ન મળે તો જીવમાં ચટપટી થાય કે મારું વહાલું ગલૂડિયું, ભૂલકું રમાડ્યું નહીં. આમ મારી અને એન્ડ્રુની દોસ્તી (therapist/ client)ને બદલે મા- બાળક જેવી થવા લાગી.

કાલીઘેલી એવી વાતો કરતાં કરતાં એન્ડ્રુને હું ગ્રૂપના આર્ટસ પ્રોજેક્ટમાં (Art Consultant) તરીકે બોલાવતી. એન્ડ્રુ અમને મોટા, મોટા ભીંતચિત્રોથી માંડીને નાના નાના ચિત્રો દોરી આપતો. એન્ડ્રુ ઘરે જતાં પહેલાં અચૂક મારી ઑફિસમાં ડોકિયું મારે “Love you, mom” કહી હસીને જતો. હું એને કહેતી કે, “એન્ડ્રુ, તને એક મા ધરે છે અને એક જે કે ક્લિનિકમાં છે.” એન્ડ્રુ કહેતો કે, “હું રોજ રોજ મારી માને ચીડવું છું કે સુચિ મારી બીજી મા છે!”

બીજા સાત આઠ મહિના વીતી ગયા. મારી વેઇટિંગ લાઉંજની ભાઈબંધીમાં મને ખબર ન પડી કે એન્ડ્રુનો કેઇસ સુધરતો નહોતો. ઍન્ડ ચોક્કસ ગતિએ ડૂબતો જ હતો. પોતાની વાત, પોતાનું દુઃખ અંદર દાબવાની ટેવ ગઈ ન હતી. કોકેઇનને લીધે ડિપ્રેશન વધતું ગયું. તેની નવી થેરાપિસ્ટ નેન્સીએ એન્ડ્રને Long term Rehab એકવાર Hospitalમાં મોકલ્યો જ્યાં લગભગ ૯૦ દિવસની સારવારનું નક્કી થયું. પૅનસિલવૅનિયાના એક નૈસર્ગિક સૌંદર્યધામમાં આ હૉસ્પિટલ છે ત્યાં એન્ડ્રુ એક રૂપસુંદરીના પ્રેમમાં પડ્યો. પ્રોગ્રામ અને ટ્રીટમેન્ટને માર ગોલી.! એન્ડ્રુ રૂપસુંદરીને લઈને ભાગી ગયો. જિંદગીમાં પહેલીવાર સમાજ, મા-બાપ બધાની જંજીરો ફગાવી પોતાની અંદર રહેલો એન્ડ્રુ ઊભો કરવાની તમન્ના સાથે એન્ડ્રુભાઈએ રૂપસુંદરી સાથે એક ઍપાર્ટમેન્ટ ભાડે રાખ્યું. ‘ગાઇડ’ ફિલ્મના ગીતની ‘આજ ફિર જીને કી તમન્ના હૈ” ની જેમ, બસ, ધામધૂમે હનીમૂનમાં એન્ડ્રુને પહેલીવાર સમજાઈ ગયું કે જિંદગી જીવવા જેવી છે. રૂપસુંદરીને લઈ ફરી પાછો અમારી ક્લિનિકમાં આવ્યો. આમ બન્ને જણા સાથે ટ્રીટમેન્ટ લેવા આવે અને ઘરે જાય. એન્ડ્રુના મા-બાપે પણ રૂપસુંદરીથી આવેલા ઘરખમ ફેરફાર એન્ડ્રુમાં જોયા. મા, બાપ, ભાઈ, બેન, એન્ડ્રુ અને રૂપસુંદરી બધા ઉનાળામાં સહકુટુંબ, સહ પરિવાર, મિત્રમંડળ સહિત ન્યૂજર્સીના ઔશન સિટીમાં દસ- પંદર દિવસ માટે વેકેશનમાં ગયાં. એન્ડ્રુના કહેવા પ્રમાણે આખી જિંદગીનો જલસો કર્યો. પાછા આવી એન્ડ્રુએ મને વિગતવાર વાત કૂદી કૂદીને કહેલી. કહેતો હતો કે, “આ રૂપસુંદરીએ એને એન્ડ્રુ થવાની ચાવી આપી. અત્યાર સુધી હું મા-બાપનું રમકડું હતો. એ લોકો જેટલી ચાવી મારે તેટલું જ નાચતો હતો. ચાવી ઊતરે ને એન્ડ્રુ બંધ.” – કોણ જાણે કેમ પણ એન્ડ્રુને તે દી’ મારી સાથે ઘણી વાતો કરવાની હતી પણ અમારે સવારના પહોરમાં બીજા અનેક કામ હોય અને સ્કેડયૂલ એપોઇન્ટમેન્ટ માટે પણ મોડું થતું હતું. મેં એન્ડ્રુને કહ્યું કે, “તું બાર વાગ્યે ગ્રુપ પતાવી મારી સાથે લંચ લેજે; ત્યારે નિરાંતે વાતો કરીશું.”

આ બાજુ રૂપસુંદરી તો એકદમ દઢતાથી પોતાની સારવારમાં પ્રગતિના પંથે એક પછી એક શિખરો સર કરવા લાગી હતી. એન્ડ્રુ તો હતો ત્યાંનો ત્યાં જ! સાઇકો-ટ્રોપિક મેડીકેશન ન લે અને ડિપ્રેશન દબાવવા કોકેઇન ચાલુ!! ધસમસતા પૂર જેવા પ્રેમ પ્રકરણમાં ભંગાણ પડ્યું. રૂપસુંદરીએ કહ્યું: “તું જો મારી ગતિએ પ્રગતિ નહી કરે તો આપણો સંબંધ પૂરો.”

તે જ રાત્રે, માંડ સચવાયેલી જિંદગી હાથમાંથી સરકી ગઈ. એન્ડ્રુ પોતાને રૂપસુંદરી વગર સ્વીકારી ન શક્યો. કોકેઇન અને બેન્ઝોડાઇઝેફિન લઈને જિંદગીનો અંત આણ્યો. ઓવરડોઝ કે આત્મહત્યા કે ડિપ્રેશનને લીધે, વાર્તા શરૂ થતાં પહેલાં જ પહેલા અંકમાં નાટક પૂરું!

અમારી ક્લિનિકમાં સમાચાર મળતાં અમે સૌ શોકમાં ડૂબી ગયાં. નરી લાચારીનો અનુભવ. બાળક ગુમાવ્યા જેવી તીવ્ર વેદના અનુભવી. ત્રણ ચાર દિવસ પછી એન્ડ્રુના ફ્યુનરલમાં, બધા ક્લાયન્ટ્સ અને સ્ટાફ સહિત હું પણ ગઈ. નોર્થ ફિલાના કોઈ મોટા ચર્ચમાં અમે પ્રવેશ કર્યો. ત્યારે તમામ લોકો ઊભાં થઈ ગયાં. એન્ડ્રુના બાપા તો એ ચર્ચના મિનિસ્ટર હતા. એમણે ભાષણ આપ્યું કે, “એન્ડ્રુની છેલ્લા બે વર્ષથી, જે, મા છે, મિત્ર છે, ગાઈડ છે, કાઉન્સેલર છે, એ સુચિ આગળ આવે.” એમણે મને આગળ બોલાવી, ઓળખ આપી “અને આ સ્ત્રી એન્ડ્રુની બાયોલોજિકલ મધર કરતા પણ વિશેષ પ્રકારની મા છે. જેની વહાસલોઈ સારવારથી અમારો પુત્ર અમને અમુક મહિના પૂરતો પાછો મળેલો.” ત્યાર બાદ એન્ડ્રના મૃતદેહ પાસે ગાયત્રી મંત્ર બોલી, મેં એના કફનનું ઢાંકણું બંધ કર્યું. મારા હૃદયમાં બાળકની જેમ રમતા એન્ડ્રુને હું આખી જિંદગી નહીં ભૂલું.

2 thoughts on “એન્ડ્રુ – સુચિ વ્યાસ   

  1. સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાના મંત્રી સુચિ વ્યાસનો સંવેદનશીલ સત્ય ઘટના પર આધારીત લેખ
    માણ્યો અને અમારા સબંધીના દીકરાનો અનુભવાયલી વાત યાદ આવી.
    આ લેખ મા શ્રી ગિરીશ વ્યાસ પઠન કરતે તો માણવાની વધુ મઝા આવતે…મા સુચિજીને મળેલુ
    આ પ્રેરણાદાયી માન “એન્ડ્રુની છેલ્લા બે વર્ષથી, જે, મા છે, મિત્ર છે, ગાઈડ છે, કાઉન્સેલર છે, એ સુચિ આગળ આવે.” એમણે મને આગળ બોલાવી, ઓળખ આપી “અને આ સ્ત્રી એન્ડ્રુની બાયોલોજિકલ મધર કરતા પણ વિશેષ પ્રકારની મા છે. જેની વહાસલોઈ સારવારથી અમારો પુત્ર અમને અમુક મહિના પૂરતો પાછો મળેલો.” માણી આંખ નમ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s