થોડી ખાટી, થોડી મીઠી – (૮) – દિપલ પટેલ


આજે ફરીથી મારી નોકરીકાળમાં અનુભવોની વાતો કરું. મેં ભારતની પહેલી મહિલા એન્જીનીયરીંગ કોલેજમાં લેક્ચરર તરીકે 2.5 વર્ષ કામ કર્યું અને એ દરમિયાન હું હોસ્ટેલ રેક્ટર પણ રહી. હોસ્ટેલ રેક્ટરની ફરજ બજાવતી એ સમયે હું ઘણું શીખી છું. હોસ્ટેલમાં રહેતી છોકરીઓ માટે લોકલ ગાર્ડિયન ગણો તો હું જ હતી (ભલે ને એમનાથી માંડ 2-3 વર્ષ જ મોટી કેમ ન હોઉં?).
જવાબદારી પણ ખુબ રહેતી. અડધી રાત્રે છોકરીઓના ફોન આવે કે મેડમ ચક્કર આવે છે, તાવ આવ્યો છે, લાઈટ નથી, છાતીમાં દુઃખે છે, એટલે ઊઠીને સીધા એમની પાસે દોડવાનું, પ્રાથમિક સારવાર આપવાની અને વધારે લાગે તો એમને હોસ્પિટલ લઇ જવાના. રિક્ષાવાળાના નંબર રાખેલા હોય જે નજીકમાં રહે. એટલે જયારે બીમારીને લગતો ફોન આવે એટલે હું પહેલા પૂછું કેટલું સિરિયસ લાગે છે, જો વધારે સિરિયસ લાગે એમ હોય તો રસ્તામાં જ રીક્ષાવાળાને, હોસ્પિટલમાં અને પ્રિન્સિપાલ સરને ફોન કરીને જણાવું અને પછી હોસ્ટેલ પહોંચું, ત્યાં સુધીમાં રિક્ષાવાળા ભાઈ આવી ગયાં હોય અને અમે હોસ્પિટલ પહોંચીએ ત્યા સુધીમાં પ્રિન્સિપાલ (જેમનું ઘર ઘણું દૂર હતું) પણ એમની નેનો ગાડી લઈને આવી ગયા હોય! પ્રિન્સિપાલ પણ મજાના માણસ, એમની વાતો ફરી ક્યારેક.
હા, પછી ડોક્ટરને બતાવીએ અને જરૂરી સારવાર કરાવીએ અને ત્યાં સુધીમાં તો દીકરીના મા-બાપના ચિંતા વ્યક્ત કરતા ઘણા ફોન આવી ગયા હોય! પછી સારવાર થાય ત્યાં સુધી રોજના હોસ્પિટલના ચક્કર તો ખરા જ. અને આ બધાં ખર્ચા હું અને પ્રિન્સિપાલ સર આપીએ. મહિને હું 15000 રૂપિયા કમાતી, એમાંથી માત્ર 5000 મારા ખાતામાં બચત થતી બાકી મારા ખર્ચા અને મારી આ 160 છોકરીઓ પાછળ. હા..હા..હા!

પણ એનો એ આનંદ 15000 રૂપિયાની સામે કાંઈ જ ન હતો, અને એનું વળતર છોકરીઓએ મને ખુબ વહાલ અને માનથી આપ્યું છે. મારા માટે એ મિત્રો જેવી હતી. ઘણી વાર એમ બનતું કે હું શાક લેવા બજારમાં ગઈ હોઉં અને છોકરી એના બોયફ્રેન્ડ સાથે બાઈક ઉપર હોય અને અમારી ભૂલથી નજર મળે તો સંતાઈ જાય અથવા મોઢું ઢાંકવાનો પ્રત્યન કરે. (હોસ્ટેલમાં એવું કે સવારે 7 થી સાંજે 7 છોકરીઓ પરમિશન લઈને બહાર જઈ શકે, સાંજે 7 થી સવારે 7 કોઈ બહાર ન જઈ શકે). સાંજે રોજ હાજરી પૂરવા જવાનો નિયમ એટલે હું જાઉં ત્યારે જે છોકરી મને બજારમાં દેખાઈ હોય એ મારાથી એની નજર ચોરાવે. પછી હું હસીને એને એટલું જ કહું કે મારે પણ બોયફ્રેન્ડ છે એટલે હું એ જ અનુભવમાંથી પસાર થાઉં છું એટલે મોં છુપાવાની જરૂર નથી. છોકરીઓ બધી ખૂબ હસતી અને પછી એમની નાની-મોટી પર્સનલ વાતો મને કહેતા ક્યારેય ખચકાતી નહિ.
હું સમય આવ્યે, જો કશું ખોટું લાગે તો સમજાવતી પણ ખરી. એ છોકરીઓ પાસેથી હું પણ ઘણું શીખી છું. મેસમાં જમવાનું ખુબ ખરાબ મળતું, કદાચ એ યુનિવર્સલ લૉ લાગે છે! એટલે સ્વાભાવિક છે કે છોકરીઓની ફરિયાદો આવતી. એટલે હું મેસમાં અચાનક જઈને ચેકીંગ કરતી. એની જે મજા આવે બોસ! અને આપણી એંટ્રી પડે એટલે સિંઘમની પડે એવો સન્નાટો વ્યાપે મેસમાં. અને પછી હું મેસના મેનેજર સાથે જમવાનું ચાખું અને તપાસું! ગળે ન ઉતરે એવું અદભુત સ્વાદિષ્ટ ભોજન મેનેજરને પણ ચખાડું. અને એમને સમજાવું (સાલું, ખખડાવવું એ મને ગમતું નહિ). પછી ધીમે ધીમે મેસના જમવાનું સ્તર અમે ઘણું ઊંચુ લાવી શક્યાં. ઘણી વાર આપણે વહેમમાં હોઈએ છીએ કે બધું મારાથી જ થાય છે પણ એમાં ઘણાં લોકોની સમજણ, ધીરજ, સહકાર અને બદલાવાની ભાવના છુપાયેલી હોય છે.

પદ નાનું હોય કે મોટું, ઉંમર નાની હોય કે મોટી કશો જ ફરક પડતો નથી, બસ તમારી કામ કરવાની ઈચ્છા ચોક્કસથી ઉંચી અને મોટી હોવી જોઈએ 🙂

2 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૮) – દિપલ પટેલ

  1. .
    ખૂબ સરસ અનુભવોની વાત તેમા-‘ તમારી કામ કરવાની ઈચ્છા ચોક્કસથી ઉંચી અને મોટી હોવી જોઈએ ‘પ્રેરણાદાયી વાત ઘણી ગમી

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s