લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૩) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ
મ્યુઝિયમ માટે જુદાંજુદાં નામઃ
ગેલેરીઃ આ નામ આજે મોટે ભાગે પેઈન્ટિંગ્સ અને શિલ્પનાં પ્રદર્શન્ખંડ તેમ જ તેના સંગ્રહાલયો માટે પણ પ્રયોજાય છે. પેઈંન્ટિંગ્સ અને શિલ્પ પ્રદર્શિત કરવા માટે વિશિષ્ટ પ્રકારની પ્રકાશયોજના જરૂરી છે. બંને બાજુએથી પ્રકાશ આવે એવી વિશાળ બારીઓવાળા વરંડા જેવા ખંડ ગેલેરી કહેવાતા હતા. હવે તો ગેલેરી-આકારના ન હોય એવા ખંડો તેમ જ સંગ્રહાલયો પણ, જ્યાં પેઈન્ટિંગ્સ અને શિલ્પ પ્રદર્શિત કરાયાં હોય તે ગેલેરી કહેવાય છે. જેમ જેમ લાઈટિંગની વ્યવસ્થા આધુનિક થતી ગઈ તેમ તેમ કુદરતી પ્રકાશ પરની નિલંબિતા ઘટતી ગઈ. આ પણ ગેલેરીના વ્યાપ માટે મુખ્ય કારણ છે.
પિનેકોથિકાઃ આ નામ ત્યારે વપરાશમાં આવ્યું કે જ્યારે વ્યક્તિગત અંગત, પેઈંન્ટિંગ્સ અને શિલ્પના સંગ્રહોને પણ મ્યુઝિયમની દેખરેખમાં સોંપવામાં આવ્યાં. આવા સંગ્રહોને સૂચિ અને આભાર સાથે જે પ્રદર્શનખંડમાં સાચવવામાં આવ્યા એને પિનેકોથિકા કહેવાય છે.
કેબિનેટ, ચેમ્બર, ક્લોઝેટઃ આ બધાં નામ પણ વ્યક્તિગત ને અંગત સંગ્રહો માટે પ્રયોજાય છે ખરાં પણ એ માટે સંગ્રહ નાની-નાની, પરચુરણ વસ્તુઓનો હોવો જોઈએ, દા.ત. કેબિનેટ ઓફ કોઈન્સ, ચેમ્બર ઓફ રેરિટીઝ વગેરે, વગેરે.
કાળક્રમે, દેશકાળના હિસાબે મ્યુઝિયમોના નામોમાં નવીન ધોરણો પણ અપનાવવામાં આવતાં રહ્યાં છે. અનેક પ્રકારના વસ્તુઓનો સંચય અદના લોકો પણ કરતાં હોય છે અને એ ચીજોની યોગ્ય જાળવણી કરવી જેમજેમ અઘરી થવા માંડી, તેમેતેમ, આ બધાં જ એ વસ્તુઓને સંગ્રહાલયોમાં આપવા માંડ્યાં અને ઘણીવાર આવા સંચયને, નાના-નાના પાયા પર એક જ ખંડમાં ઉપનામો આપીને રાખવામાં આવે છે. આ નામો અને ઉપનામો લોકલ સ્તર પર વપરાય છે, જેને માટે કોઈ ખાસ નામોનું ચયન ગ્લોબલી થયું નથી.
મ્યુઝિયમ શા માટે?
આપણાં સમાજમાં મ્યુઝિયમ શા માટે એનો જવાબ, દેખીતી રીતે તો મ્યુઝિયમ પાસે વિસ્તારથી હોવો જોઈએ અને, આદર્શ પરિસ્થિતિમાં તો પ્રવેશ કરતાં જ એને જોવા આવનારા દર્શકો માટે સમજાવવામાં આવવો જોઈએ. આજના સમયમાં, અમુક મ્યુઝિયમોમાં આ જોવા પણ મળે છે પણ એ બધું પાછું દેશકાળના નિયમો પર વધુ આધારિત છે. એના માટે નિશ્ચિત ધોરણ નથી.
આમ જોવા જાઓ તો પ્રત્યેક જાહેર સંસ્થાનોનો કોઈક હેતુ હોય છે અને તેની સાથે આ જાહેર સંસ્થનોનું સમાજ પ્રત્યે સજાગતાથી નિભાવવાનું કર્તવ્ય પણ હોય છે. મ્યુઝિયમ જનતાના ટેક્સના નાણાં થકી અને પ્રવેશ-ફી થકી ચાલતી જાહેર સંસ્થા છે અને તેથી મ્યુઝિયમ જનતાને જવાબદાર છે અને જનતા પ્રત્યે તેનું કંઈક કર્તવ્ય પણ છે, ફરજ પણ છે. આ જ કારણોસર, મ્યુઝિયમે પોતાના અસ્તિત્વની અનિવાર્યતા પુરવાર કરવી પડે. આ પુરવાર કરવા માટે, આવી સંસ્થાઓ જનતાને કઈ રીતે અને શી સેવાઓ આપે છે, તે માટેના “બાય-લો” – “કાયદાઓ, સંસ્થાના ગઠન સમયે જ નક્કી કરવાં પડે છે. એટલું જ નહીં, પણ દેશના કાયદા પ્રમાણે એનું “પિરીયોડિક” – નિશ્વિત અંતરે ઓડિટ પણ કરાવવું પડે છે જેથી એ નક્કી કરી શકાય કે આ સંસ્થાઓ જે સેવાઓ આપી રહી છે તે એના “બાય લો” પ્રમાણે છે કે નહીં. આ ઓડિટથી, આવક અને ખર્ચાનું નિયંત્રણ પણ ભ્રષ્ટાચાર રહિત થાય એ માટે એક પ્રકારનો અંકુશ રહે છે. ટૂંકમાં, જનતા માટેનું કામ, જે રીતે નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે થાય છે કે નહીં, એ જોવાની જવાબદારી સંસ્થાચાલકોની છે.
મ્યુઝિયમનો આરંભ વ્યક્તિગત સંચયોથી થયો ત્યારે, એ પાછળ, લોકસેવાની ભાવના નહોતી. મ્યુઝિયમોનું જાહેર સંસ્થા તરીકે ગઠન થયું, ત્યારે પણ આરંભમાં તો લોકો પ્રત્યેની ફરજોનો તેને ખ્યાલ નહોતો. પછી ધીમેધીમે મ્યુઝિયમની મહત્તા લોકોને અને વહીવટકર્તાઓને, સરકારોને, સમજાતી ગઈ. આમ ધીરેધીરે, આ મ્યુઝિયમો આનંદ સાથે એકરૂપ શિક્ષણ આપતી સંસ્થા તરીકે વિકાસ પામતાં ગયાં.
દૂરદૂરના ભૂતકાળની તેમ જ દૂરદૂરના પ્રદેશોની ઘણી વસ્તુઓ આપણે માની પણ ન શકીએ એવી હોય છે, પરંતુ, જો આ વસ્તુઓને, એમના અનુરૂપ ને યોગ્ય, સ્વાભાવિક વાતાવરણ નિર્માણ કરીને મ્યુઝિયમમાં ગોઠવી હોય અને તે નજરોનજર, આપણી પ્રત્યક્ષ જોવા મળે તો આપણે તે માની શકીએ છીએ અને તે દ્વારા, એને નિહાળીને આનંદ તો પ્રાપ્ત કરીએ છીએ પણ અનેકવાર તો વિસ્મય પામીને, એક ‘ફેન્ટસી વર્લ્ડ’ – કાલ્પનિક દુનિયામાં હોઈએ એવું પણ અનુભવીએ છીએ. આ અનુભૂતિ એક પ્રકારે આપણને પરોક્ષ રીતે, કળા, ભાષા, ઈતિહાસ, વિજ્ઞાન વગેરે વિષયમાં શિક્ષિત પણ કરી જાય છે, અને આમ, આપણને નવું નવું જાણવાનો, સમજવાનો, શીખવાનો મોકો મળે છે.
મ્યુઝિયમ એક દ્રશ્યાત્મક માધ્યમ છે. એમ તો ફિલ્મ, ચિત્રો, ફોટોગ્રાફ્સ વગેરે પણ દ્રશ્યાત્મક માધ્યમો જ છે, પણ તેમાં ખરેખરી વસ્તુ નજર સામે પ્રત્યક્ષ નથી હોતી. મ્યુઝિયમમાં ખરેખરી અસલી વસ્તુઓ પ્રત્યક્ષ હોય છે, જેને નજરોનજર જોઈ શકાય છે, જેના વિષે ત્યાં ને ત્યાં જ માહિતી મેળવી શકાય છે. આમ, અન્ય માધ્યમો કરતાં, આ વધુ પ્રભાવશાળી નીવડે છે. કોઈ પુસ્તક કે પ્રવચન કરતાં વધુ જીવંત ને રસપ્રદ પણ બને છે. આજકાલ તો માત્ર પ્રિન્ટેડ મટીરિયલ દ્વારા જ નહીં, પણ શોર્ટ ફિલ્મ કે શોર્ટ ઓડિયો દ્વારા વસ્તુઓ વિષેની વિગત આપવામાં આવે છે. સામે વસ્તુઓ ન હોય તો માત્ર પ્રવચનો કે પુસ્તકો અમૂર્ત માધ્યમો છે. તે દ્વારા જ્ઞાન ગ્રહણ કરવામાં વાર પણ લાગે છે અને કોઈ પ્રશ્ન હોય તો એને સમજવા બીજા પુસ્તક કે પ્રવચનો આધાર લેવો પડે છે.
ચિત્રો વગેરેથી કામ ચાલતું હોત તો લોકો ઠેઠ આગ્રા સુધી તાજમહાલ જોવા શા માટે જાય? આજકાલ, તો ટીવીની કેટલીક ચેનલો પર તો વિશ્વ આખાના સાંસ્કૃતિક-સામાજિક તેમ જ ભૌગોલિક ને ઐતિહાસિક જીવનનું યે સુંદર દર્શન થાય છે, તેમ છતાં લોકો દેશપરદેશના પ્રવાસે પણ જાય છે, કારણ, પ્રત્યક્ષ વસ્તુ દર્શનનું સ્થાન કોઈ ચિત્ર કે ફોટોગ્રાફ કે ફિલ્મ ન લઈ શકે. અલબત્ત, આ બધાં જ અમૂર્ત તેમ જ દ્રશ્ય માધ્યમોનું મહત્વ જરાયે ઓછું આંકી શકાય નહીં. સાચા અર્થમાં તો પુસ્તકો, પ્રવચનો, ફિલ્મ, ચિત્રો વગેરે અને મ્યુઝિયમ એકબીજાંનાં પૂરક છે.
મ્યુઝિયમમાં નિહાળવાના આનંદ અને નિરીક્ષણ-પરિક્ષણના આનંદ તથા અભ્યાસ અર્થે, અનેક પ્રદેશોની વસ્તુઓનો – આજકાલ તો હવે બ્રહ્માંડ-સ્પેસને લગતી વસ્તુઓનો પણ સંચય કરીને, એમને એક છત નીચે, સ્થળ, કાળ, વિષય અનુસાર યથોચિત ગોઠવણી કરીને પ્રદર્શિત કરાય છે, જેથી મ્યુઝિયમની મુલાકાત એક આનંદદાયક શૈક્ષણિક પ્રવાસ ઠરે છે.
મુલાકાતીઓ મ્યુઝિયમમાં પ્રદર્શિત વસ્તુઓ જુએ, ઓળખે, સમજે એટલું જ નહીં, પણ અહીંથી એમનો વિચાર પ્રવાસ શરૂ થાય છે. આ રીતે તેમની જિજ્ઞાસા, વિસ્મય ને રસવૃત્તિ જાગ્રત થાય છે, જેના કારણે જ તેઓ ફરીફરી મ્યુઝિયમની મુલાકાતે આવે છે. મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવાની વસ્તુઓમાં ક્રમે ક્રમે ઉમેરો થતો રહે એ પણ આવશ્યક છે. એ સાથે મ્યુઝિયમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જાહેર જનતા માટે થતી રહે એ પણ જાગરૂક સમાજ માટે જરૂરી છે. મુલાકાતીઓ માટે આવી પ્રવૃત્તિઓ એક પ્રકારે તો આકર્ષક અને ઉપકારક થાય છે. એક સર્વ સમાવેશી વિશાળ મ્યુઝિયમ સમસ્ત વિશ્વને લોકોની નજરમાં સમાવી દે એ રીતે પ્રત્યક્ષ મૂકે છે. મુલાકાતીઓએ કલ્પના પણ ન કરી હોય, એવી દુનિયા એ દેખાડે છે. એમના જ્ઞાનની ક્ષિતિજોનો વિસ્તાર સાધે છે. તેઓ પોતાની માનવીય સંવેદનાની ધારને વધુ ધારદાર બનાવે, એ રીતે એમની બુદ્ધિને સતેજ કરે છે. બુદ્ધિશક્તિ અને સંવેદના, બંને દ્રષ્ટિએ મુલાકાતીઓનો સાંગોપાંગ વિકાસ સાધવાની નેમ મ્યુઝિયમ ધરાવે છે.
મ્યુઝિયમ એક એવું સ્થળ છે કે જ્યાં અબાલવૃદ્ધ સહુ, એમની રીતે અને એમના રસ પ્રમાણે આનંદ અને શિક્ષણ પામે છે. મ્યુઝિયમો વયથી પરે છે. તેના મુલાકાતીઓમાં શિક્ષણ, કાર્યક્ષેત્ર, અભિરુચિ, સામાજિક-આર્થિક સ્તર, સ્ત્રી-પુરુષ, કશાનો ભેદ રહેતો નથી. સૌ પોતપોતાની રુચિ અનુસારનું કંઈક ને કંઈક એમાંથી પામે જ છે. સાચું કહો તો, સમસ્ત સમાજને મ્યુઝિયમ શીખવાની અને જે પામ્યા એની કદર કરવાની રીત શીખવે છે.
(વધુ આવતા બુધવારના અંકે)
(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સ” ના સૌજન્યથી, સાભાર)
લલિતકળાઃ મ્યુઝિયમ્સ – જયા મહેતા સંપાદનઃ સુરેશ દલાલ અભ્યાસુ લેખ.મ્યુઝિયમ્સ અંગે ઘણી નવી વાત માણી
LikeLike