બે કાવ્યો – યામિની વ્યાસ – “આવર્તન” કાવ્ય આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ


કાવ્ય  ૧ –  “આવર્તન “‘ -વાચિકમ: યશ્વી સ્માર્ત

“આવર્તન “‘હેં મા આવર્તન એટલે શું ?”
“આવર્તન એટલે ફરી ફરીને પાછું આવે એ ….”
“રોજ વહેલા ઉઠવાનું – સ્કૂલ – હોમવર્ક…”
“હા…હા… એટલે જ કહું છું…જલ્દી કર… કશું અધૂરું નહિ મુકવાનું…”
દુનિયા આવર્તન પર ચાલે.
રસોઈ, રિવાજ, ફેશન બધું એનું એજ
ફરી ફરી ને નવા રૂપરંગ સાથે
વિજ્ઞાન કે કુદરત આવર્તન પર જ ચાલે
ખળખળ ઉછળતો સાગર તપે વરસાદ આવે
ખડખડ હસતી દીકરી મલકે માસિક આવે”
“તો મા આપણે બ્લડ ડોનેટ કરીએ તો એનું એજ ફરી થોડું આવે ?”
“હેં…હા…પણ કોઈનો જીવ બચાવતા આપણને શેર લોહી ચઢે એ આવર્તન જ કહેવાય”
“નાની ગુડ્ડુની પથારીમાં પ્લાસ્ટિક અને બાજુવાળા દાદાની પથારીમાં પ્લાસ્ટિક…!”
“હા…આવર્તન કહી શકાય.”

આવા આવર્તનના પાઠ શીખવતી મા મારી રાહ જોતી
…કદી મને સહેજ પણ આવતા મોડું થતું તો…
મા ની નજરમાં સર્જાતું પ્રતીક્ષાનું આવર્તન
પછી એ દીવો ધારતી
જેમ જેમ મોડું થાય તેમ તેમ દીવાની સંખ્યા વધતી
અને સર્જાતું પ્રકાશનું આવર્તન
એ મા ના ચહેરાની ઝળહળમાં કદી હું ખોટું બહાનું ન કાઢી શકતી
પછી મા નો હાથ પકડી એના પ્રિય હીંચકે દોડી જતી
અને રચાતું વહાલનું આવર્તન

મારા નાના પગની ઠેસે મોટું આવર્તન અને
માના મોટા પગની ઠેસે નાનું આવર્તન
એનાથી ઉલ્ટું થતું તો અમે ખૂબ હસતાં
આમ હસતાં હસતાં એક દિવસ મા ના પગ ની ઠેસે હીંચકો ઉપર ગયો…ગયો…ગયો…
પણ…પાછો ન આવ્યો…!

મા, આવર્તન પૂરું કરવાનું હોય !
તારું આ વર્તન જરાય ના ગમ્યું મા…!

હવે કેટલા દીવા ધારું ??

 • યામિની વ્યાસ (કાવ્યસંગ્રહસૂરજગીરી” ના સૌજન્યથી, સાભાર)

 ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો

https://www.youtube.com/watch?v=JiJ-E2sNV0E

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટઃ

કુદરત આખી એક નિશ્વિત Frequency – એક ચોક્કસ સમયના અંતરમાં એની એ ગતિના વારંવાર થતી પુનરાવર્તનની ધરી પર ચાલ્યા જ કરે છે. આ જ આવર્તનોની વચ્ચેના ગાળામાં જીવાય છે તે જ કદાચ જીવન છે. પણ અહીં જ્યારે આવર્તનમાં બદલાવ આવે છે ત્યારે શું થાય છે? આ કલ્પનામાં રાચવા કરતાં આ આવર્તનોની મોજ માણી લેવી જોઈએ. આવર્તન અને પરિવર્તન વચ્ચે ક્યારેક મૂંઝવણ ઊભી થઈ જાય છે અને તે સમયે એક Confusion – વૈચારિક ગૂંચવણનું એક પ્લેટફોર્મ જન્મે છે. આ વૈચારિક ગૂંચવાડાના પ્લેટફોર્મ પરથી ટ્રેન, “અગતિગમન”ના સ્ટેશન તરફ આગળ વધે છે. આવર્તનની ચોક્કસ ગતિ ઓચિંતી ખોરંભાઈ જતાં, એ સ્થળ પરથી પાછા ફરવું અને એની એ જ ગતિનું પુનરાવર્તન થવું અસંભવ છે. અગતિગમનના સ્ટેશન પરથી આગળ, અન્ય આવર્તનો તરફ પ્રયાણ કરવું જ પડે છે. આવી સ્થિતિમાં એક જ સમજણ પડે છે કે મનુષ્ય માત્ર આવર્તનનો આનંદ, એ થતાં હોય ત્યાં સુધી માણે અને પછી પણ સુમધુર યાદોને મનમાં વાગોળીને માણ્યા કરે, એટલું જ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવનના કોઈ પણ તબક્કામાં થયેલા આવર્તનના ભંગાણને અને એ પછીની ગતિવિધીને સ્વકારી લઈને, અન્ય તબક્કાના અવર્તનોને માણતાં માણતાં આગળ વધવું, જીવવું, પણ, “જો કમી થી જીવન મેં, વો કમી તો રહેગી” એ તથ્યને સ્વીકારી લેવું.

જીવનની સહજ ગતિ કાયમ આનંદ અને સલામતી તરફની છે પણ ગતિ અવરોધ થતાં આનંદ અને સલામતી ખોરવાય છે એ જિંદગીની કડવી સચ્ચાઈ પણ છે. આ કડવી સચ્ચાઈમાંથી, આંસુ સાથે ફરિયાદ પણ નીકળે છે.  આ કાવ્યમાં કવયિત્રી બહેનશ્રી યામિનીએ એક પુત્રીને પડેલી એની માતાની ખોટ અને એમાંથી નિષ્પન્ન થતી અસહ્ય વેદનાને વાચા આપી છે પણ એની સાથે, કુદરતના આવર્તનોનો સ્વીકાર કર્યો છે. પણ, પુત્રી એની સામે પોતાનો વિરોધ અને અણગમો મા ને ઉદ્દેશીને નોંધાવે છે. સાચા અર્થમાં તો આ અણગમો મા ના “કાઉન્ટર પાર્ટ” એવા ઈશ્વર સામે દર્જ થયેલો છે. કાવ્યનો વિકાસ વાતચીત અને રમત રમતાં થયો છે પણ આમ હસતાં રમતાં કવિ જ્યારે આ પંક્તિઓ કહે છે ત્યારે આ “ડિવાઈન કનેક્શન” – દિવ્યતાનો ઉઘાડ અનાયસે ભાવકના મનોવિશ્વમાં થઈ જાય છેઃ

“….પછી એ દીવો ધારતી
જેમ જેમ મોડું થાય તેમ તેમ દીવાની સંખ્યા વધતી
અને સર્જાતું પ્રકાશનું આવર્તન
એ મા ના ચહેરાની ઝળહળમાં કદી હું ખોટું બહાનું ન કાઢી શકતી “

દીવા માનવાની અને એની જ્યોતિની વાત એટલી સહજતાથી મૂકાઈ છે કે એ વાંચતાં જ શ્રદ્ધાનો ઉદભવ મનમાં અનાયસે થાય છે. અહીંથી આ કાવ્યનું સ્તર ઊંચકાય છે અને કાવ્ય આપણને સાથે લઈને અનંતતાની યાત્રાએ નીકળી પડે છે,

પુત્રીની અસહાયતા અને પુત્રીના આંસુ ભાવકના મનને ભીંજવી જાય છે, તે સાથે જ, કવયિત્રીના શબ્દો દ્વારા પથરાતો પ્રકાશ, વાચકના અંતરને અજવાળી જાય છે.  બહેન યશ્વી સ્માર્તનું પઠન – વાચિકમ, એમના અવાજના આરોહ-અવરોહ થકી, કવિતાને એની યોગ્ય ઊંચાઈને આંબવામાં હાથોહાથ ફાળો આપે છે. બહેનશ્રી યામિની અને યશ્વીને ખૂબ ખૂબ અભિનંદન.

 

કાવ્ય ૨ઃ   “જળની સામે”

ગીત:યામિની વ્યાસ સ્વર/સ્વરાંકન:નમ્રતા શોધન એડિટ:કેવલ ઉપાધ્યાય

જળની સામે કમળ મૂકીને, ફૂલની સામે મહેક મૂકીને
તારી આંખે વસી ગઈ લે, લાખ કરોડો ટેક મૂકીને
પાન આ લીલું જોયું તો હું હરખાઈ ગઈ છું કેમ પૂછી લે,
કાંઠા તો શું નદી જોઈ છલકાઈ ગઈ છું કેમ પૂછી લે,
પળની સામે પ્રેમ મૂકીને આંખે સપનું એક મૂકીને..
તારી આંખે…

હૈયું ડોલ્યું, જંતર વાગ્યું, તારા બે-ત્રણ મીઠાં બોલે,
આજ હવે લાગે છે મુજને કોઈ નહીં બસ તારી તોલે,
મેઘની સામે મોર મૂકીને, મોરની સામે ગહેક મૂકીને..
તારી આંખે…

 • યામિની વ્યાસ

ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન માટે નીચેની લીંક ક્લીક કરો

https://www.youtube.com/watch?v=H5n46WcsXn8

 

3 thoughts on “બે કાવ્યો – યામિની વ્યાસ – “આવર્તન” કાવ્ય આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

 1. ચિ. યામિની વ્યાસ ના બે કાવ્યો “આવર્તન” અને “જળની સામે” ઓડિયો-વીઝ્યુઅલ પ્રેઝન્ટેશન
  સાથે સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનો સ રસ રસાસ્વાદ માણવાની મજા આવી .
  .
  આપણા જમાનાની રફતાર ભારે તેજ છે. પરિવર્તનોને પૂરાં સમજી લઈએ તે પહેલાં તો જમાનો કેટલોય આગળ વધી ગયો હોય છે. બાહ્ય પરિસ્થિતિમાં થતાં રહેતાં આવાં પરિવર્તનો, એ પરિસ્થિતિ પ્રત્યેના આપણા પ્રતિભાવો પર એની પડતી અસર, યાન્ત્રિકતાના વધતા વર્ચસ્ને કારણે આપણું કુણ્ઠિત થતું જતું ઊમિર્જીવન – આ બધું પણ કાવ્ય અને ઇતર સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યેના આપણા વલણના પર અસર પાડે છે.
  .
  જીવનનાં અન્ય ક્ષેત્રોમાં પ્રયોજાતી ભાષાને પોતપોતાના પ્રયોજન અનુસાર સૌ કોઈ અનુકૂળ ઘાટ આપે છે.આપે કવિના વક્તવ્ય કરતાં કવિના સર્જનકર્મ તરફ વધુ ધ્યાન આપી રસાસ્વાદની સાચી દિશામાં આગળ વધારી છે.
  ધન્યવાદ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s