વિશ્વાસઘાત – વાર્તા – સપના વિજાપુરા


વિશ્વાસઘાત

મીરા શૂન્ય આંખે બારી બહારના આકાશને તાકી રહી હતી. એના સફેદ થઈ ગયેલા નેણ અને સફેદ થઈ ગયેલા વાળ, નિરાશા અને જિંદગીથી હાર માની લીધેલી સ્ત્રીની ચાડી ખાતા હતાં. વરસોથી ચાલી રહેલા જુલ્મની એક માત્ર સાક્ષી હતી. યા તો પછી પેલું આસમાની આકાશ કે બારીમાંથી દેખાતી પેલી બોગનવેલ અથવા પછી વરસોથી ભીંતે ચઢેલી પેલી લીલ!! હા આ બધાં તો ચોક્કસ સાક્ષી હતાં. એની વેરણ રાતના, એની તકિયાની ભીની ખોળ ના, અને પ્રેમ વગરની અનેક રાતના. અને મેણાંટોણાથી ભરેલા દિવસોના અને સ્મિત વગર શરુ થતા દિવસના તથા રુદન સાથે ખતમ થતી રાતના!

એ દૂર આકાશમાં તાકી રહી, જાણે એ આકાશમાંથી કૈંક શોધી કાઢવાની ના હોય, વરસોની ગણતરી ભૂલી ગઈ હતી. હા, સમીર ત્યારે કદાચ સાત વરસનો હતો. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી અને બહાર બરફ પડી રહ્યો હતો. કદાચ સ્નોસ્ટોર્મ હતું. પ્રકાશે પહેલી વાર પોત પ્રકાશ્યું હતું. વિશ્વાસ કરવા ટેવાયેલી મીરા તો આંખો મીંચી પ્રકાશ પર વિશ્વાસ કરતી હતી. પણ જ્યારે એ એની ઓફીસ ના દરવાજા પાસેથી પસાર થઈ પ્રકાશની પીઠ એના તરફ હતી. એને થયું પ્રકાશને ઝબકાવી દે. એ બિલ્લી પગલે પ્રકાશની ઓફિસમાં દાખલ થઈ અને એને પીઠ પાછળથી કોમ્પુટરમાં જોયું તો એક સ્ત્રી નો ફોટો હતો, અને નીચે લખ્યું હતું આઈ લવ યુ!! મીરા સ્તબ્ધ થઈ એ ફોટાને તાકી રહી! એને પ્રકાશની સામે જોયું, તો પ્રકાશે કહ્યું કે એ, એ સ્ત્રીને ચાહે છે અને એની સાથે રહેવા માગે છે. મીરા કશું બોલી શકી ના હતી! ઝગડો કરવો? શું કરવું? સમજાતું ના હતું. એ એક રૂમમાં જઈ બારણા બંધ કરી તકિયામાં માથું નાખી રડતી રહી. કોઈ એને મનાવવા ના આવ્યું. સમીરને તો કાંઇ ખબર પડતી ના હતી. સાંજના સાત વાગ્યા. હવે કોઈ નિર્ણય પર આવવું પડશે! એ મને ચાહતો નથી, એ સ્ત્રીને ચાહે છે. તો હું અહીં ‘અનવોન્ટેડ” છું. હું અહીં શા માટે રહું? એ બહાર આવી પ્રકાશ સામે આવીને પૂછ્યું,” મારો વાંક શું છે એ મને બતાવશો?” પ્રકાશે સો બહાના બતાવ્યાં. જેમાં એક પણ સાચું બહાનું ના હતું. જેમ કે તારી બહેને આમ કહ્યું, તારા બાપે આમ કહ્યું, મને કોઈ ભેટ ના આપી વગેરે. હવે મીરાને

સમજાઈ ગયું, કે પ્રકાશ પોતાની નબળાઈ છૂપાવવા આ બધાં બહાના બતાવે છે. એને અફેર છે એ કબૂલ નહીં કરે!  મીરાનું મુખ ગુસ્સાથી તમતમી રહ્યું હતું. એ ધડાધડી ફરી રૂમમાં ગઈ અને બેગ પેક કરવા લાગી. સમીરના કપડા પણ ભરી લીધા. સમીર આ બધું હક્કા બક્કા થઈ જોઈ રહ્યો હતો. કપડાની બેગ લઈ મીરા ફેમેલી રૂમમાં આવી, જ્યાં પ્રકાશ આરામથી ટી.વી જોઈ રહ્યો હતો. મીરાએ વેનની ચાવી કાઢી અને પર્સ લીધી, સમીરનો હાથ પકડી ગરાજ તરફ ચાલવા લાગી! પ્રકાશે પૂછ્યું ક્યાં જાય છે? એ ગુસ્સામાં બોલી ફોસ્ટર હોમમાં! પ્રકાશે એના હાથમાંથી વેનની ચાવી ખેંચી લીધી અને પર્સ ખેંચી એમાંથી બધાં ક્રેડીટ કાર્ડ કાઢી લીધા. અને કહ્યું,” હવે જા જ્યાં જવું હોય ત્યાં, કાર મારી છે, ક્રેડીટ કાર્ડ મારા છે.” સમીર મમ્મીને પગે વીંટળાઈ ગયો હતો, “મમ્મી નહીં જા, મમ્મી નહીં જા,” એમ કહીને રડી રહ્યો હતો. હાથમાંથી વેનની ચાવી અને ક્રેડીટ કાર્ડ જતા રહ્યાં બહાર સ્નો સ્ટોર્મ ચાલી રહ્યું હતું. નેગેટિવ ટેમ્પરેચર હતું. નાનકડો સમીર! મારો દીકરો થીજી જશે, મરી જશે!  ક્યાં લઈને જાઉં? કેટલે દૂર સુધી જાઉં? ફોસ્ટર હોમ ક્યાં શોધું? એ ફોન પણ અડવા દેતો ના હતો. એ જમીન પર ફસકાઈ પડી, એની આંખોમાંથી ચોધાર આંસું સરી રહ્યા હતાં. સમીરને છાતી સરસો લગાવી ક્યાંય સુધી રડતી રહી. પણ એ પથ્થર દિલ ઈન્સાન ના પીગળ્યો. સમીરને જમાડી એ બીજા રૂમમાં સમીર સાથે સુવા જતી રહી!  પ્રકાશે મીરાનું બનાવેલું ખાવાનું ખાઈ પોતાના બેડરૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો. આ દરવાજો બંધ થવાનો અવાજ મીરાની છાતી સાથે અથડાઈ પાછો ફર્યો. એ સમીરને છાતી સરસો ચાંપી રડતી રહી. નાનો સમીર મમ્મીની આંખો વારંવાર લૂછતો રહ્યો. આંખ જાણે ચોમાસુ બની ગઈ હતી. સમીરને સમજ પડતી ના હતી. કે શું ચાલે છે પણ એટલી ખબર હતી કે ડેડી એ એવું કૈંક કર્યુ છે જેથી મમ્મી ઉદાસ છે. રાત પસાર થઇ ગઈ બીજો દિવસ થયો. સૂરજ તો ના નીકળ્યો. આગલા દિવસના સ્નોના ઢગલા થઈ ગરાજ સામે જમા થઈ ગયો. પ્રકાશ સ્નો સાફ કરી જોબ પર ગયો. મીરાને ચાન્સ મળ્યો. એના કોમ્પ્યુટરમાં જવાનો! એણે પ્રકાશની ઈમેલ શોધી કાઢી, જેમાં એ છોકરીનો ફોટો હતો. એમાં એનો ફોન નંબર પણ હતો. ધ્રૂજતાં હાથે એણે નંબર ડાયલ કર્યો.

“હલ્લો, જી મારું નામ મીરા છે, આપ કોણ બોલો છો?” સામેથી મધૂર અવાજ સંભળાયો,” મારું નામ તૃષા છે.” મીરાએ અચકાતાં અચકાતાં કહ્યું, “હું પ્રકાશની પત્ની છું!”

તૃષાએ કહ્યું,” કોણ પ્રકાશ?  હું કોઈ પ્રકાશને જાણતી નથી.”

મીરાએ એને ઈમેઇલ ફોર્વર્ડ કરી, “આ ઈમેઇલ તમારી છે?

એણે કહ્યુ,” હા પણ એનું નામ તો આકાશ છે અને એણે મને કહ્યું કે એ કુંવારો છે અને લુકીંગ ફોર અ ગર્લ,”

મીરા ફસકાઈ પડી અને રડી પડી. “હું એની પત્ની છું. અમારે સાત વરસનો દીકરો પણ છે. એ તને અને મને બન્ને ને દગો કરી રહ્યો છે.” તૃષા ખૂબ ગુસ્સામાં આવી ગઈ. મીરા એ ફોન રાખી દીધો. રાત્રે પ્રકાશ ધુંવાફુવાં થતો ઘરે આવ્યો. અને મીરાને સીધી એક લપાટ મારી દીધી,” સાલ્લી. તૃષાને કોલ કર્યો જ કેમ! તે મને એની સામે જૂઠ્ઠો પાડી દીધો. હવે એ મારી સાથે વાત પણ કરવા માગતી નથી!!” એ એક ભૂરાયા થયેલા સિંહની જેમ ઘરના ચક્કર લગાવી રહ્યો હતો. મીરા સહેમી, સહેમી એની સામે જોયા કરતી હતી. સમીર મમ્મીની ગોદમા લપાઈ ગયો હતો. હવે તો તૃષા ગઈ! હવે તો મીરાના હાથના રોટલા ખાવાના હતા. ફરી બધું રાબેતા મુજબ ચાલવા લાગ્યું. ખાલી બન્ને ના હ્રદયમાં જે અંતર હતું તે એટલું મોટું થયું કે કદી ના પૂરાયું.

બન્ને ના બેડરૂમ જુદા થઈ ગયાં. મન જુદા થઈ ગયાં. પણ બન્ને એક જ રસ્તા પર ચાલી રહ્યા હતાં. લાગણીના ધોધ સુકાઈ ગયાં. વેરાન રસ્તા પર બે અજનબીની જેમ ચાલી રહ્યા. મીરાએ સમીર માટે દિલને મનાવી લીધું. જે છે તે છે, પણ, એ સમીરનો બાપ છે. પછી તો રોજ કોઇ ને કોઈ છોકરીને એ કૉમ્પ્યુટર માંથી પકડી પાડતી, તો ક્યારેક સેલ ફોનમાથી વોટ્સ એપમાથી પ્રેમની વાતો શોધી કાઢતી, પણ હવે એની બહું અસર થતી ના હતી. પ્રથમવાર જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે જાણે જીવ નીકળી જશે એવું લાગે છે પણ પછી ફરી એ વિશ્વાસનું કાચનું વાસણ કદી સંધાતું નથી. શક અને વહેમ દિલમાં ઘર કરી જાય છે. તૂટેલું વાસણ ફરી તૂટશે એનો ડર હોતો નથી. અસર વગર દરેક અવિશ્વાસના ચાબખા સહેવાતા હોય છે.

હવે, વિશ્વાસનું ખંડન થશે નહીં. કારણકે વિશ્વાસ જ નથી!  એ બંધ દરવાજાની પાછળ શું ચાલે છે એ મીરાને ખબર હતી.

જ્યારે એ દરવાજો, ધડ કરીને બંધ થાય છે,
મારી અંદર કૈંક તૂટી જાય છે,
મારી અંદર થોડું થોડું કૈંક તૂટે છે,
પણ હવે અંદર કઈ બાકી તો છે નહીં,
તો શું તૂટતું હશે?
દિલ બાકી નથી,
વિશ્વાસ બાકી નથી..
અંદર તો બધું પોલુ છે..
તો પછી શું તૂટ્તું હશે?
મારી અંદર રોજ કૈંક તૂટે છે..

વરસોના વહાણા વહી ગયાં. સમીરના લગ્ન થઈ ગયા. મજાની પરી જેવી નિધી, સમીરના જીવનને મીઠું મધ બનાવી ગઈ! બન્ને વચ્ચે ખૂબ પ્રેમ છે. પણ બન્ને અલગ રહે છે. મા ને મૂકીને સમીરે નવી દુનિયા વસાવી લીધી છે. મીરા આકાશમાં કશું શોધી રહી છે. પણ આ શું મારાં હાથ ખાલી કેમ રહી ગયાં? મારા વીસ વરસ ક્યાં ગયા? શું એને યાદ હશે, મમ્મીને મેં એકવાર ઘરની બહાર નીકળતા રોકી રાખી હતી અને મારે કાજ એ આ ઘર છોડી ને નહોતી ગઈ? શું એને યાદ હશે? અરે આ શું મારા હાથ એકદમ ખાલી કેમ છે? પણ એ સુખી છે. હવે સમીર પણ નથી. તો હવે આ પગમાં કેમ બેડીઓ પહેરાવાઈ ગઈ છે? હવે એ કેમ ઊડી શકતી નથી? એ આકાશમાં કૈંક શોધી રહી!!

 

3 thoughts on “વિશ્વાસઘાત – વાર્તા – સપના વિજાપુરા

 1. ખાલીપો અને વેદનાથી ભરેલી જીવન કથા. જ્યારે પરિવારનું બંધન સ્વાર્થ અને છેતરપિંડી થી તૂટે ત્યારે સર્જાતી કરુણાંતિકા. કોઈ ઉદાત્ત ધ્યેય હોય તો જ આ શૂન્યતાનો ઉપાય મળે.

  Like

 2. આંખને હૃદયનું દર્પણ કહે છે …અને એમાંથી બહાર આવતા આંસુ એ તમારા અંદરની ખારાશને બહાર લાવીને તમારા હૃદયના ભારને ઓછો કરે છે તેની કાવ્યમય અભિવ્યક્તી
  લાગણીનું વહેણ ….
  અને જીવંત હોવાની અનુભૂતિ .
  તો શું તૂટતું હશે?
  દિલ બાકી નથી,
  વિશ્વાસ બાકી નથી..
  અંદર તો બધું પોલુ છે..
  તો પછી શું તૂટ્તું હશે?
  મારી અંદર રોજ કૈંક તૂટે છે.
  વાંચતા એક કસક્

  Like

 3. આવી તો અસંખ્ય મીરાો, સમીરો અને પ્રકાશો આપણી આજુબાજુ રહેતાજ હોય છે, કોઈની જાણ હોય છે, બાકી અસંખ્ય એવા કુટુંબો એવા પણ છે જેની આપણને જાણ નથી અને ક્યાંક મીરા કે ક્યાંક પ્રકાશ હોય છે, બાકી સમીરો બહુ બધા નીકળશે, જે મોટા થઈને, પોતાને માટે જાત, દુઃખ કે સ્વમાન ભુલીને મોટા કરનાર મા કે બાપને એકલા મુકીને પોતાનો અલગથી સંસાર વસાવી લ્યે છે.

  સરસ પ્રેરણાદાયક વાર્તા છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s