આજે મારી ડાયરીનાં પાનામાંથી નીચેનો પ્રસંગ મને મળ્યો, જે મને મારા મિત્રએ વર્ષો પહેલાં કહ્યો હતો એને અહીં મૂકી રહી છું.
જૈન ધર્મના આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ “મહારાજ, સહુ પોતપોતાનું નસીબ લઈને જ જ્યારે આ જગતમાં આવ્યાં છે ત્યારે દાન દ્વારા એને સ્વસ્થ બનાવવાનો કે સુખી કરવાનો પ્રયત્ન કરવો એ એક જાતની આત્મવંચના નથી?”
મહારાજશ્રી એનો ઉત્તર આપતા કહે છે કે; “વસંતઋતુમાં વૃક્ષ જ્યારે ફળ-ફૂલ-પર્ણથી લચી પડે છે ત્યારે પોતાનો વૈભવ એ જગત માટે ખુલ્લો મૂકી દે છે. નદી જ્યારે પાણીથી છલોછલ બને છે ત્યારે બે કાંઠે વહેતી વહેતી અનેક જીવોની એ પ્યાસ છીપાવે છે. ધુમ્મસ આડે આવતું નથી તો સૂર્ય પોતાનાં કિરણોને ધરતી સુધી પહોંચાડવામાં કોઈ જ કચાશ રાખતો નથી. વાદળ જ્યારે પાણીથી લથબથ થઈ જાય છે ત્યારે ધરતી પર વરસવામાં એ પાછી પાની કરતું નથી. કાપી નાખો, ઘસી નાખો, છોલી નાખો, ચંદન પોતાની સુવાસ પ્રસરાવ્યા વિના રહેતું નથી. છોડ પર ગુલાબનું પુષ્પ પેદા થાય છે અને એ પોતાની સુવાસ ફેલાવ્યા વિના રહેતું નથી.
ટૂંકમાં, કુદરતમાં ક્યાંય ભોગવટો નથી કે ક્યાંય સંગ્રહ નથી. કદાચ એ જગત પાસેથી લે છે કણ જેટલું, પણ એની સામે આપે છે મણ જેટલું. કુદરતની મહેરબાનીથી આપણે જીવીએ છીએ, છતાં કુદરતનો આ દાનગુણ આપણી નજરમાં કેમ આવતો નથી? પળ બે પળ માટે કલ્પના કરી જુઓ, સૂરજે આ કિરણોને પોતાની પાસે જ રાખી લીધા હોત તો? વૃક્ષે પોતાના ફળ-ફૂલોનો વૈભવ પોતાના માટે જ અનામત રાખ્યો હોત તો? નદીએ પોતાનું પાણી પોતના માટે જ સંગ્રહિત કરી રાખ્યું હોત તો? વાદળે વરસવાને બદલે વિખરાઈ જવાનું જ પસંદ કર્યું હોત તો? ચંદન અને ગુલાબ, એ બંનેએ, પોતાની સુવાસને પોતામાં જ સિમીત કરીને પોતામાં જ સલામત રાખી હોત તો?
દાન એ સ્વાભાવિક કુદરતી ક્રિયા છે. સંગ્રહ એ બિલકુલ કુદરતથી વિપરીત ગુણ છે. આપણું આ જગતમાં આવવું એ આકસ્મિક નથી પણ એક ચોક્કસ કારણથી જગતમાં આપણું પ્રદાન અને દાન કરવા જ મોકલવામાં આવ્યા છીએ. આપણે આટલું સદૈવ યાદ રાખવાનું છે કે હાથની મૂઠ્ઠી જ્યારે ખુલ્લી હોય છે ત્યારે જ આખી દુનિયાની હવા આપાણા હાથ પર હોય છે.”
‘દાન એ સ્વાભાવિક કુદરતી ક્રિયા છે. …જગતમાં આવવું એ આકસ્મિક નથી પણ એક ચોક્કસ કારણથી જગતમાં આપણું પ્રદાન અને દાન કરવા જ મોકલવામાં આવ્યા છીએ.’
ધન્ય ધન્ય
પ પૂ જૈન ધર્મના આચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજશ્રીને સાદર પ્રણામ
LikeLiked by 2 people
આપણે અસ્તિત્વ માટે ઘણાંને જવાબદાર ગણીએ છીએ, પણ કુદરત બે ચાર પળ માટે પાંચ તત્વોને અટકાવી દે તો શું થાય? અંત…વિચાર કરવા પ્રેરે તેવો લેખ…સરયૂ
LikeLiked by 1 person
વિચાર પ્રેરક લેખ ,દાન એક કુદરતની જેમ સહજ પ્રક્રિયા થવી જોઇએ ,આપણું આ જગતમાં આવવું એ આકસ્મિક નથી પણ એક ચોક્કસ કારણથી જગતમાં આપણું પ્રદાન અને દાન કરવા જ મોકલવામાં આવ્યા છીએ. આપણે આટલું સદૈવ યાદ રાખવાનું છે.સરસ
LikeLiked by 1 person