બે કાંઠાની અધવચ – (૯ ) – પ્રીતિ સેનગુપ્તા


                         બે કાંઠાની અધવચ – પ્રકરણ ૯

બસ, એ એક જ વાર સુજીત કોઈ પણ છોકરીની નજીક આવ્યો હતો. થોડો વખત તો થોડો વખત. પણ એ સિવાય એને કોઈ ખ્યાલ-ખબર હતા નહીં, પરણવા લાયક યુવતીઓ વિષે. એને પોતાને શું જોઇતું હતું જીવન-સાથીમાં, તે પણ એ જાણતો નહતો. પતિ-પત્નીએ કેવી આપ-લે કરવી પડે, તેની ખાસ સમજણ એને હતી નહીં. એણે તો મા-બાપને જોયેલાં, ને એ માને કે પરણ્યા પછી આમ જ જીવતાં હશે બધાં યે.

અમ્મા અને ફાધરના કહ્યાથી એમની સાથે સુજીત કેતકીને જોવા ગયો. પહેલી નજરે ગમી જાય તેવી હતી. એની તીક્શ્ણ બુદ્ધિએ ઝડપથી નિરીક્શણ કરી લીધું, અને એના મનમાં તત્કાળ આ છબી આવી ગઈ – હાઇટ સારી છે, રંગે ઊજળી છે, સાડી શોભે છે, એક ચોટલામાં ગુંથેલા વાળ લાંબા લાગે છે, ને બી.એ. થવાની તેથી ભણેલી કહેવાય. ઉપરાંત, સાદું જીવન જીવી હશે, ને રસોઈ કરતાં પણ જાણતી જ હશે. સજની જેવી મૉડર્ન તો નથી જ, પણ એ કદાચ નિરાંત કહેવાય.

રહેવાશે આ છોકરી સાથે, સુજીતે થોડી જ પળોમાં વિચારી લીધું. પછી, છોકરીની નજરમાં નજર મેળવવાના હેતુથી કહ્યું, સાડી સરસ છે, બહુ સટલ કૉમ્બિનેશન છે.

સુજીતને એ સાંજે સારું જ લાગ્યું. કેતકીનાં મા-બાપ સાલસ અને ભલાં લાગ્યંા, અને એનાં દાદી બહુ શાર્પ છે. એ ત્રણેય જણ બંને દીકરીઓને કેવી સરસ રીતે રાખે છે- સ્નેહથી, સમજણથી. લાગે જ છે, કે બંને બહેનોએ ગભરાવું પડતું નથી આ ત્રણ મોટાંઓથી. વાતાવરણ કેવું આનંદનું છે આ ઘરમાં.

સુજીતને પોતાને પણ, એ ઘડીથી જ આ ઘરનો સ્નેહ મળવા માંડ્યો હતો. જમાઈ થાઉં એ પહેલાંથી જ કેટલો ભાવ આપે છે મને. કેતકી હજી કાંઈ એવી મોટી નથી થઈ ગઈ. એને પરણાવવા માટે કશી ચિંતા કરવી પડે તેમ નથી, છતાં હું જ શ્રેષ્ઠ મૂરતિયો હોઉં તેમ વર્તે છે એ બધાં મારી સાથે.

દેવકી હસી હસીને આગ્રહ કરતી હતી – આ પૂરી તો લો. ને બીજી બરફી. નાનો જ ટુકડો છે. સુજીતે એ પણ નોંધ્યું કે કોઈ વધારી વધારીને બોલ્યું નહતું, કે કેતકીએ બનાવ્યું છે, કે એ રસોઈ બહુ સારી બનાવે છે, કે એ ચિત્ર ને ભરતકામ બહુ સરસ કરે છે, કે એવું કશું. બિચારી ઍમ્બૅરૅસ્ડ થઈ ગઈ હોત.

ત્યારે ને ત્યારે કેતકી સાથે વાતો કરવાનું કદાચ ના શોભે, પણ સુજીતે દેવકી સાથે જરા વાત કરી, ને જાણી લીધું કે કેતકીને વધારે શેનો શોખ છે. આહા, વાંચવાનો, ને એમાં યે શેક્સપિયરનો. વાહ ભઇ.

એ રાતે એણે અમ્માને અને ફાધરને કહી દીધું, કે છોકરી એને પસંદ છે. અમ્મા ખુશ થયેલાં. ફાધરને હજી એમ, કે આનાથી વધારે મોટું ઘર મળી શકે. પણ સુજીતના સંદર્ભમાં સજની હતી જ. એને ખબર હતી કે મોટું ઘર કોને કહેવાય, અને મોટા ઘરના પ્રૉબ્લૅમ શું હોઈ શકે. અને આપણે વળી કયા મોટા ઘરનાં થયાં તે.

અમ્માએ કહેલું, કે બીજે દિવસે વધામણી મોકલી આપીશું. એ પછી સુજીત બૂકશૉપમાં ગયેલો, અને થોડું જોઈ-શોધીને, શેક્સપિયરનાં લવ-સૉનૅટ્સની નાની ચોપડી કેતકીને ભેટ આપવા લીધેલી.

પછીની સાંજે અમ્માએ કહ્યું, કે છોકરીની પ્રિલિમ્સ ચાર-પાંચ દહાડામાં જ આવે છે, એટલે એ બહુ ટૅન્શનમાં છે. એ પછી જ મળવાની વાત થશે, એમ કહેવડાવ્યું છે. તને એટલી રાહ જોવાનો વાંધો નથી ને?, એમણે પૂછેલું.

સુજીતને ઉતાવળ નહતી. બલ્કે એ જીવન માટેની લાંબી વિચારણા પ્રત્યે હજી ઉદાસીન હતો. થશે જે થવાનું હશે તે. આટલાં વર્ષો જેમ ગયાં તેમ બાકીનાં પણ જશે.

છતાં, એણે ઉત્સાહપૂર્વક, કેતકીને રસ પડે તેવી ચોપડી ખાસ ખરીદી હતી.

પોતાના વ્યક્તિત્વમાંનાં બે જોડકાં જેવાં પાસાંનો સુજીતને ખ્યાલ પણ નહતો. કદાચ, નાનપણમાં મા-બાપ તરફથી અનુભવેલી ઉપેક્શાની ગંભીરતા એ સમજતો નહતો. એનો સ્વભાવ મૂળ આનંદનો, કુતૂહલનો, સતત જાણકારી મેળવ્યા કરવાનો. પણ અમ્મા એ સમજ્યાં નહીં, અને ફાધરે સમજ્યા છતાં ક્યારેય સુજીતને પ્રશંસિત કે પ્રોત્સાહિત કર્યો નહતો. મા-બાપની આંખોમાં એક પ્રજીત જ હતો. સુજીતના કુમળા મનના કોઈ અભાન સ્તરે આ વર્તાવની અસર દૃઢ થઈ હતી, અને પુખ્ત વયે પણ એ અસર રહેલી જ હતી, તેની જાણ એની સભાનતામાં હતી નહીં.

બે મનોભાવોની વચમાં સુજીતની આંતર્ચેતના હંમેશાં ઝોલાં ખાતી- ઉત્સાહ અને ઉદાસીનતાની વચમાં, સહજતા અને ક્રોધની વચમાં, ઉદારતા અને સંકુચિતતાની વચમાં. એનાં કારણ એ પોતે હજી સ્પષ્ટ સમજી શકતો નહતો. એકલવાયું હતું એનું મનોજગત.

સુજીતે મોકલાવેલી શેક્સપિયરનાં પ્રેમ-કાવ્યોની ચોપડી જોઈને કેતકીના દિલમાં હર્ષની લહેર ફરી વળી હતી. આવો સૅન્સિટીવ હતો સુજીત? અનપેક્શિત આવી ભેટ મળતાં એ મનોમન શરમાતી પણ હતી.

સાથે જ, કશીક સમાંતરતાનો ખ્યાલ પણ એને આવ્યો હતો. વાર્તામાં જ ના બને આવું? કે પહેલાં વિકાસે, એને પસંદ પડે તેવી, ચોપડી ગીતાંજલિ ભેટ આપી. તે એક રીતે પ્રેમ-કાવ્યો જ હતાં. વળી, વિકાસ દેખાવડો અને સૅન્સિટીવ જ હતો ને, પણ ક્યાંયે જતો રહ્યો એક શબ્દ કહ્યા વિના.

અને હવે આ સુજીત. એ પણ દેખાવડો, એણે પણ કેતકીને રસ પડે તેવી ચોપડી ભેટ આપી. હાય, એ પણ એવી જ રીતે જતો રહેશે તો?

કેતકીનું મન ગભરાટથી ફફડતું પણ હતું.

આવા બધા ટૅન્શનની વચ્ચે પ્રિલિમ્સ તો પૂરી થઈ. હવે તો સુજીતને મળવાનું ગોઠવવું જ પડે તેમ હતું. એક વાર પણ મળી લેવાય, તે પછી જ કેતકી ચોક્કસ હા – અથવા ના – કહી શકે. છતાં, સામેના એ પક્શેથી બધાંએ એને આટલો સમય આપ્યો, તે બાબત પણ પલ્લું નમાવતી તો હતી જ.

સુજીતને ત્યાંથી ફોન આવી ગયો, કે હવે પ્રિલિમ્સ પૂરી થઈ, હવે તો મળવાનો સમય હશેને કેતકી પાસે? પછી એમ નક્કી થયું કે સુજીતકુમાર ચ્હા પીવા ઘેર આવશે. દેવકી તો હૉસ્ટૅલમાંથી આવી શકે તેમ નહતી, તેથી નીલુને બોલાવી લેવાશે. ઘેર ચ્હા પીને, પછી ક્યાંક ફરવા જવું હશે તો, નીલુ એમની સાથે જશે.

માઈ કહે, પહેલી વાર તો આમ જ મળવું પડે. તને એકલી મોકલું, ને તું વગોવાઈ જાય તો?

પણ માઈને ખબર નહતી, કે સુજીત આ ત્રિકોણ સહેલાઈથી છૂટો કરી નાખી શકે તેમ હતો. સમય પ્રમાણે આવીને એ દીજી, બાપ્સ અને માઈને મળ્યો, હસીને વાતો કરી, ને પછી, ચ્હા પીને કેતકી અને નીલુની સાથે ગાડીમાં બેઠો. સુજીતકુમાર જાતે ચલાવીને આવ્યા છે, જોયું?, દીજીએ બાપ્સને કહેલું.

ઘરથી જરાક આગળ જઈને એણે એક તરફ ગાડી ઊભી રાખી, અને નીલુને કહ્યું, અહીંથી તું જાતે ઘેર જઈ શકીશ ને? નીલુ પહેલાં સમજી નહીં. એને થયું કે સુજીતકુમાર એને ત્યાં આવવા માગે છે.

સુજીત હસ્યો, અરે, એમ નહીં. હું કહું છું કે તું ઘેર જા, અને કેતકી મારી સાથે આંટો મારવા આવશે.

કેતકી જાણે લજામણીનો છોડ. ના, ના, નીલુ, તું જતી ના રહેતી.

હવે નીલુ પણ હસી. સારું, સારું, જીજાજી. તમે અપહરણ કરી જાઓ મારી સખીનું. પણ એને પાછી ઘેર મૂકી આવવામાં મોડું ના કરતા.

સુજીતે થોડે દૂરના તળાવ પાસે જઈને ગાડી ઊભી રાખી. કેતકીને છેક હમણાં ભાન થયું, કે હજી એણે ચોખ્ખી હા કે ના કહી નથી. કોને કહેવાનું? ક્યારે કહેવાનું? આ પૂછશે? હું શું કહું? મનમાં હજી પાકું નક્કી થયું નથી. પણ હવે વધારે ટાઇમ મને કોણ આપશે?

સુજીત પૂછતો હતો, પેલી કવિતાઓ વાંચી? કે હજી ટાઇમ નથી મળ્યો?

કેતકીના મનમાં ચાલતા હતા તેવા જ શબ્દો સુજીત બોલ્યો હતો, પણ જુદા સંદર્ભમાં. શેક્સપિયરની કવિતાના સંદર્ભમાં જ બોલ્યો હતો ને?, કે પછી એ શબ્દો દ્વારા કેતકીના નિર્ણય વિષે પૂછી રહ્યો હતો?

ના, હવે વાંચીશ. પણ ફાઇનલને પણ બહુ દિવસો બાકી નથી—-

બરાબર છે, કેતકી, તું બિઝી તો છે જ, પણ આપણા વિષે પણ નિર્ણય તો લેવો પડશે ને? મારે શું માનવાનું છે? વાંચી લઉં તારું મન? તેં મનના કાગળ પર લખ્યું હશે તો હું ચોક્કસ વાંચી લઈ શકીશ.

કેતકીના ચહેરા પર સ્મિત આવી જ ગયું.

સરસ લાગે છે તારો હસતો ચહેરો, સુજીતે ધીરેથી કેતકીનો હાથ પકડ્યો.

ચોંકી જઈને એણે ઊંચું જોયું- સીધું સુજીતની માંજરી આંખોમાં. ફૅબ્યુલસ ગ્રે-ગ્રીન કલર. ટીકી ટીકીને એ રંગ જોતાં રહેવાનું એને મન થતું હતું. જોતાં રહી શકાય, જો હા કહું. ને શા માટે નહીં? બધું સારું તો લાગે છે. ને મારે વધારે શું જોઈએ છે?

વધારે વિચારવાનું છે હજી?, સુજીતે પૂછ્યું.

કેતકીએ માથું હલાવીને ના કહી, એટલે અર્થ થયો, સુજીતને એણે હા કહી.

સુજીતે નીચા વળીને, બીજા હાથથી એક પડીકું લીધું. ખાખરાના પાનમાં બાંધેલી વેણી હતી. જૂઈનાં ફૂલોની. એની સુગંધ ગાડીમાં પ્રસરી ગઈ. ખોલીને વેણી એણે કેતકીને આપી. આ મારા તરફથી વધામણી રૂપે. વાળમાં તું નાખીશ કે હું —-

ના, ના, કહેતાં કેતકીએ માથાની એક પીન કાઢીને એમાં વેણી ભરાવી દીધી.

કેતકીનું હૈયું પતંગિયું બનીને ઊડાઊડ કરવા લાગ્યું. ને કેટલા બધા રંગોની છૉળ મનમાં ચોતરફ ફરી વળી. આનંદની હેલી ઊભરાઈ. આવી સરસ ભેટ લઈને આવેલા? ને મારી ના થઈ હોત તો? પણ હવે કેતકી એવું વિચારી જ નહતી શકતી. ના, આમ જ આનંદમાં વીતશે જિંદગી, એકમેકના સાથમાં.

સુજીતની સામે અડધુંપડધું જોતાં એણે ફરી સ્મિત આપ્યું. સુજીતે એનો હાથ છોડ્યો નહતો. હવે એને હોઠ પાસે લઈ જઈને ખૂબ આછો ચુમ્યો. કેતકીનું દિલ ધડકતું હતું. પતંગિયાના ઊડવાનો આટલો અવાજ થતો હશે?

સુજીતે કંઇક સૂચનના સૂરમાં પૂછ્યું, પછી પેલાં લવ-સૉનૅટ્સ વાંચી સંભળાવશો ને?

હાય રે, શું થશે ત્યારે તો? એક તો અઘરી ભાષા, અને પાછા પ્રેમના શબ્દો. કઈ રીતે વાંચશે એ સુજીતની સામે?

સુજીત કહેતો હતો કે જો, તને બહુ બૉધર નહીં કરું હમણાં. અઠવાડિયે એક વાર જ મળીશું, પણ તારી પરીક્શા પૂરી થાય તે પછીથી રોજ સાંજે, ઓકે?

પછીના અઠવાડિયે બંને મળ્યાં ત્યારે માઈએ ચિંતા કરી નહતી, અને દીજીએ નીલુને સાથે મોકલી નહતી. એ દરમ્યાન સુજીત પ્લાન કરવા માંડ્યો હતો. એણે કહ્યું કે હનીમૂન માટે તને ગોવા લઈ જઈશ. તને દરિયો ગમે છે ને?

હાય, એ ક્યાંથી જાણ્યું હશે એમણે? મારું મન ખરેખર વાંચી શકતા હશે એ?

કેતકીની આસપાસ આશાનાં પૂર ફરી વળ્યાં. ફરી દરિયા પાસે જવા મળશે. ને એમ જ ક્યારેક જંગલ, પહાડ ને ઝરણાં પણ જોવા મળશે. કેતકી જાણતી હતી, કે એણે બરાબર જ નિર્ણય લીધો હતો.

1 thought on “    બે કાંઠાની અધવચ – (૯ ) – પ્રીતિ સેનગુપ્તા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s