પ્રકરણઃ ૭ મલ્હાર
અંજલિને એરપોર્ટ પર ઉતારીને શોમ સ્ટિવ અને આરીને મળ્યો. શોમ ઉદાસ અને ખોવાયેલો લાગતો હતો. “કેમ દોસ્ત, આ સ્કાર્ફ ક્યાંથી?” એમ કહેતા આરીએ તેના ખીસામાંથી આછા ગુલાબી રંગનો સ્કાર્ફ ખેંચી કાઢ્યો. જાણે કોઈ મૂલ્યવાન વસ્તુ જતી રહી હોય તેવી ત્વરાથી શોમે સ્કાર્ફ પાછો લઈ લીધો. સ્ટિવ કહે, “અરે! કહે તો ખરો, આ ક્યાંથી આવ્યો?”
“એરપોર્ટ પર હું અંજલિને બેગ આપી રહ્યો હતો ત્યારે આ સ્કાર્ફ સરી પડ્યો અને મેં ઝીલી લીધો. મેં હાથ લંબાવ્યો પણ તે સ્કાર્ફ લીધા વગર…આછું સ્મિત આપીને જતી રહી.” શોમ વિયોગની મીઠી વેદનામાં ખોવાઈ ગયો.
એ રાતે, મોટીબહેન નીના સાથે શોમ તેના અંતરની દરેક વાત કરી ચૂક્યો. મુંબઈમાં દાદાજીના અવસાનને વરસ થયું હતું. “નીના, આજે દાદાજીની બહુ યાદ આવે છે.” કહેતા શોમનો કંઠ ભરાઈ ગયો અને આગળ બોલી ન શક્યો. તેને નિરાશામાંથી બહાર લાવવા નીનાએ બને તેટલી અયનની વાતો કરી પણ ખાસ ફાયદો ન થયો. માતાની માંદગી, અંજલિનો વિયોગ અને દાદાજીની યાદ તેને ધ્યાન તરફ દોરી ગયા. શોમ તેની ગમતી ગાદી પર બેઠો અને પસાર થતાં વિચારોને તટસ્થ ભાવથી જોઈ રહ્યો. એ જગ્યાએ જ ક્યારે ઊંઘી ગયો તે ખબર ન પડી.
એ પછીના દિવસો શોમ માટે ચિંતાજનક રહ્યાં. માહીને વધારે ટેસ્ટ કરાવવા અને શું ઉપાયો કરવા તે યોજનાઓમાં શોમ વ્યસ્ત રહેતો. કેલિફોર્નિઆથી નીનાના અનેક સવાલો ચાલુ રહેતાં. નીના પોતાની મમ્મીને મળવા હ્યુસ્ટન આવવાં અધીરી થતી હતી પણ અઢી વર્ષના અયનની અને રૉકીની અનુકુળતાનો પણ વિચાર કરવાનો હતો.
બે સપ્તાહ પછી તપાસ માટે માહીને રમેશ હોસ્પિટલ લઈ આવ્યા અને શોમની પાસે મૂકીને ગયા. શોમ અને તેની મમ્મી ડોક્ટરની ઓફિસમાં નવા પરિણામો જાણવાં ઉત્સુક હતાં.
“સારા સમાચાર એ છે કે ટ્યુમરનું કદ વધ્યુ નથી. બસ, મીસીસ જોષી, તમે જે કરી રહ્યા છો તે ચાલુ રાખો. હવે ત્રણ સપ્તાહ પછી ફરી મળશું.” સૌનો ઉચાટ ઓછો થયો અને માહીના ચહેરા પર હાસ્ય ફરક્યું.
ઘેર પાછાં ફરતાં માહી બહુ વાતો કરવાના તાનમાં હતી. “આજે સવારે મોટાકાકાનો મુંબઈથી ફોન હતો. અંજલિ તેનાં મામાને ઘેર મુંબઈ આવેલી હતી. મોટાકાકા કહેતા હતા કે, તેમને મળવા આવી હતી અને આખો દિવસ જોષી પરિવાર સાથે પસાર કર્યો હતો. બધાં અંજલિને મળીને ખુશ ખુશ થઈ ગયા.”
“અરે વાહ! ખરેખર, અંજલિ હંમેશા મને આશ્ચર્યચકિત કરતી રહે છે.” શોમનું મન મીઠો ગુંજારવ કરવાં લાગ્યું. “મને એટલી ખબર પડે કે એ ખરેખર શું વિચારી રહી છે!…તો રસ્તો નીકળે.”
“બેટા, તારે જરા વધારે તપ કરવાનું બાકી હશે…વિશિષ્ટ વ્યક્તિ એમ સહેલાઈથી ન મળે.” માહીએ હસતાં હસતાં શોમનો કાન ખેંચ્યો. “અચ્છા, આજે બહુ દિવસે આવ્યો છે તો તારી ગમતી વાનગીઓ બનાવીશ.”
“બહુ તકલિફ નહીં લેવાની…ડોક્ટરનો આદેશ છે.”
વરસાદ અને વીજળીના મલ્હાર મોસમમાં સાંજનું જમણ સાથે કર્યા બાદ, શોમ તેના રૂમમાં પુસ્તકો અને કપડાની ગોઠવણી કરી રહ્યો હતો. બારીમાંથી વીજળીનો ચમકાર ટેબલ પર પડેલાં પુસ્તકને ઉજાળી ગયો. શોમ ઉદાસીન ભાવથી અંજલિએ પરત કરેલ પ્રેમ-ગુંજન પુસ્તક સામે જોઈ રહ્યો.
પોતાના હાથને પરાણે લંબાવી તેણે પુસ્તક ઉઠાવ્યું, અને એક કાગળ નીચે સરી પડ્યો. ‘અરે આતો અંજલિના હસ્તાક્ષર છે.’ ધડકતાં દિલથી તેણે વાંચવાનું શરૂ કર્યું.
“પ્રિય શોમ, હું જઈ રહી હતી, પણ જાણે મારા સારા નસીબની ઊર્જાએ મને અહીં રોકી લીધી. એક સપ્તાહમાં ઘણું બની ગયું, કદાચ મારી જિંદગી બદલાઈ ગઈ. તારો અને અન્કલ-આન્ટીનો નવો પરિચય થયો. જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે મજબૂત પરિવાર કેવી રીતે અન્યોન્યની કાળજી લે છે તે મેં જોયું. છેક કેલિફોર્નિઆથી બહેન નીના કેટલી નજીક લાગે છે! હું મારું સૌભગ્ય ગણું છું કે હજી પણ જોષી પરિવાર મને આવકારે છે.
ઓ’મારા પ્યાર! હું જતાં જતાં એ કહેતી જાઉં છું કે હવે મારા માટે શોમ સિવાય બીજો કોઈ જીવનસાથી હું કલ્પી નથી શકતી. નિર્ણય લેવાનું તારા પર છોડું છું. તને વિચાર કરવા પૂરતો સમય મળી શકે તેથી આ પત્ર છોડી જાઉં છું. …આતુરતાથી તારા જવાબની રાહમાં…અંજલિ.”
શોમ ‘યાહૂ’ની બૂમ પાડી તેના રૂમમાંથી બહાર ધસી આવ્યો, “એ મને પ્રેમ કરે છે!!!” કહેતો પાછલું બારણું ખોલી, વરસાદમાં આમતેમ, અહીંતહીં ઝૂમી રહ્યો. રમેશ અવાજ સાંભળી બેઠકરૂમમાં આવ્યા અને કાચના દરવાજાની બહાર જોઈ રહેલી માહીને આશ્ચર્યથી પૂછ્યું, “શુ થયું તારા પ્રિન્સને?”
“’એ મને ચાહે છે’ કહીને દોડ્યો. જુઓ તો કેવો વરસાદમાં ભીંજાઈ રહ્યો છે!” અને માતા-પિતા આનંદમાં પાગલ પુત્રને કાચનાં બારણાં પાછળ ઊભાં ઊભાં જોઈ રહ્યાં. શોમના ફફડતા હોંઠ શું બોલી રહ્યા છે તેની ધારણા કરી રહ્યાં…
સુજલ વર્ષા વંટોળની વચાળ,
વીજ ઘેલી નહીં રોકી રોકાય,
દ્યુત પલમાં તૃપ્ત ને તરબોળ,
આજ સંપૂરણ સૃષ્ટિ રસરોળ.
શોમને તેની મસ્તીમાં છોડી માતા-પિતા પોતાનાં કામમાં હોય તેવો દેખાવ કરવામાં વ્યસ્ત થઈ ગયાં. થોડાં સમય પછી ફોન પર વાતો કરવાનો હળવો અવાજ આવતો હતો.
શોમે કપડાં બદલી તરત ગોઆ ફોન જોડ્યો હતો. “હલ્લો, વ્હાલી! હમણાં જ તારો પત્ર વાંચ્યો…”
“પણ આટલા બધાં દિવસોની વાર કેમ? હું તો અહીં મરી રહી હતી.” અંજલિ અત્યાનંદથી બોલી.
શોમે ખુલાસો કર્યો અને પછી મીઠી ગોષ્ટીમાં લાંબો સમય નીકળી ગયો.
“હું હમણાં જ દરિયાકિનારે ચાલીને આવી. અરૂણોદય જોતાં કલાપીની પંક્તિઓ મારા હૈયામાં ગુંજી ઊઠી… “ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;” હું ખુલ્લા અવાજે ગાઈ રહી હતી જાણે તું ત્યાં સાંભળવાનો હોય! મને ભણકારા વાગતાં હતાં કે આજે કંઈક ખાસ થવાનું છે.”
“મને આ બધાં મધુરા શબ્દો સમજાયા નહીં. ત્યાં આવું ત્યારે એ જ સાગર કિનારે મને સમજાવજે. ત્યાં સુધી મીઠાં સપનાં…”
અંજલિ ખુશ થઈને બોલી, “આ સમાચાર કહેવાં મમ્મી પાસે દોડી જાઉં, મારે અત્યારે જ આલિંગન જોઈએ છે…પણ તું નહીં, તો મમ્મી. Je t’aime…”
“હું પણ તને પ્રેમ કરું છું. વાહ! ફ્રેંચ આવડે છે…પોંડિચેરીમાં રહ્યાનો લાભ. ફરી વાત કરશું”
લગભગ સુવાનો સમય થવા આવ્યો હતો. રમેશ અને માહી શિવકુમારનું સંતૂર સાંભળી રહ્યાં હતાં. શોમને બહાર આવતો જોઈ સંગીત ધીમું કરી તેની વાત ઉત્સુકતાથી સાંભળવા તૈયાર થઈ ગયાં.
“મોમ, ડેડ, અંજલિ અહીં એક પત્ર મૂકી ગઈ હતી જે મેં આજે વાંચ્યો. અમે એકબીજાથી આજે વચનબધ્ધ થયાં અને લગ્ન કરવાનું નક્કી કર્યું છે.” શોમનું વાક્ય પૂરું થતા જ બન્ને જણાંએ વ્હાલથી દીકરાને બાથમાં લઈ લીધો.
“અમને બધી વાત કર…તેનાં મમ્મીને, મારા મુસ્લિમ હોવા સામે, કોઈ વાંધો તો નથી ને?” માહીએ પૂછ્યું.
“મેં અંજલિને તે વિષે પૂછ્યું તેનાં જવાબમાં તેણે કહ્યું કે તેનાં મમ્મી-પાપા હંમેશા માનતાં આવ્યાં છે કે સૌથી ઊંચો માનવધર્મ છે. લોકોએ ધર્મનાં વાડા બનાવેલાં છે, તેમાં તમારો ધર્મ જ ઉત્તમ છે તેવું કેવી રીતે માની શકાય?”
“અંજલિ આવા વિચારોવાળા માતા-પિતાની જ દીકરી હોઈ શકે, તે સ્પષ્ટ છે.” રમેશ બોલ્યા. ત્યાર બાદ ફોન પર નીના અને રૉકી અને પાછળ અયનનો અવાજ સૌના આનંદના તરંગોને વીંટળાઈ વળ્યો.
અંજલિનો ફોન ફરી રણક્યો. “કેમ તમને ઉંઘ નથી આવતી?” અંજલિએ હસીને પૂછ્યું.
“એકવાર તને શુભરાત્રી કહું પછી આવશે. અહીં તો વરસાદ છે, તેની રૂમઝૂમ સાંભળીને જોઈએ તને કયું ગીત યાદ આવે છે.” અને શોમે થોડીવાર ફોન ચાલું રાખ્યો અને અંજલિનાં હૈયાના સ્પંદન તેને સ્પર્શી ગયા…મલ્હાર…
મેહુલા ને અવનીની અવનવી પ્રીત,
માદક ને મંજુલ, ગવન ગોષ્ઠિની રીત.
કળીઓને થાય હવે ખીલું સજી સાજ,
મારો મેહ આવ્યો લઈ મોતીનો તાજ.
ચાતક બપૈયાની ઉંચી રે ચાંચ,
સંતોષે ટીપાથી અંતરની પ્યાસ.
કણ કણ માટીને મળી એક એક ધાર,
ઓતપ્રોત અંકિત અનોખી રસ ધાર.
મીઠો તલસાટ સહે મેહુલાનો માર,
ધરતી દિલ ભરતી થનગનતી દઈ તાલ.
મને એમ લાગે તું મારો મેઘ રાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.
મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.
——
‘ઊર્મિલ સંચાર’ નવલિકા, મારી નવલકથા ‘ફ્લટર ઓફ વિંગ’ની કથાવસ્તુ પર આધારિત છે. ગુજરાતીમાં નવલિકા લખવાના પ્રોત્સાહન માટે સાહિત્ય રસિક મિત્રોનો આભાર. મારી અંગ્રેજીમાં, Flutter of Wings…a poetic novel by Saryu Parikh is open to read on, https://saryu.wordpress.com
રંગોળી…ઈલા મહેતા
સ-રસ.સુંદર નવલિકા.
LikeLiked by 1 person
સુ શ્રી સરયૂ પરીખ ની નવલિકાના મલ્હાર પ્રકરણમા
‘શોમના ફફડતા હોંઠ શું બોલી રહ્યા છે તેની ધારણા કરી રહ્યાં…વાતે
સુજલ વર્ષા વંટોળની વચાળ,
વીજ ઘેલી નહીં રોકી રોકાય,
દ્યુત પલમાં તૃપ્ત ને તરબોળ,
અને
મને એમ લાગે તું મારો મેઘ રાજ,
સૂની સૂની તુજ વિણ તું આવ્યો મારે કાજ.
મારો મન મોરલો નાચે થનકાર,
જ્યારે તું આવે હું સુણતી મલ્હાર.
. કાવ્યમય સુંદર અભિવ્યક્તી
LikeLiked by 1 person
સુંદર વાર્તા. સોમ અને અંજલિના મિલનની આતુરતાથી રાહ..
LikeLike