“એ…હાલો મેળે” – પ્રદીપ ત્રિવેદી


“મેળા આપણી લોક સંસ્કૃતિનું, લોક પહેરવેશ અને લોક સાહિત્યનું જીવંત પ્રદર્શન છે. મોલ ક્લચર માં આપણે આપણા મેળા ભૂલવા ના જોઈએ. મોલ અને સુપરમોલ ક્લચર માં નવી પેઢી મેળા માણવાનું ચૂકતી જાય છે.”

ગ્રામ્ય જીવન ખતમ થતું જાય છે અને એની સાથે ગ્રામ સંસ્કૃતિ પણ લુપ્ત થતી જાય છે. આજથી ૫૦-૬૦ વર્ષો પહેલામ પણ ગામમાં ભરાતાં મેળાઓ, એકધારા લોકજીવનમાં અનેક પ્રકારનું વૈવિધ્ય ભરી જતાં. મેળાઓ હવે તો ગઈ કાલની વાત બની ગયા છે પણ, એ ગ્રામ જીવનના મેળામાંની વિવિધતાના વૈભવને અહીં લેખકની રસાળ શૈલીમાં આવો માણીએ.

*********** હાલો મેળે” ** ********
પ્રદીપ ત્રિવેદી

“હો.. મેળેથી કાંઈ લાવજો મારી હાટુ વાલીડા,
પણ વેલારે તમે આવજો મારા વાલમ વાલીડા,
તમે વ્હાલનો દરિયો અને અમે તરસ્યા વાલીડા,
કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો,
રૂપાળી વેરણ જોડે આંખો ના માંડજો,
મીઠી મીઠી વાતોમાં એ તમને ભરમાવશે,
હૈયું તમારું તમે ના એને આપજો !!
ભલે નથણી ના લઇ આવો મારી હાટુ વાલમ,
પણ દલડું ના દઈ આવતા વાલમ વાલીડા !!”
-પ્રિયા અને સચિન

મેળા નો તો આ જાદુ છે! મેળા ના ચગડોળમાં કોણ કોની પાસે આવી ને બેસી જાય છે અને જનમ-જનમ ના ચક્કરમાં બંધાય જાય છે, તેની ખબર પડતી નથી! મેળામાં બે દિલ અને ચાર આંખો ક્યારે મળી જાય અને ક્યારે કોને દિલ અપાય જાય તેની ખબર પણ પડતી નથી! મેળો એટલે મેળો. જે મનને ક્યારે કોની સાથે મિલાવી દે છે અને કોના દલડાં ધબકાવી દે છે, તેની ખબર જ પડતી નથી.
વરસાદી ભીની ભીની મોસમમાં દલડા પર કોણ વરસી જાય અને પ્રેમનો છોડ રોપી જાય તેની ખબર જ પડતી નથી. બે કાંઠે ખળ ખળ વહેતી નદીના જેવું હેત હૈયે વહાવીને કોણ રાસ રમી જાય છે તે ખબર પડતી નથી.

એ… સોનલી… એ…. ચંપાડી.. ચલ.. ચલ.. આ ચરર.. ચરર.. ચકડ ચૂં.. ચૂં.. ચિં. ચિં..કરતાં ચગડોળમાં બેસવું નથી?  અરે પેલી રૂપાળી રૂપલી ક્યાં ગઈ???  જો…. જો… કઈંક પેલા બલોયા અને બંગડીયું વેંચવા વાળા શ્યામલા પાસે તો ઉભી નથી ને! રૂપલી પણ ખરી છે! રૂપાળા ઘાઘરાના ખિસ્સા માં એકપણ રુપડી નથી અને કબ્જામાં ફાટફાટ થતા જોબનિયું લઈને મૂઈ શ્યામલાની ખોટેખોટી મંતરે છે ને! મૂઓ.. શ્યામલો પણ કઈ ઓછો નહીં! હજી મૂંછે વળ દઈ શકાય તેટલી મૂંછ તો ઉગી નથી..!  મૂછ ના દોરા તો હમણાં ફૂટ્યા છે અને સહેજ કાઠું કાઢી ગયો.. ત્યાં તો.. મૂછમાં મલકતાં, મલકતાં, પેલી રૂપલીના રૂપાળા અને  માખણભર્યા મુલાયમ હાથને પ્રસરાવતા પ્રસરાવતા આંખોમાં આંખ પરોવતા, પરોવતાં રંગ-બેરંગી બંગડીઓ પહેરાવતો જ જાય છે અને મનોમન મલકાતો જાય છે.. મૂઓ! પેલી રૂપલી પણ કાંઈ ઓછી નથી! આ મેળામાં ઉમટેલા માનવમહેરામણની વચ્ચે પણ ચોરી છુપી થી સૌ કોઈ ની નજર ચૂકવીને તે નજરને ઘડીભર બંગડી પર તો ઘડીભર શ્યામલાની કાળી ભમ્મર આંખો અને વાંકડિયા વાળ પર ઉછાળતી જાય છે! મેળામાં બન્ને પોતપોતાની મેળે રમત રમે છે અને એક પછી એક બંગડીઓ સાથે તે બન્ને એક બીજામાં પરોવાતા જાય છે! આ શ્યામલો.., રૂપલીનો પૂનમના ચાંદ જેવો ચહેરો જોઈને  પોચા અને હળવે હળવે હાથ  દબાવતા  લાલ રંગની બંગડી પહેરાવે છે ત્યાં તો  રૂપલીનો ચહેરો લાલચટક થઈ જાય છે અને અંગે અંગમાં રોમાંચ પ્રસરી જતા જોબનિયું ઢોળાવા લાગે છે! કસકસાવીને બાંધેલી કસું, ફાટફાટ થતાં જોબન અને ધક ધક થતા દિલ સામે તૂટવા લાગે છે! જાણે હમણાં જ બધા બંધનો તૂટી જશે અને ખુબજ માવજતથી છુપાવીને રાખેલું દલડું બહાર આવી જશે!

અરે પેલી રાધુડી.. ક્યાં ગઈ? બે દિવસ સુધી તેની મા ને સમજાવી, પટાવીને આપણી સાથે મેળામાં આવવા મનાવી છે, ત્યારે આ રાધુડી ફૂમકાં ભરેલા નવા ઘાઘરી પોલ્કા સાથે ક્યાં ગઈ?કાન ઘેલી રાધા નક્કી પેલો જોડિયા પાવો વગાડે છે ને ત્યાં ઊભી હશે! ચિત્ર -વિચિત્ર કપડાં પહેરેલો આ પાવાવાળો કંઈક સુરના જાદુમાં આપણી રાધુડીને ઉપાડી ના જાય! પાવા વગાડવાવાળા કોઈપણને તેની ધૂનમાં સંમોહિત કરી દેતા હોય છે! અને, આપણી આ રાધુડી એ ખેતરના ચાડિયા અને પાગીયા સિવાય કોઈને ભાળ્યા ના હોય. તે આવા પવાવાળાને જોઈ ને.. તેના પાવાની ધૂન સાંભળીને મોહિત થઈ ગઈ હશે! પાવો વગાડવો ગમતો હોય તો પાવો ખરીદી લેવાય પણ પાવો વગાડવાવાળાને ખરીદી ના લેવાય! પાવો વગાડવાવાળા પાછળ પાગલ આ રાધુડી કંઈક દિલનો પાવો વગાડી ના દે! પાવા વગાડવાવાળા રોયા હોય છે પણ એવા કે આપણે પણ તેની પાછળ  નાગિનની જેમ જોબનિયું  નચાવતાં, નચાવતાં તેની પાછળ  સંમોહિત થઈને તેની સાથે જવા લાગીએ છીએ!

અરે…. પેલી ઝમકુડી  તો જુઓ,  ઝૂમ ઝૂમ કરતી, પેલા ઝાંઝરા પહેરવનારા પાસે કેવી ઠાવકી થઈ ને બિંદાસ… પગ
આપીને બેઠી છે! માથામાં મહેંકતા મોગરાની વેણી નાખેલી ઝમકુડી ને ઝૂમ ઝૂમ અવાજ થાય એવા ઝાંઝર  બહુ ગમે… એટલે જ્યાં
પણ ઝાંઝર વેંચવાવાળાને જુએ કે તરત જ કેળના પાંદડા ની ડાળી જેવા રેશમી,  મખમલી સા મુલાયમ અને રૂપાળા લાંબા  બન્ને પગ
ઝાંઝરવાળા ને બિન્દાસ ધરી દે…! ઝાંઝરવાળો પણ પગના સૌંદર્યને અને મોગરાની મ્હેંકને  માણતો માણતો, ઝાંઝર પહેરાવા સાથે
તેના દિલની ઝાંઝર ઝણઝણી ઊઠે છે અને ક્યાંય, કોઈ અન્ય દુનિયા માં ખોવાઈ જાય છે.! ઝમકુડી એટલે ઝમકુડી…હો!. એ તો ઝાંઝરાં સાથે હાથના નખ પણ કોઈ પણ રંગથી રંગવા લાગે તેવી નટખટ નમણી નાર છે!

તો, કાળમીંઢ જેવા ખરબચડા પથ્થરોને પ્રેમ અને સ્નેહનું રસપાન કરાવતી આ નદીના સુકોમળ સ્પર્શથી રૂડા –રૂપાળા પાંચીકાઓ બનાવી મૂકનાર આ લાંબા નદી- પટ પર છાબડીમાંથી વેરાયેલા રંગબેરંગી ફૂલો જેવા ભૂલકાઓ નવા ખરીદેલા રમકડાંઓથી રમી રહ્યા છે, મસ્તી, તોફાન કરી રહ્યા છે.

તો, કોઈ એક વૃક્ષ નીચે જનોઈ અને ધોતી પહેરેલ મોટા ફાંદવાળો જોશીડો, સોડબોટલના કાચ જેવા જાડા અને પાંચ -છ જગ્યાએથી તિરાડ પડેલા, ભૂમિતિની ત્રિજ્યા દોરી હોય એવા ચશ્માં વડે, કાચી કેરી જેવી કુંવારી બાલિકાઓ અને કન્યાઓને પૂજા કરાવરહ્યો છે.. તો કેટલીક ઉત્સાહઘેલી, તોફાની નદીજેવી કન્યાઓ આ જોષીડાના વિશ્વદર્પણ જેવી હથેલીમાં પોતાનો કુંવારો, રૂપાળો, મખમલી હાથ મૂકીને, શરમના શેરડા સાથે ભાવિ “વર” નો વર્તારો મેળવી રહી છે! અરે લાકડીના ટેકે ચાલતી અને સૂક્કાંભઠ ખેતરમાં દુષ્કાળનો
ભાસ કરતી ચાસ  જેવી કરચલીઓ ધરાવતી અને રસ-કસ વગરના છોતરાંઓ જેવી “ડોશીઓ “પણ, જીર્ણ-અજીર્ણ થયેલી સાડીના છેડે,બાંધેલી ગાંઠમાંથી ખણ ખણતો એક આનો આપી ને બોખા મોંનું બોખલુંભર્યું હાસ્યવેરતા આ ઉંમરે આ જોશીડા પાસે શું ભવિષ્ય
જોવડાવતી હશે?

તો, આ બાજુ ફુગ્ગાવાળો પાંચ–પાંચ પૈસામાં ફુગ્ગાઓ વેચીને લાખો રૂપિયા જેટલો રંગબેરંગી આનંદ લૂંટી રહ્યો છે! તો, છલકાતા જોબન અને જોશ સાથે યુવાન હૈયાઓ ચગડોળમાં બેસીને સ્વપ્નો અને આશાઓનો ચડાવ-ઉતારનો રોમાંચ માણી રહ્યા છે. તો, ક્યાંક ડુગડુગી વગાડતો મદારી તેના અષ્ટમ -પષ્ટમ ખેલ બતાવી રહ્યો છે અને કૂદા -કૂદ કરતી વાંદરીને નચાવીને મનોરંજન
કરાવી રહ્યો છે તો કોઈ મદારી લોકોને તાળીઓ પડાવતા, સાપ કાઢીને કહી રહ્યો છે કે, “એક કાઢું કે બે “?  અને કોથળામાંથી કેટલાંક ડબ્બાઓ કાઢીને જાદુ બતાવી રહ્યો છે

આ બાજુ, રંગ -બેરંગી, મોર, પોપટ અને આભલાઓના ભરત ગૂંથણવાળી અને ફૂમકાંઓ લટકતી, અદભુત સુંદરતા ધરાવતી છત્રીઓને યુવાન હૈયાઓ ગોળ ગોળ ઘુમાવી રહ્યા છે અને હૈયાના હરખ સાથે દિલોજાન દોસ્તી કરવા,”છત્રીમાં સાથી” બનવા કોઈને આહવાન આપી રહ્યા છે! કીડી મંકોડાની જેમ ઉભરાતા લોક મહેરામણની ભીડ વચ્ચે પણ ક્યાંક, ક્યાંક અણિયાળી આંખડીયું ટકરાઈ જાય છે ત્યારે આકાશ જેવા હૈયે હરખની હેલી વરસી જાય છે ને રોમેરોમમાં કોઈ અદભુત રોમાંચભર્યો વીજળીનો ચમકારો તન અને મનને ધ્રુજાવી દે છે.

મેળાનો જાદુ જ કઈંક ઔર હોય છે.. યાર..! જન્મો જન્મના વિખુટા પડેલા મનખાને મેળો મિલાવી દે છે અને ભવોભવ પ્રીતનું ભાથું બંધાવી દે છે આ મેળો! મેળામાં થયેલો મનનો મેળાપ છેક “હસ્તમેળાપ” સુધી લઇ જઈ શકે છે.

મેળો એટલે મોજ-મજા અને મંજુષા પૂર્ણ કરવાનો પ્રેમભર્યો, મસ્તીભર્યો, રમતિયાળ ઉત્સવ, ઉજાણી. મેળો એ મનભરીને મસ્તી માણવાની મહેફિલ છે!

મેળો એ તો ઉલ્લાસ, ઉજાસ અને ઉર્જાનું ઉત્સવી પ્રદર્શન છે. મલકને મલકાવતો મેળો માનવીના મનને મલકાવી દે છે. મેળો એ મનપસંદ સાથી અને વાનગીને સાથે સાથે માણવાનો ઉત્સવ છે. મેળામાં જાત જાતના માણસો અને ભાત ભાત ની વસ્તુઓ જોવાની મજા આવતી હોય છે! જેનો ક્યાંય મેળ ના પડે તેનો મેળામાં મેળ પાડી જતો હોય છે!

મેળો એટલે મળો અને મેળ પાડો! મેળો એટલે જ મેળ પાડવાની અને મોજ-મસ્તીની હળવી ઉજાણી!

મેળો માણવો એટલે આવતા મેળા સુધી આ માંહ્યલાને, મનને મોજમાં રાખવું. મેળો માણસના મન અને જીવન ને ભર્યું ભર્યું કરીદે છે.
મેળો એ જીવનની ફિલોસોફી છે. ચગડોળ એ જીવનનું પ્રતીક છે. મેળો એ આનંદ ઉલ્લાસનું પ્રતીક છે. એટલે તો મેળાને “આનંદ મેળો “કહેવામાં આવે છે. સૌરાષ્ટમાં મેળાને “આનંદમેળો” જ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રના મેળા માણવા જેવા હોય છે. તેમાં પણ ખાસ કરીને તરણેતરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, અંબાજીનો મેળો, સાતમ – આઠમ નો રાજકોટ, અમરલી પોરબંદર અને ભાવનગર નો મેળો તો ખરેખર માણવા જેવો હોય છે. “કુછ પળ તો ગુજારીયે સૌરાષ્ટ્ર કે મેલે મેં”! સૌરાષ્ટ્રના મેળા માણવાનું પણ પ્લાંનિંગ કરવું જોઈએ. મેળા એ આપણી લોક સંસ્કૃતિનું, લોક પહેરવેશ અને લોક સાહિત્યનું જીવંત પ્રદર્શન છે. મોલ ક્લચર માં આપણે આપણા મેળા ભૂલવા ના જોઈએ. મોલ, સુપરમોલ ક્લચર માં નવી પેઢી મેળા માણવાનું ચૂકતી જાય છે.

મેળો તો મન નો ટહુકો છે, મન નો થનગનાટ છે, મન ની મસ્તી માણવા નો ઉત્સવ છે. મેળે મેળે મોરલડી હેલે ચઢતી હોય છે. મેળામાં જાતિ, વર્ણ, તવંગર, ગરીબ, નાના, મોટા, સ્ત્રી, પુરુષ, કાળા, ધોળા, તમામ પ્રકાર ના ભેદભાવ ભૂલીને સૌ કોઈ બસ, તેની મસ્તીમાં મજા માણે છે અને એક દિવસમાં ખુશીના જેટલાં ફુગ્ગાઓ ઉડાડવા હોય તેટલા ઉડાડે છે અને ફોડે છે!
આ તો  છે.. મેળા ની મજા અને મસ્તી. મેળો એ મેળાવડો છે. બે જણા દિલથી મળે તો એ મેળા જેટલી જ ખુશી ખુશી અનુભવે છે.

“ હજારોની હાજરી વચ્ચેય ફરું છું એકલો,
રાત પડતા આંખ પાછળ થાય મેળા શરૂ ”
– આશિત હૈદરાબાદી

“મેળામાં જઈ ને જેમને તું  ના મળી  શક્યો,
એકાંતમાં એ સૌ તને  આવીને મળ્યા હતા.”
-રતિલાલ જોગી

 

3 thoughts on ““એ…હાલો મેળે” – પ્રદીપ ત્રિવેદી

  1. “એ…હાલો મેળે” કવિ શ્રી પ્રદીપ ત્રિવેદીની મધુરી રચના
    આનંદની અનુભૂતિ કરાવે એ તહેવાર
    અને
    તહેવાર એટલે ટ્રેડિશન પ્લસ ઇમોશન.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s