પ્રાર્થનાને પત્રો… – ૮૪ – ભાગ્યેશ જહા


“વ્યસ્ત રહેવું એટલે રોકાયેલા રહેવું નહીં, પણ રોપાયેલા રહેવું. રોપાયેલા રહેવું એટલે એક વૃક્ષ જેવું બનવું. વૃક્ષ જેવું બનવું એટલે બીજા માટે જીવવું, કોઈને છાયા આપવાની, કોઈને ફળ આપવાના. પણ પોતે મસ્ત રહેવાનું.!”

 [૮૪] પ્રાર્થનાને પત્રો… 

પ્રિય પ્રાર્થના,

વરસાદ છુટક છુટક આવે છે, ચોમાસાની તોતડાયેલી જીભથી આકાશ કશું લખવા મથી રહ્યું છે. મચ્છરો અને ડેંગ્યું નો અહીં તહીં વર્તારો છે. જો કે એક દિવસ બહુ વરસાદ પડ્યો ત્યારે બહુ મઝા આવી. ડુબેલા ‘ખ’ રોડના રેઇંનકોટ જેવા અજવાળાની ચમકતી સપાટી પર પાણી અથડાઈને કુદાકુદ કરતું હતું. એક ટુ-વ્હીલર પર એકબીજાને વળગીને પલડતાં જતાં બે યુવાન હૈયાં વાદળને પ્રોત્સાહન આપી રહ્યાં હતાં. નાના ખાડાઓનો વૈભવ અચાનક જ વધી ગયો હતો. ઉભરાતી સેક્ટરોની ગલીઓ કો’ક ગામની યુવતીઓનાં ટોળાં જેવી લાગતી હતી. મઝા આવી, પણ હમેશાં બને છે તેમ મઝાની ઘટનાઓ ટકતી નથી. બીજા દિવસે ફરી પાછો તડકો આવી જાય છે, બિલકુલ અજાણ્યો લાગે. ગઈકાલે માંગવા આવનાર બાવાને ના પાડી હોય અને પાછો બીજા દિવસે આવે અને એ અજાણ્યો લાગે એવો. નાહેલાં વૃક્ષો તો એની સામે જુએ પણ નહીં, બાળકો તો વહેલાં નિશાળે નીકળી ગયાં હોય ત્યારે જેને અમારી આખી ગલીમાં કોઇને કોઇ ટપાલ આપવાની ના હોય એવા કુરિયરવાળા કાકા જેવો આ તડકો એની કમોસમિયતને કારણે બેડોળ લાગતો હતો.

એક સરસ ઘટના બની. ગાંધીનગર કલ્ચરલ ફોરમના પચ્ચીસ વર્ષ પુરા થયાં, ભર યૌવનના આ દિવસો, મદમસ્ત ગરબા અને હસાહસીનાં સામાજિક નાટકો. એક સંસ્થા તરીકે દળદાળ પુસ્તક જેવો એનો દબદબો છે. એ પ્રસન્નતાનું પર્વ ઉજવે છે. રજતજયંતિનો માહોલ છે, રોજ નિતનવા પ્રસંગો ઉજવાય છે. નવી ટીમ છે, અને અનેરો ઉત્સાહ છે. લાલાકાકા અને હિરેન ભટ્ટનો તરવરાટ જોવા મળે જ. જો કે કોલમિસ્ટ અને માહિતીના વરિષ્ઠ પુલકે કહ્યું તેમ મેં અને કૃષ્નકાંતભાઇએ જગત વહેંચી લીધું છે. એ ગાંધીનગરની કાળજી રાખે અને હું ગાંધીનગર બહાર સાંસ્કૃતિક બાબતોમાં કશુંક ને કશુંક કરતો રહું, જો કે ગાંધીનગરના કાર્યક્રમોમાં મારી સતત હાજરી તો હોય જ. સાહિત્યિક સમારભોમાં પ્રવચન પણ આપવાનાં બહુ થયાં. ઘણી બધી જગાએ તો હું અને વી. એસ. ગઢવીસાહેબ સાથે જ હોઇએ. એમનો લોકસાહિત્યનો અભ્યાસ અને મારી વિનોદની રિયાઝ. પણ આ પ્રસન્નતાના પર્વમાં મારે અને જયનારાયણ વ્યાસસાહેબે બોલવાનું હતું. એમનો વિષય હતો, “મન પ્રસન્ન, તો જીવન પ્રસન્ન.”  અને મારો વિષય હતો, “વ્યસ્ત રહો, મસ્ત રહો…”.

વક્તાની મઝાની પૂર્વશરત સમું સારું ઑડિયન્સ છે. ગાંધીનગરની ‘હોમ-પીચ’ પર રમવાનું મળે એટલે વિશ્વકપ મળ્યા જેટલો આનંદ થાય. વ્યસ્ત રહેનાર કશાક ભારમાં આવી જાય છે, અને મસ્ત રહેવાનું ચુકી જતા હોય છે. વ્યસ્ત રહેવાની મારી વ્યાખ્યા સાવ અલગ છે, ‘જેને વિશેષ રીતે અસ્ત પામવાની પોતાની જીવનની યોજના કરી લીધી છે એ વ્યક્તિ’ વ્યસ્ત છે. પણ દુ:ખો સામે હસવાનું સામાર્થ્ય જેણે કેળવ્યું છે એ મસ્ત માણસ છે. એકલા વ્યસ્ત હોવ, અને મસ્ત ના હોવ તો તમને જીવનના સાચા આનંદંનો પરિચય ના થાય. અને ખાલી મસ્ત હોવ પણ વ્યસ્ત ના હોવ તો કશીયે સફળતા ના મળતાં, કે વ્યસ્ત રહીને મસ્ત રહેવાની વિશેષ શક્તિ ના કેળવાતાં તમારું જીવવું અર્થહીન બની જાય છે. અંગ્રેજીમાં કહે છે, એમ ‘કેરલેસ’ નહીં, ‘કેરફ્રી’ બનવાનું છે. તને યાદ હોય તો મેં એક પ્રસંગ અગાઉ કહેલો છે. હું ત્યારે (ઓક્ટોબર, 1979) દેવગઢ બારિયામાં મામલતદાર હતો, નવરાત્રી પહેલાં યોજાતી એક ગરબાસ્પર્ધાનો ફાઈનલ દિવસ હતો.

એ દિવસે મેં કેટલાક જોક કહ્યા. લોકોમાં એક જુદા જ પ્રકારની ‘આભા’ ઉભી થઈ. મારા બૉસ જે દાહોદ સબડિવીઝનના સબડિવીઝનલ મેજિસ્ટ્રેટ કહેવાય, તે થોડા નારાજ થયા. મને ખુલાસો પુછ્યો. મેં લાંબો જવાબ આપ્યો, અને કહ્યું, સામાન્ય રીતે આવી સ્પર્ધાનું પરિણામ આવે એના કરતાં જુદું પરિણામ હતું. એટલે ઉહાપોહ ના થાય, કોઈ કડવાશ ઉભી ના થાય એટલા માટે આખા વાતાવરણને હળવું કરવા મેં જોક કહેલા. મેં એક વાક્ય લખેલું. Let me clarify that, I am sincere, and not serious. આ ખુલાસા ખાતર ખુલાસો નહોતો, મારી પ્રતીતિ હતી. તે દિવસથી જીવનની આ પાયાની સમજણ જાળવી રાખી છે. કેટલાક લોકો એવું માને છે કે વધારે પડતા ગંભીર હોવાથી લોકો આપણને ગંભીરતાથી લે છે. પણ હવેનો સમય તમારી પ્રકૃતિ કે સ્ટાઈલ જેટલું જ મહત્ત્વ તમારી અસરકારકતા અને તમારા માનવીય સંબંધોને મહત્ત્વ આપે છે. વ્યસ્ત રહેવું એટલે રોકાયેલા રહેવું નહીં, પણ રોપાયેલા રહેવું. રોપાયેલા રહેવું એટલે એક વૃક્ષ જેવું બનવું. વૃક્ષ જેવું બનવું એટલે બીજા માટે જીવવું, કોઈને છાયા આપવાની, કોઈને ફળ આપવાના. પણ પોતે મસ્ત રહેવાનું.

આજના સમયની બીજી સમસ્યા છે, નોર્મલ માણસો નથી જોવા મળતા. જેને નાની પણ સિદ્ધિ મળી છે, એ હવામાં છે. આજે લોકોમાં ત્રણ પ્રકારની ઘેલછા જોવા મળે છે, એક, જે છે તે નથી દેખાવવું. બે, મોટાભાગના લોકો ઇર્ષ્યા અને અદેખાઈમાં જ પોતાના માનસને રોકી રાખે છે. ત્રણ, કોઈ પણ તેજસ્વી માણસ આવે તો એનું સ્વાગત સારી એવી અસલામતી સાથે થાય છે. આ અને આવી અનેક ઉક્તિઓ સાથે બોલવાની મઝા આવી. આ દિવસો મસ્તીના દિવસો છે. કાયમ હસતા રહીએ છીએ.

કિં બહુના,

મસ્તી માટેની શુભેચ્છાઓ….

ભાગ્યેશ.

જય જય ગરવી ગુજરાત.

2 thoughts on “ પ્રાર્થનાને પત્રો… – ૮૪ – ભાગ્યેશ જહા

  1. બધા જ સુંદર ભાગ્યેશ જહાના પત્રોના આજના પત્રની આ વાત
    ‘વ્યસ્ત રહેવું એટલે રોકાયેલા રહેવું નહીં, પણ રોપાયેલા રહેવું. રોપાયેલા રહેવું એટલે એક વૃક્ષ જેવું બનવું.’ અને કાયમ હસતા રહીએ છીએ વાત વધુ ગમી

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s