લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૪) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ


લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૪) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

મ્યુઝિયમનું કાર્યક્ષેત્રઃ

મ્યુઝિયમનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. તેનાં કાર્યો બે ભાગમાં વહેંચાઈ જાય છેઃ

. આનંદ દ્વારા લોકશિક્ષણઃ સમાજના બધા સ્તરના અને બધાં ક્ષેત્રના અબાલવૃદ્ધ લોકોને આનંદ સાથે શિક્ષણ મળી રહે તે માટે વસ્તુસંચય, તેનું કાયમી પ્રદર્શન અને તેની સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ કરવી આવશ્યક બની.

. મ્યુઝિયમનો સમગ્ર વહીવટઃ વસ્તુસંચય ને પ્રદર્શનથી માંડીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સમગ્ર મ્યુઝિયમનો કાર્યભાર સારી રીતે સંભાળવો જરૂરી છે. તેમાં મ્યુઝિયમની ઈમારતથી માંડીને એની આર્થિક બાજુ, લોકસંપર્ક વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે.

કાર્યક્ષેત્ર એકઃ આનંદરસિત શિક્ષણ

કાયમી પ્રદર્શન એ મ્યુઝિયમનું સ્વરૂપ છે. લોકો એ પ્રદર્શન જોવા આવે, અનેક વસ્તુઓ જુએ, અવનવું જાણે-માણે ને ચાલ્યા જાય, એટલું જ પૂરતું નથી. જાણવા-માણવા ઉપરાંત તેઓ કંઈક વિશેષ પામે એમાં જ મ્યુઝિયમની સાર્થકતા છે. માણસ ગમે તેટલી હકીકતો જાણે, માહિતી મેળવે, એ ગમે તેટલો શિક્ષિત કે વિદ્વાન હોય, તો પણ દરેકેદરેક શક્ય પરિસ્થિતિને પહોંચી વળી શકે નહીં, કારણ કે જીવન બહુ જટિલ છે. એનું કારણ છે કે, જગતમાં ને જીવનમાં એ આનંદપૂર્વક સ્થિર ઊભો રહી શકે એવી રીતે મનને કેળવવાની, શક્તિશાળી બનાવવાની અને સક્ષમ બનાવવાની જરૂર છે. એવી કેળવણીની તક ઊભી થઈ શકે તો માણસ એક ‘મનુષ્ય’ તરીકે ઊણો ન ઊતરે. જાણકારી ને માહિતીની સાથે જ જીવનનાં મૂલ્યો અંગે સમજ કેળવાય, વિવેકબુદ્ધિ ખીલે, પોતે ‘મનુષ્ય’ છે એવી સભાનતા જળવાઈ રહે એ અનિવાર્ય છે. આવી કેળવણીની તક મ્યુઝિયમ ઊભી કરી શકે. મ્યુઝિયમની મુલાકાત અને પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી લોકો આનંદ સાથે કેળવણી મેળવવી એ બે વચ્ચે મ્યુઝિયમના સંદર્ભમાં કોઈ ભેદ નથી. અહીં આનંદ અને શિક્ષણ એક થઈ જાય છે. કલા, સંસ્કૃતિ, વિજ્ઞાન, સમસ્ત જડ-ચેતન સૃષ્ટિના ઈતિહાસ-ભૂગોળ વગેરેને લગતું કાંઈ પણ જોવા-જાણવા મળે તો માણસને આણ્મ્દ થાય છે, એ મુગ્ધભાવે, વિસ્મયથી નિહાળે છે, એમાં જ સામાન્ય જ્ઞાનના મૂળ રહેલાં છે. મ્યુઝિયમના અનુભવમાં આનંદ અને શિક્ષણનો સમન્વય થાય એવી શક્યતાઓ છે. એ અનુભવ જ માણસના બૌદ્ધિક તેમ જ સંવેદનાત્મક વિકાસમાં ફાળો આપે છે. અને શિક્ષણનો હેતુ મનુષ્યની બુદ્ધિ અને સંવેદનશીલતાને પ્રબળ કરવાનો છે તે અહીં પાર પાડે છે.

મ્યુઝિયમ કોઈ ધાર્મિક સંસ્થા નથી. લોકોને બોધ આપવો, નીતિ-નિયમો શીખવવા એ એનું કામ નથી; તો મનુષ્યના હ્રદયમનને કેળવવાનું કામ એ કેવી રીતે પાર પાડી શકે? આ પ્રશ્ન થાય.

મ્યુઝિયમ દ્રશ્યાત્મક માધ્યમ છે. નરી આંખે જોઈ શકાય, એનો પ્રભાવ આંખ દ્વારા પડે છે. ઉપદેશ કરતાં, આંખ દ્વારા પ્રત્યક્ષ વસ્તુદર્શન જીવન અને જગત વિશેની સમજ કેળવવામાં વધુ ઉપકારક નીવડે.

મ્યુઝિયમ માટે વિશ્વભરમાંથી, દુનિયાને ખૂણેખૂણેથી પ્રાચીનથી વર્તમાન સમય સુધીની કલાત્મક સમૃદ્ધિ તેમ જ દસ્તાવેજી પ્રકારની વસ્તુઓ એકત્રિત કરાય છે. મનને ગમે, પ્રભાવિત કરે, પ્રેરક નીવડે તેવી અસંખ્ય વસ્તુઓ, તેનું મૂળ ભૌગોલિક-સામાજિક વાતાવરણ નિર્માણ કરીને, સરસ રીતે ગોઠવીને, તે વિશેની માહિતી આપતી ટૂંકી નોંધ સાથે મૂકેલી હોય છે. એનું શૈક્ષણિક મૂલ્ય તો છે જ, નૈતિક મૂલ્ય પણ છે. તે તે વસ્તુ સાથે સંકલિત માનવજીવન-સમાજજીવનને સમજવામાં એ પ્રેરક નીવડે છે, એટલું જ નહીં, અને માનવજાતની એકાત્મકતાનો અનુભવ કરાવે છે. વસ્તુનું સૌંદર્ય, એની કલાત્મકતા આનંદદાયક થાય છે. આ બધું મુલાકાતીઓની આંતર ક્ષિતિજો વિકસાવે છે.

જ્યારે લોકોએ પોતે બનાવેલી અને વાપરેલી અસલી વસ્તુઓ મ્યુઝિયમમાં મૂકાય છે, ત્યારે એ તે તે સ્થળના કુદરતી વાતાવરણનો અને લોકોના જીવનનો ભાગ હોય છે, એવી એક હાઈપોથિસીસ છે. આ જ કારણે મ્યુઝિયમ એક અલગપ્રકારના સંદર્ભગ્રંથ સમાન બને છે. શાળા-કોલેજોના વર્ગશિક્ષણનો વિસ્તાર મ્યુઝિયમમાં થઈ શકે. પુસ્તકો કરતાં એ વધુ રસપ્રદ રીતે માહિતી રજૂ કરે છે. મ્યુઝિયમમાં કેવળ વસ્તુઓ ને હકીકતો જ નથી હોતી, એ વસ્તુઓનો મા નવજીવન સાથેનો સંબંધ દર્શાવે છે, તેથી તર્કને પોષે છે, વિચારપ્રેરક બને છે, કલ્પનોત્તેજક બને છે.

મ્યુઝિયમમાં શક્ય હોય ત્યાં સુધી તો મૂળ અને અસલ વસ્તુ જ મૂકવામાં આવે છે; પણ જો કદાચ એ વસ્તુ ક્યાંકથી નુકસાન પામી હોય કે કાળક્રમે વિલુપ્ત થવા પર હોય તેવા સંજોગોમાં એની પ્રતિકૃતિ પણ બનાવી લેવામાં આવે છે. ઘણી વાર પુરાતત્વવાદી, સંશોધનકાર અને ઈતિહાસકાર, ખોદકામમાંથી કે ઈતિહાસમાંથી એવી અલભ્ય વસ્તુઓના અવશેષ શોધી કાઢે છે કે પછી એના આધાર પર, પ્રમાણિત પ્રતિકૃતિ પણ બનાવવામાં આવે છે, અલબત્ત, એના વર્ણનમાં સ્પષ્ટ રીતે લખેલું હોવું જરૂરી છે કે આ વસ્તુ અસલ નથી પણ પ્રતિકૃતિ છે, એટલું જ નહીં, એ પ્રતિકૃતિ કઈ રીતે બની એના પર થોડુંક વિવરણ પણ લખવામાં આવે છે. ઘણીવાર મૂળ કૃતિ સુધી ન પહોંચાય એવું હોય તો અનેક મ્યુઝિયમ અસલ વસ્તુના સંગ્રહસ્થાનની યોગ્ય અનુમતિ લઈને એની પ્રતિકૃતિ દર્શકો અને અભ્યાસુઓ માટે બનાવે છે. પણ, પ્રતિકૃતિ અસલ કૃતિ જેવી જ સરસ અને સ્પષ્ટ હોવી જોઈએ, એમાં કોઈ પણ જાતનું સમાધાન ન હોવું જોઈએ. પશ્વિમના દેશોમાં પ્રતિકૃતિનું સર્ટીફિકેટ મેળવવાની પણ એક ચોક્કસ વિધી છે. આમ, આવા કારણોસર પણ, પ્રતિકૃતિનું મૂલ્ય ભલે મૂળ કૃતિથી ઓછું હોય પણ, પ્રતિકૃતિને તિરસ્કૃત કરવામાં ઘણીવાર સંસ્કૃતિનો એક હિસ્સો કાળની ગર્તામાં કાયમ માટે ખોવાઈ જાય એ એક ભયસ્થાન છે, એનું ધ્યાન રાખવું આવશ્યક બને છે.

આનંદ અને કેળવણી એકરૂપ થયાં હોય, એવા અનુભવ લોકોને આપવા માટે મ્યુઝિયમ અનેક પ્રવૃત્તિઓ કરે છે. શિક્ષણક્ષેત્રે મ્યુઝિયમનું મહત્વ ઓછું આંકી શકાય નહીં, પણ એ સાથે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મ્યુઝિયમ, અભ્યાસક્રમ અનુસાર શાસ્ત્રોક્ત શિક્ષણ આપતી શાળાનું કે યુનિવર્સીટીનું સ્થાન લઈ શકે નહીં, હા, પણ ક્લાસરૂમમાં અપાતા શિક્ષણને Enhance – આગળ વધારવામાં Complement – પૂરક નક્કી બની શકે છે. એમાં કોઈ સંશય નથી. આથી જ અનેક મ્યુઝિયમોના સલાહકાર બોર્ડ પર ઈતિહાસકારો, શિક્ષણવિદો, સંશોધનકારો અને પુરાતત્વવાદીઓ જેવા મહાનુભવો અને શિક્ષિતોની નિમણુક કરવામાં આવે છે.

બીજી એક વાત યાદ રાખવાની છે કે મ્યુઝિયમ અલભ્ય વસ્તુઓ સાથે સંબંધિત છે પણ એ કંઈ એન્ટીક વેચતી સંસ્થા કે દુકાન નથી કે કોઈ બેંક નથી. તબીબીશાસ્ત્રની કોઇ પણ શાખા કે શાખાઓને ઉજાગર કરતું મ્યુઝિયમ ઉપચાર સાથે સંકલિત ભલે હોય પણ એથી એની તુલના રુગ્ણાલય સાથે ન થઈ શકે. એક રીતે જોઈએ તો મ્યુઝિયમ, શિક્ષણ સાથે ફુરસદના સમય અને આનંદ માટે છે પણ એને રમતગમતનું મેદાન ન બનાવી શકાય. વાત એટલી જ છે કે મ્યુઝિયમે કર્તવ્યનિષ્ઠ રહીને સમાજમાં સેવા આપવાની છે અને જો આમ બને તો મ્યુઝિયમ સમાજ અને લોકો માટે ઘણાં મૂલ્યવાન સાબિત થઈ શકે છે. જેમ, જેમ દેશકાળના મૂલ્યો બદલાતાં ગયા તેમ, તેમ લોકોમાં જાગરૂકતા પણ આવતી ગઈ. લોકોને સમજાતું ગયું કે કેવળ વસ્તુસંગ્રહ કરવો અને એને સાચવવો એટલે જ મ્યુઝિયમ નથી પણ શિક્ષણ અને સંશોધનક્ષેત્રે મ્યુઝિયમનું પ્રદાન અદભૂત છે અને એને અવગણી શકાય નહીં. શિક્ષણ શાળા-કોલેજો પૂરતું સિમીત ન રહેતાં એની ક્ષિતિજો વિસ્તરે તો મ્યુઝિયમ સમાજને ઘણું આપી શકે છે. આમ, મ્યુઝિયમ અને શિક્ષણ સંસ્થાઓએ પરસ્પર સહયોગ કરવાનું નક્કી કર્યું અને મ્યુઝિયમની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ફલક પણ વિસ્તરતું ગયું.

(વધુ આવતા બુધવારના અંકે)

(પરિચય ટ્રસ્ટની પરિચય પુસ્તિકા પ્રવૃત્તિની અંતર્ગત પ્રકાશિત, પરિચય પુસ્તિકા ૧૧૨૮, “વિખ્યાત મ્યુઝિયમ્સ” ના સૌજન્યથી, સાભાર)

 

2 thoughts on “લલિતકળાઃ મ્યુઝિયમ્સ – (૪) – જયા મહેતા – સંપાદનઃ સુરેશ દલાલ

  1. લલિતકળાઃ મ્યુઝિયમ્સ સુ શ્રી જયા મહેતા ની અભ્યાસુ માહિતીનુ– મા સુરેશ દલાલ દ્વારા સ રસ સંપાદન

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s