શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ


શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાયજયશ્રી વિનુ મરચંટ

પ્રથમ સ્કંધદસમો અધ્યાયશ્રી કૃષ્ણનું દ્વારકા-ગમન

 (પ્રથમ સ્કંધના નવમા અધ્યાયમાં આપે વાંચ્યું કે, ભીષ્મ પિતામહે બાણશય્યા પર સૂતા સૂતા યુધિષ્ઠિરને “ભીષ્મ-ગીતા” રૂપે રાજધર્મનું જ્ઞાન આપતાં પાંડવોને કહ્યું, “હે ધર્મપુત્રો, આપને ધર્મ, બ્રાહ્મણ અને ભગવાનના સતત શરણે હોવા છતાં તમારે આટલા કષ્ટમાં જીવન વ્યતીત કરવું પડ્યું, જે ભોગવવાનું તમારા ભાગ્યમાં કદી આવવું જોઈતું હતું. તમારા પિતા પાંડુના અકાળ અવસાન સમયે તમે બહુ નાના હતા અને કુન્તીની સાથે તમારે પણ કષ્ટ સહન કરવા પડ્યાં હતાં. મારી અલ્પ સમજ પ્રમાણે બધી અપ્રિય ઘટનાઓ બની છે તે બધું શ્રી હરિની લીલા છે. ભગવાનની વહી ખાતામાં દરેક જીવના કર્મ અને ધર્મની નોંધણી છે, જેનો હિસાબ એમની મરજી પ્રમાણે થાય છે. નહીં તો જ્યાં ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન હોય, ધનુર્ધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ સુહ્રદ હોય ત્યાં પણ ભલા, વિપત્તિની સંભાવના હોય ખરી? કાળરૂપ શ્રી કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે વાત કોઈ ક્યારેય જાણતું નથી; મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે.

આ પ્રમાણે ભીષ્મ પિતામહે મન, વાણી અને દ્રષ્ટિની વૃત્તિઓથી આત્મસ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી. એમના પ્રાણ ત્યાં વિલીન થઈ ગયા. તે સમયે દેવતાઓ અને મનુષ્યો નગારાં વગાડવા લાગ્યા, સાધુસ્વભાવના રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા માંડી. હે શૌનકજી, યુધિષ્ઠિરે સહુ ઉપસ્થિત ઋષિમુનિઓની હાજરીમાં પિતામહના અંતિમ સંસ્કાર કર્યાં. ત્યાર બાદ તેઓ શ્રી કૃષ્ણની સાથે હસ્તિનાપુરમાં આવ્યા અને તેમણે કાકા ધૃતરાષ્ટ્ર અને કાકી, તપસ્વિની ગાંધારીને ધીરજ બંધાવી. પછી એમની આજ્ઞા લઈને તથા નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશપરંપરાગત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. હવે અહીંથી વાંચો આગળ. )

શૌનકજીએ પુછ્યું – પૈતૃક સંપત્તિને હડપ કરી જવા ઈચ્છતા આતતાયીઓનો સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસન કરવા પ્રવૃત્ત થયા અને તેમણે ભીષ્મ પિતામહ પાસેથી રાજધર્મ અને ધર્મશાસન વિષે જ્ઞાન મેળવ્યા પછી, તેમેણે પ્રજા માટે ક્યાં કામ કર્યાં?

સૂતજી કહે છે – સમસ્ત સૃષ્ટિને ઉજ્જીવિત કરનારા ભગવાન શ્રી હરિ પરસ્પરના કલહ-અગ્નિથી દાઝેલા કુરુવંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠિરને તેમના રાજ્યસિંહાસન પર બેસાડીને ઘણાં જ પ્રસન્ન થયા. ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી ધર્મરાજ યુધિષ્ઠિરના અંતઃકરણમાં વિ-જ્ઞાનનો ઉદય થતાં એમની ભ્રાન્તિ મટી ગઈ. અન્ય પાંડવ બંધુઓ એમની આજ્ઞાનું પૂર્ણ પાલન કરતા હતા. આમ, ઈશ્વરના આશ્રયે રહીને, સમસ્ત પૃથ્વીનું સ્વર્ગના ઈન્દ્રદેવ સમ શાસન કરવા લાગ્યા. આ જ કારણે એમના રાજ્યમાં સમસ્ત કુદરતની સદૈવ મહેર રહેતી. નદીઓ, સમુદ્ર, પર્વતો, વનસ્પતિઓ, વેલીઓ, ઔષધિ સૌ પ્રત્યેક ઋતુચક્રને અનુસરીને યથેષ્ટપણે પોતપોતાનું પ્રદાન પ્રજાના હિતાર્થે કરતા. એમના રાજ્યમાં આધિ-વ્યાધિ, દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક ક્લેશો કદી ન થતા. આનું કારણ એક જ છે કે જ્યારે રાજા સંપૂર્ણ ભૂમિ અને પ્રજાના હિત અને કલ્યાણના કાર્યોમાં જ સતત ચિંતિત હોય તો પ્રજામાં અને પ્રાણી માત્રમાં સુરક્ષાની ભાવના જાગે છે. અને એ જ ભાવના ઉત્પાદનશક્તિ અને સલામતિમાં પરિવર્તતે છે. Basically, this feelings of security amongst people, translates directly into efficiency and productivity.

પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન ત્યાં કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા. પછી, એક દિવસ, મહારાજ યુધિષ્ઠિરની દ્વારકાગમન માટે અનુમતિ લે છે. યુધિષ્ઠિરે તેમને હ્રદયસરસા ચાંપીને સ્વીકૃતિ આપી. સમવયસ્ક લોકોએ એમને આલિંગન આપ્યું, અને લઘુવયસ્ક લોકોએ એમને પ્રણામ કર્યા. સુભદ્રા, દ્રૌપદી, કુન્તી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુળ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, સત્યવતી વગેરે સહુ તો મૂર્છિત સમા બની ગયા. તો, આ બાજુ, જેમનું હ્રદય ભગવાનને સંપૂર્ણપણે સમર્પિત થઈ ચૂક્યું હતું તે પાંડવો માટે એમનો વિરહ સહેવો સહેલો ક્યાં હતો? સહુની આંખોમાં આંસુઓ હતાં પણ બધાંએ, યાત્રામાં અપશુકન ન થાય એટલે મહાપ્રયત્ને રોકી રાખ્યા હતા. શ્રી હરિના પ્રસ્થાન સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણશિંગા, ધુંધુરી, નગારાં, ઘંટ, દુંદુભિ વગેરે વાદ્યો વાગવા લાગ્યાં. શ્રી કૃષ્ણના પ્રિય સખા અર્જુન અને ઉદ્ધવ, સાત્યકિ વગેરે એમને ચામર ઢોળવા લાગ્યા. કુરુવંશની સ્ત્રીઓ અટારીઓ પર ચઢી ગઈ અને શ્રી કૃષ્ણનાં દર્શન કરતાં કરતાં એમના પર પુષ્પોની વૃષ્ટિ કરી રહી હતી. ગુરુજનો અને બ્રાહ્મણો શ્રી હરિ પર આશીર્વાદ વરસાવી રહ્યા હતા. વાતાવરણ ઈશ્વરમય બની ગયું હતું. હસ્તિનાપુરની સ્ત્રીઓ અંદરોઅંદર વાતો કરતી હતી કે, “શ્રી કૃષ્ણની ભક્તિથી જ અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે છે. એમની જ અનેક લીલાઓનું ગાન વેદોમાં અને બીજાં ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ વગેરે રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે. શ્રી કૃષ્ણનો મહિમાનું યશગાન કરીએ એટલું ઓછું છે. શ્રી કૃષ્ણના પુત્રો, પ્રદ્યુમ્ન, સામ્બ, આમ્બ વગેરે તથા રુકમણી, સત્યભામા સહિત સહુ રાણીઓ ધન્ય છે કારણ કે એમને કમલનયન ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો લાભ મળે છે.” આ બાજુ, શ્રી કૃષ્ણ સહુનું અભિવાદન ઝીલતા, ઝીલતા ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ રાજા યુધિષ્ઠિરે ભગવાન સાથે હાથી, ઘોડા, રથ, અને પાયદળની સેના પણ મોકલી હતી. શ્રી હરિ પ્રત્યેના પ્રેમને વશ થઈ, પાંડવો ખૂબ દૂર સુધી સાથે ગયા. તે બધા જ આવનારા કૃષ્ણ વિરહથી વ્યાકુળ હતા. ભગવાને એમને ખૂબ આગ્રહ કરીને પાછા મોકલ્યા. પોતે પછી, સાત્યકિ, ઉદ્ધવ અને અન્ય મિત્રો સહિત દ્વારકા ભણી પ્રયાણ કર્યું.

હે શૌનકજી, આમ ભગવાન કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્વિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડાક થાક્યા હતા. માર્ગમાં ઠેરઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સમ્માન કરતા હતા, સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઊતરતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. શ્રી હરિની આ જ દિનચર્યા હતી.  

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંધનો નૈમીષીયોપાખ્યાને શ્રી કૃષ્ણ દ્વારકાગમનં  નામનો દસમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

વિચાર બીજઃ

. આ અધ્યાયમાં, સામાજિક અને કૌટુંબિક વાતો છે, વૈજ્ઞાનિક અભિગમની અહીં કોઈ વાત નથી આવતી. સ્વજનને વિદાય આપવાની રીત આમાંથી શીખવાની છે.

1 thought on “શ્રીમદ્ ભાગવત કથા, પ્રથમ સ્કંધ –દસમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

  1. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા સરળ પ્રવાહે વહેતો
    પ્રથમ સ્કંધ – દસમો અધ્યાય – શ્રી કૃષ્ણનું દ્વારકા-ગમન
    માણ્યો વિચાર બીજમા સ્વજનને વિદાય આપવાની રીત આમાંથી શીખવાની છે.સાર ગમ્યો

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s